World Poverty Day: ભારત સહિત અન્ય દેશો ગરીબી કેમ ઓછી કરી શકતા નથી?

    • લેેખક, પાબલો ઓચોઆ
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

વિશ્વ બૅન્ક અનુસાર, 110 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યાં છે.

એમાં કોઈ શંકા નથી કે આ સમૃદ્ધ થઈ રહેલી દુનિયા માટે આ સારા સમાચાર છે.

1990થી 2015 સુધીમાં આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા નીચે જીવનારા લોકોની સંખ્યા 190 કરોડથી ઘટીને 73 કરોડ 50 લાખ થઈ ગઈ છે.

એનો અર્થ એવો થયો કે દુનિયાની વસતિના જે ભાગને વ્યાખ્યા પ્રમાણે ગરીબ માનવામાં આવે છે, એ આ સમયગાળા દરમિયાન 36 ટકાથી ઘટીને 10 ટકા થઈ ગયો છે.

વ્યાખ્યા પ્રમાણે 1.90 અમેરિકન ડૉલર અથવા તેનાથી પણ ઓછી રકમમાં પ્રતિદિન ગુજરાન ચલાવનાર વ્યક્તિને ગરીબી રેખા નીચે ગણવામાં આવે છે.

જોકે, ગરીબી સામે લડવાની કહાણી આપણે જેટલી દેખાય છે એટલી આસાન નથી.

'બે અલગ ગતિઓ'

ગરીબી રેખાનું ધોરણ નક્કી કરનારા અર્થશાસ્ત્રીઓએ બીબીસીને જણાવ્યું કે હાલ વિકાસને લઈને જે નીતિઓ બની છે તે યોગ્ય રીતે ગરીબો સુધી પહોંચતી નથી અને તેમને કામ આવી રહી નથી.

વિશ્વ બૅન્કના સિનિયર વાઇસ પ્રૅસિડૅન્ટ રહેલા માર્ટિન રવાલિયન કહે છે, "વધતી અસમાનતા આપણા માટે ગરીબી દૂર કરવા અને વ્યાપક સામાજિક પ્રગતિના રસ્તામાં પડકારો પેદા કરી રહી છે."

વિશ્વ બૅન્કના કહેવા પ્રમાણે સમુચિત વિકાસનો અભાવ, આર્થિક સુસ્તી અને હાલમાં થયેલા સંઘર્ષોને કારણે કેટલાક દેશોની પ્રગતિની રફતારમાં અડચણો આવી છે.

ચીન અને ભારતમાં જ્યાં કુલ એક અબજ લોકોને હવે ગરીબની શ્રેણીમાં ન મૂકી શકાય, તેવી રીતે સબ-સહારા આફ્રિકાના દેશોમાં અત્યંત ગરીબીમાં રહેતા લોકોની સંખ્યા આજે 25 વર્ષ પહેલાંની સરખામણીએ વધી છે.

વિશ્વ બૅન્કમાં પોવર્ટી ઍન્ડ ઇક્વિટી ગ્લોબલ પ્રૅક્ટિસનાં વૈશ્વિક નિદેશક કેરોલિના સાંચેઝ-પારામો કહે છે, "છેલ્લા લગભગ એક દાયકામાં આપણે વિશ્વમાં પ્રગતિની બે અલગ-અલગ રફતારો જોઈ રહ્યા છીએ."

તેમણે બીબીસીને જણાવ્યું કે તેના માટે ચાર કારણો જવાબદાર છે.

1. આર્થિક પ્રગતિની અલગ-અલગ રફતાર

કેરોલિના કહે છે, "એક દાયકામાં બુનિયાદી સ્તર પર સબ-સહારા આફ્રિકા અને લેટિન અમેરિકામાં પૂર્વ તથા દક્ષિણ એશિયાની સરખામણીએ ગ્રોથ ઓછો રહ્યો છે."

"જ્યારે દેશ પ્રગતિ નથી કરતા ત્યારે ગરીબી હટાવવાની દિશામાં આગળ વધવું મુશ્કેલ થઈ જાય છે. અહીં ગરીબી પુનર્વિતરણ માધ્યમ દ્વારા હટાવી શકાય છે જે ખૂબ જ મુશ્કેલ છે."

2. સૌનો વિકાસ

ગરીબી હટાવવા માટે સતત આર્થિક પ્રગતિ કરવી એક જરૂરી શરત છે. જોકે, કેરોલિના કહે છે કે આ એકમાત્ર શરત નથી.

અનેક દેશોનો ગ્રોથ પર્યાપ્ત રીતે સમાવેશક રહ્યો નથી કારણ કે ત્યાં મૂડી પર વધારે જોર આપનારા ઉદ્યોગો છે. જે અપેક્ષા પ્રમાણે ઓછી નોકરીઓ પેદા કરે છે.

ઉદાહરણ તરીકે સબ-સહારા આફ્રિકામાં આવી સ્થિતિ છે.

કેરોલિના કહે છે, "ગરીબો માટે શ્રમ જ આવકનો મુખ્ય સ્રોત છે. તેથી શ્રમિકોને અવસરો નહીં મળે તો ગરીબીમાં ક્યારેય ઘટાડો જોવા નહીં મળે."

3. આધારભૂત સુવિધાઓ

અર્થવ્યવસ્થા ત્યારે સંપન્ન થાય છે જ્યારે લોકો પાસે માત્ર આવક જ નહીં પરંતુ શિક્ષણ, ફાઇનાન્સ અને સારા આધારભૂત માળખાની સુવિધાઓ હોય.

કેરોલિના કહે છે, "તેનાથી પણ વિકાસમાં તમામ લોકો સામેલ થાય તેની સંભાવના ઘટી જાય છે."

તેઓ દક્ષિણ અને પૂર્વ એશિયામાં મલેશિયાનું ઉદાહરણ આપતા કહે છે, "અહીં એકસાથે અનેક વસ્તુઓ થઈ રહી છે."

આંતરાષ્ટ્રીય ધોરણો અનુસાર 2013થી મલેશિયામાં ગરીબીનો દર શૂન્ય છે પરંતુ દેશનાં ધોરણો અનુસાર નથી.

બ્રાઝીલમાં સફળ નાણાં ટ્રાન્સફર કાર્યક્રમને કારણે ગરીબી પહેલાં ઘટી ગઈ પરંતુ ત્યારબાદ ફરી વધી ગઈ.

1990માં 21.6 ટકા હતી, 2014માં 2.8 ટકા થઈ ગઈ પરંતુ 2017માં 4.8 ટકા થઈ ગઈ.

4. સંઘર્ષ

કેટલાક દેશોએ પહેલાં જે સફળતા હાંસલ કરી હતી, તે હાલના રાજકીય અને હિંસક સંઘર્ષોને કારણે ફરી ખતમ થઈ ગઈ.

કેરોલિનાના મત મુજબ, "આ સમયે, જે દેશોમાં સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યાં ગરીબી વધી રહી છે. જ્યારે અન્ય દેશો પ્રગતિ કરી રહી છે."

2015માં દુનિયામાં અડધા ગરીબો પાંચ જ દેશોમાં હતા, ભારત, નાઇજિરિયા, ડેમૉક્રેટ રિપબ્લિક ઑફ કોંગો, ઇથિયોપિયા અને બાંગ્લાદેશ.

તાજાં અનુમાનો અનુસાર નાઇજિરિયા સૌથી વધારે ગરીબી નાગરિકોના મામલે ભારતને પાછળ છોડી દીધું છે અથવા થોડા સમયમાં પાછળ છોડવાનું છે.

ઘણા આફ્રિકા દેશોની અર્થવ્યવસ્થા ગરીબીની વિરુદ્ધ લડવાની દિશામાં સારું કામ કરી રહી છે.

તેમ છતાં પણ 2030 સુધી 1.90 ડૉલર અથવા તેનાથી ઓછામાં ગુજરાન ચલાવનારા દસમાંથી લગભગ નવ લોકો સબ-સહારા આફ્રિકામાં હશે.

ગરીબોને મદદ

2030 સુધીમાં ગરીબી દૂર કરવાનું સંયુક્ત રાષ્ટ્રનું લક્ષ્ય છે પરંતુ જુલાઈમાં આવેલો તેનો રિપોર્ટ દર્શાવે છે કે આ સમયે દુનિયાની છ ટકા વસતિ ગરીબ હશે.

એવામાં વર્લ્ડ બૅન્કનું એક લક્ષ્ય એ પણ છે કે આ સંખ્યાને ઓછામાં ઓછી 3 ટકાથી નીચે લાવવામાં આવે.

જોકે, સ્થિતિને જોઈને લાગે છે કે આ અનુમાન ભાગ્યે જ પૂર્ણ થશે.

રવાલિયન કહે છે કે હાલની વિકાસની નીતિઓ તેમના માટે ગરીબી માટે અસરકારક છે પરંતુ જેટલી હોવી જોઈએ એટલી નહીં.

તેઓ માને છે કે જે લોકો અત્યંત ગરીબ છે તેમના સુધી આ નીતિઓ પહોંચી રહી નથી.

તેઓ કહે છે, "જો તમે થોડા સમય પહેલાંની વાત કરો તો આજના અમીર દેશો 200 વર્ષ પહેલાં એટલા જ ગરીબ હતા, જેટલા આજે આફ્રિકાના દેશો ગરીબ છે."

"જોકે, ધીરે-ધીરે તેઓ ગરીબોને આગળ વધારવામાં સફળ રહ્યા. આજની વિકાસશીલ દુનિયામાં તેનાથી ઉલ્ટું થઈ રહ્યું છે."

રવાલિયન કહે છે, "આ મામલામાં આજે દુનિયા પાછળ જઈ રહી છે. તે ગરીબ લોકોની સંખ્યા ઝડપથી ઓછી કરી રહી છે પરંતુ સૌથી ગરીબ લોકોને આગળ વધારવામાં તેમની નીતિઓ એટલી પ્રભાવી રહી નથી."

અસમાનતાનો પડકાર

રવાલિયન જણાવે છે કે પ્રતિદિન 1.90 ડૉલર કે તેના કરતાં ઓછા ખર્ચે જીવન વિતાવવાનો માપદંડ ખૂબ જ ગરીબ સમાજમાં થતી પ્રગતિને મૉનિટર કરવા માટે બનાવવામાં આવ્યો છે.

પરંતુ જેમ-જેમ ઓછી આવક ધરાવતા દેશ અમીર થઈને મધ્યમ આવક ધરાવતા વર્ગમાં આવી રહ્યા છે, વધતી અસમાનતા સૌથી ગરીબ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા માટે મુશ્કેલી ઊભી કરી દે છે.

તેઓ કહે છે, "આપણે 1.90 ડૉલર પ્રતિદિન કે તેનાથી ઓછા ખર્ચવાળા વૈશ્વિક માપદંડના આધારે ગરીબોની સંખ્યા ઘટતી જોઈ રહ્યાં છીએ પરંતુ પોતાના દેશના માપદંડના આધારે તેઓ ગરીબ જ રહે છે."

સાંચેઝ પરામો કહે છે કે અસમાનતાનો મતલબ માત્ર આવકમાં અસમાનતા નથી.

તેઓ કહે છે, "સૌથી વધારે મહત્ત્વપૂર્ણ છે સમાન તક મળવી. એટલે કે ગરીબ હોય કે ન હોય, નવી નોકરીઓ અને રોકાણનો લાભ ઉઠાવવાની તક તમને પણ મળવી જોઈએ."

તેઓ કહે છે, "અમારું માનવું છે કે સમાન તક ન મળવાના કારણે જ ગરીબી ઘટાડવાના પ્રયાસોને ઝટકો લાગી રહ્યો છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો