You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
NZvsPak : એ પાકિસ્તાની ખેલાડી જે ન્યૂઝીલૅન્ડ સામે 'હીરો' પુરવાર થયો
ક્રિકેટ એ અનિશ્ચિતતાની રમત છે અને ક્રિકેટની રમતમાં એક ટીમ છે જેના પ્રદર્શન વિશે છેલ્લા દાયકાઓથી અનિશ્ચિતતા રહી છે, એ ટીમ એટલે વેસ્ટ ઇન્ડિઝની ટીમ.
2016માં છેલ્લી ઓવરમાં ઉપરાઉપરી ચાર સિક્સર ફટકારીને ફાઇનલ જીતનારી વેસ્ટ ઇન્ડિઝની ટીમ ટી20 વર્લ્ડકપ 2021માં એટલી હદે પાછળ રહી ગઈ છે કે હજી બે જ મૅચ થઈ છે ત્યાં તો એવી અટકળ થવા લાગી છે કે આ વર્લ્ડકપમાં સેમિફાઇનલની રેસમાંથી બહાર થનારી પહેલી ટીમ હશે તો તે કૅરેબિયન ટીમ હશે.
મંગળવારે સાઉથ આફ્રિકા સામેની મૅચમાં આમ જ બન્યું હતું. અગાઉ શનિવારે ઇંગ્લૅન્ડ સામે માત્ર 55 રનમાં આઉટ થઈ ગયેલી કૅરેબિયન ટીમ પાસેથી આ મૅચમાં વળતા પ્રહારની અપેક્ષા રખાતી હતી પરંતુ તેમ બન્યું નહીં.
વેસ્ટ ઇન્ડિઝ આ વખતે 55 રનમાં આઉટ થયું નહીં. તેથી વિશેષ તેમનો એક જ બૅટ્સમૅન (ઍવિન લૅવિસ) 56 રન ફટકારી ગયા. પણ, તેમ છતાં ટીમનો સ્કોર માંડમાંડ 143 સુધી પહોંચ્યો જે સાઉથ આફ્રિકાએ આસાનીથી વટાવી દીધો.
સાઉથ આફ્રિકાએ 19મી ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો અને તે પણ માત્ર બે જ વિકેટના ભોગે. ઍડિયન મારક્રમે શાનદાર અડધી સદી ફટકારીને પોતાની ઉપયોગિતા પુરવાર કરી દીધી.
જોકે જેમની ઉપયોગિતાની સૌથી વધારે અપેક્ષા રખાતી હતી તે ક્રિસ ગેઇલ, શિમરોન હેતમાયર, આન્દ્રે રસેલ, પોલાર્ડ અને નિકોલસ પૂરન સદંતર નિષ્ફળ રહ્યા.
વેસ્ટ ઇન્ડિઝની હારનું કારણ શું?
ખરેખર તો કૅરેબિયન ટીમની વિચિત્ર નીતિ જ તેમને હરાવી રહી છે. એક જમાનામાં પોતાની બૉલિંગના જોરે સમગ્ર ક્રિકેટવિશ્વ પર એકચક્રી શાસન ચલાવનારી ટીમની હાલત અત્યારે કંગાળ છે.
સ્પિનર અકીલ હુસૈન પાસે બૉલિંગનો પ્રારંભ કરાવવો, છ વર્ષ બાદ પરત ફરેલા રવિ રામપોલ પર ભરોસો રાખવો કે હૅડન વૉલ્શ જેવા બિનઅનુભવી બૉલર પર આધાર રાખવો, આમાંથી એક પણ બૉલર વિશ્વની શ્રેષ્ઠ ટીમમાં ચાલે તેમ નથી. જ્યારે આ જ બૉલરના આધારે વેસ્ટ ઇન્ડિઝની ટીમ તેનું ટાઇટલ ડિફેન્ડ કરવા રમી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મંગળવારે બીજી સૌથી મોટી વાત એ રહી કે ઑપનર સિમન્સે પ્રારંભથી જ કૅરેબિયન્સના પરાજયનો પાયો નાખી દીધો હતો. પાવર પ્લેની અત્યંત મહત્ત્વની ઓવરમાં સિમન્સ સદંતર નિષ્ફળ રહ્યા અને ટીમને જરૂરી રનરેટ અપાવી શક્યા નહીં. પહેલી બે ઓવર પછી તેમણે નવ બોલ રમીને માત્ર ચાર રન કર્યા હતા.
કૅગિસો રબાડાએ ફેંકેલી બીજી ઓવર ઘાતક પુરવાર થઈ. ઑપનરને ઓવર પિચ બૉલ ભાગ્યે જ મળતા હોય છે પણ સિમન્સ સામે રબાડાએ ઑફ સ્ટમ્પની બહાર ઓવર પિચ બૉલ ફેંક્યા, તેમણે લૅન્થ બૉલ પણ ફેંક્યા પરંતુ સિમન્સ રન કરી શકતા ન હતા.
ટી20માં 35 બૉલમાં 16 રન કોઈ પણ બૅટ્સમૅન માટે શરમજનક છે તેમાંય તમે ઇનિંગ્સનો પ્રારંભ કરતા હો તો વધારે શરમજનક છે. સિમન્સ પાવર પ્લેમાં આટલું ધીમું રમ્યા અને સાઉથ આફ્રિકન બૉલર તથા ટીમ માટે દબાણ લાદવા માટેનું કારણ બની ગયા.
આટલી ધીમી શરૂઆત બાદ આવનારા બૅટ્સમૅન વધારે દબાણમાં આવી ગયા અને કૅરેબિયન ટીમ અપેક્ષા મુજબ સ્કોર કરી શકી નહીં.
એકમાત્ર ઍવિન લેવિસ મુક્તપણે રમી શકતા હતા પરંતુ તેમને જરૂરી સહયોગ મળ્યો નહીં.
વેસ્ટ ઇન્ડિઝ પાસે ધરખમ બૅટ્સમૅન છે. ક્રિસ ગેઇલ, આન્દ્રે રસેલ, હેતમાયર, નિકોલસ પૂરન કે પોલાર્ડ જેવા ધુરંધરો હોવાને કારણે ટીમ મૅનેજમેન્ટે બૉલિંગને નજરઅંદાજ કરી છે.
કદાચ તેમની ગણતરી એવી હશે કે આ તમામ બૅટ્સમૅન મળીને માતબર સરેરાશથી ટીમનો મોટો સ્કોર ખડકવામાં મદદ કરશે અને એ પછી તેમને સ્પેશિયાલિસ્ટ બૉલરની જરૂર જ નહીં રહે. થાપ તો ત્યારે ખાધી જ્યારે આ બૅટ્સમૅન નિષ્ફળ રહ્યા અને જવાબદારી બૉલર પર આવી ગઈ.
143 રનનો સ્કોર ડિફેન્ડ કરવા માટે કમસે કમ બેથી ત્રણ બૉલર એવા જોઇએ જે ટીમ વતી લડત આપી શકે પણ વેસ્ટ ઇન્ડિઝ પાસે આવો એકેય બૉલર નથી.
કિવિ ટીમની વળતા પ્રહારની ક્ષમતા ઘટી ગઈ
ક્રિકેટ વિશ્વમાં જો કોઈ ટીમ છેલ્લા બૉલ સુધી હાર માનવા તૈયાર ન હોય તો તે ન્યૂઝીલૅન્ડની ટીમ છે.
વન-ડે હોય કે ટી20 પણ કિવિ ટીમ હંમેશાં છેલ્લી ઘડી સુધી હાર માનતી નથી.
વળી આ ટીમનું બીજું લક્ષણ એ છે કે તે હારને પચાવી પણ શકે છે. ટીમના પરાજય બાદ ન્યૂઝીલૅન્ડની ટીમ આકરા પ્રત્યાઘાતો આપવા માટે જાણીતી નથી.
મંગળવારે પાકિસ્તાન સામેની મૅચમાં ન્યૂઝીલૅન્ડ આવી જ લડત આપશે અને વળતો પ્રહાર કરશે તેવી અપેક્ષા હતી પણ કમનસીબે તેવો રોમાંચ આવ્યો નહીં અને શોએબ મલિકે ટીમને આસાનીથી લક્ષ્યાંક પાર પાડી દેવામાં મદદ કરી.
ભારત સામે આસાનીથી વિજય હાંસલ કરનારી પાકિસ્તાની ટીમ મંગળવારે એક સમયે તો સાવ આસાનીથી જ મૅચ જીતી લેશે તેમ જણાતું હતું પરંતુ 134 રનનો સ્કોર રજૂ કર્યો હોવા છતાં ઈશ સોઢી સહિતના ન્યૂઝીલૅન્ડના બૉલરોએ લડત આપીને મૅચ કમસે કમ થોડા સમય માટે રોમાંચક બનાવવાની ખાતરી આપી હતી.
આમ છતાં શોએબ મલિક પાકિસ્તાન માટે હીરો પુરવાર થયા.
શોએબ મલિકનું યાદગાર પુનરાગમન
છેલ્લા ઘણા સમયથી એક યા બીજા કારણોસર ક્રિકેટથી દૂર રહેનારા શોએબ મલિકે યાદગાર પુનરાગમન કર્યું હતું.
હકીકતમાં પાકિસ્તાનની ઇનિંગ્સની 11મી ઓવર દિવસની સર્વશ્રેષ્ઠ અથવા તો યાદગાર ઓવર બની રહી હતી.
આ એ જ ઓવર હતી જેમાં મિચેલ સેન્ટનરે અનુભવી મોહમ્મદ હાફીઝને આઉટ કર્યા. ન્યૂઝીલૅન્ડ પાસે તેની ખ્યાતિ મુજબ વળતો પ્રહાર કરવાની તક હતી.
આ તક ડૅવોન કોનવેએ પૂરી પાડી હતી. સેન્ટનરના બૉલને રમવામાં હાફીઝે બૉલ ઊંચો ઉછાળ્યો હતો અને એક અદ્ભુત કૅચ જોવા મળ્યો. બાઉન્ડ્રી પાસે કોનવેએ જે રીતે કૅચ ઝડપ્યો તેનાથી કિવિ ટીમના મૅચમાં પુનરાગમનના અણસાર પેદા થયા હતા. પરંતુ, સામે પક્ષે વધુ એક ખેલાડીનું પુનરાગમન થયું હતું.
શોએબ મલિક આ વિકેટ પડી અને મેદાનમાં આવ્યા. એક તરફ ન્યૂઝીલૅન્ડ પાસે મૅચમાં પાછા આવવાની તક હતી તો બીજી તરફ મલિક પાસે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પાછા આવવાની તક હતી. અંતે શોએબ મલિક ફાવી ગયા કેમ કે તેમણે આ તબક્કેથી પાકિસ્તાનને ટારગેટ સુધી પહોંચાડી દીધું.
મૅચની ખાસ વાત એ રહી કે પાકિસ્તાન તો તેની વિજયકૂચ આગળ ધપાવવામાં કામયાબ રહ્યું પણ ન્યૂઝીલૅન્ડ તેના વળતા પ્રહારની કે છેલ્લી ઘડી સુધી હાર નહીં માનવાની કલાથી દૂર રહ્યું. આ મૅચ પરથી એમ લાગે છે કે ન્યૂઝીલૅન્ડમાં હવે એ લડાયક ક્ષમતા ઘટી ગઈ છે કેમ કે મૅચમાં 134 રનના સ્કોર છતાં તેની પાસે આમ કરવાની તક હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો