Cricket world cup: વિશ્વ કપના પ્રારંભે ઇંગ્લૅન્ડનો સા. આફ્રિકા સામે શાનદાર વિજય

ઇંગલૅન્ડની ટીમ

ઇમેજ સ્રોત, Getty Images

આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપનો અપેક્ષા મુજબ જ ભવ્ય પ્રારંભ થયો છે જેમાં ગુરુવારે યજમાન ઇંગ્લૅન્ડે શાનદાર પ્રદર્શન કરીને સાઉથ આફ્રિકા સામે 104 રનથી વિજય હાંસલ કર્યો હતો.

ઇંગ્લૅન્ડ પાંચમી વાર વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે જેમાંથી ચાર વખત તેણે ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ મૅચમાં વિજય હાંસલ કર્યો હતો.

બેન સ્ટોક્સના 89 રન અને અન્ય ત્રણ બૅટ્સમૅનની અડધી સદીની સહાયથી ઇંગ્લૅન્ડે આ મૅચમાં સફળતા હાંસલ કરી હતી.

પ્રથમ બેટિંગ કરતાં ઇંગ્લૅન્ડે તેની 50 ઓવરમાં આઠ વિકેટે 311 રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં સાઉથ આફ્રિકાની લડત સાવ ફિક્કી જણાતી હતી.

અંતે સાઉથ આફ્રિકા 39.5 ઓવરમાં 104 રન કરી શક્યું હતું.

મૅચ જીતવા માટે 312 રનના લક્ષ્યાંક સામે રમતા સાઉથ આફ્રિકાને ઇનિંગ્સના પ્રારંભે જ ફટકો પડ્યો હતો જ્યારે ટીમનો સૌથી અનુભવી અને આધારભૂત બૅટ્સમૅન હશીમ અમલા ઇજાગ્રસ્ત થયા હતા.

તેમની મુશ્કેલીમાં વધારો કરતા હોય તેમ એડ્રિયન માર્કરામ 11 અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ માત્ર પાંચ રન નોંધાવીને પેવેલિયનમાં પરત આવી ગયા હતા. આ તબક્કે જોફરા આર્ચર અને લિયમ પ્લન્કેટ વેધક બૉલિંગ કરી રહ્યા હતા.

દસમી ઓવરમાં બે વિકેટે 44 રનના સ્કોર બાદ ક્વિટન ડી કોક અને પહેલીવાર વર્લ્ડ કપ રમી રહેલા રેસ્સી વાન ડેર ડુસાન વિકેટ પર આવ્યા હતા.

બંનેએ થોડા સમય માટે ટીમનો રકાસ અટકાવ્યો હતો અને સ્કોર 129 સુધી પહોંચાડ્યો હતો.

ડી કોકે તેની કારકિર્દીની 22મી અડધી સદી પૂરી કરી હતી. છેલ્લી સાત વન-ડેમાં તેમણે આ સાથે છઠ્ઠી વખત 50નો આંક વટાવ્યો હતો.

ડી કોકનું આ ફોર્મ સાઉથ આફ્રિકા માટે આ વર્લ્ડ કપમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી શકે છે.

અંતે 74 બૉલમાં 68 રન ફટકારીને ડી કોક આઉટ થયા હતા. થોડી જ વારમાં ડ્યુમિની અને પ્રિટોરિયસ પણ આઉટ થઈ જતા સાઉથ આફ્રિકા મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું.

ડુસાન 50 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થયો હતો.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

પરાજયના એંધાણ

ઇંગલૅન્ડની ટીમ

ઇમેજ સ્રોત, Getty Images

ફેહલુક્વાયોએ બેટિંગમાં પરત આવેલા હશીમ અમલાને સહકાર આપ્યો હતો પરંતુ તેઓ લાંબી ઇનિંગ્સ રમી શક્યા ન હતા અને સાઉથ આફ્રિકા પરાજયની નજીક પહોંચી ગયું હતું.

ઇજામાંથી પરત આવ્યા બાદ હશીમ અમલા પણ ટકી શક્યા ન હતા અને 13 રન નોંધાવીને આઉટ થઈ ગયા હતા.

જોફરા આર્ચરે ઇંગ્લૅન્ડ માટે ત્રણ વિકેટ ઝડપી હતી તો પ્લન્કેટ અને બેન સ્ટોક્સે બે-બે વિકેટ ઝડપી હતી.

ડુસાન 50 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થયા હતા.

અગાઉ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે શાનદાર 89 રન ફટકારીને ઇંગ્લૅન્ડને 311 રનના સ્કોર સુધી પહોંચાડ્યું હતું.

જોકે, યજમાન ટીમ આથી મોટો સ્કોર નોંધાવી શકે તેવા સંજોગો હતા પરંતુ સાઉથ આફ્રિકાએ પણ શાનદાર પુનરાગમન કરીને ઇંગ્લૅન્ડની ટીમને જંગી સ્કોર કરતા અટકાવી હતી.

પોતાને માફક આવે તેવી પરિસ્થિતિમાં ઇંગ્લૅન્ડ ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમી રહ્યું હતું.

ટૉસ નહીં જીતવા છતા કૅપ્ટન ઓઇન મોર્ગનને અફસોસ થયો નહીં હોય કેમ કે, સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને તેમને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

લાઇન
લાઇન

વર્લ્ડ કપમાં નવા પ્રયોગ

મૅચ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રારંભમાં તો સાઉથ આફ્રિકન સુકાનીનો નિર્ણય યોગ્ય ઠર્યો હતો કેમ કે, સ્પિનર ઇમરાન તાહિરે ટીમને સફળતા અપાવીને ખતરનાક બેટ્સમૅન જોની બેરસ્ટોને આઉટ કર્યા હતા.

આ સાથે વર્લ્ડ કપની પહેલી જ ઓવરમાં વિકેટ લેનારા તે પ્રથમ સ્પિનર અને બીજા બૉલર બન્યા હતા.

અગાઉ 1992માં ઑસ્ટ્રેલિયાના ક્રેગ મેકડરમોટે આ સિદ્ધિ હાંસલ કરી હતી.

ફાફ ડુ પ્લેસિસે પહેલી ઓવર જ સ્પિનરને આપીને આશ્ચર્ય સર્જ્યું હતું તો સાથે-સાથે એ સંકેત પણ મળી ગયા હતા કે આ વર્લ્ડ કપમાં નવા પ્રયોગો જોવા મળશે.

આ તરફ ઇમરાન તાહિરે તેની ટીમને સફળતા તો અપાવી પરંતુ ત્યાર બાદ બીજી સફળતા માટે સાઉથ આફ્રિકાને ઘમી રાહ જોવી પડી હતી.

બેરસ્ટોની વિકેટ પડ્યા બાદ ઇંગ્લૅન્ડે લડત આપી હતી. જેસન રોય અને જો રૂટે બીજી વિકેટ માટે સદીની ભાગીદારી નોંધાવીને ઇંગ્લૅન્ડની ગાડી પાટે ચડાવવાનો પ્રયાસ કર્યો હતો.

બંનેએ અડધી સદી ફટકારી હતી. 19મી ઓવરમાં જેસન રોય 54 રનના અંગત સ્કોરે ફેહલુક્વાયોની બૉલિંગમાં આઉટ થયા હતા તો ત્રણ બૉલ બાદ જો રૂટને કેગિસો રબાડાએ પેવેલિયનમાં મોકલીને સાઉથ આફ્રિકા માટે પુનરાગમન કર્યું હતું.

રોયે 53 બૉલમાં 54 તો રૂટે 59 બોલમાં 51 રન ફટકાર્યા હતા.

આમ છતા ઇંગ્લૅન્ડની વિકેટ લેવી આસાન રહી ન હતી કેમ કે, હવે કૅપ્ટન ઓઇન મોર્ગન અને બેન સ્ટોક્સ જેવા અનુભવીઓ મેદાન પર હતા.

બંનેએ ટીમનો 106 રનની ભાગીદારી નોંધાવી હતી. આમ ઇનિંગ્સમાં બીજી વાર કોઈ જોડીએ 106 રન ઉમેર્યા હતા.

અગાઉ બીજી વિકેટ માટે રોય અને રૂટે પણ 106 રન નોંધાવ્યા હતા. બેન સ્ટોક્સે મક્કમ પરંતુ આકર્ષક બેટિંગ કરી હતી. તેમણે સિક્સરનો પ્રયાસ કર્યો ન હતો પરંતુ રનની ગતિ જાળવી રાખી હતી.

બેન સ્ટોક્સે 79 બૉલમાં નવ બાઉન્ડ્રી સાથે 89 રન ફટકાર્યા હતા તો મોર્ગને વધુ આક્રમકતાથી બેટિંગ કરીને ચાર બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર સાથે 57 રન ફટકાર્યા હતા.

મોર્ગન આઉટ થયા ત્યારબાદ ઇંગ્લૅન્ડે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી.

સ્ટોક્સને આઉટ કરતા અગાઉ લુંગી એંગિડીએ ટીમને વધુ સફળતા અપાવીને જોઝ બટલર અને મોઇન અલીને આઉટ કર્યા હતા.

42મી ઓવરમાં બટલર આઉટ થયા ત્યારબાદ સાઉથ આફ્રિકાએ વળતો પ્રહાર કરીને રનગતિ પર અંકુશ મેળવી લીધો હતો.

સાઉથ આફ્રિકા માટે લુંગી એંગિડીએ ત્રણ અને ઇમરાન તાહિર તથા રબાડાએ બે બે વિકેટ લીધી હતી.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો