તમારી હયાતીમાં જ તમારી સ્મશાનયાત્રા નીકળે તો તમને કેવું લાગે?

ઇમેજ સ્રોત, SIAN BUTCHER
- લેેખક, એરિકા બૂઇસ્ટ
- પદ, બીબીસી થ્રી
તમે પોતાની જ સ્મશાનયાત્રામાં સામેલ થઈ શકો? જો ખરેખ એવું થઈ શકતું હોય તો તમે ખરા?
'નકલી' અંતિમસંસ્કારની વિધિ કરવાને કારણે જીવન વિશે એક નવી દૃષ્ટિ મળે છે, મૃત્યુની અનિવાર્યતાનો વધારે સારી રીતે સ્વીકાર થઈ શકે છે અને અસાધ્ય બીમારીથી પીડાતી વ્યક્તિ પોતાના સ્વજનોને જીવતેજીવત અલવિદા કહી શકે છે.
અને હા, તમારા માટે શોકસંદેશા આપવામાં આવે તેમાં કદાચ તમારા ગુણગાન પણ થાય. અંતિમ સંસ્કારની આવી રીતે ઉજવણી કરનારા જણાવી રહ્યા છે કે બ્રિટનમાં આવી રીતે પ્રચલિત બની રહી છે.
જીવંત અંતિમસંસ્કાર (વ્યક્તિ જીવતી હોય ત્યારે જ તેમની અંતિમવિધિ) કરી દેવાની રીત દક્ષિણ કોરિયા અને જાપાનમાં (જ્યાં તેને સેઇઝેન્સો કહેવામાં આવે છે) બહુ પ્રચલિત બની છે.
શું આવી રીતે મોતની ઉજવણી કરવા પાછળનો ઉદ્દેશ મોત અંગેની આપણી માન્યતાઓને દૂર કરવાનો છે?
જો એમ હોય તો કદાચ તેના કારણે આપણા માનસિક સ્વાસ્થ્યને ફાયદો થઈ શકે છે.
2009માં થયેલા એક અભ્યાસમાં જણાવ્યા અનુસાર રોજ પાંચ મિનિટ અથવા અઠવાડિયે એકવાર પાંચ મિનિટ મૃત્યુ વિશે વિચાર કરવાથી હતાશાજનક વિચારો દૂર થાય છે.
જીવંત અંતિમસંસ્કાર કરવા પાછળનો વિચાર શોક પાળવા વિશેની સંસ્કૃત્તિને વધારે મોટો ઝટકો આપવાનો છે. ધાર્મિક રીતે અંતિમવિધિઓ કરવાના બદલે ઘણા લોકો કુદરતને હાનિ ના થાય તે રીતે અંતિમસંસ્કાર એટલે કે ઇકો ફ્યુનરલ તરફ પણ વળવા લાગ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલાક ફ્યુનરલ પાર્લર હવે બાયોડિગ્રેડેબલ કોફિન પણ આપવા લાગ્યા છે. આ વર્ષની શરૂઆતમાં હોલિવૂડના સ્ટાર લ્યૂક પેરીની દફનવિધિ 'મશરૂમ સ્યૂટ' પહેરાવીને કરવામાં આવી હતી.
ઓર્ગેનિક કોટન અને મશરૂમથી આ વસ્ત્રો બનાવાયા હતા, જે શરીરના ઝેરી પદાર્થોને જમીનમાં પ્રસરતા રોકે છે તેવો દાવો કરાયો હતો.
તમે "ફ્યૂનરલ રેકર"ને ભાડે પણ રાખી શકો છો. એક એવી વ્યક્તિ જે દફનવિધિ વખતે મરનારનો સંદેશ લઈને હાજર થાય અને (નક્કી કર્યા મુજબ સૌને ભાગો અહીંથી એવું કહે અથવા કશોક રમૂજી કે પ્રેમાળ સંદેશ પણ આપે).
અવસાન પછી ગમગીન વાતાવરણ હોય અને અંતિમક્રિયા વખતે સૌ ભારેખમ થઈ ગયા હોય તેનાથી કંઈક જૂદું કરવા માટે આવું કરવામાં આવતું હોય છે.
વિક્ટોરિયા યુગમાં એક વર્ષ શોક પાળવો, સગાઓએ લાંબો સમય કાળા વસ્ત્રો પહેરવા, ખાસ કરીને વિધવાએ બે વર્ષ સુધી શોકના વસ્ત્રો પહેરવા વગેરે ગંભીર રિવાજો શરૂ થયા હતા.

ઇમેજ સ્રોત, SIAN BUTCHER
યોર્કના સેન્ટ લિયોનાર્ડ હોસ્પીસના સ્પિરિચ્યુઅલ કેરના વડા ડેવિડ વિલિયમસન આ વર્ષથી દર્દીઓ માટે જીવંત અંતિમસંસ્કાર દાખલ કરવાનું આયોજન કરી રહ્યા છે. "મેં ચર્ચ ઑફ ઇંગ્લેન્ડમાં દિક્ષા લીધેલી છે અને હું 30 વર્ષોથી દફનવિધિઓ કરાવું છું," એમ તેઓ કહે છે.
"મને ઘણીવાર નવાઈ લાગતી કે અવસાન પછી મિત્રો અને સગાઓ મરનારના બહુ જ ગુણગાન ગાતા હતા. હું તમને પૂછતો કે શું તેઓ જીવતા હતા ત્યારે તમે આ વાત તેમને કહી હતી?"
"મોટા ભાગે નકારમાં જ જવાબ મળતો હતો. તેથી હું સતત વિચાર્યા કરતો હતો કે શું આપણે જીવિત વ્યક્તિ વિશે જે કંઈ વિચારતા હોઈએ તેને વધારે સારી રીતે વ્યક્ત કરવાનો કોઈ માર્ગ હોઈ શકે કે કેમ?"
બ્રિટનમાં લાગણીઓને કાબૂમાં રાખવાનું ચલણ છે. તેના કારણે બ્રિટન જેવી સંસ્કૃતિઓમાં માત્ર અંતિમવિધિ વખતે જ 'વ્યક્તિઓ સંકોચ વિના મોકળા મને પોતાની લાગણીઓ વ્યક્ત કરતા હોય છે', એવું તેમણે જોયું હતું.
28 વર્ષની જ્યોર્જિયા માર્ટીન હવે સ્વેચ્છાએ આ પ્રકારના જીવંત અંતિમસંસ્કારનું આયોજન કરી આપે છે.
તેમના દાદાની દફનવિધિ વખતે સર્જાયેલા લાગણીભીના માહોલને કારણે તેમને આવો વિચાર આવ્યો હતો.
તેઓ કહે છે "તેમના બધા મિત્રો આવ્યા હતા અને તેઓ સૌ કોઈ શોકમાં હતા. મને થયું કે તેમણે પોતાના મિત્રોને આ રીતે એકઠા થતા જોયા હોત તો ખૂબ ખુશ થયા હતા. દાદા જીવતા હતા ત્યારે શા માટે આવું કોઈ આયોજન અમે ના કર્યું?"
તે પછીના એક વર્ષમાં જ્યોર્જિયાએ આવા છ અંતિમસંસ્કારનું આયોજન કર્યું હતું. તે દરેક અલગ પ્રકારે યોજાયા હતા, પણ દરેકમાં વ્યક્તિ અને તેમના પરિવારને બહુ સારું લાગ્યું હતું. તેમને લાગે છે કે પરંપરાગત રીતે થતા અંતિમસંસ્કારના બદલે આ વધારે સારા નીવડે છે.
"દરેક તમારી અંતિમવિધિમાં હાજરી આપવા ઇચ્છતા હોય છે, પણ તે લોકો તમારા વિશે સારી લાગણી વ્યક્ત કરે તે જોવા તમે તો હાજર નહીં હોતા," એમ જ્યોર્જિયા કહે છે.
"બીજું તેના કારણે તમે પોતે પણ સ્વજનો અને મિત્રોને કહી શકો છો કે ઠીક છે, મારા ગયા પછી તમારે તમારી રીતે જીવતા જ રહેવાનું છે."
અસાધ્ય રોગથી પીડાતા દર્દી માટે જીવંત અંતિમસંસ્કારનું આયોજન ઘણી વાર કસોટીની પળે બહુ ઉપયોગી નીવડે છે.
2016માં 24 વર્ષના ટોમ હનીવેલે તેમના દાદા માટે જીવંત અંતિમસંસ્કારનું આયોજન કર્યું હતું.
ટોમ હનીમેન કહે છે "જ્યારે તેમને ખબર પડી કે તેઓ હવે વધુમાં વધુ એક મહિનો જીવી શકશો, ત્યારે તેમણે હઠ લીધી કે તેઓ પોતાના બધા મિત્રો સાથે છેલ્લી ઉજવણી કરી લેવા માગે છે. પ્લાયમાઉથમાં ઉજવણીનું આયોજન થયું તેમાં 80 જેટલા મિત્રોએ ભાગ લીધો હતો."
ફોટો બૂથ ઊભા કરાયા હતા અને લોકો રમૂજી અંદાજમાં પોઝ આપીને તસવીરો પડાવી રહ્યા હતા. ટોમ કહે છે: "મને લાગે છે કે મજબૂત લોકો જ જીવતેજીવત આવું કરી શકે. તમે જાણતા હો છો કે તમે તમારા મોતની જ ઉજવણી કરી રહ્યા છો."
કદાચ આવા આયોજનથી મોતના કિનારે ઊભેલી વ્યક્તિને મિત્રોને છેલ્લે મળી લેવાની તક મળે છે, પણ શા માટે સૌ એકઠા થયા છે તે વાત સહન કરવી મુશ્કેલ પણ હોય છે.
"એ બહુ લાગણીભર્યો દિવસ હતો," ટોમ કહે છે. "કંઈક અનોખું હતું કે જીવનની છેલ્લી ઘડીએ તેઓ જીવનને ઉજવી રહ્યા હતા. તેનાથી મૃત્યુની વાસ્તવિકતાને વધારે સારી સમજાય છે. એ તેમની જ ઇચ્છા હતી અને તેઓ ખુશ હતા તે જોઈ શકાતું હતું."
મોટા ભાગના કિસ્સામાં અસાધ્ય રોગો હોય તેવા લોકો આવું આયોજન કરે, પણ કેટલાક લોકો વિચિત્ર કારણોસર પણ આયોજન કરે છે.
ડૅથ ઓવર ડિનર (મૃત્યુ જેવા વિષયો પર ચર્ચા કરવા માટે ભોજન સમારંભનું આયોજન કરાવવા પ્રેરતી એનજીઓ)ના સ્થાપક માઇકલ હેબનો 40મો જન્મદિન હતો ત્યારે તેમણે સિએટલમાં આવું આયોજન કર્યું હતું.

ઇમેજ સ્રોત, SIAN BUTCHER
લાંબા સમયથી તેમની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયું તેના થોડા અઠવાડિયા પછી જ તેમણે કાર્યક્રમ યોજ્યો હતો.
તેમણે 50 જેટલા પોતાના મિત્રોને જન્મદિનની ઉજવણી માટે ઇમેલથી આમંત્રણ મોકલ્યું હતું. 40 મિત્રોએ તરત જવાબ આપ્યો કે તેઓ હાજર રહેશે. આ મિત્રોએ તેમની રીતે જ નક્કી કર્યું કે પોતાના આ દોસ્તના જીવંત અંતિમસંસ્કાર ગોઠવવા.
મજાકરૂપે જ આવો વિચાર થયો હતો, પણ તેમાં આખરે ગંભીરતા આવી ગઈ. જન્મદિનની ઉજવણીના રંગીન વસ્ત્રોને બદલે માઇકલે સફેદ વસ્ત્રો ધારણ કર્યા હતા.
વિશેષ રીતે તૈયાર કરાવેલા કોફીનમાં તેઓ ત્રણ કલાક પોઢી રહ્યા. ડાઘુઓએ બાદમાં તેમને કોફીનમાંથી ઊંચક્યા અને માત્ર દિવો સળગતો હતો તેવા અંધારા ઓરડામાં લઈ ગયા.
માઇકલ કહે છે, "તેમના શ્વાસમાંથી વ્હિસ્કીની ગંધ આવી રહી હતી. તેઓ ગભરાયા હતા એટલે બરાબરનું પીધું હતું."
આખી વાત દેખાવ ખાતરની હતી, આમ છતાં કોફીનમાં તેમને સ્થિર પડેલા જોઈને એક મિત્ર રડવા લાગી હતી. મિત્રોએ તેમને શ્રદ્ધાંજલિ પણ આપી.
એક મિત્રે કહ્યું: "મને હતું કે હું તને કેટલો પ્રેમ કરું છું તેનો તને અંદાજ જ નહોતો." માઇકલની 15 વર્ષની દીકરીની શ્રદ્ધાંજલિ સાથે કાર્યક્રમ પૂરો થયો હતો. "દીકરીને તેના પર હાથ મૂકીને તેના માટે પિતાનો પ્રેમ કેટલો અગત્યનો હતો તે જણાવ્યું ત્યારે સૌ કોઈ રડી પડ્યા હતા."
માઇકલ કહે છે કે તેમને લોકો સાથે બહુ ફાવતું નહોતું અને જીવનમાં લાંબો સમય એકાકી રહ્યા હતા. પરંતુ કોફીનમાં પડ્યા પડ્યા મિત્રોને પોતાના વિશે બોલતા સાંભળ્યા તે પછી તેમનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો.
તેમને લાગે છે કે તેમને સંબંધો સુધારી લેવા માટેની બીજી તક મળી હતી. છેલ્લા 40 વર્ષોમાં કરેલી ભૂલોને સુધારી લેવાની જાણે તેમને તક મળી હતી.
એવું લાગે છે કે આ ટ્રૅન્ડ હવે જુદા જુદા ફૅસ્ટિવલ સાથે પણ જોડાઈ રહ્યો છે. હાલમાં યોજાયેલા વૉલ્ટ ફેસ્ટિવલમાં (આ ઉપરાંત સિક્રેટ ગાર્ડન પાર્ટી, બેસ્ટિવલ અને બૂમટાઉન ફેઅરમાં પણ) પોતાની અંતિમવિધિઓ કેવી હશે તેની ઝલક લોકોને આપવાનું શરૂ થયું છે.
"અમે વિક્ટોરિયન યુગના રિવાજો પ્રમાણે અમુક જ રીતે અંતિમવિધિ થઈ શકે તે વાતને પડકારવા માગતા હતા," એમ 38 વર્ષના થિયેટર ડિરેક્ટર માર્ટીન કોટ કહે છે. "કઈ રીતે શોક કરવો, કેવા કપડાં પહેરવા, કેવી રીતે વર્તવું તે બધું નક્કી કરી રખાયેલું છે. અમે તેને પડકારીને બધું બદલી નાખવા માગતા હતા."
જીવંત અંતિમસંસ્કાર માટેનો વિચાર આવ્યો તે પછી માર્ટિન અને તેમના સાથીઓએ કબ્રસ્તાન, ચર્ચ અને મોર્ગના સેટ પણ બનાવ્યા હતા. કાર્યક્રમ યોજવાનો હોય ત્યારે વ્યક્તિને પસંદગી પણ અપાતી હતી કે કેવી રીતે તેમણે અંતિમવિધિઓ કરાવવી છે.
કેવા ગીતો વાગવા જોઈએ ત્યાંથી માંડીને કેવી રીતે એકઠા થયેલા સૌ કેવી રીતે યાદગીરીના વૃક્ષો પર સંસ્મરણો ટાંગે ત્યાં સુધીનું આયોજન થતું હતું.
પચ્ચીસેક મિનિટ આવી વિધિઓ ચાલે અને તેમાં ઘણી વાર મિત્રો દ્વારા રમૂજી શ્રદ્ધાજલિઓ પણ આપવામાં આવે. તે પછી વ્યક્તિને કોફીનમાં સુવડાવી દેવાની. કોફીનમાં કાણાં રાખ્યા હોય જેથી તે બહારનું જોઈ પણ શકે. બાદમાં કોફીનને છ ફૂટ ઊંડી કબરમાં ઉતારવાનું.
આવી રીતે રમતિયાળ રીતે કાર્યક્રમો યોજાતા હોય છે. જોકે માર્ટિન કબૂલે છે કે ઘણી વાર પોતાનો અહંમ સંતોષવા પણ આવો કાર્યક્રમ થાય છે, જેમાં વ્યક્તિની ઇચ્છા હોય છે કે સૌ પોતાના ગુણગાન કરીને શ્રદ્ધાંજલિ આપે.
જોકે ઘણીવાર લાગણીભર્યા દૃશ્યો પણ સર્જાતા હોય છે. "એકવાર એક દંપતિ અમારી પાસે આવ્યું હતું. તેમણે કબ્રસ્તાનમાં પાસપાસે જ પોતાની કબર માટેની જગ્યા પણ ખરીદી લીધી હતી. તે લોકો એકબીજાને સાંભળી શકે તે માટે આવું કર્યું હતું. તેમના માટે અમે કાર્યક્રમ કર્યો ત્યારે અમને પણ તે અસર કરી ગયો હતો."
જોકે જીવંત અંતિમસંસ્કાર એવા શબ્દો વાપરવા ઘણાને યોગ્ય નથી લાગતા. ડેવિડ કહે છે કે ઘણાને અંતિમસંસ્કારની વાત જ અકળાવનારી લાગી છે.
તેના બદલે 'જીવનના અંતની ઉજવણી' જેવા શબ્દો પસંદ કરતા હોય છે. માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં પેલિએટિવ કેરના લેક્ચરર લૌરા ગ્રીન કહે છે તેઓ આ માટે 'સેન્ડ ઑફ પાર્ટી - વિદાય સમારંભ' એવો શબ્દ પસંદ કરે.
જોકે જ્યોર્જિયાને લાગે છે કે આપણે મૃત્યુ શબ્દનો ઉપયોગ ટાળવાની કોશિશ કરવી જોઈએ નહિ. "આખી વાત અવસાન સાથે જોડાવી જોઈએ, કેમ કે તમે અવસાન જ તો પામી રહ્યા છો," એમ તેઓ કહે છે.

ઇમેજ સ્રોત, Getty Images
જીવંત અંતિમસંસ્કારના આયોજનથી આપણે સ્વની નશ્વરતાના વિચારને વધારે સારી રીતે સ્વીકારતા થયા છીએ? લૌરા માને છે કે આનાથી વધુ મોકળાશભર્યું કલ્ચર ઊભું થઈ શકે છે અને મોત સાથે સંકળાયેલી બાબતો અંગે ચર્ચા થઈ શકે છે.
ઘણા દેશોમાં અને અમેરિકાના ઘણા રાજ્યોમાં ઇચ્છામૃત્યુને મંજૂરી આપવામાં આવી છે. તબીબી સહાય દ્વારા વ્યક્તિ મોતને પામી શકે છે. છેલ્લા ત્રણ દાયકામાં આવા ઘણા કાયદા થયા છે (યુકેમાં હજી એવી મંજૂરી મળતી નથી), અને તેના કારણે મૃત્યુના આયોજન માટેની ચર્ચાને પ્રોત્સાહન પણ મળી રહી છે.
સમાજમાં હવે વ્યક્તિ પોતાની અંતિમવિધિઓ વિશે કે પોતાના અવસાન બાદના રિવાજો વિશે વધારે મોકળાશ સાથે નિર્ણયો કરતી થઈ છે. લૌરા કહે છે, "શું થવું જોઈએ તે વિશે લોકોમાં ઘણા બધા વિકલ્પોનો વિચાર થવા લાગ્યો છે અને તેમાં અંતિમવિધિને પણ સમાવી લેવામાં આવે છે."
જ્યોર્જિયાનું કહેવું છે કે પોતે જીવંત અંતિમસંસ્કારનું આયોજન કરે છે એવું જણાવે ત્યારે આશ્ચર્યજનક પ્રતિભાવો મળતા હોય છે. તેમાંના ઘણા અફસોસ પણ વ્યક્ત કરતાં કે તેમના સ્વજન મૃત્યુની સમીપે હતા ત્યારે આવું કશું કરી શક્યા નહિ, કેમ કે તેમને આવી સેવા મળે છે તેનો ખ્યાલ નહોતો.
પોતાના જ અંતિમસંસ્કારનું આયોજન કરવું અને તેમાં ભાગ લેવો તે વિચાર બધાને ગમે કે કેમ તે નક્કી નથી. પરંતુ કેટલાક લોકોને એ જાણીને સારું લાગશે કે આવો પણ વિકલ્પ હોઈ શકે છે. "આ બહુ વિચિત્ર રિવાજ છે કે અંતિમવિધિઓ શાંતિથી અને ગમગીની સાથે જ કરવી જોઈએ.
પણ તમે કદાચ પાર્ટી મિજાજના માણસો હો તો તમને ઇચ્છા થાય કે અંતિમવિધિઓ પણ પાર્ટીની જેમ થાય. પોતે જીવ્યા તે રીતે જ વિદાય લે એવી ઇચ્છા લોકોની હોઈ શકે," એમ લૌરા કહે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












