IndvsEng: 4,5,7,4,4,4,6,1 ઇંગ્લૅન્ડ સામે બુમરાહે એક ઓવરમાં 35 રન ફટકાર્યા
ભારતીય ટીમના નવોદિત કપ્તાન જસપ્રીત બુમરાહે ઇનિંગની 84મી ઓવરમાં 35 રન ફટકારીને કમાલ કરી છે.
બુમરાહે આ રન ઇંગ્લૅન્ડના ઝડપી બૉલર બ્રોડની ઓવરમાં ફટકાર્યા હતા. 84મી ઓવરના પહેલા બૉલ પર ચોગ્ગો ફટકારીને બુમરાહે પોતાના આકરા તેવરનો અણસાર આપી દીધો હતો.

ઇમેજ સ્રોત, GALLO IMAGES
ત્યાર બાદ બીજો બૉલ વાઇડ ફેંકાયો હતો અને દડો બાઉન્ડરી બહાર ગયો હતો. બ્રોડે આ બૉલ બાઉન્સર ફેંક્યો હતો જે બુમરાહ માથેની નીકળી ગયો અને તે એટલો ઊંચો હતો કે તેને વિકેટકીપર બીલિંગ પણ પકડી ન શક્યા.
ફરી બ્રોડે શોર્ટ બૉલ ફેંક્યો. આ બૉલ નો-બૉલ જાહેર થયો પરંતુ બુમરાહે ઉપર વીંઝેલા બેટની ધારને બૉલ સ્પર્શીને વિકેટકીપરના માથા ઉપરથી છગ્ગામાં પરિવર્તિત થઈ ગયો.
બૉલ આમ પણ નો-બૉલ હતો, ઉપરથી બ્રોડનો પગ પણ બૉલિંગ રેખાથી બહાર આવી ગયો હતો.
આગળની ફ્રી હીટ ડિલિવરીમાં બ્રોડે યૉર્કર નાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ફુલ ટૉસ થઈ ગયો જેને બુમરાહે મીડ-ઓન પરથી બાઉન્ડરી બહાર ધકેલી દીધો.
આ ક્ષણે બ્રોડના બે બૉલમાં ભારતના ખાતા કુલ 20 રન મળ્યા હતા. અર્થાત કે બીજા બૉલમાં કુલ 16 રન મળ્યા.
બ્રોડની વધુ કસોટી કરવા માગતા હોય એમ બુમરાહે છગ્ગા બાદ સળંગ ત્રણ બાઉન્ડરી ફટકારી હતી અને એ પછીની ઓવરની પાંચમી ડિલિવરી પર છગ્ગો ફટકાર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છેલ્લા બૉલ પર 1 રન મળ્યો. એ સાથે બ્રોડની આ ઓવરમાં 4,5,7,4,4,4,6,1 એમ કુલ 35 રન મળ્યા હતા.
કમાલની વાત એ હતી કે આ ભારતની છેલ્લી વિકેટ હતી.

રવીન્દ્ર જાડેજાએ ઈંગ્લૅન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી

ઇમેજ સ્રોત, ANI
ભારતીય બૅટ્સમૅન રવીન્દ્ર જાડેજા ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં 104 રન બનાવીને આઉટ થયા હતા.
રવીન્દ્ર જાડેજાની ટેસ્ટ ક્રિકેટમાં આ ત્રીજી સદી છે. જાડેજા જ્યારે બેટિંગ કરવા ઊતર્યા ભારતની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.
ભારતીય ટીમે 92 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. જાડેજાએ ઋષભ પંત સાથે છઠ્ઠી વિકેટ માટે 222 રનની ભાગીદારી નોંધાવી હતી. પંતે 111 બૉલમાં 146 રન બનાવ્યા હતા.
જાડેજાની 183 બૉલમાં 104 રનની ઇનિંગમાં તેમણે 13 ચોગ્ગા ફટકાર્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગત આઈપીએલમાં ધોનીએ જાડેજા ઉપર વિશ્વાસ દાખવીને તેમને ટીમના સુકાની બનાવ્યા હતા. પરંતુ રવીન્દ્ર જાડેજા એ કસોટીમાં નિષ્ફળ જતાં વચ્ચેથી સુકાનીપદ પાછું સોંપી દીધું હતું.
અનેક વખત ચડાવ-ઉતારમાંથી પસાર થયેલા જાડેજા વધુ એકવાર નિરાશા-હતાશા ખંખેરીને વધુ એક વાર મુશ્કેલ ઘડીમાં પોતાના બેટિંગ કૌવતનો પરિચય આપી દીધો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













