અમેરિકા અને સાઉદી અરેબિયા જેને મિટાવવા માગે છે તે ઈરાનનો વાંક શું છે?

    • લેેખક, ટીમ બીબીસી હિંદી
    • પદ, ન્યૂ દિલ્હી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની સુરક્ષા માટે ઈરાનને સૌથી મોટો ખતરો માને છે.

જોકે, 2003માં અમેરિકાએ જ્યારે ઇરાક પર હુમલો કર્યો હતો, ત્યારે તેની આ બધી જ દલીલો ખોટી સાબિત થઈ હતી અને જે કંઈ મળ્યું તેનાથી તે ખુશ પણ નહોતું.

તો શું હવે અમેરિકા ઈરાન સાથે પણ એ જ ભૂલ દોહરાવશે જે તેણે ઇરાક સાથે કરી હતી?

ઘણા નિષ્ણાતો માને છે કે જો અમેરિકા ઈરાન સાથે યુદ્ધમાં ઊતરશે તો ઇરાક સાથેના યુદ્ધની શીખ સાથે આગળ વધશે.

1979થી જ ઈરાન સંકટ મુદ્દે અમેરિકા નકારાત્મક વલણ ધરાવે છે. ત્યારે ટ્રમ્પ અને તેમના સલાહકારો માટે ઈરાન વિરુદ્ધ મુદ્દા ઊભા કરવામાં ખાસ મુશ્કેલી થતી નથી.

અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોનું કહેવું છે કે મધ્ય-પૂર્વની તમામ સમસ્યાઓનું મૂળ ઈરાનમાં છે. હકીકત એ છે કે આજની તારીખમાં ઈરાન આક્રમક નથી પણ અમેરિકાનો સૌથી નજીકનો ગણાતો દેશ સાઉદી અરેબિયા આક્રમક છે.

તમે આ વાંચ્યું કે નહીં?

જો મધ્ય-પૂર્વમાં ઈરાન અને સાઉદી અરેબિયાની સરખામણી કરવામાં આવે તો સાઉદીની ભૂમિકા વધુ શંકાસ્પદ છે. સૌથી પહેલાં બંને દેશોને સૈન્યના ખર્ચના આધારે સમજીએ.

ઇન્ટરનેશનલ ક્રાઇસિસ ગ્રૂપના મતે 2017માં સાઉદી અરેબિયાએ ઈરાનની સરખામણીએ સેના પર ચાર ગણો વઘુ ખર્ચ કર્યો હતો. જોકે, આ કોઈ નવી વાત નથી.

સ્ટૉકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના મતે ઈરાને 1989થી આજ સુધી સુરક્ષા પર પોતાના જીડીપીના 3.3 ટકાથી વધુ ખર્ચ કર્યો નથી. આ જ સમય દરમિયાન સાઉદી અરબિયાએ દર વર્ષે સાત ટકા વધુ ખર્ચ કર્યો છે.

સાઉદીનાં હથિયારો પણ ઈરાનની સરખામણીએ સારાં છે. સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના 2015ના રિપોર્ટ મુજબ સાઉદી અરેબિયા અને ખાડીના તેના સહયોગીઓ દુનિયાના સૌથી ઉમદા હથિયાર હાંસલ કરી રહ્યા છે, જ્યારે ઈરાન પોતાનાં જૂનાં હથિયારો સાથે જ કામ ચલાવી રહ્યું છે.

ઈરાનની સિસ્ટમ લગભગ શાહના વખતની છે. આયાત દ્વારા જે હથિયારો મેળવ્યાં છે, તેમાં પણ 1960 અને 1980ના વખતની ટૅક્નૉલૉજી છે.

સૈન્ય બાબતે ઈરાનની ઇઝરાયલ સાથે સરખામણી કરવામાં આવે તો મધ્ય-પૂર્વમાં તેની સામે કોઈ ટકતું નથી.

તેથી મધ્ય-પૂર્વની સુરક્ષા માટે ઈરાન એક ખતરો છે એ દલીલ ખોટી સાબિત થાય છે.

બીજી એક વાત કહેવામાં આવે છે કે ઈરાને સીરિયામાં બહુ મજબૂત રીતે હસ્તક્ષેપ કર્યો, પરંતુ ઘણા નિષ્ણાતો માને છે કે ઈરાનથી વધુ દખલ સાઉદી અરબિયાએ કરી છે.

સીરિયામાં ઈરાનની દખલ સમજવી હોય તો ઈરાન-ઇરાક યુદ્ધને પણ સમજવું પડશે.

1980માં સદ્દામ હુસેને ઈરાન પર હુમલો કર્યો હતો. 20મી સદીનો આ સૌથી લોહીયાળ સંઘર્ષ હતો. આ યુદ્ધમાં ઓછામાં ઓછાં 10 લાખ ઈરાનીઓ માર્યા ગયા હતા.

આ યુદ્ધમાં સદ્દામ હુસેને ઘણું આક્રમક વલણ દાખવ્યું હતું. ઇરાકે આ જંગમાં રાસાયણિક હથિયારોનો પણ ઉપયોગ કર્યો હતો.

આ યુદ્ધમાં અરબના બધા દેશો અને અમેરિકાએ સદ્દામ હુસેનનો સાથ આપ્યો હતો. અરબના એક માત્ર દેશ સીરિયાએ ઈરાનને સાથ આપ્યો હતો.

ત્યારબાદ સીરિયા દરેક મુશ્કેલ સ્થિતીમાં ઈરાનની સાથે ઊભું રહ્યું હતું.

2011માં સીરિયામાં બશર અલ-અસદ સરકારની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ થયું ત્યારે ઈરાનનો એ ડર વાજબી હતો કે જો સીરિયામાં અમેરિકા તરફી સરકાર બનશે તો તેની અસર તેહરાનની સરકાર પર પણ પડશે.

ઈરાનની શિયા દેશ તરીકેની ઓળખ ખતમ થઈ શકે છે. ઈરાનને ડર હતો કે તુર્કીની જેમ સીરિયાના કુર્દ લોકો પણ અલગ દેશ માટે આંદોલન ન શરૂ કરી દે.

જે રીતે સાઉદી અરબે બહેરીનમાં શિયા પ્રદર્શનીઓ વિરુદ્ધ પોતાની સેના મોકલી દીધી હતી તે જ રીતે ઈરાને સીરિયામાં સ્થિતીને યથાવત રાખવા માટે મદદ કરી. તે સાથે ઇજિપ્તમાં પણ 2014માં સત્તા પલટમાં સાઉદી અરબની ભૂમિકા દેખીતી રીતે શંકાસ્પદ રહી હતી.

સીરિયામાં ઈરાન સત્તા પરિવર્તન નહોતું ઇચ્છતું જ્યારે સાઉદી અરબ અને ખાડીના અન્ય સહયોગીઓએ અસદ વિરોધી તત્ત્વોને મદદ કરી અને આ તત્ત્વોનો જબાત અલ-નુસરા અને સ્થાનિક અલ-કાયદા સાથે પણ સંબંધ હતો.

ઈરાન પર ત્રીજો આક્ષેપ યમનને અસ્થિર કરવાનો છે. ઈરાન યમનમાં હૂતી વિદ્રોહીઓને મદદ કરી રહ્યું છે અને પશ્ચિમી યમનમાં તેનું નિયંત્રણ છે. યમનમાં પણ ઈરાનનો હસ્તક્ષેપ અકારણ નથી.

સીરિયામાં સાઉદી અરબ ઇચ્છતું હતું કે તેઓ ઈરાન સમર્થક સરકારને ઉખાડી ફેંકે. યમનમાં હૂતી વિદ્રોહીઓએ સાઉદી સમર્થક રાષ્ટ્રપતિ અબ્દાબ્બુહ મંસુર હાદીને હઠાવી દીધા હતા.

ઈરાનને મંસુરનું યમનની સત્તા પરથી જવું અનુકૂળ આવ્યું હતું. ઈરાન યમનને સાઉદીના વિયેતનામ તરીકે જોતું હતું.

રિયાદ સાથે સંયુક્ત આરબ અમીરાતે યમનના બંદરો બંધ કરી દીધાં અને લોકો પર બૉમ્બ વરસાવ્યા. આજની તારીખમાં યમન દુનિયાના સૌથી ખતરનાક માનવીય સંકટમાંથી પસાર થઈ રહ્યો છે.

અમેરિકા ઈરાન પર છેલ્લો આક્ષેપ એ લગાવે છે કે તેઓ આતંકવાદને રાજ્યાશ્રય આપે છે.

જાહેર છે કે ઈરાન હિઝ્બુલ્લાહ, પેલેસ્ટાઇનના ઇસ્લામિક જેહાદ અને હમાસને મદદ કરે છે. જોકે, તેમને અમેરિકાના સહયોગી કતાર અને તુર્કીની પણ મદદ મળે છે.

કહેવાય છે કે બૈરુતમાં 1983માં અમેરિકાના દૂતાવાસ પર જે હુમલો થયેલો તેમાં હિઝ્બુલ્લાહનો હાથ હતો.

તે સાથે જ અરબમાં 1996માં અમેરિકાની વાયુસેનાના એક કૉમ્પલેક્સ પર હુમલો થયો હતો અને તેના માટે પણ આ જ સંગઠનો પર આક્ષેપ થયા હતા.

નિષ્ણાતો માને છે કે આઈએસઆઈએસ અને અલ કાયદા જેવા સુન્ની જેહાદી જૂથોએ અમેરિકાના નાગરિકોની વધુ હત્યા કરી છે.

તેમને ઈરાને નહીં પણ સુન્ની નેતૃત્વ વાળા દેશ અને ખાસ કરીને સાઉદી અરબ તરફથી સૌથી વધુ મદદ મળી છે.

2016માં અમેરિકામાં 9/11 ના હુમલાની તપાસમાં ઘણાં એવાં તથ્યો સામે આવ્યાં જેમાં કહેવાયું હતું કે વિમાન હાઇજૅકર્સને જે લોકો તરફથી મદદ મળી તેઓ કદાચ સાઉદી સરકારના સંપર્કમાં હતા.

સીએનએનના અહેવાલ મુજબ આ વર્ષની શરૂઆતમાં સાઉદી અને યૂએઈએ યમનમાં અલ કાયદાને અમેરિકામાં બનેલાં હથિયારો ઉપલબ્ધ કરાવ્યાં હતાં.

2014માં પૅંટેગનના એક અહેવાલમાં કહેવાયું હતું કે ઈરાનની સૈન્ય રણનીતિમાં આત્મસુરક્ષા કેન્દ્રમાં છે.

અમેરિકા અને ઇઝરાયલના ઘણા નિષ્ણાતોનો એ અંદાજ છે કે ઈરાન પોતાની સુરક્ષા મુદ્દે સતર્ક રહે છે, બીજા પર હુમલો કરવાની ઇચ્છા રાખતું નથી.

1953માં અમેરિકા અને બ્રિટને ઈરાનમાં લોકશાહી રીતે ચૂંટાયેલા વડા પ્રધાન મોહમ્મદ મોસાદેગને પદભ્રષ્ટ કરીને પહલવીને સત્તા સોંપી દીધી હતી.

મોહમ્મદ મોસાદેગે જ ઈરાનના તેલ ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું અને તેઓ ઇચ્છતા હતા કે શાહની શક્તિ ઓછી થાય.

કોઈ પણ વિદેશી નેતાને શાંતિપૂર્ણ સ્થિતિમાં પણ પદભ્રષ્ટ કરવાનું કામ પહેલી વખત અમેરિકાએ ઈરાનમાં કર્યું, પણ તે છેલ્લું નહોતું. ત્યારબાદ આ રીત અમેરિકાની વિદેશ નીતિનો ભાગ બની ગઈ.

1953માં ઈરાનમાં અમેરિકાએ જે રીતે તખ્તાપલટ કર્યું તેનું પરિણામ 1979ની ઈરાની ક્રાંતિ હતી. આ 40 વર્ષોમાં ઈરાન અને પશ્ચિમ વચ્ચે કડવાશ ખતમ થઈ નથી.

હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે જો ઈરાન યુદ્ધ કરે તો તેનું અસ્તિત્વ જ મટી જશે. અમેરિકાને પણ યુદ્ધના જોખમનો અંદાજ છે કારણ કે 2003માં તે ઇરાકમાં સદ્દામ હુસેનને સત્તા પરથી દૂર કરવા આવું કરી ચૂક્યો છે.

ઇસ્લામિક ક્રાંતિનાં 40 વર્ષ પછી ઈરાને ઘણા સંકટ જોયાં છે પરંતુ આ વખતનો ખતરો ઘણો ગંભીર છે. ઘણા નિષ્ણાતો માને છે કે ઈરાન ઝૂકશે તો પણ હારશે અને લડે તો પણ જીતી શકશે નહીં.

આપને આ પણ વાચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો