You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇમરાન ખાનની ખુરશી જોખમમાં, સરકાર વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ
પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરી દેવામાં આવ્યો છે. નેશનલ ઍસેમ્બલીમાં વિપક્ષના નેતા શહબાઝ શરીફે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
પ્રસ્તાવ રજૂ કરતા શહબાઝ શરીફે એ સમયે ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સુરીને કહ્યું કે તેઓ તેમને પ્રસ્તાવ રજૂ કરવાની મંજૂરી આપે. નેશનલ ઍસેમ્બલીમાં પ્રસ્તાવ રજૂ કરવા માટે મતદાન પણ થયું હતું.
બાદમાં ડેપ્યુટી સ્પીકરે જાહેરાત કરી કે 161 સાંસદોએ પ્રસ્તાવ રજૂ કરવાના પક્ષમાં મત આપ્યો છે, આથી પ્રસ્તાવ રજૂ કરવાની મંજૂરી આપવામાં આવે છે. પછી ડેપ્યુટી સ્પીકરે કહ્યું કે અવિશ્વાસ પ્રસ્તાવ પર 31 માર્ચે ચર્ચા થશે.
ત્યાર બાદ નેશનલ ઍસેમ્બલીની કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ હતી. ગૃહમંત્રી શેખ રશીદ અગાઉ કહી ચૂક્યા છે કે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન આગામી અઠવાડિયે થશે.
બીબીસી ઉર્દૂ અનુસાર, જે સમયે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરાઈ રહ્યો હતો, એ સમયે વિપક્ષના 161 સાંસદો હાજર હતા, પરંતુ ઇમરાન સરકારની સહયોગી પાર્ટીઓ હાજર નહોતી.
રવિવારે ઇમરાન ખાને ઇસ્લામાબાદમાં વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. જેના જવાબમાં સોમવારે વિપક્ષી દળોના ગઠબંધન દ્વારા રેલી યોજવાનું આયોજન કર્યું છે.
માનવામાં આવે છે કે બન્ને પક્ષો શક્તિપ્રદર્શનમાં લાગી ગયા છે. આ વચ્ચે પાકિસ્તાનની નેશનલ ઍસેમ્બલીમાં બીજી અને ચોથી એપ્રિલ દરમિયાન અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થાય તેવી સંભાવના ગૃહમંત્રી શેખ રાશિદે વ્યક્ત કરી છે.
'વિદેશીઓનું સરકાર પાડવાનું ષડયંત્ર'
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પોતાની સરકાર પર અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થતા પહેલા રાજધાની ઇસ્લામાબાદમાં એક મહત્ત્વપૂર્ણ રેલીને સંબોધિત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇસ્લામાબાદના પરેડ ગ્રાઉન્ડમાં પોતાના સમર્થકોની ભારે ભીડને સંબોધિત કરતી વખતે ઇમરાન ખાને એમ પણ કહ્યું કે તેમના વિરુદ્ધ બહારથી ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે અને તેઓ કોઈની પણ ગુલામી સ્વીકાર નહીં કરે.
ઇમરાન ખાને કહ્યું, "આપણા દેશને જૂના નેતાઓનાં કારનામાંના લીધે ધમકીઓ મળે છે. ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ જ્યારે દેશની વિદેશનીતિને આઝાદ કરવાનો પ્રયત્ન કર્યો તો ફઝલુર્રહમાન અને નવાઝ શરીફની પાર્ટીઓએ અભિયાન ચલાવ્યું, જેના કારણે તેમને ફાંસી આપી દેવાઈ.
આજે તે જ ભુટ્ટોના પરિવારજનો ખુરશીની લાલચમાં તેમની કુરબાની ભુલાવીને તેમના હત્યારા સાથે બેઠા છે."
અવિશ્વાસનો પ્રસ્તાવ કેટલી મોટી સમસ્યા?
આ પ્રસ્તાવને રજૂ કરવાથી લઈને પાસ કરાવવા વચ્ચે વિપક્ષે એક મોટો રસ્તો પાર કરવો પડશે, કારણ કે 342 સાંસદો ધરાવતી પાકિસ્તાની સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ કરવા માટે વિપક્ષે ઓછામાં ઓછા 172 સાંસદોના સમર્થનની જરૂર રહેશે. હાલમાં પાકિસ્તાનનાં તમામ વિપક્ષી દળો પાસે એટલા સાંસદ નથી.
વળી ઇમરાન ખાનની સરકાર પાસે 155 સાંસદ છે અને સહયોગી દળો સાથે મળીને કુલ 176 સાંસદ છે.
એવામાં વિપક્ષી દળ ઇમરાન સરકારનાં સહયોગી દળો સાથે હાથ મિલાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. વળી સરકાર પણ પોતાના સહયોગીઓને સાથે જોડીને રાખવાનો પ્રયત્ન કરી રહી છે.
પરંતુ સહયોગી દળોના કેટલાક સાંસદોએ સરકાર વિરુદ્ધ કરેલાં નિવેદનોથી સરકાર પર દબાણ ઊભું થયું છે.
સરકાર આ સમસ્યાના સમાધાન માટે કોર્ટના દ્વારે પહોંચી હતી. જોકે, ત્યાં પણ તેમને નિરાશા સાંપડી હતી.
એવામાં પ્રશ્ન એ ઉદ્ભવે છે કે હવે ઇમરાન ખાન સરકાર પાસે ક્યા વિકલ્પ બાકી છે અને આવનારા દિવસો કેટલા મુશ્કેલ રહેશે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો