બાંગ્લાદેશમાં દુર્ગાપૂજાના પંડાલોમાં તોડફોડ, ત્રણનાં મૃત્યુ

    • લેેખક, પ્રભાકરમણિ તિવારી
    • પદ, કોલકાત્તાથી બીબીસી ગુજરાતી માટે

બાંગ્લાદેશમાં એક ફેસબુક પોસ્ટને કારણે હિંસા ફાટી નીકળી છે, જેના કારણે અનેક દુર્ગાપંડાલોમાં તોડફોડ થઈ રહી છે.

ઓછામાં ઓછા 150 અલ્પસંખ્યક હિંદુ પરિવારો પર હુમલા થયા છે. અધિકારીઓએ ત્રણ લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરી છે.

બાંગ્લાદેશના કોમિલ્લા જિલ્લામાં એક પૂજાપંડાલમાં કથિત રીતે કુરાનના અપમાનની અફવા બાદ હિંસા ફાટી નીકળી હતી, જેના કારણે મોટી સંખ્યામાં સુરક્ષાબળોને તહેનાત કરી દેવામાં આવ્યા હતા. પોલીસના કહેવા પ્રમાણે, ત્રણ લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થયા છે.

પોલીસે અનેક હિંદુ મંદિર, ઘર તથા દુકાનોમાં તોડફોડ સંબંધે કેસ દાખલ કરીને અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરી છે.

સ્થાનિક નેતાઓનું કહેવું છે કે આ વિસ્તારમાં પ્રથમ વખત આ પ્રકારની કોમી હિંસાની ઘટના ઘટી છે.

વર્ષ 2011માં વસતિ ગણતરી મુજબ, બાંગ્લાદેશની વસતિ 14 કરોડ 90 લાખ છે, જેમાંથી સાડા આઠ ટકા જેટલી હિંદુઓની વસતિ છે. કોમિલ્લા સહિત અન્ય કેટલાક જિલ્લામાં હિંદુઓ નોંધપાત્ર સંખ્યામાં વસે છે.

પશ્ચિમ બંગાળનાં અનેક સંગઠનોએ બુધવારે રાત્રે આ હિંસાને વખોડી કાઢી હતી. વિશ્વ હિંદુ પરિષદે સમગ્ર ઘટનાક્રમમાં ગંભીરતાપૂર્વક તપાસની માગ કરી છે.

કોલકાતામાં દુર્ગાપૂજાનું આયોજન કરનારા ભારત સંઘના સચિવ સોમેન ભટ્ટાચાર કહેતા હતા, "આ ખૂબ જ શરમજનક છે. પરંતુ હાલના દિવસોમાં બાંગ્લાદેશમાં કટ્ટરતા વધી રહી છે, જેમાં કંઈ પણ થઈ શકે છે. સરકાર તથા વહીવટીતંત્રે પહેલાંથી જ સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવી જોઈતી હતી. હુલ્લડો ફેલાવવા માટે કેટલાક કટ્ટરપંથીઓએ કરેલું કાવતરું છે."

કોમિલ્લાની નજીકના એક ગામડામાંથી કોલકાતામાં સ્થાયી થયેલા એક વૃદ્ધ સબ્યસાચી દત્તે કહ્યું, "આ વિસ્તારમાં જાતિઆધારિત તણાવ અગાઉ નથી જોવા મળ્યો. બંને કોમના લોકો એકબીજા સાથે મળીને એકબીજાના તહેવારોમાં ભાગ લેતા હતા, પરંતુ ત્યાં હવે કટ્ટરવાદી વિચારસરણી ઝડપભેર ફેલાઈ રહી છે. ત્યાં રહેતા લઘુમતી સમુદાયો ખુદને એકદમ અસુરક્ષિત અનુભવે છે."

બાંગ્લાદેશના સ્વતંત્રતાસંગ્રામ વખતે કોમિલ્લા છોડી ગયા હતા, પરંતુ તેમના અનેક સંબંધીઓ હજુ પણ ત્યાં જ રહે છે.

રિપોર્ટ મુજબ એક સામાજિક પોસ્ટમાં આરોપ મૂક્યો હતો કે એક પૂજાપંડાલમાં કુરાન મૂકીને તેનું અપમાન કરવામાં આવ્યું હતું. તે પછી ચાંદપુરના હબીબગંજ, ચડગાંવના બાંસખાલી, કૉક્સ બજારના પેકુઆ તથા શિવગંજા ચાપાઇનવાબગંજ સહિત અનેક વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી તથા દુર્ગાપંડાલોમાં તોડફોડ કરવામાં આવી હતી.

કાવતરાનો આરોપ

કેટલાક પૂજાપંડાલોમાં દુર્ગાની પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુજ્જમાને સ્થાનિક મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે સરકાર આ ઘટનાને ગંભીરતાથી લઈ રહી છે.

તેમનું કહેવું હતું, "કોમિલ્લામાં હુમલા કરનારાઓને વહેલામાં વહેલી તકે ઝડપી લેવામાં આવશે. આ બધું હિંસા ફેલાવવાના કાવતરાના ભાગરૂપ હોઈ શકે છે."

બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓએ તા. 13મી ઑક્ટોબરને 'કાળો દિવસ' ગણાવ્યો હતો અને દાવો કર્યો હતો કે હુમલાખોરોએ અનેક દુર્ગાપૂજા પંડાલોમાં તોડફોડ કરી હતી અને ઓછામાં ઓછા 150 લઘુમતી સમુદાયના હિંદુ પરિવારો પર હુમલા કર્યા હતા.

કહેવાય છે કે કોમિલ્લાના દુર્ગાપૂજા પંડાલો દરમિયાન મુસ્લિમો પણ તેની મુલાકાતે આવતા હતા, એટલે જ રાત્રે આ હંગામી ધાર્મિકસ્થળો પર કોઈ સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવતી ન હતી.

કોમિલ્લા મહાનગર પૂજા ઉદ્યાપન સમિતિના મહાસચિવ શિવ પ્રસા દત્તે કુરાનના અપમાનની વાતને આધારવિહીન ગણાવી હતી અને કહ્યું હતું કે કોઈએ ઇરાદાપૂર્વક હિંસા ફેલાવવા માટે મામુઆ દીઘીર પાર ખાતે ઊભા કરવામાં આવેલા પૂજાપંડાલમાં ગુપ્ત રીતે કુરાનની નકલ મૂકી દીધી હતી, તે સમયે પંડાલમાં કોઈ ન હતું.

જિલ્લા વહીવટીતંત્રના એક અધિકારીએ પણ નામ ન છાપવાની શરતે આ વાતની પુષ્ટિ કરી હતી.

તેમનું કહેવું હતું કે કુરાનની નકલ મૂક્યા બાદ તેની તસવીર પણ લેવામાં આવી હતી અને કોઈ તેનો વીડિયો ઉતારીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. ત્યારબાદ ફેસબુક પર કુરાનના કથિત અપમાનવાળી પોસ્ટ વાઇરલ થઈ ગઈ હતી.

અપીલ

આ હિંસા બાદ ઊભા થયેલા તણાવની વચ્ચે બાંગ્લાદેશ હિંદુ યુનિટી કાઉન્સિલે ટ્વિટર દ્વારા મુસલમાન સમુદાયને અફવાઓ પર વિશ્વાસ નહીં કરવા અપીલ કરી છે.

કાઉન્સિલે વડાં પ્રધાન સમક્ષ સેનાને મોકલવાની માગ પણ કરી છે. કાઉન્સલે લખ્યું, "અમે મુસ્લિમભાઈઓને અપીલ કરીએ છીએ કે તેઓ અફવાઓ પર વિશ્વાસ ન કરે. અમે કુરાનનું સન્માન કરીએ છીએ દુર્ગાપૂજા દરમિયાન પંડાલમાં કુરાન રાખવાની કોઈ જરૂર નથી. આ બંને કોમો વચ્ચે હુલ્લડ ફેલાવવાનું કાવતરું છે. મહેરબાની કરીને હિંદુઓ તથા (દુર્ગાપૂજા) પંડાલો પર હુમલા ન કરો."

કાઉન્સિલ દ્વારા ગત 24 કલાક દરમિયાન હિંસાના અનેક ઍલર્ટ તથા અપડેટ મૂકવામાં આવ્યા છે.

ટ્વીટમાં કાઉન્સિલે કહ્યું હતું, "કોમિલ્લામાં તમામ હિંદુઓને સતર્ક રહેવા માટે નિર્દેશ આપવામાં આવે છે. એક સાથે મંદિરમાં રહો. અમે બાંગ્લાદેશ પોલીસને નાનુઆ દીઘીર પારના વિસ્તારોમાં મદદ માટે અપીલ કરીએ છીએ."

પરિષદનું કહેવું છે, "બાંગ્લાદેશના ઇતિહાસનો નિંદનીય દિવસ. અષ્ટમીના દિવસે પ્રતિમાવિસર્જન દરમિયાન અનેક પૂજામંડપોમાં તોડફોડ કરવામાં આવી છે. હિંદુ હવે પૂજામંડપની રખેવાળી કરી રહ્યા છે. આજે આખી દુનિયા મૌન છે."

અન્ય એક ટ્વીટમાં કાઉન્સિલે કહ્યું, "બાંગ્લાદેશમાં હિંદુઓથી આટલી નફરત કેમ? બાંગ્લાદેશમાં હિંદુઓ જન્મથી જ રહે છે. 1971માં પ્રાણ ગુમાવનારા મોટા ભાગના હિંદુ હતા. બાંગ્લાદેશના હિંદુ મુસલમાનોને તેમના ભાઈ માને છે. 90 ટકા મુસલમાનો માટે આઠ ટકા હિંદુ સમસ્યારૂપ કેવી રીતે હોઈ શકે છે ?"

એક પ્રત્યક્ષદર્શી કાજી તમીમે સ્થાનિક મીડિયા સાથે વાત કરતા જણાવ્યું, "કુરાનને એવી રીતે મૂકવામાં આવ્યું હતું કે રસ્તે આવતી જતી કોઈ પણ વ્યક્તિની નજર તેની ઉપર પડે. આ સ્પષ્ટપણે કાવતરું જ હતું. તેણે પોતાની ફેસબુક પોસ્ટમાં સમગ્ર ઘટનાને પણ વર્ણવી છે."

તેમનો આરોપ છે કે હિંસા ફેલાવાની માહિતી છતાં પોલીસ તથા સ્થાનિક વહીવટીતંત્રે તેને અટકાવવા માટે યોગ્ય પગલાં લીધાં ન હતાં.

ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં સોશિયલ મીડિયા પોસ્ટને કારણે હિંદુઓ વિરુદ્ધ હિંસા ફાટી નીકળી હોય તેવી આ પ્રથમ ઘટના નથી.

આ પહેલાં પણ માર્ચ મહિનામાં એક હિંદુ શખ્સે ઇસ્લામિક સંગઠન હિફાજત-એ-ઇસ્લામના મહાસચિવ મૌલાના મુફ્તી મોમિનુલ હકની ટીકા કરી હતી.

આ યુવક મૌલાનાના કોઈ ભાષણથી નારાજ હતા અને પોતાની પોસ્ટમાં તેની ટીકા કરી હતી. એ પછી સંગઠનના કાર્યકર્તાઓએ સુનામગંજના ગામમાં 80 હિંદુ પરિવારો પર હુમલા કર્યા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો