બ્રેક્સિટ : બ્રિટનની સંસદ ભંગ કરવાનો બોરિસ જોન્સનનો નિર્ણય ગેરકાયદે - યુકે સુપ્રીમ કોર્ટ

યુકેની સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે સંસદને ભંગ કરવાનો બોરિસ જોન્સનનો નિર્ણય ગેરકાયદેસર છે.

બોરિસ જોન્સને સંસદને 5 અઠવાડિયા માટે ભંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

યૂકેની સુપ્રીમ કોર્ટના 11 જજોએ સર્વાનુમતે આ નિર્ણય જાહેર કર્યો છે.

સંસદને ભંગ કરવાની બોરિસ જોન્સનની ભલામણની સામે 10 લાખથી વધુ સહીઓ સાથે પિટિશન થઈ હતી અને તેને કાયદાકીય રીતે પણ પડકારવામાં આવી હતી.

સર્વોચ્ચ અદાલતે શું કહ્યું?

બ્રિટનની સર્વોચ્ચ અદાલતે કહ્યું કે સંસદને કર્તવ્યપાલન કરતા રોકવી તે નિર્ણય ખોટો છે.

સુપ્રીમ કોર્ટના પ્રમુખ લેડી હાલે કહ્યું કે આનો આપણી લોકશાહીના આધારભૂત ઢાંચા સામે મોટો પ્રભાવ પડ્યો છે.

એમણે કહ્યું કે તમામ 11 ન્યાયાધીશોએ સર્વાનુમતે નિર્ણય કર્યો છે કે સંસદ અને સ્થગિત નથી અને વડા પ્રધાને કરેલો નિર્ણય પ્રભાવમાં નહીં રહે.

લેડી હાલેએ કહ્યું કે હાઉસ ઑફ કોમન્સ અને લૉર્ડસના સ્પીકરે હવે આગળના પગલાંઓ વિશે નિર્ણય લેવાનો રહેશે.

તેમણે ઉમેર્યું કે 'ક્વીનને સંસદ ભંગ કરવાની સલાહ આપવાનો નિર્ણય ગેરકાયદેસર હતો કેમ કે તેની અસર નિરાશાજનક હતી. આ નિર્ણય કોઈ તાર્કિક કારણ કે ઔચિત્ય વગર સંસદને કામકાજ કરવાથી રોકતો હતો.

શું પ્રતિક્રિયાઓ આવી?

કોમન્સના સ્પીકર જૉન બર્કોએ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે.

એમણે કહ્યું કે આપણે સહેજ પણ વિલંબ વગર સંસદને બોલાવવી જોઈએ. તેઓ ખાસ જરૂરી મામલા તરીકે પાર્ટી નેતાઓની સલાહ લેશે એમ પણ તેમણે કહ્યું.

બોરિસ જોન્સને કહ્યું કે તેઓ અદાલતના નિર્ણયનો આદર કરે છે. બ્રેક્સિટ મુદ્દે નિર્ણય પર પહોંચવું જરૂરી.

આવતીકાલે સંસદસભ્યો હાઉસ ઑફ કોમન્સમાં પહોંચશે પરંતુ વડા પ્રધાન સાથે સવાલ-જવાબ નહીં થાય.

બીબીસીના આસિસ્ન્ટન્ટ પોલિટિકલ એડિટર નૉર્મન સ્મિથનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી બોરિસ જોન્સનના વડા પ્રધાન પદે રહેવા ઉપર અનિશ્ચિત સ્થિતિ બની છે.

બ્રિટનની સર્વોચ્ચ અદાલત સામે સંસદ ભંગ બાદ બે અપીલ થઈ હતી.

એક અપીલ પ્રોફેશનલ અને કેમ્પેનર જીના મિલરે કરી હતી અને બીજી અપીલ સરકાર તરફથી થઈ હતી.

હાઈકોર્ટે સંસદને ભંગ કરવાનો નિર્ણય રાજનૈતિક ગણાવી સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો તેની સામે જીના મિલરે અપીલ કરી હતી.

સરકારે સ્કૉટલૅન્ડની સેશન કોર્ટે સંસદ ભંગને ગેરકાયદે ગણવવાની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

સુપ્રીમ કોર્ટે જીના મિલરની તરફેણમાં ચુકાદો આપ્યો છે. જીના મિલરે અદાલતની બહાર કહ્યું કે આ નિર્ણય ઘણું કહે છે.

એમણે કહ્યું કે વડા પ્રધાને કાલે સંસદના દરવાજાઓ ખોલી દેવા જોઈએ. સાંસદોએ આવવું જોઈએ અને અનૈતિક સરકારની જવાબદારી નકકી કરવાનું સાહસ અને દિલેરી દેખાડવી જોઈએ.

બોરિસ જોન્સનની જાહેરાતનો થયો હતો વિરોધ

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને ક્વીન ઍલિઝાબૅથને સંસદ સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી જેને ક્વીને મંજૂરીની આપી હતી.

વડા પ્રધાનની આ ભલામણનો લોકોએ વિરોધ કર્યો હતો.

આ જાહેરાતની સામે દેશભરમાં પ્રદર્શનો થયા. લંડનમાં અનેક લોકોએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા.

આ ભલામણને પગલે બ્રેક્સિટ ડીલ ન થાય તેના વિરોધીઓ અને અન્ય લોકો રસ્તા પર આવ્યા છે.

અનેક લોકોએ વડા પ્રધાન બોરિસ જોન્સનની સરખામણી હિટલર સાથે કરી અને આને લોકશાહીની હત્યા ગણાવી હતી.

બોરિસ જોન્સને શું કહ્યું હતું?

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને સંસદને સસ્પેન્ડ કરવા ક્વીન ઍલિઝાબૅથને ભલામણ કરી હતી.

તેમણે કહ્યું છે કે સપ્ટેમ્બરમાં જ્યારે સાસંદો કામ પર પરત ફરે અને બ્રેક્સિટ ડેડલાઇન આવે, ત્યાર સુધી સંસદને સસ્પેન્ડ કરવામાં આવે છે.

બોરિસ જોન્સને કહ્યું છે કે સંસદ સસ્પેન્ડ થયા બાદ 14 ઑક્ટોબરના રોજ ક્વીન ભાષણ આપશે.

પરંતુ આ તરફ સંસદ સસ્પેન્ડ થવાથી સાંસદોને 'નો-ડીલ બ્રેક્સિટ'ને પસાર કરાવવાનો સમય મળશે.

ટોરીના સાંસદ ડોમિનિક ગ્રીવે આ નિર્ણયને ગંભીર ગણાવ્યો હતો.

તેમણે ચેતવણી આપી હતી કે આ નિર્ણયથી બૉરિસ જોન્સને વિશ્વાસમતનો સામનો કરવો પડી શકે છે.

તેમણે એવું પણ ઉમેર્યું કે આ પગલાથી બૉરિસ જોન્સનની સરકાર ભાંગી પડશે.

વડા પ્રધાન બૉરિસ જોન્સને ઉમેર્યું હતું કે, "દેશને આગળ લઈ જવાની અમારી યોજનાઓ પર કામ કરવા માટે અમે બ્રેક્સિટ સુધી રાહ જોઈ શકીએ તેમ નથી."

તેમનું માનવું છે કે તેમના પગલાથી યૂકેએ ઈયૂ (યુરોપિયન સંઘ) છોડવા મામલે ચર્ચા કરવા સાંસદો પાસે ઘણો સમય રહેશે.

"અમારે નવા કાયદાની જરૂર છે. અમે નવા બીલ લાવીશું અને એટલે જ આ મામલે ક્વીન ભાષણ આપશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો