You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિનસાંપ્રદાયિક ફ્રાન્સમાં શિક્ષકની હત્યા બાદ ઇસ્લામ અગે શું ચર્ચા થઈ રહી છે?
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
ફ્રાન્સમાં આજકાલ ગંભીર મનોમંથન ચાલી રહ્યું છે. તેનું કારણ છે ચેચેન મૂળના એક છોકરાની બર્બરતા.
એ છોકરાએ હાઈસ્કૂલના એક શિક્ષકની, તેમનું મસ્તક કાપીને 16 ઑક્ટોબરે હત્યા કરી હતી. સૅમ્યુઅલ પૅટી નામના એ શિક્ષક વિદ્યાર્થીઓને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય વિશે ભણાવી રહ્યા હતા અને એ સંદર્ભે તેમણે શાર્લી એબ્દોનાં કાર્ટૂનોનો ઉલ્લેખ કર્યો હતો.
ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ શિક્ષકની હત્યાની ઘટનાને "ઇસ્લામિક આતંકવાદી" હુમલો ગણાવી છે અને એમની સરકારે "ઇસ્લામિક આતંકવાદ" વિરુદ્ધ યુદ્ધ છેડ્યું છે.
રાષ્ટ્રપ્રમુખના નિવેદન સાથે અસહમત હોય એવા બહુ ઓછા લોકો આજે ફ્રાન્સમાં હશે. વિરોધ પક્ષના એક નેતાએ કહ્યું હતું કે "અમને આંસુ નહીં, હથિયાર જોઈએ છે." સમગ્ર ફ્રાન્સમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે.
શિક્ષક પરના હુમલા પછી પોલીસે 40 સ્થળો પર દરોડા પાડ્યા હતા અને 16 લોકોની અટકાયત કરી હતી. બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.
સરકારે એક મસ્જિદને બંધ કરવાનો આદેશ પણ આપ્યો હતો. એ મસ્જિદે પૅટીની હત્યા પહેલાં ફેસબુક પર એક વીડિયો શૅર કર્યો હતો અને પૅટી જ્યાં ભણાવતા હતા એ સ્કૂલનું નામ-સરનામું જણાવ્યું હોવાનો આરોપ છે.
પેગંબર મહંમદ વિરુદ્ધનાં નિવેદનો અને તેમના ચિત્રનું પ્રદર્શન મુસલમાનો માટે ધાર્મિક રીતે સંવેદનશીલ મામલો છે, કારણ કે ઇસ્લામિક પરંપરામાં મહમંદ અને અલ્લાની તસવીરો દર્શાવવા પર સ્પષ્ટ મનાઈ છે.
શાર્લી એબ્દો નામના સામયિકે પેગંબર મહંમદનાં કાર્ટૂન પ્રકાશિત કરવાનો નિર્ણય 2015માં કર્યો ત્યારથી ઉપરોકત મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. કાર્ટૂનના પ્રકાશન બાદ સામયિકની ઑફિસ પર હુમલો કરવામાં આવ્યો હતો અને 12 લોકોની હત્યા કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સેક્યુલર ઓળખ પર પ્રહાર
શિક્ષકની ઇસ્લામિક સ્ટેટની કથિત શૈલીમાં હત્યા કરવામાં આવી એ પછી રાષ્ટ્રીય એકતાનું જોરદાર પ્રદર્શન ફ્રાન્સમાં જોવા મળી રહ્યું છે, પરંતુ વિશ્લેષકો કહે છે કે શિક્ષકની હત્યા બાદ ધર્મનિરપેક્ષતા તથા અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય સંબંધે વર્ષોથી દબાયેલો અસંતોષ દેશના કેટલાક ભાગમાં પ્રકટ થઈ રહ્યો છે.
ફ્રાન્સની રાષ્ટ્રીય ઓળખનું કેન્દ્ર સરકારની ચુસ્ત ધર્મનિરપેક્ષતા છે. તેમના માટે આ બાબત "સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ"ના સિદ્ધાંત જેટલી જ મહત્ત્વની છે.
એ સિદ્ધાંત ફ્રાન્સની ક્રાંતિ પછીથી દેશ, સમાજ અને તેના બંધારણનો આધાર બની રહ્યો છે.
ફ્રાન્સમાં તમામ જાહેર સ્થળો, એ સ્કૂલ હોય કે હૉસ્પિટલ કે ઑફિસ, સરકારની નીતિ અનુસાર કોઈ પણ ધર્મના પ્રભાવથી સંપૂર્ણપણે મુક્ત હોવાં જોઈએ. ફ્રાન્સ નીતિગત રીતે માને છે કે કોઈ પણ ધર્મની ભાવનાના રક્ષણનો પ્રયાસ સ્વાતંત્ર્ય તથા દેશની એકતા માટે બાધક છે.
વાસ્તવમાં શિક્ષકની હત્યાના બે સપ્તાહ પહેલાં એટલે કે બીજી ઑક્ટોબરે રાષ્ટ્રપ્રમુખ મેક્રોંએ તેમના એક ભાષણમાં "ઇસ્લામિક કટ્ટરપંથ વિરુદ્ધ યુદ્ધ" માટે એક કાયદાની દરખાસ્ત રજૂ કરી હતી.
એ કાયદો અમલમાં આવી જશે તો ફ્રાન્સની મસ્જિદોમાં વિદેશી ઇમામો પ્રાર્થના કરી શકશે નહીં અને નાનાં બાળકોને ઘરમાં ઇસ્લામનું શિક્ષણ આપી શકાશે નહીં.
દક્ષિણ ફ્રાન્સની એક હાઈસ્કૂલનાં શિક્ષિકા માર્ટિન જિબ્લટને આ ખરડાની કેટલીક જોગવાઈઓ સામે જોરદાર વાંધો છે.
તેમણે કહ્યું હતું કે "આતંકવાદ વિરુદ્ધની લડાઈ સંબંધી મેક્રોંના ભાષણથી મને જે આધાત લાગ્યો છે એ ઘરમાં ધાર્મિક શિક્ષણ આપવા પરના પ્રતિબંધની જોગવાઈનો છે."
"મને આ જોગવાઈ સ્વતંત્રતાની હત્યા કરતી હોય એવું લાગે છે. બાળકોને ઘરમાં ધાર્મિક શિક્ષણ આપતા હોય એવાં અનેક માતા-પિતાઓને હું ઓળખું છું. તેઓ તેમના ઘરમાં બાળકોને શું ભણાવે છે તેની માહિતી મેળવવા શિક્ષણ અધિકારીઓ નિયમિત રીતે તેમના ઘરે આવતા રહે છે."
માર્ટિન જિબ્લટે સરકાર તથા મીડિયા પર જુઠ્ઠાણું ફેલાવવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે "સરકાર તરફથી એટલાં જુઠ્ઠાણાં સાંભળવા મળે છે કે મેં ફ્રાન્સની મુખ્ય ધારાની ન્યૂઝ ચેનલને જોવાનું જ બંધ કરી દીધું છે. એ ચેનલો દર્શકોમાં ડર પેદા કરે છે, જે લોકોનું બ્રેઇન વૉશિંગ કરવાની શ્રેષ્ઠ તરકીબ છે."
જોકે રાષ્ટ્રપ્રમુખ મેક્રોંના જણાવ્યા મુજબ, તેમના કાયદાનો હેતુ "ફ્રાન્સમાં આત્મજ્ઞાનને અનુકૂળ ઇસ્લામને વેગ આપવાનો છે."
રાષ્ટ્રપ્રમુખના આ નિવેદનનો અર્થ એવો થાય કે ફ્રાન્સના સ્ટેટ સેક્યુલરિઝમ અને ત્યાંના મુસલમાનોના ધાર્મિક વિચારો વચ્ચે તાલમેલ નથી?
અમેરિકાની સૅન ડિએગો યુનિવર્સિટીના પ્રોફેસર અને 'ઇસ્લામ, ઑથૉરિટેરિયનિઝમ ઍન્ડ અન્ડરડેવલપમૅન્ટ' પુસ્તકના લેખક અહમત કુરૂએ જણાવ્યું હતું કે પાયાની હકીકત બહુ જટીલ છે.
તેમણે કહ્યું હતું કે "સેક્યુલર ફ્રાન્સમાં કૅથલિક લોકો માટે વાસ્તવમાં ઘણા અપવાદ છે. સરકાર ખાનગી કૅથલિક સ્કૂલોને પૂરતું સરકારી ભંડોળ ઉપલબ્ધ કરાવે છે. ફ્રાન્સમાં 11 સત્તાવાર રજાઓમાં છ દિવસ કૅથલિક માટે મહત્ત્વના છે."
"ફ્રાન્સમાં ધર્મનિરપેક્ષતાનો અર્થ મોટા ભાગે મુસલમાનોના ધાર્મિક મુદ્દાઓનો અસ્વીકાર કરવો એવો થાય છે."
પ્રોફેસર કુરુના જણાવ્યા અનુસાર, બહુસંસ્કૃતિવાદને પણ સ્થાન આપી શકાય એવા સેક્યુલરિઝમની માગ ફ્રાન્સમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી વધી છે.
તેમણે કહ્યું હતું કે "દાખલા તરીકે, ફ્રાન્સના વિખ્યાત વિદ્વાન જ્યાં બોબરો 'બહુલવાદી ધર્મનિરપેક્ષતા'ની તરફેણ કરે છે. જાહેર સ્થળોમાં કેટલાંક ધાર્મિક પ્રતીકોને સહન કરી શકે એવી વ્યવસ્થાની વકીલાત તેઓ કરે છે."
ડેન્માર્કની આરહૂસ યુનિવર્સિટીમાં કાર્યરત ભારતીય મૂળના પ્રોફેસર તથા લેખક ડૉ. તાબિશ ખૈર વર્ષોથી યુરોપમાં વસવાટ કરે છે.
તેમને ભારતમાં ઇસ્લામી કટ્ટરપંથ અને યુરોપમાં ઇસ્લામવિરોધી વંશવાદ બન્નેની હિંસાનો અંગત અનુભવ છે.
ફ્રાન્સમાંની હાલની કટોકટી બાબતે તેમણે કહ્યું હતું કે "કોઈ ધર્મ, રાષ્ટ્ર કે વિચારધારાના નામે આચરાયેલી ફાસીવાદી હિંસાની આપણે તત્કાળ નિંદા કરવી જોઈએ. બીજી વાત એ કે એવાં કૃત્યને કોઈ લેબલ લગાવવું ન જોઈએ."
એ ઇસ્લામી ઉગ્રવાદનો હુમલો હતો?
ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખે શિક્ષકની હત્યાના કૃત્યને 'ઇસ્લામિક આતંકવાદ'નું લેબલ લગાવ્યું હતું. તેને તાબિશ ખૈર યોગ્ય માનતા નથી.
તેમણે કહ્યું હતું કે "એ આતંકી કૃત્ય છે, આતંકવાદનું નહીં. કોઈ સમૂહે તેની યોજના ન બનાવી હોય તો એ ભ્રામક છે. કેટલીક રીતે બદતર છે. એ દર્શાવે છે કે ધાર્મિક કટ્ટરપંથી અને ક્રોધી વ્યક્તિ અચાનક જ આ પ્રકારના ઘૃણાસ્પદ અપરાધ કરી શકે છે."
તાબિશ માને છે કે આ પ્રકારની ઘટનાઓ પછી કોઈ એક ધર્મ કે સમુદાયના લોકોના આરોપીના પાંજરામાં ઊભા કરવા સદંતર અયોગ્ય છે.
તાબિશે કહ્યું હતું કે "મુસલમાનોને બલિનાં બકરાં બનાવવા પાછળનો રાજકીય નેતૃત્વનો હેતુ તેમની નિષ્ફળતાને છુપાવવાનો હોય છે."
પ્રોફેસર કુરુના જણાવ્યા અનુસાર, ઇસ્લામ હાલ જે 'સંકટ'નો સામનો કરી રહ્યો છે તેનાં મૂળ મુસ્લિમ વિશ્વની ઐતિહાસિક તથા રાજકીય નિષ્ફળતામાં છે, ઇસ્લામ ધર્મમાં નહીં.
તેમણે કહ્યું હતું કે "ઇજિપ્ત, ઈરાન અને સાઉદી અરેબિયા જેવાં અનેક મુસ્લિમ રાષ્ટ્રોમાં લાંબા સમયથી સ્થાયી સત્તાવાદી શાસન અને જૂનું પછાતપણું છે. દુનિયાના મુસ્લિમ બહુમતીવાળા 49 દેશો પૈકીના 32 દેશોમાં ધર્મનિંદાના કાયદા હેઠળ લોકોને દંડવામાં આવે છે."
"છ દેશોમાં ધર્મનિંદા માટે મૃત્યુની સજા ફરમાવવામાં આવે છે. અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે અવરોધરૂપ આ કાયદાઓ ઇસ્લામના રૂઢિવાદી વિદ્વાનો તથા સત્તાવાદી શાસકોના હિતમાં હોય છે, ઇસ્લામ ધર્મના હિતમાં નહીં. તે વાસ્તવમાં કુરાનની એ આયાતોનું ઉલ્લંઘન છે, જેમાં મુસલમાનોને અન્ય ધર્મોના લોકો પર બળજબરી કે વળતો હુમલો નહીં કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે."
બીજી તરફ ફ્રાન્સ અને યુરોપમાં ઇસ્લામોફોબિયા એટલે કે ઇસ્લામનો ભય આજે પણ હકીકત છે.
દક્ષિણ ફ્રાન્સના નીસ શહેર પાસે ઇટાલીની સરહદ નજીકના મૌંતો નામના ગામનાં રહેવાસી ફ્રેન્ચ યુવતી માર્ગેરિટા મરીનકોલાએ કહ્યું હતું કે "આ ઘટનાને ઇસ્લામ સાથે સાંકળવી યોગ્ય નથી. મારો દૃષ્ટિકોણ ફ્રાન્સમાં બહુ લોકપ્રિય નથી."
"ફ્રાન્સમાં જે થયું તેની હું બેશક નિંદા કરું છું અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય વિરુદ્ધની હિંસાની પણ નિંદા કરું છું, પરંતુ આ કૃત્ય કોઈ પણ રીતે ઇસ્લામ કે મુસલમાનોનું પ્રતિનિધિત્વ કરતું નથી. મને લાગે છે કે આ વાતને અહીં યોગ્ય રીતે સમજવામાં આવી નથી."
માર્ગેરિટાએ ઉમેર્યું હતું કે "ફ્રાન્સના એક નાગરિક તરીકે હું અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને સંપૂર્ણ ટેકો આપું છું, પરંતુ તેને વ્યંગ સામયિક શાર્લી એબ્દો સાથે કોઈ લેવાદેવા નથી. શાર્લી એબ્દો ફ્રાન્સના આદર્શથી અલગ, દરેક ચીજનું અત્યંત અહંકારભરી રીતે સતત અપમાન કરે છે."
ફ્રાન્સના કેટલાક મુસલમાનોનું કહેવું છે કે તેઓ તેમની ધાર્મિક આસ્થાને કારણે વંશવાદ તથા ભેદભાવનું નિશાન સતત બની રહ્યા છે. આ એક એવો મુદ્દો છે, જેણે ફ્રાન્સમાં લાંબા સમયથી તંગદિલી સર્જી રાખી છે. કેટલાક મુસલમાનો માને છે કે તેમને ઉશ્કેરવાના પ્રયાસો વર્ષોથી ચાલી રહ્યા છે.
દિલ્હીના ફ્રાન્સ દૂતાવાસમાં કામ કરતાં એક મહિલા રાજદ્વારી અધિકારીના જણાવ્યા મુજબ, તેમના દેશમાં મામલો જટિલ છે.
તેમણે કહ્યું હતું કે "ફ્રાન્સના જમણેરીઓને એવા મુસલમાનો સામે વાંધો છે, જેઓ ફ્રાન્સમાં જન્મ્યા છે, ફ્રાન્સમાં રહે છે, પણ તેમની જીવનશૈલી અને વિચારધારા તેમના પૂર્વજોના દેશોથી પ્રેરિત છે. એ વાત ફ્રાન્સના સેક્યુલર માહોલને અનુરૂપ નથી."
જોકે હાઈસ્કૂલનાં શિક્ષિકા માર્ટિને કહ્યું હતું કે "અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો અર્થ કોઈના ધાર્મિક વિચારોને જાણીજોઈને પીડા આપવી એવો નથી."
એકીકરણનું ફ્રેન્ચ મૉડલ નિષ્ફળ?
પશ્ચિમ યુરોપમાં મુસલમાનોની સૌથી વધુ વસતી ફ્રાન્સમાં છે. તેઓ ફ્રાન્સની કુલ વસતીનો 10 ટકા હિસ્સો છે.
એ લોકો મોરક્કો, અલ્જિરિયા, માલી અને ટ્યુનિશિયા જેવા દેશોમાંથી આવીને ફ્રાન્સમાં વસ્યા બાદ સમૃદ્ધ થયા છે. એ દેશોમાં ફ્રાન્સે 19મી અને 20મી સદીમાં શાસન કર્યું હતું.
તેમની પહેલી પેઢીએ વંશવાદની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, પણ એ પછીની પેઢીઓને તે અસ્વીકાર્ય હતું. તેથી પોતાની અલગ ઓળખ જાળવી રાખવા માટે તેમણે વ્યવસ્થાના પડકારવાનું શરૂ કર્યું હતું.
સેક્યુલરિઝમની નીતિ હેઠળ એક એવા ફ્રેન્ચ મૉડલનો વિકાસ થયો, જેમાં લઘુમતી વસતીને દેશની મુખ્ય ધારામાં સામેલ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.
માર્ગરિટા મરીનકોલા જ્યાં રહે છે તેની આસપાસનાં શહેરોમાં માર્સે તથા નીસનો સમાવેશ થાય છે. એ શહેરો મુસ્લિમ આરબોની વસતી તથા સંસ્કૃતિ માટે જાણીતાં છે.
માર્ગરિટા માને છે કે એકીકરણનું ફ્રેન્ચ મૉડલ ઉપયોગી રહ્યું નથી.
તેમણે કહ્યું હતું કે "મારા મતે એકીકરણના ફ્રેન્ચ મૉડલમાં સમસ્યા છે. એ ઉપયોગી રહ્યું નથી અને ઇસ્લામને નામે જેમનો દુરુપયોગ થાય છે એવા લોકોનું બ્રેઇનવૉશિંગ ગુનેગારો આસાનીથી કરી રહ્યા છે."
એકીકરણની નીતિ ઉપયોગી રહી નથી તેની ચિંતા ફ્રેન્ચ સમાજને પણ છે. 16 ઑક્ટોબરે શિક્ષકની હત્યા જેણે કરી એ હુમલાખોર ચેચેને શરણાર્થી 18 વર્ષનો જ હતો.
ફ્રાન્સમાં આ વયજૂથના લોકો પોતાની ઓળખ બાબતે અવઢવમાં છે. અશ્વેત વંશ અને આરબ મુસ્લિમોનાં બાળકોનાં દિમાગમાં આ સવાલ વારંવાર થતો રહે છે.
નીસ શહેર પાસે હાઈસ્કૂલનાં વિદ્યાર્થી છોકરાં-છોકરીઓ સાથે ક્લાસમાં ત્રણ દિવસ સુધી વાત કરવાની તક મને છ વર્ષ પહેલાં મળી હતી.
ભારતના બહુસાંસ્કૃતિક સમાજમાં રહેવાનો અનુભવ તેમને જણાવવાનું મને કહેવામાં આવ્યું હતું. મેં નોંધ્યું હતું કે બાળકોના મનમાં અનેક સવાલ હતા અને એ પૈકીના મોટા ભાગના તેમની પોતાની ઓળખ સાથે જોડાયેલા હતા. સ્કૂલના અધિકારીઓએ કદાચ તે સમજાયું હતું. મારા અનુભવમાંથી બાળકોને કોઈ દિશા સાંપડે એ હેતુસર અધિકારીઓએ મને ત્યાં બોલાવ્યો હતો.
સ્કૂલમાં તમામ વંશ અને ધર્મનાં બાળકો હતાં. આરબ મૂળના કેટલાક છોકરાઓએ મને જણાવ્યું હતું કે ભારતમાં તમામ ધર્મોને સમાન ગણવામાં આવતા હોવાથી તેમને ભારત પસંદ છે. તેમણે હિન્દી ફિલ્મો જોઈ હતી અને એક ખુશખુશાલ બહુસાંસ્કૃતિક ભારતની તેમની કલ્પના શાહરુખ ખાનની ફિલ્મો પર આધારિત હતી.
તેમણે જણાવ્યું હતું કે તેમના શ્વેત દોસ્તો ઇસ્લામ વિશે કશું જાણતા નથી અને ઇસ્લામવિરોધી વિચારધારા ધરાવે છે તથા ઇસ્લામ-વિરોધી વાતો વારંવાર કરતા રહે છે.
આવા વાતાવરણમાં ઇસ્લામ-વિરોધી નિવેદનો અને કૃત્યો ઇસ્લામોફોબિયાને ભડકાવે છે. મુસ્લિમ સમાજ પરની ટોણાબાજી વધે છે.
બીજી તરફ સ્થળાંતરિત આરબ લોકોમાં ભયંકર બેરોજગારી તથા ગરીબીને કારણે ઇસ્લામી ઉગ્રતાવાદીઓનું કામ આસાન બની જાય છે અને તેઓ એમને ફોસલાવી લે છે.
સ્વિટ્ઝર્લૅન્ડમાં જીનિવા ઇન્સ્ટિટ્યૂટ ઑફ જિયૉપોલિટિકલ સ્ટડીઝના એકૅડેમી ડિરેક્ટર અલેકઝેન્ડર લૅમ્બર્ટ માને છે કે માત્ર ફ્રાન્સ જ નહીં, સમગ્ર યુરોપમાં બિનખ્રિસ્તી ધર્મોને સહન કરવાની ક્ષમતા ઘટી રહી છે.
તેમણે કહ્યું હતું કે "વાસ્તવમાં યુરોમપાં બહુસંસ્કૃતિવાદ અપનાવવા માટેનું બંધારણીય માળખું જ નથી. મધ્ય-પૂર્વ અને દક્ષિણ-પૂર્વ યુરોપ સહિતના ઘણા દેશોમાં રાષ્ટ્રીયતા તથા નાગરિકત્વ કોઈને કોઈ રીતે ખ્રિસ્તી ધર્મ (સામાન્ય રીતે કૅથલિક કે ઑર્થોડોક્સ) સાથે જોડાયેલાં રહે છે. બહારથી આવેલા અન્ય ધર્મમાં આસ્થા ધરાવતા લોકો સાથે તેમની વૈચારિક ટક્કર થતી રહે છે."
બધી સમસ્યા પશ્ચિમ યુરોપમાં
પ્રોફેસર ઍલેકઝેન્ડર લૅમ્બર્ડ સ્વિટ્ઝર્લૅન્ડના નાગરિક છે. તેમના જણાવ્યા અનુસાર, તેમના દેશમાં મસ્જિદના મિનારાના નિર્માણ પર સરકારી પ્રતિબંધ છે. સરકારે લોકોને પૂછીને આ પ્રતિબંધ લાદ્યો છે.
તેમણે કહ્યું હતું કે "અમારા દેશમાં મુસલમાનો સરખામણીએ વધારે સારી રીતે હળીભળી ગયા છે. બિનમુસ્લિમો સાથે તેમને કોઈ તંગદિલી નથી. સ્થાનિક ખ્રિસ્તી બહુમતી સાથે પણ નહીં. એ ઉપરાંત સ્વિટ્ઝર્લૅન્ડમાં યહૂદી સમુદાય પર કોઈ જોખમ નથી. એવું જોખમ કમનસીબે ફ્રાન્સમાં ફરી માથું ઊંચકી રહ્યું છે."
ફ્રાન્સમાં બુરખા પર લાદવામાં આવેલા પ્રતિબંધને અન્ય દેશોના મુસલમાનોએ હકારાત્મક રીતે સ્વીકાર્યો નથી. તેઓ પ્રતિબંધને ઇસ્લામ તથા તેમની ઓળખ પરનો પ્રહાર માને છે.
પ્રોફેસર ઍલેકઝેન્ડર લૅમ્બર્ટના જણાવ્યા મુજબ, યુરોપમાં શ્વેતવંશીઓની વસતી ઘટી રહી છે.
તેમણે કહ્યું હતું કે "યુરોપમાં લોકસંખ્યા ઘટી રહી છે. એક અનુમાન મુજબ, 2050 સુધીમાં યુરોપમાં મુસલમાનોની વસતી ઘણી વધી જશે, કારણ કે યુરોપના મૂળ લોકોની વસતી ઘટી રહી છે અને મુસ્લિમોની વસતી વધી રહી છે."
પ્રોફેસર લૅમ્બર્ટના જણાવ્યા અનુસાર, આ સત્યના પાઠ યુનિવર્સિટીઓમાં ભણાવવા જોઈએ.
આ બાબત યુરોપમાં રહેતા લોકો માટે અસલામતી તથા ચિંતાનું વાતાવરણ સર્જે છે. તેના પરિણામે મુસ્લિમ તથા યુરોપીયન સમાજમાં તંગદિલી સર્જાય એ દેખીતું છે.
હવે લોકો એવું કહી રહ્યા છે કે ફ્રાંસ હોય કે યુરોપના બીજા દેશો, દેશમાં મુસ્લિમ વસતીને એકીકૃત કરવા માટે એક સફળ ફૉર્મ્યુલા ઘડવાની જરૂર છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો