બીબીસીના મહાનિદેશકે સ્ટાફને કહ્યું કે નિડર થઈને રિપોર્ટિંગ કરતા રહો

બીબીસીની દિલ્હી અને મુંબઈની ઑફિસમાં આવકવેરાના અધિકારીઓ ત્રણ દિવસ સુધી રહ્યા હતા.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, બીબીસીની દિલ્હી અને મુંબઈની ઑફિસમાં આવકવેરાના અધિકારીઓ ત્રણ દિવસ સુધી રહ્યા હતા.

બીબીસીના ડાયરેક્ટર-જનરલ ટિમ ડેવીએ ભારતમાં સ્ટાફને એક ઈમેલ દ્વારા જણાવ્યું છે કે બીબીસી ડર કે પક્ષપાત રહિત રિપોર્ટિંગ કરતા અટકશે નહીં.

આવકવેરા અધિકારીઓ દ્વારા દિલ્હી અને મુંબઈમાં બીબીસીની ઑફિસમાં સર્ચ બાદ ડીજીએ સ્ટાફને આ સંદેશ આપ્યો છે.

ટિમ ડેવીએ સ્ટાફનો તેમણે દાખવેલી હિંમત બદલ આભાર માન્યો અને કહ્યું કે નિષ્પક્ષપણે રિપોર્ટિંગ કરતાં વધુ મહત્ત્વનું કંઈ નથી.

ઉલ્લેખનીય છે કે તપાસમાં સહયોગ આપી રહેલી બીબીસીએ તાજેતરમાં જ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતી ડૉક્યુમેન્ટરી પ્રસારિત કરી હતી.

ભારત સરકારે ડૉક્યુમેન્ટરીને "હોસ્ટાઇલ પ્રોપેગેન્ડા (શત્રુતાપૂર્ણ દુષ્પ્રચાર)" ગણાવી હતી અને તેને ભારતમાં પ્રસારિત કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

ટિમ ડેવીએ જણાવ્યું હતું કે બીબીસી સ્ટાફને તેમની કામગીરી અસરકારક અને સુરક્ષિત રીતે કરવામાં મદદ કરશે.

ટિમ ડેવીએ ભારતમાં બીબીસી સ્ટાફને કહ્યું કે તેમનું કામ તેમને સુરક્ષિત રીતે કામ કરવામાં મદદ કરવાનું છે
ઇમેજ કૅપ્શન, ટિમ ડેવીએ ભારતમાં બીબીસી સ્ટાફને કહ્યું કે તેમનું કામ તેમને સુરક્ષિત રીતે કામ કરવામાં મદદ કરવાનું છે

તેમણે ઈમેલમાં કહ્યું, "ક્ષમતા સાથે ડર કે પક્ષપાત રહિત રિપોર્ટિંગ કરવાથી વિશેષ આપણા માટે વધુ મહત્ત્વનું કંઈ નથી."

"વિશ્વભરના આપણા દર્શકો પ્રત્યેનું આપણું કર્તવ્ય સ્વતંત્ર અને નિષ્પક્ષ પત્રકારત્વ દ્વારા સત્યને ઉજાગર કરવાનું છે અને શ્રેષ્ઠ સર્જનાત્મક સામગ્રીનું નિર્માણ અને વિતરણ કરવાનું છે. આપણને આપણું કામ કરતા અટકાવી શકાશે નહીં.

"હું સ્પષ્ટ કહેવા માગું છું કે બીબીસીનો કોઈ એજન્ડા નથી - આપણે હેતુને લઈને ચાલીએ છીએ. અને આપણો પ્રથમ જાહેર હેતુ લોકોને તેમની આસપાસની દુનિયાને સમજવા અને તેમની સાથે જોડાવવામાં મદદ કરવા માટે નિષ્પક્ષ સમાચાર અને માહિતી પ્રદાન કરવાનો છે."

આવકવેરા અધિકારીઓએ બીબીસી ઑફિસમાં તેમના કહેવા પ્રમાણે ત્રણ દિવસ "સર્વે" પાછળ વિતાવ્યા હતા.

ભારતના સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમને "વિસંગતાઓ અને અસંગતતાઓ" સાથે પુરાવા મળ્યા છે જે દર્શાવે છે કે "જૂથની વિદેશી સંસ્થાઓ દ્વારા ભારતમાં અમુક રેમિટન્સને આવક તરીકે જાહેર કરવામાં આવી નથી અને તેના પર ટૅક્સ ચૂકવવામાં આવ્યો નથી".

આ અઠવાડિયાની શરૂઆતમાં યુકેમાં વિપક્ષી સાંસદોએ દરોડાઓને "ધમકાવનાર" અને ખૂબ જ ચિંતાજનક ગણાવ્યા હતા.

બ્રિટનના વિદેશ મંત્રાલયના મંત્રીએ ભારતના આવકવેરા વિભાગના આરોપો પર ટિપ્પણી ન કરી, પણ કહ્યું કે "અમે આ બાબત પર નજર રાખી રહ્યા છીએ."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન