મિસ યુનિવર્સ સાથે લગ્ન કરનારા પેલેસ્ટાઇનના 'રેડ પ્રિન્સ', જેને મારવા ઇઝરાયલે અનેક પ્રયત્ન કર્યા

ઇમેજ સ્રોત, Youtube Grab
મૅક્સિકો ખાતે યોજાયેલી 73મી મિસ યુનિવર્સની સ્પર્ધામાં ડૅન્માર્કનાં વિક્ટૉરિયા કજેરે વિજેતા બન્યાં છે. પહેલી વખત ડૅન્માર્કના કોઈ સુંદરીને આ ખિતાબ મળ્યો છે.
મૂળ ગુજરાતનાં રિયા સિંઘા ટોચનાં 12 સુંદરીઓમાં પણ સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યાં હતાં.
આ સ્પર્ધાએ મિસ યુનિવર્સ તથા ગાઝાના ઉગ્રવાદી વચ્ચેની પ્રેમકહાણીને તાજી કરાવી દીધી છે.
પેલેસ્ટાઇન માટે કંઈક કરી છૂટવાની ભાવના એ શખસના રગેરગમાં દોડતી હતી. આ ઝનૂન તેને પિતા પાસેથી વારસામાં મળ્યું હતું. મ્યુનિકમાં બ્લૅક સપ્ટેમ્બર પછી તેઓ ઇઝરાયલની આંખમાં કણાંની જેમ ખટકતા હતા.
એની હત્યા કરવા માટે ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદે પ્રયાસ કર્યા, પરંતુ વેશ બદલવામાં માહેર એ શખસે મોતને પણ હાથતાળી આપવામાં મહારત હાંસલ કરી લીધી હતી.
એક તબક્કે તેમને પેલેસ્ટાઇનમાં યાસર અરાફાત પછી બીજા ક્રમે માનવામાં આવતા હતા, તેઓ અરાફાતના 'દત્તક દીકરા' જેવા હતા.
છતાં તે વ્યક્તિ જિંદગીને પૂર્ણપણે જીવી રહી હતી. મોડે સુધી પાર્ટી કરવી અને નાઇટલાઇફને ઍન્જોય કરવી એમની દીનચર્યા હતી.
મોહક વ્યક્તિત્વ, પહેરવેશ, રીતભાત અને બોલચાલને કારણે છોકરીઓ તેમના તરફ તરત જ આકર્ષાતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પૂર્વ મિસ યુનિવર્સ જ્યોર્જિના રિઝ્ક પણ આ શખસની મોહિનીથી બચી શક્યાં નહોતાં અને તેની સાથે લગ્ન કર્યું. આ કહાણી છે અલી હસન સલામેહ ઉર્ફ અબુ હસન ઉર્ફ 'રેડ પ્રિન્સ'ની.

પેલેસ્ટાઇનવાસીઓના 'રેડ પ્રિન્સ'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઑગસ્ટ-1969માં અલી હસન સલામેહના પિતા શેખ હસન સલામેહે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને એ પછી યહૂદી બળવાખોરો સામે યુદ્ધ છેડ્યું હતું. તેઓ પેલેસ્ટાઇનના સશસ્ત્ર સંગઠન 'જૈશ અલ-જેહાદ અલ-મુકદસ'ના કમાન્ડર હતા.
1948માં ઇઝરાયલ સાથેના યુદ્ધ દરમિયાન શેખ હસન સલામેહનું મૃત્યુ થયું. એ સમયે અલી હસન ખૂબ જ નાના હતા અને તેમને પિતા વિશે ખાસ જાણકારી પણ ન હતી.
જોકે, પિતાની સમૃદ્ધિને કારણે અલી હસનને કોઈ વાતની ખોટ પડી ન હતી. તેણે પોતાની જાતને પેલેસ્ટાઇન તથા હિંસક બાબતોથી અલગ રાખી હતી.
અલી હસનનાં બહેન નિદાલે રેડ પ્રિન્સ પર અલ-જઝીરાની ડૉક્યુમેન્ટ્રીમાં જણાવ્યું, "મારા ભાઈને ભાષાઓ તથા એંજિનિયરિંગ પ્રત્યે લગાવ હતો. તેણે સ્વિટ્ઝરલૅન્ડમાં ભાષાઓનો અભ્યાસ કર્યો બાદમાં જર્મની ગયા."
"ત્યારબાદ તેઓ કૈરો પરત ફર્યા હતા. મારાં માતા તેનાથી ખુશ નહોતાં. એ સમયે પેલેસ્ટાઇનની ચળવળ હજુ નવીસવી હતી."
"મને યાદ છે સલાહ ખલાફ તથા અબુ સલાહે અમારા ઘરની મુલાકાત લીધી હતી અને જણાવ્યું કે હસન સલામેહના દીકરા હજુ ક્રાંતિમાં જોડાયા નથી, એ વાત માન્યામાં નથી આવતી."
એ પછી તેઓ 1963માં યાસર અરાફાતના નેતૃત્વવાળા પીએલઓ સાથે જોડાયા અને 1964માં કુવૈત પહોંચ્યા.
બાદમાં તેમણે કૈરો તથા મૉસ્કોમાં કથિત રીતે સૈન્ય તાલીમ લીધી. અલી હસન હેન્ડસમ અને પ્રભાવક વ્યક્તિત્વના માલિક હતા. ટૂંક સમયમાં તેઓ અરાફાતના વિશ્વાસુ અને 'દત્તક દીકરા' બની ગયા હતા.
1967માં છ-દિવસના યુદ્ધ દરમિયાન આરબ રાષ્ટ્રોએ ઇઝરાયલના હાથે કારમો પરાજય વેઠવો પડ્યો હતો. આરબસંઘના દબાણ હેઠળ પીએલઓએ નિયંત્રણો સ્વીકારવા પડ્યાં હતાં અને અમુક વિસ્તાર ખાલી કરવા પડ્યા હતા.
પીએલઓના એક વર્ગને લાગતું હતું કે આરબજગતે જ તેમની સાથે દગો કર્યો છે. આથી, વેર વાળવા માટે તેમણે 'બ્લૅક સપ્ટેમ્બર'ની સ્થાપના કરી હતી. જે સંધિ માટે જવાબદાર નેતાઓ તથા સૈન્ય અધિકારીઓને મોતને ઘાટ ઉતારી રહ્યું હતું.
ઔપચારિક રીતે પીએલઓ સાથે તેનો કોઈ સંબંધ ન હતો. આથી અમુક હત્યાકાંડ માટે ઇઝરાયલના જાસૂસોને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.
ઇઝરાયલને માટે આ મુદ્દો આરબજગતની આંતરિક બાબત હતી, એટલે તેણે કોઈ દખલગીરી કરી ન હતી અને 'બ્લૅક સપ્ટેમ્બર'ને ગંભીરતાથી લીધું ન હતું. જોકે, ટૂંક સમયમાં આ માન્યતા બદલાઈ જવાની હતી અને એ સંગઠન એનું પ્રમુખ દુશ્મન બની જવાનું હતું.
હસન સલામેહ પશ્ચિમી કપડાં પહેરતા, અંગ્રેજી બોલતા, સ્પૉર્ટ્સ કાર ફેરવતા, મહિલાઓથી ઘેરાયેલા રહેતા, ધૂમ્રપાન કરતા, સંગીત તેમને પસંદ હતું અને હિંસાથી તેમને કોઈ ખચકાટ ન હતો. તેઓ પેલેસ્ટાઇનના યુવાનોમાં 'રેડ પ્રિન્સ' તરીકે પોસ્ટરબૉય બની ગયા હતા.
બ્લૅક સપ્ટેમ્બરથી શરૂઆત

ઇમેજ સ્રોત, Getty Images
5મી સપ્ટેમ્બર, 1972ના દિવસે જર્મનીના મ્યુનિક ખાતે પેલેસ્ટાઇનના ઉગ્રવાદી સંગઠન 'બ્લૅક સપ્ટેમ્બર' સાથે સંકળાયેલા કેટલાક શખ્સોએ ઑલિમ્પિક વિલૅજ ઉપર હુમલો કર્યો અને 11 ઇઝરાયલીઓને બાનમાં લીધા.
તેમની માગ હતી કે ઇઝરાયલની જેલમાં બંધ સેંકડો પેલેસ્ટાઇનવાસીઓને તત્કાળ મુક્ત કરવામાં આવે. સૌ પહેલાં એક ખેલાડીને ઠાર મારાયા, વાટાઘાટો ચાલુ હતી એ દરમિયાન વધુ એક ખેલાડીનો ભોગ લેવાયો.
ચર્ચાના અંતે એવો નિર્ણય લેવાયો કે અપહરણકારો તેમના બંધકો સાથે નજીકના સૈન્યમથક ખાતે જશે અને ત્યાંથી તેઓ હેલિકૉપ્ટર મારફત જર્મની છોડી જશે.
જર્મન પોલીસ દ્વારા ખેલાડીઓને છોડાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું, પરંતુ તેની ટીમ અનુભવી નહોતી અને પૂરતું આયોજન થયું નહોતું. એ અથડામણ દરમિયાન ઇઝરાયલના તમામ નવ ઍથ્લીટ્સનો ભોગ લેવાયો હતો. જોકે, બીજી તરફ ત્રણ અપહરણકારોને બાદ કરતાં અન્ય પાંચ માર્યા ગયા હતા.
એ અથડામણ બાદ ઍરપૉર્ટમાં છૂપાયેલા ત્રણ અપહરણકારોની ધરપકડ કરવામાં આવી અને ટૂંકી ટ્રાયલ બાદ તેઓ મુક્ત થઈ ગયા હતા.
હજારો કિલોમીટર દૂર ઇઝરાયલના વડાં પ્રધાન ગોલ્ડા મેયર, તેના સુરક્ષા સલાહકાર તથા મોસાદના એજન્ટ આ બધું લાચારીપૂર્વક જોઈ રહ્યા, પરંતુ આ બધું મિત્ર દેશમાં બની રહ્યું હોવાથી તેઓ કશું કરી શકે તેમ નહોતાં.
આ પછી ઇઝરાયલનાં વડાં પ્રધાનની અધ્યક્ષતામાં 'ઍક્સ કમિટી'ની બેઠક મળી, જેમાં મ્યુનિચ હત્યાકાંડને અંજામ આપનારા તથા તેનું આયોજન કરનારાઓને શોધીને ઠાર મારવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા.
મોસાદના 20થી પણ ઓછા એજન્ટ્સને આ કામ માટે પસંદ કરવામાં આવ્યા અને અભિયાનને ' Operation Wrath of God' (ઇશ્વરનો કોપ) એવું નામ આપવામાં આવ્યું. આ ટીમ આગામી વર્ષો દરમિયાન યુરોપ તથા મધ્ય-પૂર્વીય દેશોનો પ્રવાસ ખેડીને ઑપરેશનોને અંજામ આપવાની હતી.
મ્યુનિક હત્યાકાંડનાં છ અઠવાડિયાંની અંદર જ રોમમાં પ્રથમ મિશનને અંજામ આપવામાં આવ્યું અને હુમલામાં સંડોવાયેલા સંદિગ્ધની હત્યા કરવામાં આવી, જ્યારે છેલ્લો શિકાર હતા અલી હસન સલામેહ, ઉર્ફ અબુ હસન ઉર્ફે રેડ પ્રિન્સ.
મિસ યુનિવર્સ જ્યોર્જિના

ઇમેજ સ્રોત, Getty Images
'ધ ટેલિગ્રાફ'ના (22મી એપ્રિલ, 1972ના) રિપોર્ટ પ્રમાણે જ્યોર્જિનાનાં પિતા લેબેનોનના હતા, જ્યારે માતા હંગેરિયન હતાં. જ્યોર્જિનાએ માત્ર 14 વર્ષની ઉંમરે મૉડલિંગની દુનિયામાં ડગ માંડ્યાં હતાં.
અંગ્રેજી, અરેબિક, ફ્રેન્ચ તથા ઇટાલિયન બોલી શકતાં જ્યોર્જિનાને મિસ યુનિવર્સ બન્યાં બાદ, ફિલ્મોમાં અભિનયની ઑફરો મળી હતી, પરંતુ તેમણે એ નકારી કાઢી હતી. અમેરિકાના ફ્લૉરિડામાં મિસ યુનિવર્સ બન્યાં બાદ આયોજનના ભાગરૂપે તેમણે 38 દેશના પ્રવાસનું આયોજન થયું હતું.
પાંચ ફૂટ આઠ ઇંચનાં જ્યોર્જિનાએ 60થી વધુ સુંદરીઓને પરાજય આપીને મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. તેઓ આ સિદ્ધિ મેળવનારાં પ્રથમ લેબેનોનવાસી હતાં, તેમને 10 હજાર ડૉલર રોકડ તથા પાંચ હજાર ડૉલરના ગાઉન પુરસ્કારરૂપે મળ્યાં હતાં.
એ સમયે એક ફ્રેન્ચ યુવક તેમનો બૉયફ્રેન્ડ હોવાની ચર્ચા હતી. પરંતુ તેમનું પ્રથમ લગ્ન લેબેનોનના શખસ સાથે 1975માં થયું હતું, જે લાંબો સમય ટક્યું નહોતું.
કોઈ પણ પુરુષને તેઓ આકર્ષી શકે તેમ હતાં, પરંતુ તેઓ આકર્ષાયા 'રેડ પ્રિન્સ' તરફ, જે મોતને હાથતાળી આપવામાં માહેર હતા.
અલી હસનની મોતને હાથતાળી

ઇમેજ સ્રોત, Hulton Archive
મ્યુનિકના કાવતરાંખોરોને તેમના અંજામ સુધી પહોંચાડવા માટેનું કામ મોટાભાગે મોસાદના એજન્ટ દ્વારા એકલાહાથે પાર પાડવામાં આવ્યું હતું.
અપવાદરૂપ ઑપરેશનમાં ઇઝરાયલના અન્ય દળોની મદદ લેવામાં આવી હતી, આવું જ એક ઑપરેશન હતું 'સ્પ્રિંગ ઑફ યૂથ' જે મૂળ ઑપરેશનનો જ એક ભાગ હતું.
એપ્રિલ-1973માં લેબનનની રાજધાની બૈરૂતમાં હાથ ધરવામાં આવેલાં આ ઑપરેશન માટે ઇઝરાયલના સ્પેશિયલ ફૉર્સની ટુકડીની મદદ લેવામાં આવી હતી.
આ ટીમ ઇઝરાયલ નેવીની હોડીઓ મારફત બૈરૂતની નજીક નિર્જન કિનારા ઉપર ઊતર્યા.આ ટીમનું નેતૃત્વ એહુદ બરાક કરી રહ્યા હતા, જેઓ આગળ જતાં ઇઝરાયલના વડા પ્રધાન પણ બન્યા.
બાદમાં બરાકે આ વિશે કહ્યું :"બહુ બધા યુવાનોને એકસાથે જોઈને શંકા ઉપજે તેમ હતું, એટલે અમારામાંથી અમુકે યુવતીઓનો સ્વાંગ લેવાનું નક્કી કર્યું અને તેમનાં કપડાંની નીચે હથિયારો તથા વિસ્ફોટક છૂપાવવામાં આવ્યાં હતાં."
પેલેસ્ટાઇન લિબ્રેશન ઑર્ગેઇનાઇઝેશનના ત્રણ મોટા નેતા મહમદ યૂસુફ, કમલ નાસર તથા કમાલ અદવાન એક જ ઇમારતમાં અલગ-અલગ માળે રહેતા હતા. ઇઝરાયલના કમાન્ડોઝે તેમને એક સાથે માર્યા હતા.
એ પછી ત્યાંથી બ્લૅક સપ્ટેમ્બરને લગતું સાહિત્ય સાથે લીધું અને પીએલઓના મુખ્યાલય તરીકે વિખ્યાત એ બિલ્ડિંગને ઉડાવી દીધું.
આ સિવાયના કેટલાંક ઠેકાણાં પણ ટાર્ગેટ કરવામાં આવ્યાં. આ સ્થળથી થોડે દૂર જ એક ઍપાર્ટમૅન્ટ આવેલું હતું, જ્યાં અલી હસનનું ઘર હતું. મોતને હાથતાળી આપવામાં તેઓ સફળ રહ્યા હતા.
અલી હસન કે તેમના સંગઠને ક્યારેય જાહેરમાં મ્યુનિક હત્યાકાંડમાં ભૂમિકાનો સ્વીકાર કર્યો નહોતો, જ્યારે ઇઝરાયલ માનતું હતું કે 'બ્લૅક સપ્ટેમ્બર'ની પાછળ અરાફાત તથા અલી યૂસુફનું ભેજું હતું અને સાર્વજનિક રીતે તેમના અસ્તિત્વને નકારવું, એવી વ્યૂહરચના અપનાવવામાં આવી હતી.
અલી યૂસુફના મૃત્યુ બાદ અલી હસને આ જવાબદારી સંભાળી હતી.
14 ગોળીઓ ધરબી પણ...

ઇમેજ સ્રોત, Getty Images
1972માં હત્યાકાંડ ઇઝરાયલની ઑલિમ્પિક ટીમના સભ્યો રાષ્ટ્રધ્વજ સાથે મોસાદના જાસૂસોને બાતમી મળી કે અલી હસન નૉર્વેના લીલહેમર સ્કિ રિસૉર્ટ ખાતે ઊતર્યા છે.
અલીએ વેશ બદલવામાં માહેર, અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન તથા અરબી ભાષાના જાણકાર તરીકે ખ્યાતિ મેળવી હતી.
ઇઝરાયલની ટીમ જ્યારે લીલહેમર ખાતે પહોંચી, ત્યારે તેમણે પેલેસ્ટાઇનના કુરિયરબૉય તરીકે કામ કરતા એક શખ્સનું પગેરું દાબ્યું.
એ શખસ પત્ની સાથે ત્યાં લૉ-પ્રોફાઇલ રહેતો હતો. જોકે, તે ફ્રેન્ચ બોલી શકતો હતો. અન્ય બાબતોની ખરાઈ કરતા ટીમને લાગ્યું કે તેમને 'ટાર્ગેટ' મળી ગયો છે.
જુલાઈ-1973માં એક સાંજે 'ટાર્ગેટ' તેમનાં ગર્ભવતી પત્ની સાથે ફિલ્મ જોઈને પરત ફરી રહ્યો હતો, ત્યારે મોસાદની હુમલાખોર ટીમે તેને આંતર્યો અને એક પછી એક 14 ગોળીઓ ધરબી દીધી. પાડોશીઓનાં નિવેદનોને આધારે પોલીસે એક કારનું પગેરું દાબ્યું અને બે મોસાદના બે એજન્ટને પકડી લીધા.
તેમણે વટાણા વેરી નાખ્યા, જેના આધારે મોસાદના વધુ ચાર એજન્ટની ધરપકડ થઈ. આથી, પણ ચિંતાજનક બાબત એ હતી કે તેમણે જે શખસની હત્યા કરી, તે વાસ્તવમાં મોરક્કોના નિર્દોષ વેઇટર અહેમદ બુશિકી હતા, જેમણે નૉર્વની યુવતી સાથે લગ્ન કર્યું હતું અને એ ગર્ભવતી હતાં.
અત્યારસુધી સિફતપૂર્વક કામ કરવા માટે વિખ્યાત મોસાદના જાસૂસ એક પછી એક પકડાઈ રહ્યા હતા. એજન્ટોએ આપેલી બાતમીના આધારે માત્ર નૉર્વે જ નહીં, પરંતુ યુરોપભરમાં મોસાદના એજન્ટનાં મૂળ નામ, બનાવટી નામ, ફોન નંબર, સેફહાઉસનાં સરનામાં જાહેર થઈ રહ્યાં હતાં તથા ઍમ્બેસીના અધિકારીઓની સંડોવણી ખુલ્લી રહી હતી.
કૅનેડા તથા બ્રિટને પોતાના પાસપૉર્ટના ખોટા ઉપયોગ બદલ ઇઝરાયલને કડક ચેતવણી પણ આપી હતી.
આ પછી ગોલ્ડા મેયરે મ્યુનિક સંબંધિત ઑપરેશન્સને અટકાવી દેવાના આદેશ આપ્યા. આ અરસામાં મોસાદે અલી હસનનો પીછો કરવાનું ચાલુ રાખ્યું. બીજી બાજુ, ઇઝરાયલ તથા ઇઝારયલીઓ ઉપર દેશમાં તથા દેશની બહાર હુમલા ચાલુ રહ્યા જેનું પગેરું એક યા બીજી રીતે અલી હસન સુધી પહોંચતું હતું.
અંતે નવા વડા પ્રધાન મૅનચેમ બિજિને અલી હસનને ખતમ કરી દેવાની યોજના ઉપર મંજૂરીની મહોર મારી.
ઇઝરાયલ, અલી હસન અને અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images
સાયમન રિવી દ્વારા લિખિત પુસ્તક 'વન ડે ઇન સપ્ટેમ્બર' (પૃષ્ઠ ક્રમાંક 188-210)માં સીઆઈએ સાથે અલી હસનની નિકટતાનું વિવરણ આપવામાં આવ્યું છે. જે મુજબ : બૈરૂતમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું, જેમાં પશ્ચિમનો વિસ્તાર મુસ્લિમોના કબજામાં હતો, જ્યારે પૂર્વનો વિસ્તાર ખ્રિસ્તીઓના કબજામાં હતો. અમેરિકાનું રાજદૂતાલય પશ્ચિમ બૈરૂતમાં આવેલું હતું.
આ સમયે અમેરિકાની નજીક આવવા તથા પીએલઓમાં પોતાનું કદ વધારવા માટે સલામેહે અમેરિકાને એક ઑફર આપી.
બૈરૂતમાં અમેરિકાની ઍમ્બેસી ઉપર હુમલો કરવામાં નહીં આવે તથા ફૉર્સ 17 દ્વારા રાજદૂતાલયની ફરતે રક્ષણ આપવામાં આવશે.
બૈરૂતમાં ફસાયેલા અનેક અમેરિકનોને સલામત રીતે બહાર કાઢવામાં સલામેહે મદદ કરી.
અન્ય હિંસક સંગઠનોને ધમકી આપવામાં આવી હતી કે જો આ કાફલા ઉપર હુમલા કરવામાં આવશે તો તેમણે અલ-ફતેહના કોપનો સામનો કરવો પડશે.
આ સિવાય મધ્યપૂર્વમાં અમેરિકાના હિતો ઉપર હુમલાને લગતી કેટલીક બાતમી સલામેહેએ અગાઉથી જ સીઆઈએને આપી, જેના કારણે તેઓ વિશ્વાસપાત્ર બની ગયા હતા. કથિત રીતે આ માહિતી બદલ સલામેહે ક્યારેય કોઈ પૈસા લીધા ન હતા.
બૈરૂત ખાતે સીઆઈએના સ્ટેશન હેડ રૉબર્ટ એમ્સ સલામેહ સાથે સીધા સંપર્કમાં હતા, જે ઇઝરાયલ સાથે અમેરિકા દ્વારા વિશ્વાસભંગ સમાન હતું.
ઇઝરાયલીઓ અને અમેરિકા વચ્ચે એ વાતની સહમતિ સધાઈ હતી કે અમેરિકા પીએલઓ કે પેલેસ્ટાઇનનાં સાતેક અન્ય સંગઠન સાથે વાટાઘાટ નહીં કરે કે સંપર્ક નહીં રાખે.
રેગન સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હૅન્ની કિસિંજરે આ મુદ્દે અરાફાતનો આભાર પણ માન્યો હતો.
રૉબર્ટ તથા સલામેહના પ્રયાસો થકી રોનાલ્ડ રેગનની સરકારમાં પેલેસ્ટાઇનના મુદ્દાને અવાજ મળ્યો. યાસર અરાફાતને યુએનમાં ભાષણ આપવાની તક મળી. એ સમયે તેમની સુરક્ષાવ્યવસ્થાને સંભાળવા માટે સલામેહ તેમની સાથે હતા.
એ પછી જ્યારે અરાફાત રશિયા ગયા અને વિશ્વના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી, ત્યારે પણ સલામેહ તેમની સાથે હતા.
તેઓ પીએલઓના ટોચના નેતાઓની સુરક્ષા માટે જવાબદાર ફૉર્સ 17ના વડા હતા. અલી હસન કેટલાક યહૂદીઓને પણ પોતાની તરફ કરવામાં સફળ રહ્યા હતા. આ બાબત ઇઝરાયલીઓ માટે આઘાતજનક હતી.
અલી હસન સલામેહના પશ્ચિમી દેશોના પત્રકારો તથા અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઈએ (સૅન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી)ના સ્ટેશન ઇન્ચાર્જ રૉબર્ટ સાથે સીધા સંપર્કમાં હતા, એમના દ્વારા તેઓ પેલેસ્ટાઇનના મુદ્દે પશ્ચિમી દેશોમાં સહાનુભૂતિ અને સકારાત્મક કવરૅજ મેળવવા પ્રયાસરત હતા.
રેડ પ્રિન્સની પ્રેમકહાણી
ઇઝરાયલી ઇતિહાસકાર માઇકલ બાર-ઝોહાર તેમના પુસ્તક 'મોસાદ'માં (પેજ નંબર 188-213) જણાવે છે :
1975માં બૈરુતના એક સમૃદ્ધ પરિવાર દ્વારા જ્યોર્જિના રિઝકના માટે પાર્ટીનું આયોજન કર્યું હતું. નવા મિસ યુનિવર્સની પસંદગી બાદ તેઓ લેબેનોન પર ફર્યાં હતાં અને સુપરમૉડલ તરીકે કારકિર્દી ઘડી હતી. તેઓ અનેક બ્યૂટિકનાં માલિક પણ હતાં.
એ પાર્ટીમાં તેમની મુલાકાત એક યુવાન સાથે થઈ, જે હેન્ડસમ હતો અને અદ્ભૂત વ્યક્તિત્વનો માલિક હતો. બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં. અંતે જુલાઈ-1977માં બંનેએ લગ્ન કરી લીધાં.
અલી હસન અગાઉ જ ઉમર હસનને પરણેલાં હતા અને તેમને હસન તથા ઉસામા એમ બે સંતાન હતાં. અલી તથા જ્યોર્જિના અલગ ઍપાર્ટમૅન્ટમાં સાથે રહેતાં.
અલી હસન તથા જ્યોર્જિના ફ્લૉરિડામાં હનિમૂન માણવા માટે ગયાં હતાં, જેનો સંપૂર્ણ ખર્ચ સીઆઈએએ ભોગવ્યો હતો.
પીએલઓમાં એવી ચર્ચા હતી કે યાસર અરાફાત બાદ અલી હસન જ પીએલઓમાં તેમના વારસદાર હશે.
1973- '79 દરમિયાન અલી હસન લેબેનોનમાં હતા અને બિન્દાસ બની ગયા હતા. તેઓ બૈરૂતની નાઇટલાઇફને ઍન્જોય કરતા હતા. તેઓ બેપરવાહ બની ગયા હતા.
જોકે, આ દરમિયાન તેમનું જીવન કારકૂન જેવું બની ગયું હતું. તેઓ દરરોજ એક જ દીનચર્યાને અનુસરતા હતા. સવારે દસ વાગ્યે ઍપાર્ટમૅન્ટથી નીકળતા, બૈરૂતમાં પીએલઓની કચેરીએ જતા, બપોરે જ્યોર્જિનાને મળવા જાય અને ફરી પીએલઓની કચેરીએ જાય, જ્યાં મોડે સુધી બેઠકો કરતા અને યોજના ઘડતા.
જ્યોર્જિના પણ લૉ-પ્રોફાઇલ રહેવાં લાગ્યાં હતાં. અલી હસને કથિત રીતે તેમને પોતાની વિદ્રોહી પ્રવૃત્તિઓથી અલગ રાખ્યાં હતાં. અલી સલામેહ જેવું કામ કરતા લોકો સામાન્યતઃ એક જ જગ્યાએ લાંબા સમય સુધી ન રહે, સરનામાં બદલાવતાં રહે, એક જ જગ્યાએથી દરરોજ પસાર ન થાય, તથા એક જ સમયે અવરજવરને ટાળે.
તેમની એકસરખી આદત ઇઝરાયલી જાસૂસોના ધ્યાને ચડી ગઈ હતી અને આ બાબતને કારણે જ સરળ શિકાર બની રહ્યા.
પીએલઓના અધિકારીઓ, લેબેનોનના હિતેચ્છુઓ, પરિવારજનો તથા અમેરિકાનોએ અલી હસનને આ અંગે ચેતવ્યા હતા, પરંતુ તેમણે અવગણના કરી.
સલામેહના કાફલા ઉપર હુમલો કરવાની વ્યૂહરચના વિચારવામાં આવી હતી, પરંતુ સલામેહ હંમેશાં તેમના ફૉર્સ 17 બૉડીગાર્ડથી ઘેરાયેલા રહેતા.
અગાઉ કરતાં આ વખતે મોસાદે વ્યૂહરચના બદલી. ઍરિકા મેરી ચૅમ્બર્સ નામના બ્રિટિશ મહિલાનું બૈરૂતમાં આગમન થયું. તેઓ લેબનનમાં પેલેસ્ટાઇનવાસીઓના હિત માટે કામ કરતી સંસ્થા સાથે જોડાયેલાં હતાં. તેમને બૈરૂત બોલાવવામાં આવ્યાં હતાં.
અહીં તેમણે અલી હસન સાથે નિકટતા કેળવી હતી. તેમણે અલી હસનની દૈનિક એકસરખી દીનચર્યાની નોંધી લીધી હતી. તેમણે અલી હસનના ઍપાર્ટમૅન્ટ પાસે જ આઠમા માળે પોતાનો ફ્લેટ ભાડે લીધો હતો. તેઓ ગલીઓમાં પેઇન્ટિંગ કરતાં તથા સેવાકાર્યો કરતાં.
પાક્કી ખાતરી થયા બાદ મોસાદની ટીમના અન્ય સભ્યો પણ કૅનેડા તથા બ્રિટિશ પાસપૉર્ટ ઉપર બૈરૂતમાં પ્રવેશ્યા. તેમણે અલગ-અલગ હોટલમાં ચેક-ઇન કર્યું તથા ગાડીઓ ભાડે લીધી.
આવી રીતે આવ્યો અંત....
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
એક અંધારી રાત્રે બૈરૂત પાસેના નિર્જન કિનારા પર ઇઝરાયલના નૌકાદળની એક હોડી આવી અને ખાસ્સો મોટો સામાન મૂકી ગઈ.
જેને લેવા માટે અગાઉથી જ બૈરૂત પહોંચેલા જાસૂસ ભાડાની ગાડીઓ લઈને પહોંચ્યા. આ સામાનમાં વિસ્ફોટક હતા, જેને ભાડે લીધેલી કારમાં લાદવામાં આવ્યા હતા.
ટીમના નેતાએ એ વિસ્ફોટકોને કારમાં ફિટ કર્યા હતા. અલી હસનનો કાફલો જ્યાંથી દરરોજ પસાર થતો હતો, ત્યાં ગલીમાં પાર્ક કરી દેવામાં આવી.
ઍરિકા પોતાના ફ્લેટમાંથી એ કારને જોઈ શકે તેમ હતાં. જ્યારે અલી હસનની શૅવરોલે કાર ત્યાંથી પસાર થઈ, ત્યારે ઍરિકાએ રેડિયો ટ્રિગર દબાવી દીધું. એક જોરદાર ધડાકો થયો અને અલી હસનની કારના ફુરચા ઊડી ગયા. આજુબાજુનાં ઘરોના કાચ પણ ફૂટી ગયા હતા.
વિસ્ફોટ સાંભળીને પીએલઓના લડવૈયા હાથમાં હથિયાર લઈને ત્યાં પહોંચી ગયા અને જગ્યાને કૉર્ડન કરી લીધી, બૉડીગાર્ડ્સનાં મૃત્યુ થઈ ગયાં હતાં, પરંતુ અલી હસનના શ્વાસ ચાલુ હતા. તેમને તત્કાળ બૈરૂતની હૉસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમણે અંતિમશ્વાસ લીધા.
બે દિવસ પછી બૈરૂતના એક કબ્રસ્તાનમાં અલી હસનને દફનાવવામાં આવ્યા, ત્યારે યાસર અરાફાત પણ ત્યાં હાજર હતા અને જનાજાને કાંધ આપી હતી. અંતિમયાત્રામાં હજાર બૈરૂતવાસી ઉમટી પડ્યા હતા.
વિસ્ફોટની રાત્રે ઍરિકા તથા અન્ય એક સાથીએ બૈરૂત પાસેના એક નિર્જન કિનારા પરથી ઇઝરાયલી નૌકાદળની હોડીમાં બેઠાં.
એ પછી ક્યારેય કોઈએ ઍરિકા વિશે સાંભળ્યું નથી.
બાર-ઝોહારના પુસ્તક પ્રમાણે, ઍરિકા ચૅમ્બર્સ તેમનું સાચું નામ હતું અને ઇઝરાયલમાં હિબ્રૂ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન મોસાદે તેમને સાધ્યાં હતાં.
અલી હસન સલામેહ 2.0

ઇમેજ સ્રોત, Getty Images
ઑપરેશન 'રૅથ ઑફ ગોડ' હેઠળ વર્ષ 1972થી 1979 દરમિયાન એક ડઝન કરતાં વધુ પેલેસ્ટાઇવાસીઓને યુરોપ તથા આરબ દેશોમાં મારી નાખવામાં આવ્યા. આ લોકો કથિત રીતે મ્યુનિક હત્યાકાંડમાં સંડોવાયેલા હતા.
ટીકાકારોના કહેવા પ્રમાણે, કેટલાક લોકો 'સામાન્ય કાર્યકર્તા' હતા અને ઇઝરાયલ ગમે ત્યાં પહોંચીને ગમે ત્યારે ગમે તેને ખતમ કરી શકે છે, એવી આભા ઊભી કરવા માટે 'નાના અને હથિયારવિહિનને મોટા' કરીને ચીતરવામાં આવ્યા હતા.
ઇઝરાયલે લગભગ ચાર લાખ ડૉલર આપીને બુશિકી પરિવાર સાથે સમાધાન કર્યું અને કસમયે અહેમદના મૃત્યુ પ્રત્યે શોક વ્યક્ત કર્યો. જોકે, માફી માગી ન હતી.
જ્યાર્જિના રિઝ્ક અલી હસનનાં બીજા પત્ની બન્યાં હતાં. જાન્યુઆરી-1979ના જ્યારે અલી હસનનું મૃત્યુ થયું ત્યારે તેઓ છ મહિનાથી ગર્ભવતી હતાં.
અલી હસનનાં મૃત્યુ બાદ તેમણે ગાયક અને અભિનેતા વાલિદ તૌફિક સાથે ત્રીજું લગ્ન કર્યું, જોકે મૃતક પતિના નામથી જ તેના પુત્રને જન્મ આપ્યો અને મધ્યપૂર્વીય તથા યુરોપિયન દેશોમાં ઉછેર કર્યો.
1996માં ઇઝરાયલના પત્રકાર ડેનિયલ બેન-સાયમનને તેમના મિત્રોએ જેરૂસલેમ ખાતે આયોજિત એક પાર્ટીમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું. ત્યાં ડેનિયલની મુલાકાત એક ફૂટડા યુવા પેલેસ્ટાઇવાસી સાથે થઈ, જેણે આકર્ષક કપડાં પહેર્યાં હતાં અને ખૂબ જ સારું અંગ્રેજી બોલતો હતો.
તેણે ડેનિયલને પોતાની ઓળખ આપતા કહ્યું, "મારું નામ અલી હસન સલામેહ છે."
આ સાંભળીને ડેનિયલ ચોંકી ગયા. તેમણે કહ્યું, "આ નામ તો મ્યુનિકમાં ઇઝરાયલના ઍથલિટ્સની હત્યામાં સંડોવાયેલા માસ્ટરમાઇન્ડનું હતું."
યુવાને જવાબ આપ્યો, "તે મારા પિતા હતા, જેની મોસાદે હત્યા કરી નાખી હતી."
યાસર અરાફાતના મહેમાન તરીકે જેરૂસલેમ પહોંચેલા અલી સલામેહે ઇઝરાયલીઓના આતિથ્ય સત્કારની પ્રશંસા કરી અને કહ્યું :"હું શાંતિપ્રિય માણસ છું. મારા પિતાના સમયમાં યુદ્ધ ચાલતું હતું અને પોતાના પ્રાણ આપીને કિંમત ચૂકવી. હવે નવા યુગની શરૂઆત થઈ છે. મને આશા છે કે પેલેસ્ટાઇનવાસીઓ તથા ઇઝરાયલ વચ્ચે શાંતિ સ્થપાય, તે બંનેના જીવનની સૌથી મોટી બાબત હશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન














