FATF : પાકિસ્તાનમાં ઉગ્રવાદી સંગઠનો ભારતને કારણે પાઈપાઈ માટે તરસે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, શહઝાદ મલિક
- પદ, બીબીસી ઉર્દૂ, ઇસ્લામાબાદ
ફાન્સની રાજધાની પેરિસમાં હાલ ફાયનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની બેઠકમાં મળી છે. પાકિસ્તાને ગ્રે લિસ્ટમાંથી નીકળવા માટે છેલ્લા છ મહિનામાં ચરમપંથી અને પ્રતિબંધિત સંગઠનોને મળતી આર્થિક મદદને રોકવા મામલે સૌથી વધુ કામ કર્યું છે.
એફટીએની બેઠકમાં પાકિસ્તાનને 2020 સુધીમાં સંપૂર્ણ ઍક્શનપ્લાનનો અમલ કરવાનું કહેવામાં આવ્યું છે અને ગ્રે લિસ્ટમાંથી કાઢવા અંગેનો નિર્ણય આગામી બેઠકમાં લેવાશે તેમ નક્કી થયું છે.
એફએટીફની બેઠકમાં પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે જો તે 2020 ફેબ્રુઆરી સુધીમાં આ મામલે ગંભીર પગલાંઓ નહીં લે તો તેને બલૅકલિસ્ટ કરવામાં આવશે.
આમ બ્લૅકલિસ્ટ થવામાંથી પાકિસ્તાન હાલ બચી ગયું છે અને ગ્રે લિસ્ટમાં તેનું સ્થાન બરકરાર છે.
પાકિસ્તાનની સંબંધિત એજન્સીઓએ આ સમયમાં પાંચ હજારથી વધુ બૅન્ક ખાતાં બંધ કર્યાં છે. આ સિવાય એ ખાતાંમાં જમા ધનરાશિને પણ જપ્ત કરી છે.
ચરમપંથને રોકવાનું કામ કરતી રાષ્ટ્રીય એજન્સી નેક્ટાના અધિકારીએ કહ્યું કે આ મામલે પાકિસ્તાનમાં કાયદો લાગુ કરનારી એજન્સીઓએ પ્રતિબંધિત કરેલાં સંગઠનો અને ચરમપંથી સંગઠનોના પદાધિકારીઓ અને અન્ય સભ્યો સામે કાર્યવાહી કરાઈ છે.
આ સંગઠનો અને વ્યક્તિઓની સંપત્તિ પણ જપ્ત કરાઈ છે, જેની કિંમત કરોડોમાં જણાવાઈ રહી છે.
ચરમપંથીઓને મળતી આર્થિક મદદને રોકવામાં કથિત રીતે નિષ્ફળ થયા બાદ પાકિસ્તાનને ગત વર્ષે ઑગસ્ટમાં ગ્રે લિસ્ટમાં સામેલ કરાયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એફએટીએફે પાકિસ્તાની સરકારને ચરમપંથી સંગઠનો સામે કરાઈ રહેલી કાર્યવાહીને વધુ અસરકારક બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.
જોકે એ હજુ નક્કી થવાનું બાકી છે કે એફએટીએફમાં સામેલ અન્ય દેશોના વિશેષજ્ઞો પાકિસ્તાનના આ પ્રયાસોને કેટલું મહત્ત્વ આપે છે અને કેટલું સફળ સમજે છે.
અધિકારીઓ અનુસાર અમેરિકાએ પણ પાકિસ્તાની સરકાર પર ભાર મૂક્યો હતો કે તે ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવા માટે અન્ય દેશોનું સમર્થન મેળવવા માટે પ્રતિબંધિત સંગઠનોના પ્રમુખો સામે કાર્યવાહી કરે.
રાષ્ટ્રીય ચરમંપથવિરોધી સંગઠનના એક અધિકારીએ નામ ન છાપવાની શરતે બીબીસીને જણાવ્યું કે અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ ખાતાં જપ્ત કરાયાં છે, જે પ્રતિબંધિત સંગઠનોના પદાધિકારીઓના નામે હતાં.
અધિકારના કહેવા પ્રમાણે પંજાબ પ્રાંતમાં સૌથી વધુ ખાતાં બંધ કરાયાં છે, એ ખાતાંમાં 20 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ હતી.

ખાતાં સીઝ, સંપત્તિ જપ્ત

ઇમેજ સ્રોત, FATF
જે લોકોનાં બૅન્ક ખાતાં જપ્ત કરાયાં છે એમાં મોટા ભાગના લોકો એવા છે જેમને ચરમપંથવિરોધી કાયદાની ચોથી અનુસૂચિમાં સામેલ કરાયા છે.
કાયદા પ્રમાણે પ્રતિબંધિત સંગઠનો સંબંધિત વ્યક્તિઓનાં નામ ગૃહવિભાગની ડિસ્ટ્રિક્ટ ઇન્ટેલિજેન્સ કમિટીઓની ભલામણોને આધારે ચોથી અનુસૂચિમાં સામેલ કરાય છે.
અધિકારીના કહેવા અનુસાર બૅન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓના સ્તરે આતંકવાદીઓને મળતી આર્થિક મદદને રોકવામાં કેટલીક હદે મદદ મળી છે, પરંતુ કાયદો લાગુ કરનારી એજન્સીઓ અને ખાસ કરીને પોલીસના આતંકવાદવિરોધી વિભાગોને આવી વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, જે અન્ય દેશોમાં વિભિન્ન તાકાતો સામે લડે છે.
તેમણે કહ્યું કે આવા લોકો ન માત્ર વિભિન્ન દેશોમાં લડાઈમાં ભાગે લે છે, પરંતુ ત્યાંથી પાકિસ્તાનમાં મોજૂદ સમાન વિચારવાળા ચરમપંથી સંગઠનોને હૂંડી અને ચોરીના માધ્યમથી પૈસા મોકલે છે.
અધિકારી અનુસાર, ઘણાં પ્રતિબંધિત સંગઠનોએ વિદેશમાંથી પૈસા લેવા અને કાયદો લાગુ કરનારી એજન્સીઓથી બચવા એક નવી રીત શોધી છે. સામાન્ય રીતે આ ધનરાશિ એવી વ્યક્તિઓ દ્વારા મોકલવામાં આવે છે જેમને ચરમપંથી સંગઠનો સાથે કોઈ લેવાદેવા હોતી નથી.
અધિકારી કહે છે કે જાસૂસી એજન્સીઓ તરફથી નેક્ટાને એવી માહિતી આપવામાં આવી છે કે સરકાર તરફથી પ્રતિબંધિત સંગઠનોની આર્થિક મદદ રોકવા માટે ભરવામાં આવેલાં પગલાંથી કેટલાંક સંગઠનોએ આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે.
આવાં સંગઠનો સાથે સંબંધિત લોકો આર્થિક મુશ્કેલીઓને દૂર કરવા ખંડણી માટે અપહરણ કે કારચોરી કરતા હોય છે.
ગૃહ મંત્રાલયનાં સૂત્રો અનુસાર કાયદો લાગુ કરનારી એજન્સીઓએ પંજાબ પ્રાંતમાં સૌથી વધુ જે પ્રતિબંધિત સંગઠનો સામે અસરકારક અને સમયસર કાર્યવાહી કરી એમાં 'જમાત-ઉદ-દાવા' અને 'ફલાહે-ઇન્સાનિયત' સામેલ છે.
આ બંને સંગઠનોના કેન્દ્રીય નેતૃત્વ સહિત બારેક લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આતંકવાદવિરોધી અદાલતોમાં સુનાવણી થઈ રહી છે.

ભારતનું દબાણ

ઇમેજ સ્રોત, AFP
સૂત્રો અનુસાર આ બંને સંગઠનો સામે કાર્યવાહીનું એક મોટું કારણ એ પણ છે કે એફએટીએફની સંસ્થા 'એશિયા પેસિફિકે ગ્રૂપ'નું નેતૃત્વ ભારત કરી રહ્યું છે અને એપીજી ગ્રૂપની બેઠકમાં આ બંને પ્રતિબંધિત સંગઠનો સામે કાર્યવાહી ઝડપી કરવાની માગ કરાઈ છે.
ભારત મુંબઈ હુમલાઓ માટે આ બંને પ્રતિબંધિત સંગઠનોના કથિત સંરક્ષક હાફિઝ સઇદને દોષી માને છે.
કાયદો લાગુ કરનારી એજન્સીઓએ પણ બંને સંગઠનો અને અટકમાં લેવાયેલી વ્યક્તિઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલી સંપત્તિ જપ્ત કરી લીધી છે, જે તેઓએ કથિત રીતે અલગઅલગ લોકો પાસેથી ફાળો ઉઘરાવીને ખરીદી હતી અને જેની કિંમત કરોડો રૂપિયામાં છે.
નેક્ટાના એક અધિકારી અનુસાર નેક્ટાએ સરકારને તસ્કરી રોકવા અને હૂંડીના કારોબારને બંધ કરવા સંદર્ભે વિભિન્ન દેશોના કાયદાનો હવાલો પણ આપ્યો છે.
હાલમાં જ નેશનલ ઍસેમ્બલીએ પણ વિદેશી મુદ્રા વિનિયમોમાં સંશોધન માટે એક વિધેયકને મંજૂરી આપી હતી અને વિધેયક પાસ કરાવવાનો ઉદ્દેશ વિદેશી મુદ્રાની લેવડદેવડને ધ્યાનમાં રાખતાં મની લૉન્ડરિંગ પર કડક સજાની જોગવાઈનો હતો.
અધિકારી અનુસાર પંજાબમાં પોલીસે આતંકવાદ નિરોધક વિભાગને જે સંગઠનો સિવાય અન્ય વ્યક્તિઓ સામે કાર્યવાહીને ઝડપી અને અસરકારક બનાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે, તેમાં 'લશ્કર-એ-ઝાંગવી' અને તેના સહયોગી સંગઠનો સિવાય 'જમાત-ઉદ-દાવા', 'લશ્કર-એ-તોયબા' અને હાફિઝ સઇદ અહમદ અને મૌલાના મસૂદ અઝહર સામેલ છે.

ચેરિટીના પૈસા મુશ્કેલીનું કારણ

ઇમેજ સ્રોત, @PID_GOV
નેક્ટાના પૂર્વ પ્રમુખ ખ્વાઝા ફારૂકનું કહેવું છે કે સૌથી વધુ મુશ્કેલ કામ વિભિન્ન સંગઠનોનાં દાન કે ચેરિટીના નામે વિદેશમાંથી આવતી મદદને રોકવાનું છે.
તેમણે કહ્યું કે સરકાર માટે મુશ્કેલ કામ એ હોય છે કે કોઈ દેશને ચેરિટીના નામે પૈસા મોકલતાં રોકે.
બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે સરકાર પોતાની રીતે વિભિન્ન ધાર્મિક મદરેસાને મળતી મદદ અને તેના પૈસાને નિયંત્રિત કરવાની કોશિશ કરી રહી છે. પરંતુ તેમ છતાં આ સંગઠનો અને નિર્ધન મદરેસાઓને અલગઅલગ રીતે પૈસા મળી રહ્યા છે, જેમાં હૂંડી સિવાય સ્થાનિક લોકો પાસેથી મળતા પૈસાનો પણ સમાવેશ થાય છે.
ખ્વાઝા ફારૂકનું કહેવું હતું કે ગત સરકાર તરફથી ઇલેક્ટ્રોનિક મીડિયામાં એક અભિયાન ચલાવાયું હતું, જેમાં લોકોને એ સંદેશ અપાતો હતો કે ચરમપંથી કે સરકારવિરોધી ગતિવિધિઓમાં સામેલ હોય એવાં કોઈ સંગઠનોને પૈસા ન આપે.
તેમણે કહ્યું કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં ચાલેલા આ અભિયાન માટે યુએસએઆઈડી તરફથી ફંડ મળતું હતું અને પૈસા પતી જતાં આ અભિયાન પણ સમાપ્ત કરી દેવાયું હતું.
એફએટીએફની બેઠક અગાઉ એશિયા પેસિફિક ગ્રૂપે પાકિસ્તાને ચરમપંથી સંગઠનોની આર્થિક મદદને રોકવા માટે શું પગલાં લીધાં એની સમીક્ષા કરી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













