જવાહરલાલ નહેરુના જીવનના અજાણ્યા કિસ્સા, જ્યારે કાર રોકીને જાતે નળ બંધ કર્યો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી હિન્દી
દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુ કાયમ ઊર્જાવાન રહેતા હતા. તેઓ રોજ 16-17 કલાક કામ કરતા હતા. તેમના પહેલા અંગત સચિવ એચવીઆર આયંગરે એક સંસ્મરણ કથા લખી હતી.
તેમણે લખ્યું હતું, "1947માં પંજાબના હુલ્લડગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા બાદ અમે લોકો અડધી રાતે દિલ્હી પાછા ફર્યા હતા. અમારો બીજા દિવસનો કાર્યક્રમ સવારે છ વાગ્યે શરૂ થવાનો હતો. હું ઊંઘવા પથારીમાં પડ્યો ત્યારે બહુ થાકેલો હતો."
"બીજા દિવસે સવારે ઍરપૉર્ટ જવા માટે હું તૈયાર થયો ત્યારે તેમના સહાયક સચિવે મને પત્રો અને ટેલિગ્રામનો એ મોટો થપ્પો આપ્યો હતો, જે બધા ચાલ્યા ગયા પછી નહેરુએ ડિટેક્ટ કરાવ્યા હતા."
"વડા પ્રધાન રાત્રે બે વાગ્યે સૂતા હતા અને સવારે સાડા પાંચ વાગ્યે નવો દિવસ શરૂ કરવા સંપૂર્ણપણે તૈયાર હતા."
સલામતીના નામે એકમાત્ર મોટરસાઇકલસવાર

ઇમેજ સ્રોત, Getty Images
અનેક મીટિંગ અને ફાઇલોના ઢગલા વચ્ચે પણ નહેરુનું ધ્યાન નાનામાં નાની ચીજ પર રહેતું હતું, એટલે કે કોઈ પૅઇન્ટિંગ આડું થઈ ગયું હોય કે ઓરડો અસ્તવ્યસ્ત હોય તે નહેરુને ગમતું ન હતું. એ વ્યવસ્થિત ન થાય ત્યાં સુધી નહેરુ બીજું કામ કરી શકતા ન હતા.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને જાણીતા લેખક શશિ થરૂરે તેમના પુસ્તક ‘નહેરુઃ ધ ઇન્વેન્શન ઑફ ઇન્ડિયા’માં લખ્યું છે, "પંડિતજી અધિકારીઓના કામ પણ જાતે કરતા હતા."
"એક રાજદ્વારી અધિકારીએ મને બહુ દુ:ખી સ્વરમાં જણાવ્યું હતું કે નહેરુને દરેક નોટ અને ડ્રાફ્ટમાં સુધારાવધારા કરવામાં તેમજ દરેક પત્રનો જવાબ આપવામાં એક અજબ સંતોષ થતો હતો."
"ઑફિસે આવતા પહેલાં તેઓ તીનમૂર્તિ ભવનના પ્રાંગણમાં સામાન્ય લોકોને મળતા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ વાયવી ગંડોવિયાએ તેમના પુસ્તક ‘આઉટસાઇડ ધ આર્કાઇવ્ઝ’માં લખ્યું છે, "નહેરુ સ્વદેશી ઍમ્બૅસૅડર કારમાં પોતાની ઑફિસે જતા હતા. એ કારના બૉનેટ પર ત્રિરંગો લહેરાતો હતો."
"તેમની કારની થોડે આગળ એક મોટરસાઇકલસવાર સલામતી કર્મચારી હોય. નહેરુના સલામતી અધિકારી ડ્રાઇવરની બાજુમાં બેસતા હતા. ઑફિસમાં પ્રવેશતાંની સાથે જ અમે અધિકારીઓને બોલાવતા હતા."
"એ વખતે અમારા હાથમાં પીળા ટેલિગ્રામ હોય. તેના પર અમે આદેશ લેતા હતા. નહેરુ પણ તેમની સાથે કેટલાક પત્રો અને ટેલિગ્રામ લાવતા હતા તથા એ બધા બાબતે અમારી સલાહ લેતા હતા."
યુવાઓ જેવી સ્ફૂર્તિ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
1947માં દેશને આઝાદી મળી ત્યારે નહેરુ 58 વર્ષના થવાના હતા, પરંતુ તેમનામાં ગજબની સ્ફૂર્તિ હતી.
ગંડોવિયા લખે છે, "તેઓ ઝડપથી એક સાથે બે પગથિયાં ચડતા હતા એ અમે આશ્ચર્યચકિત થઈને જોતા હતા. સવારે ઊઠીને તરત અડધા કલાક સુધી તેઓ યોગ કરતા હતા. તેમાં શીર્ષાસનનો પણ સમાવેશ થતો હતો."
"તેમના સારા સ્વાસ્થ્યનું કદાચ એ જ કારણ હશે."
નહેરુના સુરક્ષા અધિકારી તરીકે કામ કર્યા પછી સીમા સુરક્ષા દળમાં ડિરેક્ટર જનરલ બનેલા કે એફ રૂસ્તમજીએ પોતાના સંસ્મરણમાં લખ્યું છે, "મેં નહેરુ સાથે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેઓ 63 વર્ષના હતા, પરંતુ લાગતા 33 વર્ષના હતા."
રૂસ્તમજીનાં સંસ્મરણોનું સંપાદન નિવૃત્ત આઈપીએસ અધિકારી પીવી રાજગોપાલે કર્યું છે, જેનું નામ ‘આઈ વૉઝ નહેરુઝ શેડો’ છે. તેમાં રૂસ્તમજીએ નોંધ્યું છે, "નહેરુનો પોશાક સફેદ અચકન અને ચૂડીદાર પાયજામો હતો. તેઓ શ્વેત રંગની ગાંધી ટોપી પહેરતા હતા. તેમાં તેમનું વાળવિહોણું મસ્તક છુપાયેલું રહેતું હતું."
નહેરુનું વાળવિહોણું મસ્તક દેખાતું હોય એવા બહુ ઓછા ફોટોગ્રાફ્સ જોવા મળે છે.
રૂસ્તમજી લખે છે, "અનેક ઠેકાણે તેમનું સ્વાગત પુષ્પહાર વડે કરવામાં આવતું હતું. કેટલાક હાર તેઓ ગળામાં પહેરાવવાની છૂટ આપતા હતા, પરંતુ બાકીના હાર તેઓ હાથમાં લઈ લેતા હતા."
"તેનું કારણ એ હતું કે હાર ગળામાંથી કાઢતી વખતે તેમની ટોપી પડી જતી હતી અને એ નહેરુને જરાય ગમતું ન હતું."
તેમના સરકારી આવાસમાં કૂતરાં, હિમાલયન પાંડાની જોડી, હરણ, મોર, પોપટ, ખિસકોલીઓ જેવાં પાલતુ પ્રાણીઓ અને સિંહનાં ત્રણ બચ્ચાં પણ હતાં. એ પ્રાણીઓ મોટાં થાય પછી તેઓ પ્રાણીસંગ્રહાલયને આપી દેતાં હતાં.
રાતના ભોજનમાં તેમના કોઈને કોઈ દોસ્ત કે પરિચિત લોકો હાજર રહેતા હતા. નહેરુ મૂડમાં હોય ત્યારે દુનિયાના અનેક નેતાઓની નકલ કરીને પોતાના મહેમાનોનું મનોરંજન કરતા હતા.
ચાર્લી ચૅપ્લિન સાથે મુલાકાત

ઇમેજ સ્રોત, Getty Images
વિખ્યાત અભિનેતા ચાર્લી ચૅપ્લિને તેમની આત્મકથામાં નહેરુ સાથે સ્વિટ્ઝર્લૅન્ડમાં થયેલા મુલાકાતનું દિલચસ્પ વર્ણન કર્યું છે.
ચૅપ્લિન નહેરને મળવા આવ્યા ત્યારે બન્ને વચ્ચે એટલી સારી વાતચીત થઈ હતી કે તેમણે તેમને બીજા દિવસે પોતાના ઘરે ભોજન માટે આમંત્રિત કર્યા હતા.
નહેરુ ચૅપ્લિનની કારમાં તેમની સાથે જ બેસીને ગયા હતા, જ્યારે તેમની કાર ચૅપ્લિનની કારની પાછળ ચાલતી રહી હતી.
ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ જગત એસ મહેતાએ તેમના પુસ્તક ‘ધ ટ્રાયસ્ટ બિટ્રેડ’માં એ મુલાકાતનું વર્ણન કરતાં લખ્યું છે, “ચાર્લી ચૅપ્લિને પંડિતજીને કહ્યું હતું કે તમે શરાબ નથી પીતા એ વાત સિવાયની મને તમારી દરેક વાત ગમે છે.”
“તેના જવાબમાં નહેરુએ હસતાં કહ્યું હતું, તમને આ વાત ન ગમતી હોય તો હું એક ગ્લાસ શેરી (વ્હાઇટ વાઇન) પી શકું છું.”
નહેરુની દરિયાદિલી અને શિષ્ટાચાર

ઇમેજ સ્રોત, Getty Images
આઝાદીની લડાઈમાં નહેરુના સાથી સૈયદ મહમૂદ પહેલી મુલાકાતમાં તેમના શિષ્ટાચારથી બહુ પ્રભાવિત થયા હતા.
મહમૂદને ટ્રેન પ્રવાસ દરમિયાન પોતાનો હોલ્ડોલ ખોલવા-બાંધવામાં બહુ તકલીફ થતી હતી. તેથી તેઓ એ કામ માટે કાયમ એક નોકરને સાથે રાખતા હતા.
સૈયદ મહમૂદે તેમનાં સંસ્મરણમાં લખ્યું છે કે નહેરુને આ વાતની ખબર પડી ત્યારે તેમણે ટ્રેન પ્રવાસ દરમિયાન તેમનો હોલ્ડોલ ખોલવા અને ફરી બાંધવાની જવાબદારી સંભાળી લીધી હતી.
બન્ને સાથે પ્રવાસ કરતા હોય ત્યારે નહેરુ જ તેમની પથારી પાથરતા હતા અને બાંધતા હતા.
આ રીતે ઘાનાના એક નેતા ક્વામે ન્ક્રૂમાએ પણ એક કિસ્સો સંભળાવ્યો હતો. તેઓ એક વખત શિયાળામાં ભારત આવ્યા હતા અને ટ્રેનમાં ક્યાંક જઈ રહ્યા હતા.
નહેરુ કોઈ નિર્ધારિત કાર્યક્રમ વિના તેમને મૂકવા અચાનક દિલ્હી રેલવે સ્ટેશન આવી પહોંચ્યા હતા. તેમણે એક ઓવરસાઇઝ કોટ પહેર્યો હતો.
તેમણે ન્ક્રુમાને કહ્યું હતું કે આ કોટ મારા માટે બહુ મોટો છે. તમને ફિટ થઈ જશે. તેથી તમે આ કોટ પહેરી લો. ન્ક્રૂમાએ તરત કોટ પહેરી લીધો હતો અને એ તેમના માપનો થઈ ગયો હતો.
ટ્રેન રવાના થઈ અને ન્ક્રુમાએ કોટના ગજવામાં હાથ નાખ્યો ત્યારે એ જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે નહેરુએ કોટના એક ગજવામાં તેમના માટે એક ગરમ મફલર અને બીજા ખિસ્સામાં ગરમ મોજાં રાખ્યાં હતાં.
નહેરુની શાલીનતા માત્ર મોટા લોકો માટે જ ન હતી. એક વખત તેમના સ્ટેનોગ્રાફરની સૂટકેસ શ્રીનગરમાં પ્લેન સાથે પહોંચી ન હતી.
સ્ટેનોગ્રાફરે માત્ર સુતરાઉ શર્ટ પહેર્યું હતું, જે શ્રીનગરની ઠંડી માટે અપૂરતું હતું. નહેરુએ તેમના માટે તત્કાળ ગરમ કપડાંની વ્યવસ્થા કરી હતી.
કરાચીમાં પણ લોકપ્રિય

ઇમેજ સ્રોત, Getty Images
આઝાદી પછી ઇન્ટેલિજન્સ બ્યૂરોએ સલાહ આપી હતી કે નહેરુના તમામ મુસ્લિમ નોકરોને, ખાસ કરીને રસોડામાં કામ કરતા મુસ્લિમોને બદલી નાખવા જોઈએ.
એ મુસ્લિમ કર્મચારીઓનાં અનેક સગાંસંબંધીએ પાકિસ્તાન જવાનો નિર્ણય કર્યો હતો. તેથી નહેરુના ભોજનમાં કોઈ ઝેર ભેળવશે તેવી આશંકા હતી.
નહેરુના જીવનચરિત્રમાં પત્રકાર એમજે અકબરે લખ્યું છે, “નહેરુ પાસે તે પ્રસ્તાવ ગયો ત્યારે તેમણે તેને ફગાવી દીધો હતો. નહેરુ માટે કામ કરતા લોકો એક રીતે તેમની પૂજા કરતા હતા. તેઓ વડા પ્રધાન હતા એટલે નહીં, પરંતુ તેઓ એક સારા માણસ હતા એટલે તેમની પૂજા કરતા હતા.”
નહેરુના એક દરજીનું નામ મોહમ્મદ ઉમર હતું. તેમની દિલ્હીમાં બે દુકાન હતી. એક દિલ્હીના મુસ્લિમ બાહુલ્યવાળા વિસ્તારમાં અને બીજી નવી દિલ્હીમાં.
હુલ્લડ દરમિયાન મોહમ્મદની નવી દિલ્હીમાંની દુકાનને આગ ચાંપી દેવામાં આવી હતી. એ દુકાન ફરીથી શરૂ કરવામાં નહેરુએ મોહમ્મદ ઉમરને બહુ મદદ કરી હતી.
તેમણે પોતાની દુકાન પર લખાવ્યું હતું- વડા પ્રધાનના દરજી. તેમનો દીકરો પાકિસ્તાન ચાલ્યો ગયો અને કરાચીમાં તેમણે દુકાન કરી ત્યારે તેના પર પણ લખાવ્યું હતું- વડા પ્રધાનના દરજી.
નહેરુના અંગત સચિવ એમઓ મથાઈએ તેમના પુસ્તક ‘માય ડેઝ વિથ નહેરુ’માં લખ્યું છે. “મેં એક વાર મોહમ્મદ ઉમરને પૂછ્યું હતું કે તારા દીકરીને કરાચીમાં નહેરુના નામથી કોઈ ફાયદો થયો છે? તેણે અધકચરા અંગ્રેજીમાં જવાબ આપ્યો હતોઃ પંડિતજી દરેક જગ્યાએ બેસ્ટસેલર છે.”
નહેરુના દરજી હોવાને કારણે તેમને અનેક વિદેશી મહેમાનોનાં વસ્ત્રો સીવવાની તક પણ મળી હતી. તેમાં સાઉદી અરેબિયાના શાહનો પણ સમાવેશ થાય છે.
મોહમ્મદ ઉમરનો એક કિસ્સો જણાવતાં મોહમ્મદ યુનૂસે તેમના પુસ્તક ‘પર્સન્સ, પેશન્શ ઍન્ડ પૉલિટિક્સ’માં લખ્યું છે, “એક વાર ઉમરે, નહેરુ તેમને સર્ટિફિકેટ આપે એવી વિનંતી કરી હતી.”
નહેરુએ હસતાં-હસતાં કહ્યું હતું, “તમે મારા સર્ટિફિકેટનું શું કરશો? તમને તો બાદશાહોએ સર્ટિફિકેટ્સ આપ્યાં છે.”
“તમે પણ બાદશાહ છો,” એવું ઉમરે કહ્યું ત્યારે નહેરુએ કહેલું, “મને બાદશાહ કહેશો નહીં. બાદશાહોને માથાં કાપી નાખવામાં આવતા હોય છે.”
ઉમરે કહ્યું હતું, “એ બાદશાહો સિંહાસન પર બેસે છે, પણ તમે તો લોકોના દિલ પર રાજ કરો છો.”
ઇચ્છા વિરુદ્ધ તીનમૂર્તિ હાઉસમાં રહેવા ગયા

ઇમેજ સ્રોત, Getty Images
નહેરુ વચગાળાની સરકારમાં સામેલ થયા ત્યારે તેમને રહેવા માટે 17, યોર્ક રોડ પરનો ચાર બેડરૂમનો એક બંગલો આપવામાં આવ્યો હતો.
તેઓ વડા પ્રધાન બન્યા ત્યારે એ બંગલાની સુરક્ષા વધારવામાં આવી હતી, પરંતુ ત્યાં સલામતી કર્મચારીઓ માટે વધારે જગ્યા ન હતી. તેથી સલામતી કર્મચારીઓએ તેમના બંગલાની બહાર તંબુ તાણીને કામકાજ શરૂ કર્યું હતું.
લૉર્ડ માઉન્ટબેટન ઇચ્છતા હતા કે સલામતીની દૃષ્ટિએ નહેરુ કમાન્ડર-ઇન-ચીફના બંગલા તીનમૂર્તિ ભવનમાં શિફ્ટ થઈ જાય. નહેરુને એ માટે રાજી કરવા સરદાર પટેલ ખુદ તેમની પાસે ગયા હતા.
એમઓ મથાઈએ તેમના પુસ્તક ‘રેમિનિસેન્સિસ ઑફ નહેરુ એજ’માં લખ્યું છે, “ગૃહમંત્રી સરદારે નહેરુને કહ્યું હતું કે ગાંધીજીને ન બચાવી શકવાને કારણે તેઓ પહેલાંથી જ અપરાધબોધથી ગ્રસ્ત છે.”
“હવે તમારી સલામતીની જવાબદારી લઈ શકું તેમ નથી. તેથી તમે તીનમૂર્તિ ભવનમાં રહેવા ચાલ્યા જાવ તો સારું. ત્યાં તમારી સુરક્ષા સારી રીતે કરી શકાશે.”
મથાઈ લખે છે, “પટેલે મને બોલાવીને કહ્યું, જવાહરલાલ મારી દરખાસ્ત બાબતે ચૂપ રહ્યા છે. આપણે તેમની ચુપકીદીને સ્વીકૃતિ માની લેવી જોઈએ. તમે માઉન્ટબેટનને મળીને નહેરુના શિફ્ટ થવાની વ્યવસ્થા કરો.”
માઉન્ટબેટને નહેરુને જણાવ્યા વગર આ વિશેની એક નોટ કૅબિનેટ સચિવને મોકલી આપી હતી.
નહેરુ બહુ ખચકાઈને નવા ઘરમાં શિફ્ટ થયા હતા, પરંતુ શિફ્ટ થયા પછી, તેમણે તેમને મળતું રૂ. 500નું અતિથિ સત્કાર ભથ્થું લેવાનો ઇનકાર કર્યો હતો.
વડા પ્રધાનનો પગાર ઘટાડીને રૂ. 2,000 કર્યો

ઇમેજ સ્રોત, Getty Images
તેમના કૅબિનેટમંત્રી ગોપાલસ્વામી આયંગરે સલાહ આપી હતી કે બ્રિટનની માફક ભારતમાં પણ વડા પ્રધાનનો પગાર કૅબિનેટમંત્રીના પગાર કરતાં બમણો હોવો જોઈએ, પરંતુ નહેરુએ તે સલાહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
મથાઈ લખે છે, “શરૂઆતમાં વડા પ્રધાન અને કૅબિનેટમંત્રીનો માસિક પગાર રૂ. 3,000 નક્કી કરવામાં આવ્યો હતો.”
“નહેરુ અને તેમના મંત્રીઓએ પોતાના પગારમાં કાપ મૂકીને તે રૂ. 2,250 કર્યો હતો, જે પછી ઘટાડીને રૂ. 2,000 પ્રતિમાસ કરવામાં આવ્યો હતો.”
નહેરુને પૈસાની બરબાદી પ્રત્યે તીવ્ર અણગમો હતો.
કેએફ રૂસ્તમજી લખે છે, “એક વાર દિબ્રુગઢના પ્રવાસ વખતે હું તેમની રૂમમાં ગયો ત્યારે તેમનો સહાયક હરિ તેમનાં ફાટેલાં મોજાં સીવી રહ્યો હતો. એ જોઈને હું દિગ્મૂઢ થઈ ગયો હતો.”
“તેઓ કાર અટકાવીને તેમના ડ્રાઇવરને ખુલ્લો નળ બંધ કરવા કહેતા હતા. સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં મેં એક વાર જોયું હતું કે તેઓ તેમના રૂમની આજુબાજુની તમામ લાઇટ્સ જાતે બંધ કરતા હતા.”
સાદું ભોજન જ ગમતું

ઇમેજ સ્રોત, Getty Images
નહેરુને મસાલા વિનાનું સાદું ભોજન પસંદ હતું. રસ્તાના કિનારે ગંદા ગ્લાસમાં આપવામાં આવેલી ચા કે ઠંડાઈ પણ તેઓ પી લેતા હતા.
રૂસ્તમજી લખે છે, “એક વાર નહેરુ સારા મૂડમાં હતા ત્યારે મેં તેમને પૂછ્યું હતું કે તમને શું ખાવાનું ગમે?” નહેરુનો જવાબ હતોઃ “મારો નાસ્તો કાયમ નક્કી હોય છે. ટોસ્ટ અને માખણ, એક ઈંડું અને ગરમાગરમ કૉફી.”
“મેં નહેરુને ક્યારેય દારૂ પીતા જોયા નથી. હા. તેઓ સ્ટેટ ઍક્સપ્રેસ 555 બ્રાન્ડની સિગારેટ જરૂર પીતા હતા.”
“તેમણે મને કહ્યું હતું કે શરૂઆતમાં તેઓ રોજ 20-25 સિગારેટ પી જતા હતા, પરંતુ બાદમાં તે પ્રમાણ ઘટાડીને રોજની પાંચ સિગારેટનું કરી નાખ્યું હતું.”
જવાહરલાલ નહેરુના વ્યવહારમાં ઊંચા દરજ્જાની શાલીનતા હતી. રાજકીય મતભેદો હોવા છતાં જીવનમાં તેઓ તેમના રાજકીય વિરોધીઓ સાથે કાયમ શિષ્ટતાભર્યો વ્યવહાર કરતા હતા.
એક સમયે નહેરુને રાજગોપાલાચારી સાથે મતભેદ થયા હતા. એપ્રિલ, 1942માં કૉંગ્રેસ કારોબારીની બેઠક અલાહાબાદમાં યોજાઈ હતી. તેમાં હાજરી આપવા રાજગોપાલાચારી પહોંચ્યા હતા.
હિંદુ મહાસભાના કેટલાક સમર્થકો કાળા ઝંડા સાથે રાજગોપાલાચારીનો વિરોધ કરવા સ્ટેશન પર એકઠા થયા હતા.
પીડી ટંડને તેમના પુસ્તક ‘અવિસ્મરણીય નહેરુ’માં લખ્યું છે, “નહેરુ રાજગોપાલાચારીને લેવા સ્ટેશને પહોંચ્યા હતા. લોકોએ રાજાજીને કાળા ઝંડા દેખાડવાનું શરૂ કર્યું કે તરત નહેરુ ગુસ્સે થઈ ગયા હતા.”
“તેમણે લોકોના હાથમાંથી કાળા ઝંડા છીનવી લીધા અને બરાડીને કહ્યું, તમારી આટલી હિંમત કે તમે અલાહાબાદમાં મારા મહેમાનનું અપમાન કરશો?”
ટંડન લખે છે, “તેના જવાબમાં હિંદુ મહાસભાના નેતાએ કશું કહ્યું ત્યારે ત્યાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને કૂલીઓને એવું લાગ્યું હતું કે એ પંડિતજીનું અપમાન કરી રહ્યો છે.”
“તેઓ ગુસ્સાથી બેકાબૂ થઈ ગયા હતા અને ડંડા-મુક્કા વડે તેને પીટવા લાગ્યા હતા. એ જોઈને નહેરુ બહુ પરેશાન થયા હતા અને પોતાના હાથનો ઘેરો બનાવીને નેતાને બચાવવા લાગ્યા હતા. એ પ્રયાસમાં તેમના હાથમાં ઈજા થઈ હતી.”
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












