You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત 2002 રમખાણો : ગોધરા ટ્રેન હત્યાકાંડના વધુ એક આરોપીને જનમટીપની સજા - પ્રેસ રિવ્યૂ
ગોધરા ટ્રેન હત્યાકાંડના ગુનામાં આરોપી રફીક હુસેન ભટુકને વિશેષ અદાલતે જનમટીપની સજા ફટકારી છે.
19 વર્ષ સુધી નાસતા-ફરતા આ આરોપીની પંચમહાલ પોલીસ તથા સ્પેશિયલ ટીમ દ્વારા ફેબ્રુઆરી 2021માં ધરપકડ કરવામાં આવી હતી.
રફીક હુસેન ભટુક 2002માં ગોધરામાં સળગાવવામાં આવેલી ટ્રેનનો એક મુખ્ય આરોપી હતો.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, આ આરોપી વિરુદ્ધ સબળ પુરાવાને આધારે વિશેષ અદાલતના જજ એચ.પી. મહેતાએ શનિવારે આજીવન કારાવાસની સજા સંભળાવી હતી,
આ કેસ વિશેષ સરકારી વકીલ આર.સી. કોડેકર દ્વારા ચલાવવામાં આવ્યો હતો અને તપાસ અધિકારી આર.એમ.પટેલ હતા.
27 ફેબ્રુઆરી 2002ના રોજ ઉત્તરપ્રદેશથી આવી રહેલી સાબરમતી એક્સપ્રેસને ગોધરા પાસે અટકાવવામાં આવી હતી.
ત્યાર બાદ ટ્રેન પર મુસ્લિમ ટોળાંએ હુમલો કરતા ટ્રેનના એસ 6 કોચને આગ ચાંપવામાં આવી હતી. જેમાં ટ્રેનમાં સફર કરી રહેલા 59 કારસેવકોનાં મૃત્યુ થયાં હતાં.
ગોધરા પાસે બનેલી આ ઘટના બાદ રાજ્યભરમાં તેના પડઘા પડ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કનૈયાલાલ હત્યાકેસ: વકીલોએ આરોપીને માર માર્યો, એકનાં કપડાં ફાડ્યાં
જયપુરમાં કનૈયાલાલ હત્યા કેસના ચાર આરોપીઓને વકીલોએ માર માર્યો હતો.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ કેદી વાહનમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. વકીલોના એક જૂથે તેમને લાતો અને મુક્કાથી માર્યા અને તેમની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો.
એક આરોપીનાં કપડાં પણ ફાટી ગયાં હતાં અને ગુસ્સે ભરાયેલા વકીલોએ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે આરોપીઓને ફાંસીની સજાની માગ કરી હતી.
મુખ્ય આરોપી રિયાઝ અખ્તરી, ગૌસ મહમદ અને અન્ય બે મોહસીન અને આસિફને કડક સુરક્ષા વચ્ચે જયપુરની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ચારેયના 12 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
મામલાની ગંભીરતાને જોતા કોર્ટ પરિસરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, પરંતુ આરોપીઓને કોર્ટની બહાર લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે વકીલોએ તેમના પર હુમલો કર્યો હતો.
ઘણી મહેનત બાદ પોલીસ આરોપીઓને કેદી વાહનમાં બેસાડવામાં સફળ થઈ હતી.
ઉદયપુરના દરજી કનૈયાલાલની મંગળવારે રિયાઝ અખ્તરી અને ગૌસ મહમદે હત્યા કરી હતી અને તેમણે ઑનલાઇન પોસ્ટ કરેલા એક વીડિયોમાં જણાવ્યું હતું કે તેઓએ આમ કરીને ઈસ્લામના અપમાનનો બદલો લીધો હતો.
રાજ્ય પોલીસે ઘટનાના દિવસે અખ્તારી અને ગૌસની ધરપકડ કરી હતી, જ્યારે મોહસીન અને આસિફની બે દિવસ પછી ધરપકડ કરવામાં આવી હતી.
મોહિસન અને આસિફ પર કાવતરામાં સામેલ હોવાનો અને કનૈયાલાલની દુકાનની રેકી કરવાનો આરોપ છે.
પાકિસ્તાનમાં 'પયગંબરના સાથીઓના અપમાન'નો દાવો, તોડફોડ બાદ 27 લોકોની ધરપકડ
પાકિસ્તાનના કરાચીમાં પોલીસે કથિત ઈશનિંદાને લઈને શુક્રવારે સેમસંગ કંપનીના 27 કર્મચારીઓની ધરપકડ કરી છે.
પાકિસ્તાનની ડૉન ન્યૂઝ વેબસાઇટ અનુસાર દક્ષિણ પોલીસના એક પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે જાણકારી મળી છે કે સિટી મૉલમાં એક 'વાઈફાઈ ડિવાઇસ' લગાવાયું છે, જેનાથી કથિતપણે પયગંબરના સાથીઓ વિરુદ્ધ ટિપ્પણી કરાઈ રહી છે.
વેબસાઇટ પ્રમાણે આના વિરુદ્ધ લોકોએ પ્રદર્શન કર્યું અને મૉલનું સાઇન બોર્ડ તોડી પાડ્યું, જેના કારણે મોબાઇલ ફોન માર્કેટ બંધ કરવી પડી હતી.
પોલીસ અનુસાર આ મામલાની ગંભીરતાને જોતાં વાઈફાઈ ડિવાઇસ કબજે કરાયું છે અને ખાનગી કંપનીના 27 કર્મચારીઓની ધરપકડ કરાઈ છે.
સેમસંગ પાકિસ્તાને નિવેદન જાહેર કર્યું છે કે કંપનીએ ધાર્મિક ભાવનાઓ અંગે તટસ્થતા જાળવી રાખી છે અને કંપની તમામ ધાર્મિક ભાવનાઓનું સન્માન કરે છે.
કંપનીએ એવું પણ કહ્યું છે કે તેમણે 'તાત્કાલિક' આંતરિક તપાસ શરૂ કરી દીધી છે.
ગુજરાત ચૂંટણી : અમિત શાહની અપીલ, 'ભાજપને બહુમતી મળે એ સુનિશ્ચિત કરે મતદારો'
ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે ગુજરાતના મોડાસર ગામથી જનસંબોધન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મતદારોને અપીલ કરી હતી કે તેઓ આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ¾ બહુમતી અપાવવાનો સંકલ્પ કરે.
શાહે દાવો કર્યો કે ભાજપના રાજમાં ગુજરાતનો સર્વાંગી વિકાસ શક્ય બન્યો છે.
નોંધનીય છે કે આગામી મહિનાઓમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની તૈયારીમાં ભાજપ અને તેનું સંગઠન અત્યારથી જ લાગી ગયાં હોવાનું કહેવાઈ રહ્યું છે.
તેમણે કહ્યું કે, "નરેન્દ્ર મોદીના સમયમાં જે વિકાસની યાત્રા શરૂ થઈ હતી તે તેઓ દિલ્હી ગયા તે બાદ પણ ચાલુ રહે તેવી ગોઠવણ તેમણે કરી છે."
"પાછલાં 20 વર્ષમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગુજરાત સર્વોચ્ચ રાજ્ય બન્યું છે. હવે લોકોએ એ સુનિશ્ચિત કરવાનું છે કે આગામી 30 વર્ષ સુધી આવું જ ચાલતું રહે."
હજ માટે મદીના પહોંચ્યા લાખો મુસ્લિમો, ભારતથી 6.5 હજાર લોકો ગયા
સાઉદી અરેબિયામાં હજ માટે શુક્રવારથી સમગ્ર વિશ્વના મુસ્લિમોનું આગમન શરૂ થયું છે. મુસ્લિમો માટે સાઉદી અરેબિયાનું મક્કા શહેર અત્યંત પવિત્ર મનાય છે.
સાઉદી પ્રેસ એજન્સી પ્રમાણે વિવિધ દેશોમાંથી કુલ ત્રણ લાખ 44 હજાર 881 હજયાત્રી આ વર્ષે હજ માટે હવાઈ અને લૅન્ડ ક્રૉસિંગ દ્વારા મદીના પહોંચ્યા છે.
હજ અને ઉમરાહ મંત્રાલયે જણાવ્યું કે પ્રથમ હજ ઉડાણ મળ્યા બાદ બે લાખ 78 હજાર 751 હજયાત્રી હવાઈમાર્ગથી પહોંચ્યા જ્યારે અન્ય સડક માર્ગે આવ્યા.
જાહેર કરાયેલા આંકડા અનુસાર મદીના પહોંચનાર હજયાત્રીઓની રાષ્ટ્રીયતા અંગે પણ જાણકારી મળી છે. જેમાં બાંગ્લાદેશ પ્રથમ ક્રમાંકે છે. ભારતમાંથી કુલ 6,595 હજયાત્રીઓ પહોંચ્યા છે.
સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે આ વર્ષે વિશ્વના 10 લાખ મુસ્લિમ હજ માટે આવી શકે છે. પાછલાં બે વર્ષથી કોવિડ મહામારીના કારણે હજયાત્રા પ્રભાવિત થઈ હતી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો