જો બાઇડન શપથવિધિ : અમેરિકાની ચૂંટણીથી આજ સુધીની પાંચ મોટી વાતો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
3 નવેમ્બર, 2020ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી ઘણી બાબતોને લઈને ખાસ રહી. ડેમૉકૅટિક ઉમેદવાર જો બાઇડનની જીત સાથે અમેરિકાની જનતાએ સત્તાપલટા પર મહોર મારી દીધી હતી.
હવે જ્યારે જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે આ ચૂંટણીની ખાસ બાબતો પર ફરી નજર કરીએ, એ પ્રાસંગિક બની જાય છે.
આ ચૂંટણી ઘણા માપદંડો અનુસાર અભૂતપૂર્વ કહી શકાય તેવી રહી. આ ચૂંટણી પછી તેનાં પરિણામો અને પરિણામોને કારણે સર્જાયેલી સ્થિતિ પણ તેવી જ રીતે અભૂતપૂર્વ રહી.
ભલે તે લાંબી મતગણતરી પછી આવેલાં પરિણામો હોય કે પછી અમેરિકાનાં પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ તરીકે કમલા હેરિસની પસંદગીની વાત હોય. આ ચૂંટણી આવી અનેક બાબતોને લીધે ઐતિહાસિક રહી.

લાંબા સમય સુધી ચાલી મતગણતરી

ઇમેજ સ્રોત, Getty Images
આ વખતે કોરોના મહામારીને કારણે મોટી સંખ્યામાં લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પોસ્ટલ બૅલટનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે મતગણતરીની પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલી હતી.
અમુક રાજ્યોમાં રિપબલ્કિન ઉમેદવાર ટ્રમ્પ તો અમુકમાં બાઇડન આગળ ચાલી રહ્યા હતા. ઘણા દિવસો સુધી આ રસાકસી જારી રહી અને અંતે 273 ઇલેક્ટોરલ વોટ સાથે જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતી ગયા હતા.
ઘણા સમય સુધી ચાલેલી ખેંચતાણ બાદ આખરે જો બાઇડન વિજેતા તરીકે સામે આવ્યા અને હવે આજે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.

કાનૂની ગૂંચવણમાં ફસાયાં ચૂંટણીપરિણામ

ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રપતિપદ માટેનાં પરિણામો જાહેર કરાયાં બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે અવારનવાર મતગણતરીમાં ધાંધલી થઈ હોવાના આરોપો મૂક્યા હતા. તેમના સમર્થનમાં જ્યૉર્જિયા, મિશિગન, પેન્સિલવેનિયા અને વિસ્કૉન્સિનનાં પરિણામો રદ કરવા માટે કેસ દાખલ કરાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કેસને 18 રાજ્યના સ્ટેટ ઍટર્ની જનરલ અને કૉંગ્રેસના 108 રિપબ્લિકન સભ્યોએ ટેકો આપ્યો હતો. જોકે અમેરિકાની સુપ્રીમ કોર્ટે એક ટૂંકા આદેશ સાથે કેસ રદ કરી દીધો. તેમાં કહેવાયું હતું કે ટેક્સાસ પાસે આવો કેસ કરવાની કાનૂની સત્તા નથી.
આ નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પ માટે આંચકા સમાન હતો. તેમણે અગાઉ પુરાવા વગર દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામો સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. ટ્રમ્પે વારંવાર એવા દાવા કર્યા છે કે ગેરકાનૂની રીતે થયેલા મતોને લીધે તેઓ હાર્યાં છે.
ચૂંટણી પરિણામો આવ્યાં છે ત્યારથી જ ટ્રમ્પ અને તેમના સમર્થકોએ પરિણામોને કેટલીક કોર્ટમાં પડકાર્યાં છે, પણ અત્યાર સુધી તેમને સફળતા નહોતી મળી.

જો બાઇડન બનશે સૌથી વધુ વયના અમેરિકન પ્રમુખ

ઇમેજ સ્રોત, Getty Images
20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથગ્રહણ કર્યા બાદ જો બાઇડન અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધુ વયે રાષ્ટ્રપતિપદ ગ્રહણ કરનારી વ્યક્તિ બની જશે.
કમલા હેરિસ અને જો બાઇડનના માથે કોરોના મહામારીના કટોકટીભર્યા વખતમાંથી દેશને બહાર કાઢવાનો મુખ્ય પડકાર છે.
આ સાથે જ કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ તરીકે પસંદગી પામ્યાં.
ઘણા અર્થોમાં આ એક ઐતિહાસિક વાત છે, એની પાછળનાં કારણો પર નજર કરીએ તો તેમના પરિવારની પૃષ્ઠભૂમિ અગત્યની છે.
કમલા હેરિસે અમેરિકાના રાજકારણમાં એક અશ્વેત નેતા તરીકે છેલ્લાં વર્ષોમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે, પરંતુ કહી શકાય કે તેઓ પોતાનાં ભારતીય મૂળથી દૂર પણ થયાં નથી.
2018માં પ્રકાશિત તેમની આત્મકથા 'ધી ટ્રૂથ્સ વી હોલ્ડ'માં કમલા હેરિસ પોતાના નામનો અર્થ પણ સમજાવતાં લખે છે કે "તેનો અર્થ છે કમળનું ફૂલ, જે ભારતીય સંસ્કૃતિનું પ્રતીક પણ છે. કમળનું ફૂલ પાણીની સપાટી પર ઊગે છે પરંતુ તેનાં મૂળ પાણીની નીચે નદીના તળિયામાં મજબૂતાઈથી ટકેલાં હોય છે."
ભારતીય મૂળનાં માતા અને જમૈકન મૂળના પિતાનાં પુત્રી કમલા હેરિસ અમેરિકાના રાજકારણમાં એક ફાયરબ્રાન્ડ નેતા તરીકે ઓખળાય છે.
નવેમ્બર 2020માં યોજાનારી રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે તેમણે ઉમેદવારીની રેસમાં ઊતરવાની જાહેરાત 2019 જાન્યુઆરીમાં કરી હતી. જોકે એ રેસમાં તેઓ જો બાઇડન સામે હારી ગયાં હતાં.
જોકે, આ વખતે રાજકીય નિષ્ણાતો કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર તરીકે બાઇડનને રાષ્ટ્રપતિ બનાવવામાં એક મજબૂત ટેકા સ્પરૂપે જોઈ રહ્યાં હતાં.
અમેરિકામાં અશ્વેત લોકો સાથે રંગભેદના મુદ્દા પર કમલા હેરિસ મુખર રહ્યાં છે અને તેમણે જો બાઇડનને આ મુદ્દે ડેમૉક્રેટિક પાર્ટીના એક કાર્યક્રમમાં આડે હાથે લીધા હતા.
જો બાઇડનનો ચૂંટણીપ્રચાર સાથે જૂનો નાતો છે. આજથી 47 વર્ષ અગાઉ એમણે અમેરિકાની સંઘીય રાજનીતિમાં પગ મૂક્યો હતો. 1973માં સૅનેટની ચૂંટણીથી એમની રાજકીય સફરની શરૂઆત થઈ હતી.
રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભાગીદારીની પહેલી ચાલ તેઓ આજથી 33 વર્ષ અગાઉ ચાલ્યા હતા. હવે જો એવું કહીએ કે બાઇડન પાસે મતદારોને આકર્ષવાની કુદરતી બક્ષિશ છે તો એ ખોટું નહીં ગણાય.
જનતાથી રૂબરૂ થતાં જ બાઇડન ઘણી વાર ભાવનાઓમાં વહી જાય છે અને એ જ કારણે રાષ્ટ્રપતિપદની ચૂંટણીનું એમનું પહેલું અભિયાન શરૂ થાય, એ પહેલાં જ ખતમ થઈ ગયું હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

અમેરિકન સંસદ પર હુમલો

ઇમેજ સ્રોત, Reuters
6 જાન્યુઆરીના રોજ હજારોની સંખ્યામાં ટ્રમ્પના સમર્થકો કૅપિટલ બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા, જ્યાં કૉંગ્રેસના સભ્યો ચૂંટણીપરિણામો માટે મતદાન કરી રહ્યા હતા. કૅપિટલ હિંસામાં પાંચ લોકો મૃત્યુ પામ્યા હતા.
ટ્રમ્પ દ્વારા સતત પાયાવિહોણા દાવાઓ કરવામાં આવતાં કે નવેમ્બર 2019માં યોજાયેલી ચૂંટણીમાં છેતરપિંડી થઈ છે, જેણે તેમના સમર્થકોને કૅપિટલમાં હુમલો કરવા માટે બળ પૂરૂં પાડ્યું હતું.
આ ઘટના બાદ સતત માગણી થઈ રહી હતી કે ટ્રમ્પ રાજીનામું આપે અને તેમને રાષ્ટ્રપતિપદથી હઠાવવામાં આવે અને તેમની સામે મહાભિયોગનો ખટલો ચલાવવામાં આવે.
આ ઘટના બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ અમેરિકન સંસદના નીચલા સદન હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પસાર થઈ ગયો હતો.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












