અમેરિકાની ચૂંટણી: ડોનાલ્ડ ટ્રમ્પનું ચાઇનીઝ બૅન્કમાં છે ખાતું- ન્યૂયોર્ક ટાઇમ્સનો અહેવાલ

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીને આડે ગણતરીના દિવસો છે ત્યારે ન્યૂયોર્ક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પનું ચીનની એક બૅન્કમાં એકાઉન્ટ હોવાની વિગતો સામે આવી છે.
આ બૅન્ક ખાતાની દેખરેખ ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટલ્સ મૅનેજમેન્ટ કરે છે અને વર્ષ 2013થી 2015 સુધી આ બૅન્ક ખાતા દ્વારા સ્થાનિક કરની ચૂકવણી કરવામાં આવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવક્તા મુજબ એશિયામાં હોટલઉદ્યોગને લગતી સંભાવનાઓ તપાસવા માટે આ ખાતું ખોલવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનમાં વેપાર કરનારી અમેરિકન કંપનીઓની ટીકા કરતા રહ્યા છે અને એમણે ચીન સામે વેપારયુદ્ધ છેડ્યું છે.
ન્યૂયોર્ક ટાઇમ્સ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પના ટેક્સ રૅકોર્ડ પરથી એમને આ બૅન્ક ખાતા અંગે જાણકારી મળી છે અને તેમાં ટ્રમ્પની વ્યક્તિગત અને કંપનીની નાણાકીય વિગતો સામેલ છે.
ઉલ્લેખનીય છે કે અખબારે આગલી રિપોર્ટમાં દાવો કર્યો હતો કે વર્ષ 2016-2017માં જ્યારે ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે એમણે કર તરીકે ફક્ત 750 અમેરિકન ડૉલરની ચૂકવણી કરી હતી.
જોકે, ડોનાલ્ડ ટ્રમ્પ એ રિપોર્ટ પર સ્પષ્ટતા કરી ચૂક્યા છે. ટ્રમ્પે કહ્યું હતું કે એમણે ટેક્સ બચાવવાના તમામ નિયમોનો લાભ લીધો અને એટલે એમણે આટલો ઓછો કર ચૂકવવો પડ્યો.
અખબારના વર્તમાન અહેવાલ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પના ચાઇનીઝ બૅન્ક અકાઉન્ટમાંથી 1,88,561 અમેરિકન ડૉલરની સ્થાનિક કર ચૂકવણી કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકામાં 3 નવેમ્બરે રાષ્ટ્રપતિપદની ચૂંટણી થવાની છે અને તેનો પ્રચાર કરવામાં ટ્રમ્પ વિરોધી જો બાઇડનની ચીનની નીતિને લઈને ટીકા કરી રહ્યા છે.
પોતાની વાતને મજબૂત કરવા ટ્રમ્પ સરકારે ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડનના પુત્ર હંટર અને ચીન વચ્ચે વેપારી સંબંધ હોવાનો સંકેત પણ અનેકવાર આપ્યો છે.

વિદેશી બૅન્કોમાં ખાતા

ઇમેજ સ્રોત, Reuters
ટ્રમ્પની કંપનીના વકીલ એલન ગાર્ટને ન્યૂયોર્ક ટાઇમ્સને કહ્યું કે, 'ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટલ્સ મૅનેજમેન્ટે સ્થાનિક કરોની ચૂકવણી સરળ બને તે માટે ચાઇનીઝ બૅન્કમાં ખાતું ખોલાવ્યું હતું.'
ગાર્ટને દલીલ કરી છે કે '2015 પછી આ ચાઇનીઝ બૅન્ક ખાતામાંથી ટ્રમ્પની ટીમે કોઈ લેવડ-દેવડ, સોદો કે વ્યવસાયની પ્રવૃત્તિ કરી નથી. આ બૅન્ક ખાતું ચાલુ જ રહ્યું પણ એનો ઉપયોગ અન્ય કોઈ હેતુ માટે કરવામાં નથી આવ્યો.'
ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા એ અગાઉ એક આંતરરાષ્ટ્રીય વેપારી રહી ચૂક્યા છે અને એમનો રિઅલ એસ્ટેટ સમેત અનેક કારોબાર છે.
ન્યૂયોર્ક ટાઇમ્સે પોતાની રિપોર્ટમાં દાવો કર્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું ચીન ઉપરાંત બ્રિટન અને આયરલૅન્ડની બૅન્કોમાં પણ ખાતું છે.

'ચીન પર આપણી નિર્ભરતા ખતમ'

ઇમેજ સ્રોત, EPA
ઑગસ્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ જે અમેરિકન કંપનીઓ કારખાનાઓ ચીનથી બહાર ખસેડવા તૈયાર છે એમને તેઓ કર રાહત આપવા તૈયાર છે.
એમણે ચીન માટે કામ ચાલુ રાખનાર કંપનીઓની સવલતો છીનવી લેવાની ધમકી પણ આપી હતી.
એક ભાષણમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે 10 મહિનામાં એક કરોડ નોકરીઓ ઊભી કરીશું. એમણે એમ પણ કહ્યું કે "આપણે ચીન પરની નિર્ભરતા સમાપ્ત કરીશું."
જોકે, આનાથી વિપરીત ન્યૂયોર્ક ટાઇમ્સનો અહેવાલ કહે છે કે કેવી રીતે ટ્રમ્પ ચીનમાં વેપાર કરવાની સંભાવનાઓની તપાસ કરી રહ્યા હતા. વર્ષ 2012માં શાંઘાઈમાં એક ઑફિસ ખોલવાની સાથે જ એમના પ્રયાસો તેજ બન્યા હતા.
ટેક્સની વિગતો કહે છે કે ટ્રમ્પે કેટલાક વર્ષોમાં, ખાસ કરીને ચીનમાં પોતાની પરિયોજનાઓને આગળ વધારવા માટે બનાવવામાં આવેલી પાંચ નાની કંપનીઓમાં કમસે કમ 1,92,000 અમેરિકન ડૉલરનું રોકાણ કર્યું.
ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ ટ્રમ્પની ચીનની યોજનાઓનું સંચાલન મોટા ભાગે ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટલ્સ મૅનેજમેન્ટ કરે છે.
ચૂંટણી સમયે સામે આવેલી આ વિગતો મતદારોને કેટલી પ્રભાવિત કરશે એ તો સમય જ કહેશે.
અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીને આડે હવે બે અઠવાડિયાઓ જ બાકી છે. ગુરૂવારે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર ટ્રમ્પ અને જો બાઇડન વચ્ચે ફરી એક વાર સીધી ચર્ચા થવાની છે.
અત્યાર સુધીના ચૂંટણી વર્તારા મુજબ ડેમોક્રેટિક પાર્ટી આગળ માનવામાં આવી રહી છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પના પત્ની મેલાનિયા હજી પ્રચારથી બહાર છે. તેઓ હજી કોરોના સંક્રમણના અમુક લક્ષણોથી મુક્ત નથી થયાં એમ કહેવામાં આવી રહ્યું છે.
બુધવારે પહેલી વાર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં પોતાની પાર્ટીના ઉમેદવાર ડો બાઇડન માટે પ્રચારમાં ભાગ લેવાના છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ બુધવારે નોર્થ કેરોલિનાના ગૈસોટિયામાં એક ચૂંટણીસભામાં ભાગ લેવાના છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















