પાકિસ્તાન વિ. ઝિમ્બાબ્વ : ટી20 વર્લ્ડકપમાં ભારતને હંફાવનારું પાકિસ્તાન ઝિમ્બાબ્વે સામે કઈ રીતે ઘૂંટણિયે પડી ગયું?

પાકિસ્તાન, ઝિમ્બાબ્વે, ટી20 વર્લ્ડકપ

ઇમેજ સ્રોત, Getty Images

ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅલબર્નમાં રમાયેલી ટી20 વર્લ્ડકપની ભારે રોમાંચક મૅચ ભારતે જીતી તો લીધી હતી પણ મૅચના અંતિમ બૉલ સુધી ક્રિકેટપ્રેમીઓના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા. કારણ હતું, પાકિસ્તાનનું જબરદસ્ત પર્ફોર્મન્સ.

જોકે, એ મૅચમાં ભારતને હંફાવી દેનારી પાકિસ્તાનની ટીમ પર્થમાં ઝિમ્બાબ્વે જેવી નબળી ગણાતી ટીમ સામે હારી ગઈ છે. ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને અત્યંત રોમાંચક મૅચમાં એક રને હરાવી દીધું છે.

મૅચના અંતિમ બૉલ પર પાકિસ્તાનને ત્રણ રનની જરૂર હતી પણ એમના બેટર આવું કરી ના શક્યા અને ઝિમ્બાબ્વેએ શાનદાર વિજય હાંસલ કરી લીધો.

line

ટુર્નામેન્ટમાં મોટી ઊલટપૂલટ

પાકિસ્તાન, ઝિમ્બાબ્વે, ટી20 વર્લ્ડકપ

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનની છ વિકેટ પડ્યા બાદ મૅચ રોમાંચક સ્થિતિમાં પહોંચી ગઈ હતી અને અંતિમ ઓવરમાં પાકિસ્તાનને જીતવા માટે 11 રનની જરૂર હતી. જોકે, ઝિમ્બાબ્વેના બૉલરોએ એમને સફળ થવા નહોતા દીધા.

ક્રૅગ ઇરવિનની ટીમ દ્વારા અપાયેલા 131 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 129 રન જ કરી શકી. આ સાથે જ બાબર ઍન્ડ કંપનીના સેમિફાઇનલમાં પહોંચવાના સપનાને પણ ભારે ઝટકો લાગ્યો છે.

આ પહેલાં ઝિમ્બાબ્વેએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 130 રન બનાવ્યા હતા.

ટીમ માટે સીન વિલિયમ્સે સૌથી વધુ 31 રન કર્યા હતા. કૅપ્ટન ઇરવિન અને બ્રૅડ ઇવાન્સે 19-19 રન કર્યા હતા. જ્યારે પાકિસ્તાન માટે મોહમ્મદ વસીમે ચાર અને શાદાબ ખાને ત્રણ વિકેટ લીધી હતી. હારીસ રઉફને એક વિકેટ મળી હતી.

ઝિમ્બાબ્વના ખેલાડી સિકંદર રઝાને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યા છે. તેમણે 25 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. રસપ્રદ વાત એ છે કે સિકંદર મૂળે પાકિસ્તાની છે ઝિમ્બાબ્વેમાં વસી ગયા છે.

'મૅન ઑફ ધ મૅચ'નો ઍવૉર્ડ સ્વીકારતી વખતે રઝાએ કહ્યું હતું, "મને લાગે છે કે હું શબ્દો ગુમાવી ચૂક્યો છું. કદાચ આ બધી લાગણીઓને લીધે મને લાગે છે કે મારું ગળું સુકાઈ ગયું છે. આ બધા ખેલાડીઓને લીધે હું કેટલો ગર્વ અનુભવી રહ્યો છું એ હું કહી શકું એમ નથી. "

જ્યારે પાકિસ્તાનના કૅપ્ટન બાબરે આઝમે આ હારનો સ્વીકાર કરતા ટીમના પર્ફોર્મન્સને 'હતાશાજનક' ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું, "અમે બરોબર બેટિંગ નહોતી કરી. પ્રથમ છ ઓવર ખૂબ ખરાબ રહી. એ બાદ શાદાબ અને શાને ભાગીદારી કરી પણ શાદાબના આઉટ થતાં જ એક પછી એક વિકેટ પડવા લાગી અને બેટિંગ પર દબાણ વધી ગયું."

પાકિસ્તાનને આ પહેલાંની મૅચમાં ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ઝિમ્બાબ્વેની પ્રથમ મૅચ સાઉથ આફ્રિકા સામે હતી, જે ખરાબ હવામાનને પગલે રદ કરી દેવાઈ હતી.

એ રીતે જોતાં પણ ગ્રુપ 2માં પાકિસ્તાનના અંક શૂન્ય છે અને ક્રૅગ ઇરવિનની ટીમના નામે ત્રણ અંક છે. નોંધનીય છે કે સેમિફાઇનલમાં પ્રવેશ માટે પાકિસ્તાનની ટીમને આ મૅચ જીતવી જરૂરી હતી.

line

પાકિસ્તાનની ટીમ : મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), બાબર આઝમ (કૅપ્ટન), શાન મસૂદ, ઇફ્તિખાર અહમદ, શાદાબ ખાન, હૈદર અલી, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, હારિસ રઉફ, મોહમ્મદ વસીમ જૂનિયર, નસીમ શાહ

ઝીમ્બાબ્વેની ટીમ : રેગીસ ચકબવા (વિકેટકીપર), ક્રૅગ ઇરવિન, સીન વિલિયમ્સ, સિકંદર રઝા, વૅસ્લ મધેવેરે, મિલ્ટન શુમ્બા, બ્રૅડ ઇરવિન, રયાન બર્ન, લ્યૂક જોંગવે, બ્લેસિંગ મુજરબાની, રિચર્ડ નગારવા

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન