You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રિટન : ઋષિ સુનક ફરીથી PM પદની રેસમાં, ટ્વિટર પર કરી જાહેરાત
- તાજેતરમાં બ્રિટનનાં નવનિયુક્ત વડાં પ્રધાન લિઝ ટ્રસે પોતાના પદ પરથી 45 દિવસ બાદ જ રાજીનામું આપી દીધું હતું
- તેમના રાજીનામા બાદ ફરીથી બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટી માટે નેતા શોધવાની મુશ્કેલી ઊભી થઈ હતી
- હવે ગઈ વખતના વડા પ્રધાનપદના ઉમેદવાર અને ભારતીય મૂળના ઋષિ સુનકે ફરી એકવાર આ રેસમાં ઝંપલાવવી આધિકારિક જાહેરાત કરી છે
ઋષિ સુનકે પોતે યુનાઇટેડ કિંગડમ (યુકે)ના નવા વડા પ્રધાન અને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાની સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા હોવાની જાહેરાત કરી છે. આ મુદ્દે અવઢવની પરિસ્થિતિ સર્જાયા બાદ ઋષિ સુનકે પોતાનો દાવો મજબૂત કરવા માટે 100 સાંસદોનું સમર્થન મેળવી લીધું હોવાની જાહેરાત કરી હતી.
પોતાની ઉમેદવારી જાહેર કરતાં એક ટ્વીટમાં સુનકે લખ્યું કે, "યુનાઇટેડ કિંગડમ એક મહાન રાષ્ટ્ર છે પરંતુ આપણી સામે એક મોટું આર્થિક સંકટ છે."
સુનકે કહ્યું કે, "તેઓ આ આર્થિક સંકટનું નિવારણ લાવી શકે છે. પાર્ટીની એકતા અને રાષ્ટ્ર માટે મુશ્કેલીમાંથી બહાર આવવાનો માર્ગ શોધી શકે છે. જોકે હાલની "સમસ્યાઓ મહામારી સમયે રહેલી સમસ્યાઓ કરતાં વધુ વિકરાળ હોવા છતાં", "જો યોગ્ય વિકલ્પ પસંદ કરવામાં આવે તો તકોની કોઈ કમી નથી."
વર્ષ 2019ની ચૂંટણીમાં તેમના પક્ષને 43.6 ટકા મતો અપાવનાર ઘોષણાપત્રની જાહેરાતોને હકીકતમાં બદલવા માટે કામ કરવાનો વાયદો કરતાં કહ્યું કે "સરકારના દરેક સ્તરે નીતિમતા, વ્યવસાયીપણુ અને જવાબદારી હશે."
તેમણે લખ્યું કે, "હાલ અમારી પાર્ટી જે વિકલ્પો પસંદ કરે છે તે નક્કી કરશે કે આવનારી પેઢી પાસે જૂની પેઢી કરતાં વધુ તકો હશે કે કેમ." અન્ય સાંસદોને ઉદ્દેશીને તેમણે લખ્યું કે, "હું આપણી સમસ્યાના ઉકેલ લાવવામાં મદદ કરવા માટેની તક માગી રહ્યો છું. આગામી ચૂંટણી સુધી આપણા પક્ષ અને રાષ્ટ્રની આગેવાની કરવા, આપણા વિશ્વાસને દૃઢ કરવા અને ફરીથી આગેવાની કરવા માટે તૈયાર છું. "
નોંધનીય છે કે બ્રિટનનાં વડાં પ્રધાન લિઝ ટ્રસે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ડાઉનિંગ સ્ટ્રીટની બહાર બ્રિટિશ પીએમ લિઝ ટ્રસે કિંગ ચાર્લ્સને કહ્યું હતું કે તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપી રહ્યાં છે.
લિઝ ટ્રસે કહ્યું હતું કે નેતૃત્વની પસંદગીની પ્રક્રિયા આગામી સપ્તાહમાં યોજાશે. તેઓ સંમત થયાં હતાં કે આગામી સપ્તાહમાં નેતૃત્વની ચૂંટણી થશે અને ઉમેર્યું કે અનુગામીની પસંદગી ન થાય ત્યાં સુધી તે વડાં પ્રધાન તરીકે રહેશે.
રાજીનામું આપતી વખતે ટ્રસે 'અપેક્ષા પ્રમાણેનું પરિણામ આપી શકતા ન હોવાની' વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમણે કહ્યું હતું કે તેમણે "ભારે આર્થિક અને આંતરરાષ્ટ્રીય અસ્થિરતા"ના સમયે પદભાર સંભાળ્યો હતો. તેઓએ ઉમેર્યું હતું કે, "હું જાણું છું... પરિસ્થિતિને જોતાં હું કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા ચૂંટાઈને જે પરિણામ આપવું જોઈએ તે હું આપી શકીશ નહીં."
આ દરમિયાન ચાન્સેલર જેરેમી હંટે પુષ્ટિ કરી છે કે તેઓ આગામી કન્ઝર્વેટિવ નેતા અને યુકેના વડા પ્રધાન તરીકે ઊભા રહેશે નહીં. લિઝ ટ્રસ 5 સપ્ટેમ્બર, 2022એ કન્ઝર્વેટિવ પાર્ટીનાં નેતાની ચૂંટણી જીતીને વડાં પ્રધાન બન્યાં હતાં, તેમણે ભારતીય મૂળનાં ઋષિ સુનકને હરાવ્યા હતા.
એવામાં સુનકે ફરી એકવાર વડા પ્રધાન માટેની દોડમાં સામેલ હોવાની વાત કરી દીધી છે. તો બીજી તરફ હજુ સુધી અન્ય કોઈ ઉમેદવારે પોતાની દાવેદારીની પુષ્ટિ કરી નથી.
કોણ છે ઋષિ સુનક?
સુનકનો જન્મ બ્રિટનમાં થયો હતો, પરંતુ તેમનાં માતા મૂળ ભારતીય છે, સુનક ઇન્ફોસિસના સ્થાપક એન. નારાયણમૂર્તિના જમાઈ થાય છે. તાજેતરમાં પત્નીની સંપત્તિના મુદ્દે તેઓ વિવાદમાં આવ્યા હતા.
ઋષિ સુનકનો જન્મ બ્રિટનના સાઉથૅમ્પ્ટન ખાતે થયો હતો. સુનકનાં માતા-પિતા મૂળે ભારતીય છે, જેઓ પૂર્વ આફ્રિકામાંથી ઇંગ્લૅન્ડ ખાતે હિજરત કરી ગયા હતા. સુનકના પિતા જનરલ પ્રૅક્ટિશનર હતા, જ્યારે માતા ફાર્મસી સ્ટોર ચલાવતાં. નાનપણમાં ઋષિ તેમનાં માતાને સ્ટોરમાં મદદ કરતા.
ઋષિએ વિનચેસ્ટર કૉલેજ ખાતે શિક્ષણ મેળવ્યા બાદ પોતાના ઉનાળા વૅકેશન દરમિયાન તેમણે સાઉથેમ્પટનમાં એક રેસ્ટોરાંમાં વેઇટર તરીકે નોકરી કરી હતી.
તેમણે બહુપ્રતિષ્ઠિત ઓક્સફૉર્ડ યુનિવર્સિટીમાંથી પૉલિટિક્સ, ફિલૉસૉફી તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને પ્રથમ વર્ગ સાથે ઉત્તીર્ણ થયા. એમબીએનો (માસ્ટર ઑફ બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશન) ઉચ્ચ અભ્યાસ કરવા માટે તેઓ કૅલિફૉર્નિયાની સ્ટૅનફૉર્ડ યુનિવર્સિટી ગયા.
ઋષિના કહેવા પ્રમાણે, નાનપણમાં તેમને વંશીય ભેદભાવનો ખાસ સામનો કરવો નહોતો પડ્યો. છતાં એક વખત તેઓ પોતાના નાના ભાઈ તથા નાનાં બહેન સાથે રેસ્ટોરાંમાં ગયા હતા ત્યારે "પી" વર્ડ સાંભળવો પડ્યો હતો, જેનો ડંખ તેમને રહી ગયો હતો.
2001થી 2004 દરમિયાન તેમણે ગૉલ્ડમૅન સાશ ખાતે ઍનાલિસ્ટ તરીકે કામ કર્યું, એ પછી તેઓ હેજફંડમાં પાર્ટનર પણ રહ્યા. 2015માં તેઓ નૉર્થ યૉર્કશાયરમાં રિચમન્ડના પ્રતિનિધિ તરીકે સંસદમાં પ્રવેશ્યા. ઋષિએ 'બ્રૅક્ઝિટ'નું સમર્થન કર્યું હતું, તેમણે દાવો કર્યો હતો કે તેનાથી બ્રિટન "વધુ મુક્ત, વધુ ન્યાયી તથા વધુ સમૃદ્ધ બનશે."
થેરેસા મેની સરકારમાં તેઓ રાજ્યકક્ષાના મંત્રી હતા. મેના અનુગામી બોરિસ જોન્સને તેમને નાણાવિભાગના મુખ્યસચિવ બનાવ્યા. એ પછી ફેબ્રુઆરી-2020માં તેમની ચાન્સેલર તરીકે પદોન્નતિ થઈ હતી.
સંસદસભ્ય તથા ચાન્સેલર તરીકે તેમને એક લાખ 51 હજાર પાઉન્ડ જેટલો પગાર મળે છે. આ સિવાય હેજફંડના પાર્ટનર તરીકે તેમને થયેલી આવકને જોતાં તેમની ગણતરી બ્રિટનની સંસદના ધનવાન સાંસદોમાં થાય છે.
'ધ ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, "વીસીની મધ્યમાં" હતા ત્યારે મલ્ટી-મિલિયોનેર હતા, છતાં તેમણે ક્યારેય જાહેરમાં પોતાની સંપત્તિ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
ઋષિ સુનક પર આરોપ લાગ્યા છે કે તેમણે ટૅક્સ હેવનમાં નોંધાયેલી કંપનીઓનો લાભ લીધો છે. સુનકના પ્રવક્તાએ તેને "સમજી ન શકાય તેવા દાવા" ગણાવ્યા હતા.
ઋષિ દર અઠવાડિયે મંદિરે જાય છે અને તેમને રમતમાં ફૂટબૉલ પસંદ છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો