યુજવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડા વિશે બોલ્યાં ધનશ્રી, 'સુગર ડૅડી' લખેલા ટીશર્ટ બાબતે પણ આપ્યો જવાબ

ઇમેજ સ્રોત, Getty Images
ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રીનાં લગ્ન તથા છૂટાછેડા બન્ને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહ્યાં છે. બન્નેનાં લગ્ન ડિસેમ્બર 2020માં થયાં હતાં. માર્ચ 2025માં તો તેમના છૂટાછેડા થઈ ગયા હતા.
છૂટાછેડાનું કારણ શું હતું, એ બાબતે ચહલ કે ધનશ્રી કોઈના તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ સતત અનુમાન કરતા રહ્યા હતા. અફવાનો દોર લાંબા સમય સુધી ચાલ્યો.
કેટલાક લોકોએ છૂટાછેડા માટે ચહલને દોષી ગણાવ્યા હતા તો કેટલાકે ધનશ્રીને જવાબદાર ગણાવ્યાં હતાં. કોઈએ ચહલને "ચીટર" કહ્યા તો કોઈકે ધનશ્રીને.
આ બધા અનુમાન બાદ હવે બન્નેએ અલગ-અલગ ઇન્ટરવ્યૂમાં પોતપોતાનો પક્ષ રજૂ કર્યો છે.
યુજવેન્દ્ર ચહલે ગત જુલાઈમાં યૂટ્યુબર રાજ શમાનીના પૉડકાસ્ટમાં છૂટાછેડા અને તેના સંબંધિત અફવાઓ, ડિપ્રેશન, ચિંતા વિશે વાત કરી હતી. તેના થોડા દિવસો પછી ચહલની ભૂતપૂર્વ પત્ની ધનશ્રીનો એક ઇન્ટરવ્યૂ આવ્યો છે.
હ્યુમન્સ ઑફ બૉમ્બે યૂટ્યુબ ચેનલ પર હોસ્ટ કરિશ્મા મહેતાને આપેલા ઇન્ટરવ્યૂમાં ધનશ્રીએ છૂટાછેડાથી માંડીને નૅગેટિવ કૉમેન્ટ્સ અને મેન્ટલ હેલ્થ વિશે પણ વાત કરી છે.
ચહલના ટીશર્ટ બાબતે ધનશ્રીએ કહ્યું, 'વૉટ્સઍપ કરીને જણાવવું હતું'

ઇમેજ સ્રોત, Alex Davidson-ICC/ICC via Getty Images
બન્નેના છૂટાછેડાની પ્રક્રિયા વચ્ચે એક ટીશર્ટ બહુ ચર્ચામાં રહ્યું હતું. એ બાબતે પણ બન્નેએ ઇન્ટરવ્યૂમાં વાત કરી છે.
વાસ્તવમાં છૂટાછેડાના દિવસે યુજવેન્દ્ર એક ટીશર્ટ પહેરીને આવ્યા હતા. તેના પર લખ્યું હતું- 'બી યૉર ઓન સુગર ડૅડી' (Be Your Own Sugar daddy).
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ વિધાનનો ગુજરાતીમાં અર્થ એવો થાય કે પોતાની નાણાકીય જરૂરિયાતો માટે આત્મનિર્ભર બનો.
સોશિયલ મીડિયા યુઝર્સનો દાવો હતો કે ધનશ્રીએ ભરણપોષણ તરીકે યુજવેન્દ્ર પાસેથી માંગેલી રકમની મજાક ઉડાવવા માટે ચહલે એ ટીશર્ટ પહેર્યું હતું.
એ સમયે યુજવેન્દ્રએ કોઈ ચોખવટ કરી ન હતી, પરંતુ ઇન્ટરવ્યૂમાં તેમણે એ બાબતે વાત કરી છે.
યુજવેન્દ્રના કહેવા મુજબ, તેઓ કોઈ ડ્રામા કરવા ઇચ્છતા ન હતા, પરંતુ કશુંક થવાને કારણે તેમણે એવું કરવું પડ્યું હતું.
યુજવેન્દ્રએ કહ્યું હતું, "હું ટીશર્ટ મારફત એક મૅસેજ આપવા ઇચ્છતો હતો."
યુજવેન્દ્રના આ સ્ટેટમેન્ટ બાબતે ધનશ્રીએ કહ્યું હતું કે ચહલ વૉટ્સઍપ કરીને પણ એ મૅસેજ આપી શક્યા હોત. ટીશર્ટ પર લખીને જણાવવાની શું જરૂર હતી.
ધનશ્રીના કહેવા મુજબ, ટીશર્ટવાળી ઘટનાને કારણે તેને બહુ પીડા થઈ હતી, પરંતુ એ ઘટનાએ તેને આગળ વધવામાં બહુ મદદ કરી.
ધનશ્રી કહ્યું હતું, "બધાને ખબર હતી કે કોર્ટમાં શું થવાનું છે. બધા માનસિક રીતે તૈયાર હતા, પરંતુ પછી કોર્ટમાં છૂટાછેડાની પ્રક્રિયા દરમિયાન હું બહુ રડી હતી."
"પાર્ટનર તરીકે મેં કેટલા પ્રયાસ કર્યા હતા એ હું જાણું છું. નાનાથી નાની અને મોટાથી મોટી બાબતમાં હું મારા પાર્ટનરની પડખે ઊભી રહી હતી. તેથી એ દિવસે હું લાગણીશીલ બની ગઈ હતી."
"પરંતુ મેં ટીશર્ટ જોયું એ સમયે જ નક્કી કરી લીધું હતું કે હવે હું હસીને આગળ વધીશ. ટીશર્ટવાળી ઘટના મારા માટે પ્રેરણાત્મક બની. મને આગળ વધવાની હિંમત આપી."
યુજવેન્દ્ર મહિનાઓ સુધી ચિંતિત અને હતાશ રહ્યા

ઇમેજ સ્રોત, Getty Images
યુજવેન્દ્ર અને ધનશ્રીના છૂટાછેડા દરમિયાન જાતજાતની અફવાઓ વહેતી થઈ હતી. ચહલ અને ધનશ્રી બન્નેએ અફવાઓની માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર થઈ હોવાનું પણ તેમના ઇન્ટરવ્યૂઝમાં જણાવ્યું હતું.
આ અફવાઓની તમારા પર કેવી અસર થઈ હતી, એવા સવાલના જવાબમાં ચહલે કહ્યું હતું, "છૂટાછેડાને કારણે હું પહેલાંથી જ પરેશાન હતો. એ પછી સોશિયલ મીડિયા પરની અફવાઓને કારણે મારું દિમાગ બિલકુલ સુન્ન થઈ ગયું હતું. હું બે-ચાર મહિના સુધી ડિપ્રેશનમાં રહ્યો હતો. ઍંગ્ઝાઇટીના ઍટેક આવ્યા હતા, પરંતુ મેં કોઈને જણાવ્યું ન હતું."
"મને એવું લાગતું હતું કે બધું હોવા છતાં મારા જીવનમાં ખુશી ન હોય તો મારા જીવવાનો શું અર્થ છે, પણ મારા દોસ્તો અને પરિવારજનોએ મને તેમાંથી બહાર નીકળવામાં મદદ કરી હતી."
ધનશ્રીએ કહ્યું, 'માતા-પિતા માટે બનવું પડતું હતું મજબૂત'

ઇમેજ સ્રોત, Prodip Guha/Getty Images
ધનશ્રીએ પણ જણાવ્યું હતું કે અફવાઓ અને સોશિયલ મીડિયાને કારણે તેમના તથા તેમના પરિવારજનો માટે ઘણી મુશ્કેલી ઊભી થઈ હતી.
ધનશ્રીએ કહ્યું હતું, "એ સમયે મને સપોર્ટ જોઈતો હતો અને મારાં પેરન્ટ્સને પણ. તેમના માટે મારે સ્ટ્રૉંગ રહેવું જરૂરી હતું. હું જે પેઢીમાંથી આવું છું એટલે મને ખબર છે કે નૅગેટિવ કૉમેન્ટસ સાથે કેવી રીતે કામ પાર પાડવું જોઈએ, પરંતુ મારાં પેરન્ટ્સ અને નજીકના સગાંઓને આ સમજાવવું મુશ્કેલ હોય છે."
ધનશ્રીએ ઇન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું હતું કે, "સોશિયલ મીડિયા પર સમાચાર જોઈને મારાં માતા ઘણીવાર ભાંગી પડતાં હતાં. મારે મમ્મી-પપ્પાને ફોનથી દૂર રાખવા પડતાં હતાં. ઘણીવાર મેં પેરન્ટ્સને સંભાળ્યા હતાં અને ઘણીવાર તેમણે મને સંભાળી હતી."
ધનશ્રીએ કહ્યું હતું, "મીડિયાના કકળાટ સાથે કામ પાર પાડવા માટે તમારે મૅચ્યૉર થવું પડે છે. મેં બાલિશ નિવેદનો આપીને લોકોનું ધ્યાન ખેંચવાના પ્રયાસ કરવાને બદલે પરિપકવતા અને સમજણનો માર્ગ પસંદ કર્યો હતો."
ધનશ્રીને પૉડકાસ્ટનો ડર લાગે છે

ઇમેજ સ્રોત, Getty Images
ચહલે પૉડકાસ્ટમાં છૂટાછેડા બાબતે જે વાતો કરી તેની સાથે ધનશ્રી સહમત ન હોય, એવું તેમના જવાબ પરથી લાગે છે.
તમને કઈ બાબતનો ડર લાગે છે, એવું પૂછવામાં આવ્યું ત્યારે ધનશ્રીએ કહ્યું હતું, "મને ભૂત, અંધારું, ઊંચાઈ, કોઈ ચીજનો ડર લાગતો નથી. મને બસ એક જ ચીજનો, પૉડકાસ્ટનો ડર લાગે છે." આમ કહેતી વખતે ધનશ્રીનો ઇશારો ચહલના પૉડકાસ્ટ તરફ હોય એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
ડૅબ્યુ ફિલ્મ માટે ઉત્સાહિત છે ધનશ્રી
હાલ તો બન્નેએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પોતપોતાના જીવનમાં આગળ વધી રહ્યાં છે. ખુદને સાજા કરવાનું કામ કરી રહ્યાં છે.
બીજી વખત પ્રેમ બાબતે ચહલે કહ્યું હતું, "અત્યારે તો હું મારી જાતને સાજી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. છૂટાછેડાને થોડા મહિના જ થયા છે. કદાચ એક કે બે વર્ષ પછી એ વિશે હું ફરીથી વિચાર કરી શકીશ."
ધનશ્રીએ પણ કહ્યું હતું, "હું ખુદને ઠીક કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું. મારું ધ્યાન ગ્રોથ અને કરિયર પર છે."
ધનશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના પછી કદાચ કામ નહીં મળે એવો ડર તેમને હતો, પરંતુ એવું થયું નથી. તેમની પાસે અનેક પ્રોજેક્ટ્સ છે.
ઑક્ટોબરમાં ધનશ્રીની ડૅબ્યુ ફિલ્મ આવી રહી છે. તેલુગુ ભાષાની એ ફિલ્મ ડાન્સ-ડ્રામા છે. એ ફિલ્મ માટે ધનશ્રી બહુ ઉત્સાહિત છે. તેમની પાસે બીજા કેટલાક ઍક્ટિંગ પ્રોજેક્ટ્સ પણ છે.
'મહિલા દિલજીત બનવા ઇચ્છું છું'

ઇમેજ સ્રોત, Ashish Vaishnav/SOPA Images/LightRocket via Getty Images
ધનશ્રીએ કહ્યું હતું, "હું મહિલા દિલજીત (દોસાંજ) બનવા ઇચ્છું છું, જે ઍક્ટિંગ પણ કરી રહી છે, ગીતો પણ ગાઈ રહી છે અને ડાન્સ પણ કરી રહી છે."
ફરીથી પ્રેમ બાબતે ધનશ્રીએ કહ્યું હતું, "આપણે બધા જીવનમાં પ્રેમ ઇચ્છતા હોઈએ છીએ. મને સેલ્ફ લવમાં ભરોસો છે, પરંતુ નસીબમાં લખ્યું હશે તો ભવિષ્યમાં કશુંક કેમ નહીં થાય."
"મારાં માતા-પિતા અને દોસ્તો પણ આવું જ ઇચ્છે છે. દરેકના જીવનમાં પ્રેમ હોવો જોઈએ. હું પ્રેમ માટે તૈયાર છું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












