'હું પણ WhatsApp hackનો ભોગ બન્યો'

    • લેેખક, જો ટાઇડી
    • પદ, સાયબર સિક્યૉરિટી રિપોર્ટર, બીબીસી ન્યૂઝ

એપ્રિલ મહિનામાં ફૉસ્ટિન રુકુન્ડોના વૉટ્સઍપ પર એક અજાણ્યા નંબર પરથી કૉલ આવ્યો.

તેમણે કૉલ લીધો પરંતુ સામેથી કોઈ અવાજ ન આવ્યો અને પછી કૉલ કપાઈ ગયો. તેમણે એ નંબર પર વળતો કૉલ કર્યો પણ કોઈએ જવાબ ન આપ્યો.

તેમને ખબર નહોતી પણ તેમના ફોનનો ભોગ લેવાઈ ગયો હતો.

રવાન્ડાના નાગરિક તરીકે તેઓ દેશનિકાલ થયા હતા. તેમના પર સતત નજર રહેતી, તેથી તેઓ પોતાની પ્રાઇવસી અંગે સજાગ હતા.

તેમણે આ નંબર વિશે ઑનલાઇન તપાસ કરી તો ખબર પડી કે તેનો ડાયલ કૉડ સ્વિડનનો હતો.

તેમને થોડું વિચિત્ર લાગ્યું, પણ તેઓ બહુ જલદી બધું ભૂલી ગયા. ફરી એ નંબર પરથી કૉલ આવ્યો. તેમણે ફરી એ જ નંબર પર કૉલ કર્યો પણ કોઈ જવાબ મળ્યો નહીં.

તેમને અન્ય અજાણ્યા નંબર પરથી પણ મિસ્ડ કૉલ આવવા લાગ્યા, તેથી તેમને પોતાના પરિવાર વિશે ચિંતા થવા લાગી અને તેમણે નવો ફોન ખરીદી લીધો.

એક જ દિવસમાં ફરી એક અજાણ્યા નંબર પરથી કૉલ આવ્યો.

રુકુન્ડોએ બીબીસીને જણાવ્યું, "મેં ફોન ઉઠાવ્યો અને કંઈક અવાજ સાંભળું એ પહેલાં તેમણે કૉલ કાપી નાખ્યો."

"જ્યારે પણ મેં કૉલ કર્યો, કોઈ જવાબ મળ્યો નહીં. જ્યારે મારા ફોનમાંથી અમુક ફાઇલ ગાયબ થવા લાગી ત્યારે મને કશુંક ખોટું થઈ રહ્યું હોવાની શંકા ગઈ."

"મેં રવાન્ડા નેશનલ કૉંગ્રેસના મારા સહકર્મીઓ સાથે વાત કરી. તેમને પણ મારા જેવા જ અનુભવો થતા હતા. તેમને પણ મને આવતા હતા એ જ નંબર પરથી મિસ્ડ કૉલ્સ આવતા હતા."

રવાન્ડા નેશનલ કૉંગ્રેસ એવું જૂથ છે જે રવાન્ડાના શાસકોનો વિરોધ કરે છે.

મે મહિનામાં જ્યારે રુકુન્ડોને વૉટ્સઍપ હૅક થવાના સમાચાર મળ્યા ત્યારે તેમને સમજાયું કે તેમની સાથે શું થઈ રહ્યું હતું.

"મેં સૌથી પહેલાં બીબીસી પર આ અંગેની સ્ટોરી વાંચી અને વિચાર્યું, મારી સાથે તો આવું જ થયું છે."

"મને મારી ભૂલ સમજાઈ અને મેં નવો ફોન લઈ લીધો. એ લોકો મારા નંબર પર નજર રાખી રહ્યા હતા અને હું કોઈ પણ ફોન લઉં, મારા નંબર પર કૉલ કરીને દરેક ફોનમાં સ્પાય સોફ્ટવૅર મૂકી દેતા હતા."

રુકુન્ડોને સમજાઈ ગયું હતું કે તેઓ અને તેઓ એ 1400 લોકમાંથી એક હતા જેમના પર હૅકર્સે હુમલો કર્યો હતો.

પરંતુ આ અઠવાડિયે તેમના પર ટોરંટોની સિટીઝન લૅબમાંથી કૉલ આવ્યો ત્યારે તેમને ખાતરી થઈ ગઈ.

છેલ્લા છ મહિનાથી આ સંસ્થા ફેસબુક સાથે મળીને કામ કરી રહી છે અને કોણ-કોણ તેની અસર હેઠળ છે તે જાણવાની કોશિશ કરી રહી છે.

સંશોધકો આ અંગે કહે છે, "આ ઘટનાની તપાસના ભાગરૂપે સિટીઝન લૅબ દ્વારા લગભગ 100 લોકોની ઓળખ કરાઈ છે."

"તેમાં લગભગ 20 દેશોના માનવ અધિકાર કાર્યકર્તાઓ, પત્રકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે."

વૉટ્સઍપે ઇઝરાયલની કંપની એનએસઓ પર આરોપ લગાવ્યો છે કે તેણે પોતાના સ્પાયવૅર પેગાસસ દ્વારા લોકોની જાસૂસી કરી છે.

વૉટ્સઍપે મંગળવારે કૅલિફોર્નિયાની અદાલતમાં એનએસઓ ગ્રૂપ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

ભારતમાં લગભગ 40 કરોડ લોકો વૉટ્સઍપનો ઉપયોગ કરે છે.

ભારતના સંચારમંત્રી રવિશંકર પ્રસાદે એક નિવેદનમાં કહ્યું કે સરકાર વૉટ્સઍપ પર નાગરિકોની પ્રાઇવસીના ઉલ્લંઘનને લઈને ચિંતિત છે.

તેમણે કહ્યું કે દરેક ભારતીય નાગરિકોની પ્રાઇવસી માટે સરકાર પ્રતિબદ્ધ છે.

જ્યારે એનએસઓએ પ્રતિસાદ આપતાં કહ્યું, "અમે કડક શબ્દોમાં આક્ષેપોનું ખંડન કરીએ છીએ અને તેની વિરુદ્ધ લડીશું."

"એનએસઓનો એકમાત્ર ઉદ્દેશ લાઇસન્સધારક સરકારી ગુપ્ત અને કાયદો લાગુ કરનાર એજન્સીઓને આતંકવાદ અને ગંભીર અપરાધ સામે લડવામાં મદદ માટે ટૅક્નૉલૉજી આપે છે. અમારી ટેકનિકે હાલના સમયમાં હજારો લોકોના જીવ બચાવવામાં મદદ કરી છે."

"આ ટેકનિક માનવ અધિકારોના સંરક્ષણ માટે બની છે. અમે સંયુક્ત રાષ્ટ્રના માર્ગદર્શન અને સિદ્ધાંતોને અનુકૂળ થઈને કામ કરીએ છીએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો