હત્યાની આરોપી યુવતીઓને બચાવવા રશિયામાં પ્રદર્શનો કેમ થયાં?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નિના નાઝારોવા
- પદ, બીબીસી રશિયન સર્વિસ
ત્રણ ટીનેજર બહેનોએ જુલાઈ 2018માં મૉસ્કોના એક ફ્લૅટમાં પોતાના પિતાની સૂતેલી હાલતમાં હત્યા કરી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે પિતાએ તેમની ત્રણ દીકરીઓનું વર્ષો સુધી જાતીય શોષણ કર્યું હતું અને તેમને માનસિક ત્રાસ આપ્યો હતો.
આ બહેનો પર હત્યાનો આરોપ હોવા છતાં રશિયામાં ત્રણ લાખ જેટલા લોકોએ આ બહેનોને મુક્ત કરવા માટે એક પિટિશન શરૂ કરી છે.

મિખાઈલ ખાચાતુર્યન સાથે શું થયું હતું?
27 જુલાઈ, 2018ની સાંજે 57 વર્ષના મિખાઇલે પુત્રીઓ ક્રિસ્ટિના, એન્જલિના અને મારિયાને એક પછી એક પોતાના રૂમમાં બોલાવી.
તેમણે દીકરીઓને ઘર સારી રીતે સાફ ન કર્યું હોવાનું કહીને તેમના ચહેરા પર મરીનો સ્પ્રે છાંટ્યો.
ત્યાર બાદ જ્યારે તેઓ સૂઈ ગયા, તો દીકરીઓએ તેમના પર હથોડી, ચાકુ અને સ્પ્રેથી હુમલો કર્યો.
તેમના શરીર પર ચાકુના 30થી પણ વધુ ઘા હતા. ત્રણેય બહેનોએ હત્યા બાદ પોલીસને જાણ કરી અને ઘટનાસ્થળેથી તેમની ધરપકડ થઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

દીકરીઓ અને પત્નીનું કર્યું શોષણ

ઇમેજ સ્રોત, Getty Images
તપાસમાં જાણવા મળ્યું કે મિખાઇલનો પરિવાર સાથે હિંસા આચરવાનો લાંબો ઇતિહાસ હતો.
મિખાઇલ ખાચાતુર્યન પોતાની દીકરીઓને ત્રણ વર્ષ સુધી લગભગ નિયમિત રીતે માર મારતા હતા.
તેમને કેદીઓની જેમ રાખતા હતા તેમજ તેમનું જાતીય શોષણ કરતા હતા. આ કેસ રશિયામાં ચર્ચાનો વિષય બની ગયો હતો.
માનવ અધિકાર કાર્યકર્તાઓની દલીલ હતી કે આ બહેનો ગુનેગાર નથી પરંતુ પીડિત છે.
કારણ કે તેમના પોતાના ત્રાસદાયક પિતા પાસેથી છૂટકારો મેળવવાનો કોઈ બીજો વિકલ્પ નહોતો.
આ બહેનોનાં માતા પણ મિખાઇલ દ્વારા હિંસા અને માનસિક ત્રાસનો ભોગ બન્યાં હતાં.
તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો, તેમજ તેમના પાડોશીઓએ પણ પોલીસને ફરિયાદ કરી હતી કારણ કે તેઓ પણ મિખાઇલથી ડરતા હતા પરંતુ કોઈ પગલાં લેવાયાં નહોતાં.
આ ઘટના વખતે બહેનોનાં માતા ઓરેલિયા ડુંડુંક તેમની સાથે રહેતાં નહોતાં.
કારણ કે, તેમને ફ્લૅટમાંથી બહાર હાંકી કાઢવામાં આવ્યાાં હતાં. તેમજ તેમને અને દીકરીઓને એકબીજા સાથે સંપર્ક રાખવાની મંજૂરી નહોતી.
આ સ્થિતિમાં ત્રણેય બહેનો પોસ્ટ ટ્રૉમેટિક સ્ટ્રેસનો શિકાર બની હતી.

માતાની ફરિયાદ પર પોલીસે પગલાં કેમ ન લીધાં?
વર્ષ 2017માં રશિયામાં કાયદામાં ફેરફાર થયા હતા, જે પ્રમાણે પ્રથમ વખત ગુનો કરનારે પરિવારના સભ્ય સાથે કોઈ હિંસા કરી હોય, પરંતુ તેમને હૉસ્પિટલ લઈ જવા પડે તેટલા ઘાયલ ન થયા હોય તો આરોપીને માત્ર દંડ અથવા બે અઠવાડિયાની કસ્ટડીની મહત્તમ સજા થતી હતી.
કારણ કે પોલીસ તેને પારિવારીક બાબત ગણાવતી હતી.

જો સજા થઈ તો બહેનોને 20 વર્ષની જેલ

ઇમેજ સ્રોત, Getty Images
હાલ આ બહેનો પોલીસ કસ્ટડીમાં નથી પરંતુ તેમનાં પર કેટલાંક નિયંત્રણો છે.
વિરોધ પક્ષના વકીલ આ ઘટનાને પૂર્વનિર્ધારિત અને ઇરાદાપૂર્વકની ગણાવે છે. કારણ કે હત્યાના સમયે મિખાઇલ ઊંઘતા હતા.
બહેનોએ સવારથી જ પોતાની પાસે ચાકુ છુપાવી લીધું હતું. આમ તેમનો ઇરાદો બદલો લેવાનો જ હતો.
જો ગુનો સાબિત થયો તો આ બહેનોને 20 વર્ષની જેલ થશે.
કારણ કે આરોપ મુજબ એન્જેલિનાએ હથોડી મારી હતી, મારિયાએ ચાકુથી હુમલો કર્યો હતો અને ક્રિસ્ટિનાએ પેપર સ્પ્રે છાંટ્યો હતો.
જ્યારે બહેનોના વકીલ કહે છે કે આ હુમલો સ્વબચાવમાં હતો.
રશિયન કાયદા પ્રમાણે ઘટના અથવા અપહરણ કે પીડાની ઘટનામાં પીડિત પ્રતિકાર કરી શકે, તેથી તેઓ આ બહેનોને નિર્દોષ માને છે.
ઘણા માનવ અધિકારના કાર્યકરો અને રશિયન નાગરિકો દેશના કાયદામાં પરિવર્તનની માગ કરી રહ્યા છે.

રશિયામાં ઘરેલુ હિંસાનો વ્યાપ

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક નિષ્ણાતો કહે છે કે રશિયાની જેલમાં હત્યાના ગુનામાં 80 ટકા મહિલાઓ ઘરેલુ હિંસાનો ભોગ બનેલી છે.
આ બહેનોના ટેકામાં change.org પર પિટિશન શરૂ થઈ તેમજ તેમના ટેકામાં કાવ્યપાઠ, વાર્તાપઠન, વ્યાખ્યાન અને રેલીઓ જેવા કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે.
મૉસ્કોના મહિલાકાર્યકર દારિયા સેરેન્કો કહે છે કે જાહેર કાર્યક્રમો કરવાનો હેતુ આ ઘટનાને સતત સમાચારમાં રાખવાનો અને દરેક વ્યક્તિને પોતાના અધિકાર માટે બોલવાની તક આપવાનો છે.
તેઓ કહે છે, "ઘરેલુ હિંસા એ રશિયાની વાસ્તવિકતા છે. ભલે આપણે વ્યક્તિગત રીતે તેનો સામનો ન કરતા હોઈએ, પણ આપણા જીવન પર તેની અસર તો થાય જ છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












