જીવતા દફનાવાયેલા બાળકને કૂતરાએ જમીન ખોદીને બચાવ્યું

કૂતરાએ બાળકને જમીન ખોદીને બચાવ્યું

ઇમેજ સ્રોત, KHAOSOD

ઇમેજ કૅપ્શન, કૂતરાએ બાળકને જમીન ખોદીને બચાવ્યું

થાઇલૅન્ડમાં જીવતા દફન કરી દેવાયેલા એક નવજાત બાળકને જમીનમાં ખોદીને કૂતરાએ બચાવી લીધાની ઘટના સામે આવી છે.

15 વર્ષની સગીરાએ તાજા જન્મેલા બાળકને પોતાનાં માતાપિતાથી છુપાવવા માટે જમીનમાં દાટી દીધું હતું.

ઉત્તર થાઇલૅન્ડમાં આવેલા બાન નોંગ ખામ ગામમાં આ ઘટના બની હતી.

કૂતરાના માલિકના કહેવા પ્રમાણે તેનો પિંગ પોંગ નામનો કૂતરો એક ખેતરમાં જમીન ખોદતાં-ખોદતાં જોરજોરથી ભસતો હતો. ત્યારબાદ તેમણે બાળકનો પગ જમીનની બહાર જોયો.

આ વાત જાણતા જ ઘટનાસ્થળે લોકો ભેગા થઈ ગયા હતા અને નવજાત બાળકને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું.

હૉસ્પિટલના ડૉક્ટરોએ બાળકની સારવાર કરી અને બાળક સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું.

કારની અડફેટે આવતા કૂતરાને ઈજા થઈ હતી

ઇમેજ સ્રોત, KHAOSOD

ઇમેજ કૅપ્શન, કારની અડફેટે આવતા કૂતરાના એક પગમાં ઈજા થઈ હતી

પિંગ પોંગના માલિક ઉસા નિસાઇખાંએ કહ્યું કે એક કારની અડફેટે આવી જતા કૂતરાના એક પગમાં ઈજા થઈ છે જેથી તે ત્રણ પગે ચાલે છે.

તેમણે એક અખબારને જણાવ્યું, "પિંગ પોગ ખૂબ જ વફાદાર અને આજ્ઞાકિંત હોવાને કારણે મેં તેને રાખ્યો છે. હું જ્યારે મારાં ઢોર ચરાવવાં માટે જાઉં છું ત્યારે તે હંમેશાં મને મદદ કરે છે. ગામના ઘણા લોકોને આ કૂતરો ગમે છે."

નવજાત બાળકની માતા વિરુદ્ધ બાળકને ત્યજી દેવા અને તેની હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સ્થાનિક પોલીસ અધિકારીએ બેંગકોક પોસ્ટને જણાવ્યું કે હાલ બાળકની માતા તેમનાં માતાપિતા સાથે છે અને સાઇકૉલૉજિસ્ટની સારવાર લઈ રહી છે.

પોતાના આ કૃત્યનો સગીરા અફસોસ છે અને સગીરાનાં માતાપિતા હવે બાળકનો ઉછેર કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો