ખાલિસ્તાની નેતા પન્નુ મામલે નિખિલ ગુપ્તાના વકીલે કેમ કહ્યું કે અમેરિકાએ હજુ કોઈ પુરાવા નથી આપ્યા?

નિખિલ ગુપ્તા પન્નુ ભારત અમેરિકા

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA

    • લેેખક, જુગલ આર પુરોહિત
    • પદ, બીબીસી સંવાદદાતા

ગત મહિને અમેરિકાએ કહ્યું હતું કે તેણે એક શીખ અલગતાવાદી નેતા કે જેઓ અમેરિકન નાગરિક છે તેની હત્યાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે.

કથિતપણે હત્યાના આ ષડયંત્રના કેન્દ્રમાં એક ભારતીય સરકારી કર્મચારી અને ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા છે.

મીડિયામાં આવી રહેલા સમાચારો અનુસાર જે અમેરિકન નાગરિકની હત્યાની કોશિશને નિષ્ફળ કરવામાં આવી તે ગુરપતવંતસિંહ પન્નુ છે.

પન્નુ એક અમેરિકી-કૅનેડિયન નાગરિક છે. તેઓ અલગતાવાદી ખાલિસ્તાન આંદોલનના પ્રખર સમર્થક છે. આ આંદોલન એક અલગ શીખ દેશની વકીલાત કરે છે.

ભારતે પન્નુને આતંકવાદી જાહેર કર્યા છે પરંતુ તેઓ એ આરોપોને નકારતા રહ્યા છે અને પોતાને એક કાર્યકર ગણાવે છે.

નિખિલ ગુપ્તાની આ વર્ષે જૂન મહિનામાં અમેરિકાના અનુરોધથી ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકાએ તેમના પર એક ભારતીય સરકારી કર્મચારીના નિર્દેશ પર પન્નુની હત્યા માટે હત્યારાઓની વ્યવસ્થા કરવાની કોશિશ કરવાનો આરોપ લગાવ્યો છે.

નિખિલ ગુપ્તાના સ્થાનિક વકીલ પેટ્ર સ્લેપિચકાએ જણાવ્યું કે તેમને ચેક રિપબ્લિકની પેન્ક્રેકની જેલમાં રાખવામાં આવ્યા છે.

તેમના વકીલે બીબીસીને જણાવ્યું કે અમેરિકાએ આ કેસના સંબંધમાં હજુ સુધી કોઈ પુરાવા આપ્યા નથી.

અમેરિકાએ અત્યાર સુધી શું પુરાવા આપ્યા?

વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પેટ્ર સ્લેપિચકાએ કહ્યું, "અમને કોઈ પુરાવા મળ્યા નથી. ચેક રિપબ્લિકની કોર્ટમાં માત્ર એક અમેરિકી એજન્ટનું નિવેદન નોંધાયેલું છે એટલે અમે જાણતા નથી કે તેમના દાવાઓ સાચા છે કે કેમ."

અમેરિકા આરોપો સાથે સંબંધિત દસ્તાવેજોમાં ગુપ્તાને કાવતરામાં જોડવા માટે સંદેશાવ્યવહારની વિગતો સાથે ફૉટોગ્રાફ્સના રૂપમાં પણ પુરાવાઓ હોવાનો દાવો કરે છે.

આ મુદ્દે સ્લેપિચકાએ કહ્યું,"કેટલાક પૈસાની લેવડદેવડ થતી હોય તેવી એક તસવીર છે. પરંતુ એ તસવીર કંઈ કહેતી નથી. તેમને ભારત, પાકિસ્તાન, અમેરિકા કે ચેક રિપબ્લિક કોઈ પણ જગ્યાએ શૂટ કરી દેવામાં આવી શકે છે. હાલમાં આ મામલો તેમના પ્રત્યર્પણનો છે. અમારી પાસે માત્ર એક અમેરિકી એજન્ટનું નિવેદન છે, બીજું કશું જ નથી."

સ્લેપિચકાએ એ વાતનો સ્વીકાર કર્યો કે ભૂતકાળમાં આ પ્રકારનાં નિવેદનોના આધારે પ્રત્યર્પણની મંજૂરી મળેલી છે. તેમણે કહ્યું હતું કે પ્રત્યર્પણ પર ચુકાદો આપવા માટે ચેક રિપબ્લિકની અદાલતો માટે એક એજન્ટનું નિવેદન જ પૂરતું છે.

નિખિલ ગુપ્તા પન્નુ ભારત અમેરિકા

ઇમેજ સ્રોત, US DEPARTMENT OF JUSTICE

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમની કાયદાકીય રણનીતિ વિશે વાત કરતાં વકીલ સ્લેપિચકાએ કહ્યું કે તેમણે હવે તેમની રણનીતિ બદલી નાખી છે.

તેમણે જણાવ્યું, "અત્યાર સુધી અમે કહી રહ્યા હતા કે ગુપ્તા અમેરિકી મામલા સાથે જોડાયેલા નથી. અમે એવું એટલા માટે કહ્યું હતું કારણ કે આરોપોમાં તેમના વિશે કોઈ માહિતી ન હતી. વાત એમ હતી કે અમેરિકાએ રજૂ કરેલા આરોપોમાં તેમની લંબાઈ, વજન અને તેઓ કેવા દેખાય છે તે માહિતીમાં કેટલીક ભૂલો હતી. એટલે મને એવું પણ લાગે છે કે તેમની ધરપકડ કદાચ ભૂલથી થઈ હોય."

"પરંતુ હવે મામલો બદલાઈ ગયો છે. ગયા મહિને અપાયેલા અમેરિકી આરોપપત્રોને પગલે કથિત અપરાધ વિશે વધુ માહિતી મળી છે. તેથી હવે એવું લાગે છે કે આ રાજકીય મામલો પણ હોઈ શકે છે. મને લાગે છે કે તે અમારા માટે સારું હોઈ શકે છે, પરંતુ ફક્ત ચેક રિપબ્લિકની કોર્ટ જ આ અંગે નિર્ણય લઈ શકે છે."

તેઓ કહે છે કે, "આરોપપત્ર સામાન્ય લોકો માટે જાહેર કરવામાં આવતા નથી. અહીં અમારે ત્યાં તો આવો નિયમ છે. પરંતુ અમેરિકી લોકો તેને સાર્વજનિક રૂપે જાહેર કરી રહ્યા છે અને હું આ બાબતે નિષ્ણાત નથી તો પણ આ મને થોડું અજીબ લાગે છે."

પેટ્ર સ્લેપિચકાએ જણાવ્યું કે નિખિલ ગુપ્તા ચેક રિપબ્લિકની મ્યુનિસિપલ કોર્ટમાં તેમના પ્રત્યર્પણનો કેસ હારી ગયા હતા. તેમણે કહ્યું કે તેઓ હવે હાઇકોર્ટના રસ્તે જવાની યોજના બનાવી રહ્યા છે.

ચેક રિપબ્લિકમાં પ્રત્યર્પણની કાર્યવાહી

નિખિલ ગુપ્તા પન્નુ ભારત અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

સ્લેપિચકા કહે છે, "અમારી સિસ્ટમમાં પ્રત્યર્પણ માટે ચાર તબક્કાઓ છે, પહેલા નગરનિગમ, પછી હાઇકોર્ટ, પછી બંધારણીય કોર્ટ અને પછી ન્યાય મંત્રાલય. અમારા મામલામાં નગરપાલિકા અદાલતનો નિર્ણય અમેરિકનોને અનુકૂળ હતો, પરંતુ તે કાયદાકીય રીતે બાધ્યકારી ન હતો. એટલા માટે હવે અમે અપીલ કરી રહ્યા છીએ."

આ મહિનાની શરૂઆતમાં ગુપ્તાના પરિવાર ભારતની સુપ્રીમ કોર્ટ ગયો છે.

નિખિલ ગુપ્તાના પરિવારે તેમની અરજીમાં તેમની ભાળ મેળવવા અને તેમને ચેક રિપબ્લિકની કોર્ટ સામે રજૂ કરવા અને પ્રત્યર્પણની કાર્યવાહીમાં ભારત સરકારને હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. આ અરજી 4 જાન્યુઆરી, 2024 માટે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

ગુપ્તાની ધરપકડ જૂન મહિનામાં જ કરી લેવામાં આવી હતી. બીબીસીએ સ્લેપિચકાને પૂછ્યું કે છેક હવે કેમ અદાલતનો દરવાજો ખખડાવ્યો છે.

તેઓ કહે છે, "ગુપ્તા સપ્ટેમ્બરમાં મારા અસીલ બન્યા. મારા હસ્તક્ષેપ પછી ગુપ્તાએ તેના પરિવારનો સંપર્ક કર્યો છે. પરંતુ હું ભારતમાં તેમના પરિવારને કોઈ માર્ગદર્શન આપી રહ્યો નથી કારણ કે હું ભારતના કાયદાઓ અંગે કે તેની સરકાર વિશે જાણતો નથી."

તેઓ ચેક રિપબ્લિકમાં ભારતના દૂતાવાસ સાથે વાત કરી રહ્યા છે કે કેમ તે અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે ભારતનો દૂતાવાસ તેમની સાથે વાત કરવા ઇચ્છતો નથી.

તેઓ કહે છે, "ભારતીય દૂતાવાસ સાથે મારો કોઈ સંપર્ક નથી. હું કોશિશ કરી રહ્યો હતો પરંતુ તેઓ મારી સાથે વાત કરવા ઇચ્છતા નથી. મારી ફીની ચુકવણી નિખિલ ગુપ્તાનો પરિવાર કરી રહ્યો છે, ભારત સરકાર કરી રહી નથી."

"પહેલા હું જેલમાં ગુપ્તાની મદદ કરવા માટે દૂતાવાસ સાથે સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યો હતો પરંતુ તેમને મળવા માટે મારે બે કલાકની રાહ જોવી પડી અને પ્રેશર બનાવ્યા પછી જ કોઈ મને મળ્યું."

ગુપ્તાના પરિવારની સુપ્રીમ કોર્ટમાં અરજી

નિખિલ ગુપ્તા પન્નુ ભારત અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

નિખિલ ગુપ્તાના પરિવારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી તેમની અરજીમાં ભારતીય અધિકારીઓ પર પણ આરોપો લગાવ્યા છે. તેમણે ભારતીય અધિકારીઓને ‘મૂકદર્શક’ ગણાવ્યા છે.

ચેક રિપબ્લિકની જેલમાં નિખિલ ગુપ્તાના એકાંત કારાવાસનો હવાલો આપતાં તેમની અરજીમાં જણાવ્યું છે કે, “અરજદાર પર આરોપો કબૂલ કરવા માટે અને અમેરિકા પ્રત્યર્પણ કરવા માટે અનુચિત દબાણ કરવામાં આવ્યું હતું. જોકે, અરજદારે આ વાતને નકારી દીધી હતી કારણ કે તેમનું માનવું હતું કે ભારત સરકાર તરફથી ભારતીય દૂતાવાસ એ સુનિશ્ચિત કરશે કે પ્રત્યર્પણનો કેસ સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે ચલાવવામાં આવે."

"પરંતુ અરજદાર અને તેમના પરિવારને વિદેશ મંત્રાલયથી મોટી નિરાશા હાથ લાગી છે કારણ કે વિદેશ મંત્રાલય તેમના કર્તવ્યોને પૂરા કરવામાં અને ગંભીર આરોપોનો સામનો કરી રહેલા એક ભારતીય નાગરિકની સહાયતા કરવામાં નિષ્ફળ રહ્યું છે."

બીબીસીએ આ અંગે વધુ માહિતી માટે વિદેશ મંત્રાલય અને ચેક રિપબ્લિકમાં ભારતીય મિશનનો સંપર્ક કર્યો હતો, પરંતુ આ અહેવાલ લખાયો ત્યાં સુધી કોઈ જવાબ મળ્યો ન હતો.

ગુરુવારે વિદેશ મંત્રાલયની સાપ્તાહિક પ્રેસ કૉન્ફરન્સમાં મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, "અમે અમેરિકા દ્વારા આપવામાં આવેલા ઇનપુટને ગંભીરતાથી લઈએ છીએ. જે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે તે આ મામલાના તમામ પાસાઓ પર ધ્યાન આપશે. અમારી પાસે તેની ટાઇમલાઇન કે તારણો પર શેર કરવા માટે કોઈ અપડેટ નથી."

"પરંતુ અમે કહી શકીએ કે ચેક રિપબ્લિક ઍડમિનિસ્ટ્રેશન દ્વારા એક ભારતીય નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકામાં તેના પ્રત્યર્પણનો કેસ પેન્ડિંગ છે. અમને કૉન્સ્યુલર ઍક્સેસ મળ્યો છે."

"અમને અત્યાર સુધીમાં ત્રણ વખત ઍક્સેસ મળ્યો છે. તેઓ જે માગે છે તે અમે ઉપલબ્ધ કરાવીએ છીએ. તેમનો પરિવાર સુપ્રીમ કોર્ટમાં ગયો છે એટલે ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં. અમે આ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોઈશું."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

નિખિલ ગુપ્તા પન્નુ ભારત અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

આ પહેલાં બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ફાઇનાન્શિયલ ટાઇમ્સ’ ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ભારત અમેરિકામાં હત્યાના કાવતરા મામલે કથિત સંબંધો પર ઉપલબ્ધ કરાવવામાં આવેલા કોઈ પણ પુરાવાઓ પર નિશ્ચિત રીતે ધ્યાન આપશે. તેમણે એમ પણ કહ્યું છે કે આ આરોપોથી ભારત અને અમેરિકાના સંબંધો પર કોઈ અસર નહીં પડે.

ગુપ્તાના વકીલને પૂછવામાં આવ્યું કે શું તેઓ અથવા તેમના અસીલ ભારતના જવાબથી નિરાશ છે. તો આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, "હું મારું કામ કરી રહ્યો છું. હું ભારત કે અમેરિકાના અધિકારીઓના વલણથી નિરાશ ન થઈ શકું. ગુપ્તાની માનસિકતા મારાથી અલગ છે. હું પ્રોફેશનલ રીતે કામ કરવાની કોશિશ કરી રહ્યો છું. હું તેમના વિચારો જાણવાની કોશિશ કરી રહ્યો નથી હું માત્ર તેમને કેસ અંગે જ પૂછી રહ્યો છું."

વકીલે કહ્યું કે એ વાત સ્પષ્ટ નથી કે ચેક રિપબ્લિકના અધિકારીઓને ગુપ્તાની સુરક્ષાના ખતરા અંગે પહેલીવાર ક્યારે જાણકારી મળી હતી.

તેમણે કહ્યું, "જેલને સ્થાનિક પોલીસ અંગે મળેલી જાણકારી મળી હતી કે ગુપ્તાની સુરક્ષાને ખતરો છે. હું નથી જાણતો કે તેમને કોનાથી ખતરો છે, કદાચ કોઈને ખબર નથી. હવે તેમને સુરક્ષા પૂરી પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. અહીંની જેલો વધારે સુરક્ષિત છે. તેઓ સંતુષ્ટ છે. જેલ અધિકારીઓ તેમની સાથે છે. હવે તેઓ તેમના પરિવારનો સંપર્ક પણ સાધી શકે છે."

દિલ્હીમાં શું કામ કરતા હતા નિખિલ ગુપ્તા?

ચેક રિપબ્લિકમાં નિખિલ ગુપ્તાના વકીલ પેટ્ર સ્લેપિચકા

જ્યારે સ્લેપિચકાને ગુપ્તાના ભારતમાં જીવન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ દિલ્હીના છે અને બિલ્ડિંગ મટિરિયલ્સના વેપારી તરીકે કામ કરતા હતા.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ગુપ્તાના પરિવારે તેમને હૅન્ડીક્રાફ્ટ સામાનના વેપારી ગણાવ્યા છે. અમેરિકી દસ્તાવેજો અનુસાર ગુપ્તા નાર્કોટિક્સ અને હથિયારોની દાણચોરીમાં સામેલ છે.

જ્યારે સ્લેપિચકાને અમેરિકાના દસ્તાવેજોમાં ઉલ્લેખિત ગુજરાતમાં ગુપ્તા કેસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, "મને ખબર નથી. મેં આ વાત માત્ર અમેરિકી આરોપપત્રમાં વાંચી છે. તેમણે મને કંઈ જ કહ્યું નથી."

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ગુપ્તાનો ભારત સરકાર સાથે સંપર્ક છે તો તેમણે આ પ્રશ્ન પર કોઈ માહિતી આપી ન હતી.

તેમણે એ વાત કબૂલી હતી કે કે ગુપ્તા અગાઉ અમેરિકા ગયા હતા.

"ગુપ્તાનો પાસપોર્ટ દર્શાવે છે કે તેઓ પહેલાં પણ અમેરિકાનો પ્રવાસ કરી ચૂક્યા છે પણ આજથી 7-8 વર્ષ પહેલાં. મને એ ખબર નથી કે ત્યાં તેના કોઈ સંબંધીઓ કે મિત્રો છે કે નહીં."

કેટલા ડૉલરમાં સોદો કરવાનો આરોપ છે?

નિખિલ ગુપ્તા સામે અમેરિકાએ અનેક આરોપો લગાવ્યા છે.

મે, 2023 આસપાસ ભારત સરકારના એક કર્મચારીએ અમેરિકામાં હત્યાનું કાવતરું રચવા માટે નિખિલ ગુપ્તાનો સંપર્ક કર્યો હતો.

ત્યારબાદ ગુપ્તાએ એક એવી વ્યક્તિનો સંપર્ક કર્યો જેને તેઓ તેમનો સહયોગી માનતા હતા પરંતુ હકીકતમાં તે એક અમેરિકી એજન્ટ હતો.

ગુપ્તાએ આ વ્યક્તિ મારફતે હત્યા માટે એક હિટમેન સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો. અમેરિકી દસ્તાવેજો કહે છે કે એ હિટમેન હકીકતમાં એક અમેરિકી અંડરકવર એજન્ટ હતો.

ત્યારબાદ ગુપ્તાએ આ કામ માટે ભારતીય સરકારી કર્મચારી અને હિટમેન વચ્ચે એક લાખ અમેરિકી ડૉલરનો સોદો કરાવ્યો હતો. ગુપ્તાએ 9 જૂન,2023 આસપાસ હિટમેનને રોકડા 15 હજાર અમેરિકી ડૉલરનું ઍડવાન્સ પેમેન્ટ પણ કરાવ્યું હતું.

અમેરિકી પક્ષનું કહેવું છે કે અધિકારીઓએ આ લોકોની વાતચીત પર નજર રાખી હતી. ગુપ્તાની ચેક રિપબ્લિક જવાની યોજના જાણ્યા બાદ 30 જૂન, 2023ના રોજ અમેરિકાના અનુરોધથી ચેક રિપબ્લિકે તેની ધરપકડ કરી લીધી.

જોકે, ગુપ્તાનો પરિવાર આ વાતથી ઇનકાર કરે છે.