અફઘાનિસ્તાનના કાબુલમાં ગુરુદ્વારા પર હુમલો પયંગબર પરની ટિપ્પણીનો બદલો છે - આઈએસ
ઇસ્લામિક સ્ટેટ (IS)એ શનિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરુદ્વારા પર થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી છે અને કહ્યું છે કે આ હુમલો ભારતમાં પયગંબર મહમદ વિરુદ્ધ કરવામાં આવેલા વાંધાજનક નિવેદનનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો.

આ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા હતા. શનિવારે સવારે કેટલાક બંદૂકધારીઓએ કાબુલના છેલ્લા બાકી રહેલા શીખ ગુરુદ્વારા કરાતે પરવાન ખાતે પહેલાં ગાર્ડની હત્યા કરી અને પછી કમ્પાઉન્ડ નજીક કાર બૉમ્બવિસ્ફોટ કર્યો હતો.
ત્યાર બાદ હુમલાખોરોએ એક શીખ શ્રદ્ધાળુની હત્યા કરી હતી. તે પછી તાલિબાન સુરક્ષા કર્મચારીઓએ હુમલાખોરોને રોકવાનો પ્રયાસ કર્યો અને સંઘર્ષ ઘણા કલાકો સુધી ચાલ્યો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર લગભગ ત્રણ કલાક સુધી ચાલેલી અથડામણમાં તમામ હુમલાખોરો માર્યા ગયા હતા.
કાબુલ પોલીસના પ્રવક્તા ખાલિદ ઝરદાનીએ ત્રણ લોકો માર્યા ગયા હોવાની પુષ્ટિ કરી હતી.
પ્રવક્તાના જણાવ્યા અનુસાર હુમલામાં એક શીખ શ્રદ્ધાળુ, એક તાલિબાન અધિકારી અને એક અજાણ્યા હુમલાખોર માર્યા ગયા હતા.
કાબુલમાં રહેતા બીબીસી સંવાદદાતા મલિક મુદસ્સિરે જણાવ્યું હતું કે વિસ્ફોટ અને ગોળીબાર સ્થાનિક સમય મુજબ સવારે 6 વાગ્યે શરૂ થયો હતો અને લગભગ 10 વાગ્યા સુધી અથડામણ ચાલુ રહી હતી.
સંવાદદાતાએ પોલીસ સૂત્રો અને સ્થાનિક લોકોના હવાલાથી જણાવ્યું હતું કે ગુરુદ્વારામાં કુલ આઠ વિસ્ફોટ થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ગુરુદ્વારા અફઘાનિસ્તાનમાં બાકી રહેલું છેલ્લું ગુરુદ્વારા છે. અફઘાનિસ્તાનમાં શીખ સમુદાયના લોકોએ તાજેતરમાં અહેવાલ આપ્યો હતો કે ત્યાં ફક્ત 140 શીખો જ બચ્યા છે, જ્યારે 1970ના દાયકામાં અફઘાનિસ્તાનમાં એક લાખ જેટલા શીખ રહેતા હતા.
ભારત સરકારે કાબુલમાં ગુરુદ્વારા પર થયેલા હુમલાની નિંદા કરી છે. તાલિબાને પણ આ હુમલાને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું હતું.
કાબુલ પોલીસના પ્રવક્તા ખાલિદ ઝદરાને બીબીસીને જણાવ્યું હતું કે નાગરિકોને નિશાન બનાવવું એ હુમલાખોરોનું કાયરતાભર્યું વલણ દર્શાવે છે.
તેમણે કહ્યું, "અમારા સાથીઓએ શીખ સમુદાય માટે તેમના જીવનનું બલિદાન આપ્યું છે, તેમની સુરક્ષા ઇસ્લામિક સરકારમાં તેમનો અધિકાર છે."

ઇસ્લામિક સ્ટેટે હુમલાની જવાબદારી સ્વીકારી

ઇમેજ સ્રોત, MALIK MUDASSIR
હુમલા પછી ઇસ્લામિક સ્ટેટે એક નિવેદન બહાર પાડી જવાબદારી સ્વીકારી અને હુમલો કેવી રીતે અને કેમ કરવામાં આવ્યો તે સમજાવ્યું હતું.
તાલિબાને એક સંદેશમાં જણાવ્યું હતું કે તેના હુમલાખોરે ગુરુદ્વારામાં શીખ અને હિન્દુ શ્રદ્ધાળુઓ પર બંદૂક અને હેન્ડ ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો, જેમાં 20 તાલિબાન સુરક્ષા કર્મચારીઓનાં મોત થયાં હતાં અથવા ઘાયલ થયા હતા.
તેમણે દાવો કર્યો હતો કે હુમલામાં કુલ 50 લોકો ઘાયલ થયા છે. જોકે, સ્થાનિક મીડિયામાં આ સંખ્યા ઘણી ઓછી બતાવવામાં આવી છે.
આઈએસ દ્વારા હુમલાખોરની ઓળખ અબુ મોહમ્મદ અલ-તાજીકી તરીકે કરવામાં આવી છે અને તેનો ફોટો પણ જાહેર કરવામાં આવ્યો છે. આ નામ પરથી એવું લાગે છે કે હુમલાખોર મૂળ તાજિક વ્યક્તિ હતી.
આઈએસના અહેવાલમાં બતાવવામાં આવ્યું છે કે તાલિબાન સુરક્ષા કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા પછી તેમનો સામનો કરવા માટે ઉગ્રવાદીઓએ વિસ્ફોટકોનો ઉપયોગ કર્યો અને કાર બૉમ્બવિસ્ફોટ કર્યો, જેના કારણે ઘણા તાલિબાન સુરક્ષા કર્મચારીઓને ઈજા થઈ હતી.

'પયંગબર પરની ટિપ્પણીનો બદલો'

આઈએસ દ્વારા તેમની એક પ્રચાર વેબસાઇટ અમખ પર એક સંદેશ પોસ્ટ કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે શનિવારનો હુમલો હિંદુઓ, શીખો અને તેમને રક્ષણ આપતા "ધર્મત્યાગીઓ" સામેનો હતો.
તેણે લખ્યું કે 'આ કાર્ય અલ્લાહના પયંગબરને સમર્થન આપવા માટે કરવામાં આવ્યું હતું.'
આઈએસ દ્વારા કહેવામાં આવ્યું કે તેમના એક લડવૈયાએ "કાબુલમાં હિંદુ અને શીખ બહુદેવવાદીઓના મંદિરમાં ઘૂસીને, તેના ગાર્ડની હત્યા કર્યા પછી મૂર્તિપૂજકો સામે મશીનગન અને હેન્ડ ગ્રેનેડથી હુમલો કર્યો હતો."
ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ પયગંબર મહંમદ પર એક વિવાદિત નિવેદન આપ્યું હતું, જેની સમગ્ર વિશ્વમાં નિંદા થઈ રહી છે. ભાજપના પ્રવક્તાના નિવેદન બાદ ઘણા મુસ્લિમ દેશોમાં આ નિવેદનની નિંદા કરવામાં આવી હતી.

તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પણ નૂપુર શર્માની ટિપ્પણીની નિંદા કરી હતી અને ભારત સરકારને આ દિશામાં પગલાં લેવાની અપીલ કરી હતી.
તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે 6 જૂનના રોજ ટ્વીટ કરીને લખ્યું હતું - "અમે ભારત સરકારને આગ્રહ કરીએ છીએ કે 'આવા ધર્માંધ લોકોને ઇસ્લામનું અપમાન કરતા અને મુસ્લિમોની લાગણીઓને ઠેસ પહોંચાડતા અટકાવે.'
અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરખામણીમાં ઇસ્લામિક સ્ટેટનો પ્રભાવ ઓછો છે અને તેઓ દેશના કોઈ પણ હિસ્સા પર નિયંત્રણ ધરાવતા નથી. પરંતુ અફઘાનિસ્તાનમાં અનેક મોટા હુમલાઓમાં તેમનો હાથ રહ્યો છે.
બીબીસી સંવાદદાતા સિકંદર કિરમાણીના જણાવ્યા અનુસાર, તાલિબાન સત્તામાં આવ્યા બાદ અને ઉગ્રવાદનો ત્યાગ કર્યા બાદ અફઘાનિસ્તાનમાં હિંસામાં નાટકીય રીતે ઓટ આવી છે, પરંતુ ઇસ્લામિક સ્ટેટને કારણે તાલિબાનના દેશમાં સુરક્ષા જાળવવાના સંકલ્પને પૂર્ણ કરવામાં અડચણ આવી રહી છે.

અફઘાનિસ્તાનમાં શીખો

ઇમેજ સ્રોત, EPA
અફઘાનિસ્તાનમાં એક સમયે મોટી સંખ્યામાં શીખ અને હિંદુ લઘુમતીઓ રહેતા હતા, પરંતુ દાયકાઓની લડાઈઓ દરમિયાન તેમની સંખ્યા સતત ઘટતી ગઈ.
તાજેતરનાં વર્ષોમાં ઇસ્લામિક સ્ટેટે ત્યાંના બાકીના શીખ લોકો પર ઘણા હુમલા કર્યા છે.
2018માં એક આત્મઘાતી હુમલાખોરે જલાલાબાદ શહેરમાં શીખ લોકોની સભા પર આત્મઘાતી બૉમ્બ હુમલો કર્યો હતો. 2020માં વધુ એક ગુરુદ્વારા પર હુમલો થયો હતો.
શનિવારે હુમલાનું નિશાન હતું તે કરાતે પરવાન ગુરુદ્વારા નજીક રહેતા સુખબીર સિંહ ખાલસાએ બીબીસી સંવાદદાતા સિકંદર કિરમાણીને જણાવ્યું કે જ્યારે જલાલાબાદમાં હુમલો થયો ત્યારે અફઘાનિસ્તાનમાં લગભગ 1500 શીખ હતા, ત્યાર બાદ લોકોએ વિચાર્યું કે આપણે અહીં રહી શકીએ એમ નથી.
તેઓ કહે છે, "2020ના હુમલા પછી વધુ લોકોએ દેશ છોડી દીધો અને ગયા વર્ષે તાલિબાન સત્તામાં આવ્યું ત્યારે અહીં 300થી ઓછા શીખ હતા, હવે તે સંખ્યા ઘટીને 150 જેટલી થઈ ગઈ છે."
"અમારા તમામ ઐતિહાસિક ગુરુદ્વારાને શહીદ કરી દેવામાં આવ્યા છે અને હવે જે એક બચ્યો હતો તેને પણ શહીદ કરી દેવામાં આવ્યો છે."
સુખબીર ખાલસા કહે છે કે તેણે ભારત સરકારને વિઝા આપવા માટે અપીલ કરી છે, કારણ કે "તે હવે ત્યાં રહેવા માગતા નથી."
સુખબીર સમજાવે છે, અમારામાંથી જેઓ અહીં રહી ગયા છે, "તે એટલા માટે રહી ગયા છે કે અમારી પાસે વિઝા નથી, નહીં તો કોઈ અહીં રહેવા નથી માગતું. જે આજે થયું છે, તે કાલે પણ થશે, વારંવાર થશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














