50 વર્ષ અગાઉ થયેલા ચંદ્ર મિશને આ રીતે બદલી નાખ્યું તમારું જીવન

ઇમેજ સ્રોત, Getty Images
"વ્યક્તિ માટે એક નાનકડું કદમ, પણ માનવજાત માટે મહાન કદમ."
પ્રથમ વાર ચંદ્ર પર પગલું મૂક્યા પછી નીલ આર્મસ્ટ્રોંગે કહેલું આ વાક્ય જગપ્રસિદ્ધ બની ગયું છે.
50 વર્ષ પહેલાં 20 જુલાઈ 1969ના રોજ હાંસલ થયેલી વૈજ્ઞાનિક અને ટૅકનૉલૉજિકલ સિદ્ધિને વધાવી લેનારું તે વાક્ય હતું.
આ સિદ્ધિને કારણે આપણા રોજબરોજ જીવનને પણ ફાયદો થયો છે.
આજના હિસાબે 200 અબજ ડૉલરના ખર્ચે તૈયાર થયેલા અપૉલો કાર્યક્રમને કારણે એવી આશ્ચર્યજનક શોધો થઈ શકી હતી કે જેની આપણને કલ્પના પણ ના હોય.
તેમાંની કેટલીક શોધ પર કરીએ નજર.

1. સફાઈનું કામ વધારે સુગમ બન્યું

ઇમેજ સ્રોત, B&D
કૉર્ડલેસ વીજળીની વસ્તુઓ અપૉલો યાન ઊડ્યું તે પહેલાંથી ઉપલબ્ધ હતી, પણ તેના કારણે એવી વસ્તુઓની શોધ થઈ જે આજે રોજબરોજના ઉપયોગમાં છે.
દાખલા તરીકે અમેરિકાની ટૂલ્સ બનાવતી કંપની બ્લેક એન્ડ ડેકરે 1961માં કેબલ વિનાની ડ્રીલ બજારમાં મૂકી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ જ કંપનીએ નાસા માટે એવી સ્પેશ્યલ ડ્રીલ બનાવી હતી, જેના આધારે ચંદ્ર પરથી નમૂના મેળવી શકાય.
એન્જિન અને બૅટરી તૈયાર કરવા માટેની કુશળતા આ પ્રૉજેક્ટને કારણે બ્લેક એન્ડ ડેકરને પ્રાપ્ત થઈ હતી.
તેનો જ ઉપયોગ કરીને કંપનીએ 1979માં વિશ્વનું પ્રથમ કૉમર્શિયલ કૉર્ડલેસ વેક્યુમ ક્લિનર બનાવ્યું હતું.
કંપનીના આવા 15 કરોડ ડસ્ટબસ્ટર છેલ્લા 30 વર્ષમાં વેચાયા છે.

2. ઘડિયાળ વધારે અચૂક બની

ઇમેજ સ્રોત, Getty Images
સમયમાપન ખૂબ જ સચોટ હોય તે જરૂરી હતું, કેમ કે સેકન્ડના અમુક ભાગ જેટલી પણ ભૂલ ગણતરીમાં પડે તો ચંદ્ર પર ઉતરાણ કરનારા અવકાશયાત્રીઓના જીવ જોખમમાં પડી જાય.
તેથી જ નાસાએ સમયમાપનમાં અચૂક સાબિત થાય તેવી ઘડિયાળ શોધવી જરૂરી હતી.
તેનો ઉકેલ વધારે આધુનિક પ્રકારની ક્વાર્ટ્ઝ ક્લૉક તૈયાર કરીને લાવવામાં આવ્યો હતો.
આ ઘડિયાળ એટલી અચૂક હતી કે વર્ષે એકાદ મિનિટનો જ ફરક પડે.
જોકે સમયપાલન માટેનો જશ 'જૂના જમાનાની' મિકૅનિકલ કાંડા ઘડિયાળોને જ મળ્યો હતો.
અપૉલો 11 મિશનમાં નીલ આર્મસ્ટ્રોંગે અને ચંદ્ર પર તેમની સાથે ડગલાં માંડનારા બઝ આલ્ડ્રીને મિકૅનિકલ કાંડા ઘડિયાળો જ પહેરી હતી.

3. પાણીના શુદ્ધિકરણની રીત મળી

ઇમેજ સ્રોત, Getty Images
અપૉલો યાનમાં પાણીના શુદ્ધિકરણ માટેની ટૅકનૉલૉજી લગાવાઈ હતી તેનો ઉપયોગ કરીને જ આજે પાણીમાં રહેલા બૅક્ટેરિયા, વાઇરસ અને ફૂગને હટાવવામાં આવે છે.
ચાંદીના આયનનો ઉપયોગ કરીને આ ક્લોરિન-મુક્ત ટૅકનૉલૉજી યાન માટે તૈયાર કરાઈ હતી.
આજે દુનિયાભરમાં તેનો ઉપયોગ સ્વિમિંગ પુલ અને ફૂવારાંઓને ચોખ્ખા રાખવા માટે થઈ રહ્યો છે.

4. સ્પેસસૂટને કારણે વધારે મજબૂત જૂતાં મળ્યાં

ઇમેજ સ્રોત, Getty Images
ચંદ્ર પર ચાલતી વખતે અવકાશયાત્રીઓની સુરક્ષા માટે 1965માં તૈયાર કરાયેલી ડિઝાઇન પ્રમાણેના સ્પેસસૂટ આજે પણ વપરાય છે.
આ ટૅકનૉલૉજીની શોધ પરથી વધારે લવચીક, ઝટકો સહન કરી શકે એવા મજબૂત સ્પોર્ટ્સ શૂઝ તૈયાર થઈ શક્યા છે.

5. સળગે નહીં તેવા અવકાશી ફેબ્રિક્સનો ઉપયોગ ધરતી પર

ઇમેજ સ્રોત, Getty Images
1967માં તાલીમ માટે અપૉલો 1 યાન ઉડ્યું ત્યારે તેમાં આગ લાગી ગઈ હતી.
આગમાં યાન પણ નાશ પામ્યું અને તેમાં રહેલા ત્રણ અવકાશયાત્રીઓના પણ જીવ ગયા.
તે દુર્ઘટનાને કારણે અમેરિકાનો અવકાશ કાર્યક્રમ ડામડોળ થઈ ગયો હતો.
જોકે, તેના કારણે નાસાએ સળગી ન ઊઠે તેવું કાપડ તૈયાર કરવા તરફ ધ્યાન આપ્યું.
આજે પણ એ પ્રકારના ફેબ્રિક્સનો ઉપયોગ ધરતી પર થઈ રહ્યો છે.
સાચી વાત એ છે કે ઉડ્ડયન દરમિયાન અવકાશયાત્રીઓને ફ્રેશ રાખવા માટે જે કુલિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે તેનો ફાયદો ઘણા દર્દીઓને અને અશ્વોને પણ મળી રહ્યો છે.

6. જીવનરક્ષક હાર્ટ ટૅકનૉલૉજીનો વિકાસ થયો

ઇમેજ સ્રોત, Getty Images
હૃદયના ધબકારા જોખમી રીતે અનિયમિત હોય તેવા દર્દીઓની સારવાર માટે ઇમ્પ્લાન્ટ કરી શકાય તેવા ડિફાઇબ્રિલેટર્સનો ઉપયોગ થાય છે.
સુક્ષ્મ કદની સર્કિટ બનાવવાની ટૅકનૉલૉજી નાસાએ વિકસાવી હતી, તેના આધારે આવા ઉપકરણો તૈયાર થઈ શક્યા છે.
ઇમરજન્સી સેવા માટે ડિફાઇબ્રિલેટર્સનો ઉપયોગ થાય છે તેનાથી અલગ રીતે આ ઉપકરણ કામ કરે છે.
આ જ ઉપકરણનું મિનિએચર વર્ઝન હૃદયના ધબકારાને મૉનિટર કરવા માટે દર્દીની ચામડી નીચે મૂકી દેવામાં આવે છે.
જ્યાં ખામી દેખાતી હોય ત્યાં તેને સુધારવા માટે ઇલેક્ટ્રિક ઇમ્પલ્સનો ઉપયોગ કરાય છે.
આ ઉપકરણનું પ્રથમ વર્ઝન 1980ના દાયકામાં ઉપયોગમાં લેવાયું હતું.

7. ખાવાનું ભાણું વધારે નાનું બન્યું

ઇમેજ સ્રોત, Getty Images
ચંદ્ર સુધી પહોંચવા માટે નાસાએ જગ્યાનો મહત્ત્વ ઉપયોગ કરવાનું અને યાનને વજનમાં શક્ય એટલું હળવું રાખવાનું વિચારવાનું હતું.
અપૉલો મિશનના કારણે ઓછી જગ્યા લે અને લાંબો સમય તાજું રહે તેવું ભોજન તૈયાર કરવાની દિશામાં સંશોધન કરવું પડ્યું હતું.
નાસાએ અગાઉ ચલાવેલા (1961-66)ના મર્ક્યુરી અને જેમિની પ્રૉગ્રામ ટૂંકા ગાળાના હતા.
તેની સામે લુનાર મિશન 13 દિવસ અવકાશમાં રહેવાનું હતું.
તેના ઉકેલ માટે ફ્રિઝ-ડ્રાઇંગ પ્રોસેસ શોધવામાં આવી હતી.
ખૂબ ઓછા તાપમાને તૈયાર કરાયેલા તાજા ભોજનમાંથી પાણી ખેંચીને તેને થીજાવી દેવામાં આવતું હતું.
ભોજન લેવાનું હોય ત્યારે હવે તેમાં ગરમ પાણી જ ઉમેરવાનું રહે.
નીલ આર્મસ્ટ્રોંગ માટે આવું ભોજન ઉપયોગી નીવડ્યું હતું.
તે પછીની પેઢીને અને ખાસ કરીને પર્વતારોહીઓને પણ તે ઉપયોગી છે, કેમ કે માત્ર ચાર ડૉલરમાં એવું તૈયાર ભોજન મળી રહે છે, જેમાં માત્ર ગરમ પાણી ઉમેરવાનું રહે.

8. જીવનરક્ષક બ્લેન્કેટ મળ્યો

ઇમેજ સ્રોત, Getty Images
અપૉલો યાનને સૂર્યની ગરમીથી બચાવવા માટે ફરતે જે ચળકદાર ઇન્સ્યુલેટર લગાવાયા હતા, તેને સ્પેસ બ્લેન્કેટ એવા હુલામણા નામે ઓળખવામાં આવે છે
દેખાવમાં એવું લાગતું હતું કે યાનને જાણે કામચલાઉ ટીન ફોઇલમાં વીંટી લેવામાં આવ્યું છે. જોકે તેના કારણે આજે એવા બ્લેન્કેટ તૈયાર થઈ શક્યા છે, જે જીવ બચાવવામાં કામ આવે છે.
પ્લાસ્ટિક, ફિલ્મ અને ઍલ્યુમિનિયમથી બનેલા સ્પેસ બ્લેન્કેટ આજે અવકાશયાત્રીઓ સિવાય અન્યને પણ બચાવવાનું કામ કરી રહ્યા છે.
નાસાની ટૅકનૉલૉજીનો ઉપયોગ કરીને જ ઇમરજન્સી માટેના થર્મલ બ્લેન્કેટ તૈયાર કરવામાં આવ્યા છે.
કુદરતી આફત વખતે બચાવકાર્યમાં તેનો આજેય ઉપયોગ કરવામાં આવે છે.
મેરેથોન સ્પર્ધા યોજાય ત્યારે પણ દોડવીર તેનો ઉપયોગ કરી શકે છે. લાંબી દોડ કરનારા રમતવીરોને હાયપોથર્મીઆથી બચાવવા માટે તે બહુ કામ આવે છે.
હૉસ્પિટલોમાં પણ આ સ્પેસ ટૅકનૉલૉજીનો ઉપયોગ દર્દીઓને અને સ્ટાફને રાહત આપવા માટે થાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












