પેરિસમાં ઑલિમ્પિકનો આરંભ, પીવી સિંધુએ કર્યું ભારતીય દળનું નેતૃત્વ

ઇમેજ સ્રોત, Getty Images
પેરિસમાં 2024 ઑલિમ્પિકનો પ્રારંભ એકદમ અલગ જ અંદાજમાં થયો છે. હજારો ઍથ્લીટોની ટીમ સીન નદીમાં હોડીઓમાં સવાર થઈને ઓપનિંગ સેરેમનીની પરેડમાં સામેલ થઈ. આ દરમિયાન પુલો, નદીકિનારે અને ઇમારતોની અગાસીઓએ પર લાઇવ પરફોર્મન્સનું આયોજન કરાયું. પ્રથમ વખત એવું થયું કે સમારોહનું આયજન કોઈ સ્ટેડિયમમાં નહીં પણ શહેરની વચ્ચોવચ થયું.
આ દરમિયાન સ્ટાર બૅડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ પેરિસ ઑલ્મિપિક 2024ની ઑપનિંગ સેરેમનીમાં ભારતીય દળનુ નેતૃત્વ કર્યું.
હોડી પર સવાર સિંધુ ભારતીય ધ્વજ સાથે જોવાં મળ્યાં હતાં. આ દરમિયાન બધા જ ભારતીય ખેલાડીના હાથમાં ભારતીય ધ્વજ જોવા મળ્યો.
ભારતે ઑલિમ્પિક માટે 117 ખેલાડીઓને પેરિસ મોકલ્યા છે.
ઑલિમ્પિકની ઓપનિંગ સેરેમની પ્રથમ વખત સ્ટેડિયમમાં નહીં, પરંતુ શહેરની વચ્ચે થઈ હતી. વિશ્વભરની ઑલિમ્પિક ટીમો હોડીમાં સવાર થઈને સીન નદીમાં પરેડ કરતી જોવા મળી. ભારતીય ખેલાડીઓમાં અલગ ઉત્સાહ જોવા મળ્યો.
2020ના ટોક્યો ઑલિમ્પિકમાં ભારતે સાત મેડલ જીત્યા હતા, જે ઑલિમ્પિકમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.
ભારતનું લક્ષ્ય આ વખતે પોતાના મેડલની સંખ્યા 10 પાર કરવાનું રહેશે.
જોકે, જાણકારોના મત પ્રમાણે પેરિસ ઑલિમ્પિકમાં તેને હાંસલ કરવું એક મોટો પડકાર રહેશે. ભાલાફેંકમાં વર્તમાન ચેમ્પિયન નીરજ ચોપડા સિવાય ભારતના અન્ય ખેલાડીઓ સ્પર્ધામાં પદક જીતવા માટે મુખ્ય દાવેદાર નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

રંગારંગ કાર્યક્રમ

ઇમેજ સ્રોત, Getty Images
ચાર કલાક સુધી ચાલેલા આ શાનદાર કાર્યક્રમનું સમાપન ફ્રાન્સના જૂડો ખેલાડી ટેડી રિનર અને સ્પ્રિન્ટર મૅરી-જોસેએ એક ગરમ હવાનો ફુગ્ગો છોડીને કર્યું. આ ફુગ્ગો પેરિસાના આકાશમાં ખૂબ જ ઉપર સુધી ગયો.
250 પ્રતિનિધિમંડળના 6,800 ખેલાડીઓ જ્યારે 85 હોડીઓ પર સવાર થઈને પરેડ કરી રહ્યા હતા ત્યારે ફ્રાન્સના પાટનગરના સૌથી પ્રસિદ્ધ સ્થળ ઑસ્ટેરલિટ્ઝ બ્રિજ પર લાલ, સફેદ અને વાદળી રંગના ફટાકડાની આતિશબાઝી થઈ રહી હતી.
આ સમારંભ દરમિયાન કેટલાક શાનદાર સાંસ્કૃતીક કાર્યક્રમો પણ જોવા મળ્યા, જેમાં અમેરિકાનાં સિંગર લૅડી ગાગા અને કૅનેડાનાં આઇકન સેલિન ડિયોનની ભાવુક વાપસી પણ સામેલ છે.
જોકે, આ દિવસની શરૂઆત એક મોટી મુશ્કેલી સાથે શરૂ થઈ હતી. કારણ કે તોડફોડની ઘટનાથી ફ્રાન્સના ટ્રેન નેટવર્કને અસર થઈ હતી. આ ઉપરાંત સાંજે ભારે વરસાદને કારણે “સૂર્યની રોશનીથી પાણી પર ચમક” ઉત્પન કરવાની આર્ટિસ્ટિક ડાયરેક્ટર થૉમસ જૉલીની યોજના પર પાણી ફરી વળ્યું.
સૌથી છેલ્લે અમેરિકા અને ફ્રાન્સની હોડીઓ

ઇમેજ સ્રોત, Getty Images
સમારંભ દરમિયાન ભારે વરસાદને કારણે ખેલાડીઓને રેઇનકોટ અને છત્રીની મદદ લેવી પડી હતી. જોકે, તેમના ઉત્સાહમાં કોઈ ઘટાડો નહોતો થયો.
બે હજારથી વધારે સંગીતકાર, ડાન્સરો અને બીજા કલાકારોએ ફ્રાન્સનાં ઇતિહાસ, કળા અને ખેલને પોતાના પ્રદર્શનો થકી દેખાડતા રહ્યા.
અંતિમ બે હોડીઓ આવી તેમાં પહેલી અમેરિકાની હતી. કારણ કે 2028માં ઑલિમ્પિકનું આયોજન લૉસ એન્જેલિસમાં યોજાશે. સૌથી છેલ્લે ફ્રાન્સની હોડી આવી જેમાં ખેલાડીઓનું સૌથી મોટું દળ હતી. આ સાથે જ અલગ-અલગ પ્રતિનિધિમંડળની હોડીઓ પણ સાથે હતી.
પેરિસમાં ત્રીજી વખત ઑલિમ્પિકનું આયોજન થઈ રહ્યું છે. જોકે, આ આયોજન છેલ્લાં 100 વર્ષમાં પહેલી વખત થઈ રહ્યું છે.
33મા ઑલિમ્પિકની શરૂઆત અંતરરાષ્ટ્રીય અને ફ્રાન્સની રાજકીય મુશ્કેલીઓ વચ્ચે થઈ રહી છે.
અંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિના પ્રમુખ થૉમસ બાખે ખેલાડીઓને કહ્યું કે તેઓ એ સમારંભનો ભાગ છે જે વિશ્વના લોકોને શાંતિ માટે એકઠા કરે છે.
આ સમારંભમાં 32 રમતોમાં 10 હજાર 500થી વધારે ખેલાડીઓ પદક જીતવા માટે સ્પર્ધા કરશે અને સમારંભ 11 ઑગસ્ટે પૂર્ણ થશે.
શાનદાર ઉદ્ઘાટન સમારંભ

ઇમેજ સ્રોત, Getty Images
આયોજકોએ ઓપનિંગ સેરેમનીને સ્ટેડિયમને બદલે શહેરની વચ્ચે નદીકિનારે આયોજિત કરવાની યોજના સામે રાખી હતી. જોકે, આ નિર્ણય પર ઘણા લોકોએ સવાલો કર્યા હતા કે આટલા વિશાળ આયોજન માટે સુરક્ષાની વ્યવસ્થા કેવી રીતે કરી શકાશે.
સીન નદીની સ્વચ્છતા ઉપર પણ સવાલો ઊઠ્યા હતા. છ કિલોમીટર લાંબા રસ્તા પર કોઇ પણ રિહર્સલ વગર હજારો ખેલાડીઓનું પરિવહન એક મહત્ત્વકાંક્ષી યોજના હતી.
જોકે, દસ હજારથી વધારે પોલીસ અને સુરક્ષાદળોની મદદથી શુક્રવારની સાંજે પેરિસે શાનદાર આયોજન કર્યું.
પેરિસમાં દિવસભર તડકા પછી ખરાબ હવામાનને જોતાં ઑલિમ્પિક મશાલ સમારંભની શરૂઆતમાં આવી નહોતી એવું લાગ્યું.
મશાલવાહકોને મેમો નહોતો મળ્યો કે આ સમારંભ સ્ટેડ ડી ફ્રાન્સમાં નથી થઈ રહ્યો. ત્યારબાદ જ્યારે તેઓ મશાલ લઈ જઈ રહ્યા હતા તો ઝિનેદિન ઝિદાનની મેટ્રો ઠપ્પ પડી ગઈ.
સમારંભમાં બૅલે, ફ્રાન્સનું નૃત્ય કૅનકન, ઓપેરા અને પ્રસિદ્ધ આતિશબાઝીએ માહોલને જીવંત કરી દીધો.
ખેલાડીઓની હોડી શહેરની પ્રસિદ્ધ જગ્યાઓ જેવી કે લૉવરે સંગ્રહાલય, એફિલ ટાવર, ગ્રૅન્ડ પૅલેસ અને આર્ક ડી ટ્રિઓમ્પીથી પસાર થઈ હતી.












