You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સમલૈંગિક વિવાહના ચુકાદામાં મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ અલ્પમતમાં આવી ગયા એનો અર્થ શું છે?
- લેેખક, ઉંમગ પોદ્દાર
- પદ, બીબીસી સંવાદદાતા
મંગળવારે જ્યારે સુપ્રીમ કોર્ટે સમલૈંગિક યુગલોને લગ્નનો અધિકાર આપવાનો ઇન્કાર કરી દીધો તો આ એક અસામાન્ય કિસ્સો હતો જ્યારે ભારતના મુખ્ય ન્યાયાધીશ બંધારણીય બેન્ચમાં અલ્પમતમાં હતા.
બંધારણીય પીઠ આવા મામલાની સુનાવણી કરે છે, જેનો સીધો સંબંધ એ મામલાઓ સાથે હોય છે જે બંધારણીય જોગવાઈઓ સાથે જોડાયેલી હોય છે.
બંધારણીય પીઠમાં ઓછામાં ઓછા 5 વરિષ્ઠ ન્યાયાધીશ હોય છે, જેમની સંખ્યા 13 સુધી હોઈ શકે છે, પરંતુ નિયમ એ છે કે આ સંખ્યા બેકી નહીં એકી હોય જેથી કોઈ પણ વિષય પર મદભેદ થવા પર નિર્ણય બહુમતથી લઈ શકાય.
બંધારણીય પીઠની સુનાવણી દરમિયાન દેશના મુખ્ય ન્યાયમૂર્તિ અલ્પમતમાં હોય એવું એક ટકાથી પણ ઓછા મામલામાં બન્યું છે.
સમલૈંગિક વિવાહનો નિર્ણય
સમલૈંગિક વિવાહનો અધિકાર માગતી કુલ 21 અરજીઓ પર સુનાવણી ચાલી જેમાં 5 ન્યાયાધિશોની પીઠે સર્વસંમતિથી કહ્યું કે સમાનલિંગ અને એલજીબીટી+ વાળા યુગલો માટે લગ્ન મૂળભૂત મૌલિક અધિકાર નથી.
જોકે મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલે કહ્યું કે સમાન લિંગવાળા યુગલોને સિવિલ પાર્ટનરશિપનો અધિકાર છે અને તેઓ બાળકોને દત્તક લેવા માટે પણ સક્ષમ હોવા જોઈએ, પરંતુ અન્ય ત્રણ ન્યાયાધીશોએ એ મુદ્દે પોતાની અસહમતી દર્શાવી.
ભારતના મુખ્ય ન્યાયાધીશ 'માસ્ટર ઑફ રોસ્ટર' હોય છે
ભારતના મુખ્ય ન્યાયાધિશ 'માસ્ટર ઑફ રોસ્ટર' હોય છે, તેનો મતલબ છે કે તેમની પાસે આ નિર્ધારિત કરવાનો પૂરો અધિકાર છે કે કયા ન્યાયાધીશ કયા ખાસ મામલાની સુનાવણી કરશે. આ સત્તા નિર્વિવાદ છે અને તેનો પ્રયોગ ચીફ જસ્ટિસના વિવેક પર નિર્ભર કરે છે.
હાલમાં આવેલા પુસ્તક 'કોર્ટ ઑન ટ્રાયલ'માં લેખકોનું કહેવું છે કે મામલાનો ન્યાય કોણ કરી રહ્યું છે એની અસર ચુકાદા પર પડી શકે છે. કેમકે અલગ અલગ જજોની ન્યાયિય વિચારશક્તિ અલગ અલગ હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિસર્ચમાં જોવા મળ્યું કે ખાસ રીતે બંધારણીય પીઠોમાં મુખ્ય ન્યાયાધીશ ઘણા મર્યાદિત મામલામાં અલ્પમતમાં રહ્યા છે.
2019 સુધી 1603 મામલામાંથી મુખ્ય ન્યાયાધીશે માત્ર 11 બંધારણીય પીઠના મામલામાં એટલે કે લગભગ 0.7 ટકા કેસોમાં અલ્પમતમાં રહ્યા છે
1950થી 2009 સુધી એક અભ્યાસ મુજબ બંધારણીય પીઠના 1532 કેસોમાંથી મુખ્ય ન્યાયાધીશ માત્ર 10માં અલ્પમતમાં રહ્યા હતા. જ્યારે 2009 સુધી બંધારણીય પીઠોમાં કુલ અસહમતિનો દર 15 ટકા હતો.
આ અભ્યાસ એક સ્વતંત્ર શોધકર્તા નિક રૉબિન્સને કર્યો હતો.
‘કોર્ટ ઑન ટ્રાયલ’ અનુસાર 2010થી 2015 સુધી 39 કેસોમાંથી મુખ્ય ન્યાયાધીશ ક્યારેય પણ અસહમત અથવા અલ્પમતમાં નહોતા. 2016થી 2019 વચ્ચે ભારતીય વકીલ શૃતંજય ભારદ્વાજના શોધ અનુસાર 32 કેસોમાં મુખ્ય ન્યાયાધીશ ક્યારેય પણ અસહમત અથવા અલ્પમતમાં નહોતા.
ગત વર્ષે આર્થિક રીતે નબળા વર્ગો માટે અનામતની બંધારણીયતાના નિર્ણય પર પૂર્વ મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિત અસહમત હતા અને અલ્પમતમાં હતા.
સમલૈંગિક વિવાહ પરના નિર્ણય વિશે વિશેષજ્ઞો શું માને છે?
નિષ્ણાતો સમલૈંગિક વિવાહના નિર્ણય વિશે શું વિચારે છે? તેમનો મત અલગ અલગ છે.
બીબીસી સાથેની વાતચીતમાં સ્વતંત્ર શોધકર્તા નિક રૉબિન્સને કહ્યું, “મુખ્ય ન્યાયાધીશ અસહમત હોવાથી એ સંકેત મળે છે કે ન્યાયાલયના મોટાભાગના ન્યાયાધીશો તેમના વલણથી અસહમત છે. ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ માટે આ નવી વાત નથી. કેમકે મુખ્ય ન્યાયાધીશ બનતા પહેલાં પણ તેમની ઘણા મામલામાં બીજા જજો સાથે અસમંતિ રહી હતી, જેમકે આધારકાર્ડની બંધારણીયતાનો મામલો.”
ન્યાયિક અસમંતિ પર લખતા કાનૂની શિક્ષાવિદ કૃતિકા અશોકે કહ્યું, “જ્યારે અમે લોકો મુખ્ય ન્યાયાધીશની અસંમતિ જોઈએ છીએ, તો એ સ્પષ્ટ નથી કે એનો અર્થ શું થશે. એનો અર્થ એ હોઈ શકે છે કે સીજેઆઈએ પીઠ પર સર્વસંમતિ બનાવવાની કોશિશ ન કરી અથવા ન્યાયાધીશોની ખંડપીઠ પસંદ કરવામાં તેમના આકલનમાં ભૂલ થઈ.”
નેશનલ લૉ સ્કૂલ ઑફ ઇન્ડિયા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સુધીર કૃષ્ણાસ્વામીનું માનવું છે કે સમલૈંગિક વિવાહના નિર્ણય પર આ અસંમતિ એ સુપ્રીમ કોર્ટમાં ‘વૈચારિક તિરાડ’નો સંકેત નથી.
તેઓ કહે છે, “એ જોવું સુખદ છે કે સીજેઆઈ 'માસ્ટર ઑફ રોસ્ટર' છે, પરંતુ એ એવી પીઠ નથી બનાવતા જ્યાં પોતાના જેવી માન્યતા ધરાવતા ન્યાયાધીશોની જ બહુમત હોય. તેઓ અર્થ એ હોઈ શકે છે કે ન્યાયાધીશ પોતાના વિચારોથી પ્રેરિત નથી અને ન્યાયને લઈને તેમનું વલણ સ્થિર છે. આ ભારતીય ન્યાયપાલિકા માટે એક સારો સંકેત છે.”
રૉબિન્સને કહ્યું કે ભારતમાં ‘સર્વોચ્ચ ન્યાયાલયમાં અસંમતિના વિચારો પર આગળ ભવિષ્યમાં સંમતિ સધાવાની લાંબી પરંપરા રહી છે, એમાં વર્ષો અથવા દાયકાઓનો સમય પણ લાગી શકે છે.’
રૉબિન્સન કહે છે, “ચંદ્રચૂડ જેવી અસંમતિ મોટાભાગે ભવિષ્યના સર્વોચ્ચ ન્યાયાલય માટે વૈકલ્પિક માર્ગ માટે દૃષ્ટિ પૂરી પાડવામાં મદદ કરે છે.”
એટલે કે 1963માં ન્યાયમૂર્તિ સુબ્બા રાવે લખ્યું હતું કે પ્રાઇવસીનો અધિકાર સંવિધાન હેઠળ વ્યક્તિગત સ્વતંત્રતાનું એક અનિવાર્ય તત્ત્વ હશે, પરંતુ એ સમયે તેઓ અલ્પમતમાં હતા.
તેના 50થી વધુ વર્ષો બાદ 2017માં સુપ્રીમ કોર્ટે પ્રાઇવસીને મૌલિક અધિકારનો દરજ્જો આપ્યો અને સુપ્રીમ કોર્ટના 9 ન્યાયાધિશોની પીઠે સુબ્બા રાવના મત પર સંમતિ વ્યક્ત કરી હતી.