કોરોના વાઇરસ : નરેન્દ્ર મોદી પાસે ડોનાલ્ડ ટ્રમ્પે મદદ કેમ માગવી પડી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કોરોના વાઇરસને લઈને કરવામાં આવેલી પ્રેસવાર્તામાં કહ્યું કે ભારત હાઇડ્રૉક્સીક્લોરોક્વિન દવાના નિકાસ પરથી પ્રતિબંધ ન હઠાવી શકે તો ઠીક છે, તે બદલ અમેરિકા પગલાં લઈ શકે છે.
જોકે આ કેવાં પગલાં હશે તે બાબતે તેમણે કશું જ કહ્યું નથી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હજી ગણતરીના દિવસો પહેલાં ટ્વીટ કરીને જણાવ્યું હતું કે “અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર લાંબી વાત થઈ. બંને દેશોએ કોરોના વિરુદ્ધની લડાઈમાં પૂર્ણ દમખમ સાથે એક બીજાનો સહકાર આપશે.”
ચાર એપ્રિલે સવાર-સવારમાં વડા પ્રધાને આ વાત કહી પરંતુ તેમણે એ ન જણાવ્યું કે કોરોના વિરુદ્ધની લડતમાં અમેરિકાએ ભારત પાસેથી કયા પ્રકારની મદદ માગી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાતે મીડિયામાં આ બાબતે માહિતી આપી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલીફોન પર વાત કર્યા પછી સ્થાનિક મીડિયાને સંબોધિત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "મેં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. ભારત મોટી માત્રામાં હાઇડ્રૉક્સીક્લોરોક્વિન બનાવે છે."
"હાલ તેમણે આ દવા પર રોક લગાવી છે. ભારતમાં પણ આ દવા બહું વપરાય છે. ભારતની વસતી પણ વધારે છે પરંતુ અમે તેમને આ દવા માટે પોતાનો ઑર્ડર મોકલ્યો છે. તેમણે અમારા ઑર્ડર પર વિચાર કરવાનો ભરોસો અપાવ્યો છે."
કોરોના વાઇરસથી લડવા માટે કોઈ પણ પ્રકારની રસી હજી સુધી નથી શોધી શકાઈ. પરંતુ અમેરિકામાં કોરોનાના દર્દીઓની સારવારમાં હાઇડ્રૉક્સીક્લોરોક્વિનનો વપરાશ થઈ રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલ દુનિયામાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સૌથી વધારે સંખ્યા અમેરિકામાં છે. જોહ્ન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા પ્રમાણે અમેરિકામાં ત્રણ લાખ 37 હજાર દર્દીઓ છે. ત્યાં અત્યાર સુધી લગભગ 9,600 લોકોનાં મૃત્યુ થયાં છે.

ભારતમાં દવાના નિકાસ પર પ્રતિબંધ

ઇમેજ સ્રોત, DGFT Website
અમેરિકાએ ભારત પાસે જે દવા માગી છે તેના નિકાસ પર ભારતમાં પહેલાંથી જ પ્રતિબંધ છે.
25 માર્ચ 2020ના ડાયરેક્ટર જનરલ ઑફ ફૉરેન ટ્રેડે આ દવાના નિર્યાત પર પ્રતિબંધ મૂકતા એક પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે વિશેષ પરિસ્થિતિ (SEZ અને જ્યાં પૂર્ણ પેમેન્ટ લેવાઈ ગયું હોય)માં જ તેના નિકાસની પરવાનગી મળી શકે છે.
ડાયરેક્ટર જનરલ ઑફ ફૉરેન ટ્રેડ ભારત સરકારના વાણિજ્ય તથા વ્યવસાય મંત્રાલય હેઠળ આવે છે.
જોકે 25 માર્ચના આ પરિપત્રમાં ચાર એપ્રિલના રોજ ડાયરેક્ટર જનરલ ઑફ ફૉરેન ટ્રેડ તરફથી ચાર એપ્રિલે ફેરબદલ કરવામાં આવ્યા.

ઇમેજ સ્રોત, MOHW
ફેરબદલ પછી નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો જેમાં કહેવામાં આવ્યું કે આ દવાના નિકાસ પર પૂર્ણ પ્રતિબંધ છે. કોઈ પણ પરિસ્થિતિમાં આનો બહાર દેશમાં નિકાસ નહીં કરવામાં આવી શકાય.
આ નવો પરિપત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગળામાં ફાંસની અટકી ગયો છે.
એ તો સ્પષ્ટ છે કે મંત્રીઓના સમૂહ અને સલાહકાર પરિષદ સાથે વિચારણા વગર વડા પ્રધાન મોદી આ વાત પર કોઈ નિર્ણય ન લઈ શકે.

ભારતમાં આ દવાનો વપરાશ
ભારતમાં આ દવાનો વપરાશ આર્થરાઇટિસ, મલેરિયા અને લ્યૂપસ (LUPUS) નામની બીમારીના ઉપચારમાં કરવામાં આવે છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવ પ્રમાણે, ''હાઇડ્રૉક્સીક્લોરોક્વિનનો વપરાશ માત્ર હૉસ્પિટલ વર્કર્સ કરશે જે કોવિડ19ના દર્દીની સારવારમાં લાગેલા છે. અથવા જેમના ઘરમાં કોઈ સંક્રમિત વ્યક્તિ હોય તો તેની સાર-સંભાળ લઈ રહેલા લોકોજ આ દવા લઈ શકે છે.''
તે સિવાય ICMRએ 21 માર્ચના એક પ્રેસ રિલીઝ બહાર પાડી હતી કે નેશનલ ટાસ્ક ફોર્સ કોવિડ19નું ગઠન કરવામાં આવ્યું છે. આ ટાસ્ક ફોર્સ પ્રમાણે હાઇડ્રૉક્સીક્લોરોક્વિન દવા એવા લોકો જ લઈ શકે છે જે હાઇ રિસ્કમાં આવતા હોય.
એટલે હૉસ્પિટલમાં કામ કરનાર એ લોકો જે કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીની સારવાર લઈ રહ્યા છે અથવા જેમના ઘરે કોરોના પૉઝિટિવ દર્દી હોય, તેના સંપર્કમાં રહેનાર લોકો આ દવા લઈ શકે છે.
''આ દવા માન્યતા પ્રાપ્ત ડૉક્ટરના પ્રિસ્ક્રિપશન પર જ આપવામાં આવશે, પરંતુ આ દવા લેનાર વ્યક્તિ કોરોનાના લક્ષણ સિવાય બીજી કોઈ મુશ્કેલી અનુભવે તો તેને તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.''

શું ભારત અમેરિકાની મદદ કરશે?

ઇમેજ સ્રોત, Getty Images
આ દવા ભારતમાં પાંચ કમ્પનીઓ બનાવે છે.
ભારતમાં Cipla, IPCA, Intas, Wallace અને Zydus Cadila જેવી કમ્પનીઓ આ દવા બનાવે છે.
ઇન્ડિયન ડ્રગ મૅન્યુફૅક્ચર્સ ઍસોસિયેશનના કાર્યકારી નિદેશક અશોક કુમાર મદાને બીબીસીને કહ્યું કે ભારતમાં અત્યાર સુધી આ દવાના સપ્લાયમાં કોઈ તંગી નથી થઈ.
“સરકારને આ દવાની જેટલી જરૂરિયાત છે, આ પાંચ કંપનીઓની મદદથી અમે આ સપ્લાય કરી રહ્યા છીએ.”
અત્યાર સુધી ભારતથી આ દવા આફ્રિકન દેશોમાં નિકાસ કરવામાં આવતી હતી.
ઑટો ઇન્યુન બીમારીઓની સારવારમાં આ દવાનો વપરાશ વધારે થતો હોય છે. પરંતુ ભારતમાં કોરોનાના સંક્રમણ સામેની લડતમાં આ દવા વાપરવામાં આવી રહી છે.
મોટાભાગના ડૉક્ટર અને સંક્રમિત દર્દીની સાર-સંભાળ લઈ રહેલા લોકો આ દવા લઈ રહ્યા છે, પરંતુ રાજસ્થાનમાં કોવિડ19ના પૉઝિટિવ દર્દીઓને પણ આ દવા આપવામાં આવી રહી છે.
રાજસ્થાનના સવાઈ માનસિંહ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના પ્રિન્સિપાલ ડૉ. સુધીર ભંડારી કહે છે, "રાજસ્થાન સરકાર તરફથી હવે આ દવા પૂરી પાડવામાં આવી રહી છે."
"કોવિડ19ના દર્દીઓની સારવાર કરી રહેલા ડૉક્ટરોને આ દવા આપવામાં આવી છે અને બાકી કોવિડ19 દર્દીઓને પણ આ દવા આપવામાં આવી રહી છે, ભારતમાં હવે કોવિડ19ની સારવારમાં આ દવાને સામેલ કરવામાં આવી છે. "

શું ભારતે આ દવા અમેરિકા મોકલવી જોઈએ?
આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, “ભારત પાસે કેટલી દવા છે અને કેટલી જરૂરિયાત છે, એ વાતને ધ્યાનમાં રાખીને સરકારે કોઈ નિર્ણય કરવો જોઈએ."
"આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ભારતમાં કોરોના સંક્રમણની સંભવિત સ્થિતિ શું છે. એટલે આવનારા દિવસોમાં આ દવાની માગ વધી શકે છે. અમને એ પણ નથી ખબર કે કોરોના વાઇરસની અસર ભારતમાં કેટલો સમય રહેશે."
"જો અમારી આજની ખપત અને આવનારા દિવસોમાં સંભવિત ખપત કરતાં વધારે દવા આપણે બનાવી શકતા હોય તો આપણે જરૂર અમેરિકાની મદદ કરવી જોઈએ. પરંતુ પોતાને ખતરામાં નાખીને નહીં.”
ભારતમાં સોમવાર સુધી કોરોનાના દર્દીઓની સંખ્યા ચાર હજારને પાર કરી ગઈ છે અને 111 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
અશોક મદાન પણ ડૉક્ટરની વાતથી સહેમત છે.
તેમના પ્રમાણે, “આ દવાની ડિમાન્ડ અચાનક વધી ગઈ છે. પરંતુ અમારી પાસે આજની તારીખમાં આને ઍક્સપૉર્ટ કરવાની ક્ષમતા છે."
"સરકાર જે નિર્ણય કરશે અમે તેમાં સહયોગ કરવા માટે તૈયાર છીએ. પરંતુ પહેલાં ડૉમેસ્ટિક ડિમાન્ડ પૂરી કરવી, એ જ અમારી પ્રાથમિકતા હશે.”
અશોક મદાન પ્રમાણે આ દવા બનાવવામાં વપરાતો અમુક સામાન ભારતમાં બને છે અને અમુક સામગ્રી ચીનથી આવે છે. આ સામગ્રી હજી ચીનથી આવી રહી છે અને આમાં કોઈ કમી નથી આવી.
બીબીસીએ કેટલાક ટ્રેડર્સ સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કર્યો કે દિલ્હીમાં આ દવાનો સપ્લાય કેટલો છે.
દિલ્હી ડ્રગ ટ્રેડર ઍસોસિયેશન, ભગીરથ પ્લેસના જનરલ સેક્રેટરી આશીષ ગ્રોવરે કહ્યું કે “માર્કેટમાં અત્યારે આ દવા નથી મળી રહી. શરૂઆતમાં હતી પરંતુ હવે માર્કેટમાંથી ગાયબ છે.”
બીબીસીએ દવા બનાવવા વાળી કમ્પની ZYDUS સાથે પણ સંપર્ક કર્યો. તેમની પ્રતિક્રિયા હજી નથી મળી શકી.

અમેરિકામાં હોઇડ્રૉક્સીક્લોરોક્વિનનો વપરાશ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
અમેરિકામાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં આ દવા મોટા પ્રમાણમાં વપરાઈ રહી છે.
21 માર્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે કોરોના વાઇરસની દવા અમેરિકામાં શોધાઈ હતી.
તેમણે ટ્વિટર પર લખ્યું હતું, ''હાઇડ્રૉક્સીક્લોરોક્વિન અને એઝિથ્રોમાઇસિનનું કૉમ્બિનેશન મેડિસિનની દુનિયામાં સૌથી મોટું ગેમચેઇન્જર સાબિત થઈ શકે છે."
"એફડીએએ મોટું કામ કરી દેખાડ્યું હતું, થૅન્કયુ. આ બંને ઍજન્ટને તત્કાલ પ્રભાવથી કામમાં લેવા જોઈએ, લોકોના જીવ લેવાઈ રહ્યા છે."
જોકે ટ્રમ્પના આ નિવેદન પછી 21 માર્ચના રોજ અમેરિકાના સેન્ટર ઑર ડિઝિઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (સીડીસી)એ એક રિપોર્ટ જાહેર કર્યો.
સીડીસીએ આ રિપોર્ટમાં કહ્યું કે કોવિડ19ને દર્દીઓ માટે એફડીએને કોઈ દવાની મંજૂરી નથી આપી.
જોકે આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે અમેરિકા સહિત અનેક દેશોમાં કોવિડ19ના દર્દીઓ માટે હાઇડ્રૉક્સીક્લોરોક્વિન વાપરવામાં આવી રહી છે.
એક નાના અભ્યાસ મુજબ હાઇડ્રૉક્લીક્લોરોક્વિન સાથે એઝિથ્રોમાઇસીનનું કૉમ્બિનેશન કોવિડ19ની અસરને ઘટાડી શકે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













