ગ્લોબલ વૉર્મિંગથી કેવી રીતે પૈસાદાર દેશ વધારે પૈસાદાર બન્યા અને ગરીબ દેશ વધારે ગરીબ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પાબ્લો ઉચોઆ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
વિશ્વનું તાપમાન સતત વધી રહ્યું છે પણ એવું નથી કે આ વૈશ્વિક તાપમાનની અસર દુનિયાના દરેક ખુણામાં વસતી વ્યક્તિને એક જેવી જ થાય છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે ગ્લોબલ વૉર્મિંગના કારણે અમીર દેશો વધારે અમીર અને ગરીબ દેશો વધારે ગરીબ બની ગયા છે.
એક સંશોધન પ્રમાણે છેલ્લી અડધી સદીમાં જળવાયુ પરિવર્તનના કારણે વિશ્વમાં અસમાનતા વધી છે.
ગરીબ દેશોમાં વિકાસ પર અસર પડી છે, જ્યારે કેટલાક ધનિક દેશોની સમૃદ્ધિ તેના કારણે વધી છે.
કેલિફોર્નિયાની સ્ટેનફૉર્ડ યુનિવર્સિટીના સંશોધકો જણાવે છે કે વૈશ્વિક તાપમાનમાં વધારો ન થયો હોત તો સૌથી ગરીબ અને સૌથી ધનિક દેશો વચ્ચે ઓછી અસમાનતા હોત.
તેના બદલે અત્યારે આ બન્ને પ્રકારના દેશો વચ્ચે 25% જેટલી વધારે અસમાનતા ઊભી થઈ ગઈ છે.
ઉષ્ણકટિબંધ પર આવેલા આફ્રિકન દેશો પર તેની સૌથી વધુ અસર થઈ છે.
વૈશ્વિક તાપમાનમાં જો વધારો ન થયો હોત તો આજે મૌરિટાનિયા અને નાઇજર જેવા દેશોમાં વ્યક્તિદીઠ જીડીપી 40% કરતાં પણ વધારે હોત.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આઈએમએફના અંદાજ પ્રમાણે આ વર્ષે જેનું અર્થતંત્ર દુનિયાના પાંચમાં નંબરનું થઈ જવાનું છે, તેવા ભારત દેશમાં પણ વધતા તાપમાનની અસર થઈ છે.
અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2010માં વ્યક્તિદીઠ જીડીપી જેટલો હોવો જરૂરી હતો તેના કરતાં 31% ઓછો રહ્યો હતો.
વિશ્વના નવમા નંબરના અર્થતંત્ર બ્રાઝીલ માટે આંકડો છે 25% જેટલો છે.
નેશનલ એકૅડેમી ઑફ સાયન્સ જર્નલના પ્રોસિડિંગ્સમાં જાહેર થયેલા અભ્યાસમાં જણાવ્યા અનુસાર ગ્લોબલ વૉર્મિંગને કારણે ઘણા સમૃદ્ધ દેશોને ફાયદો થયો છે.
વિશ્વના સૌથી વધુ (તાપમાન વધારતા) ગ્રીનહાઉસ ગૅસ ઉત્પન્ન કરનારા ઘણા દેશોને પણ ફાયદો થયો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

વધતા તાપમાનનો દંડ
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ડિપોર્ટમેન્ટ ઑફ અર્થ સિસ્ટમ સાયન્સના પ્રોફેસર માર્શલ બર્ક આ અભ્યાસના સહલેખક છે.
તેઓ છેલ્લાં ઘણા વર્ષોથી વધતા તાપમાન અને તેના કારણે અર્થતંત્ર પર થતી અસરોની તપાસ કરી રહ્યા છે.
આ માટે તેમણે 1961થી 2010 સુધીના 165 દેશોના આંકડાની ચકાસણી કરી હતી.
અભ્યાસમાં હવામાનના જુદા જુદા 20 મૉડલનો ઉપયોગ કરીને એ નક્કી કરવાની કોશિશ થઈ કે મનુષ્યો જેના માટે જવાબદાર હોય તેવા તાપમાનમાં કયા દેશોમાં કેટલો વધારો થયો છે.
તે પછી જો તાપમાનમાં વધારો ના થયો હોત તો આવા દેશોનો વાર્ષિક વિકાસ દર કેટલો રહ્યો હોત તે જાણવા માટે જુદાંજુદાં 20,000 વર્ઝન પ્રમાણે ગણતરી કરવામાં આવી હતી.
પ્રોફેસર બર્કે એવું દર્શાવ્યું છે કે શીત આબોહવા ધરાવતા દેશોમાં જે વર્ષે તાપમાન સરેરાશ કરતાં વધારે હતું ત્યારે વિકાસ દરમાં વધારો નોંધાયો હતો.
તેની સામે ઉષ્ણ આબોહવા ધરાવતા દેશોમાં વિકાસ દર મંદ પડ્યો હતો.
તેઓ કહે છે, "ઐતિહાસિક ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે તાપમાન જ્યારે બહુ ઠંડુ પણ નહીં, અને બહુ ગરમ પણ નહીં એવું હોય ત્યારે પાક વધારે ઊતરે છે, લોકોની તંદુરસ્તી સારી રહે છે અને કામકાજમાં આપણે વધારે કાર્યક્ષમ બનીએ છીએ"
તેમનો તર્ક એવો છે કે શીત આબોહવા ધરાવતા દેશોને તાપમાન વધવાથી 'ઉષ્ણતાપમાનનો ફાયદો' થયો છે, જ્યારે ઉષ્ણ આબોહવા ધરાવતા દેશોને 'ઉષ્ણતાપમાનનો દંડ' ભોગવવો પડ્યો છે.
મહત્તમ તાપમાનથી પણ વધારે ગરમીથી આવા દેશોને નુકસાન થયું છે.

ઇમેજ સ્રોત, Getty Images
સંશોધન કરનારી ટીમના અગ્રણી નોઆ ડિફેનબૉએ બીબીસીને જણાવ્યું, "આર્થિક પ્રવૃત્તિઓના એવાં ઘણાં બધાં પરિબળો હોય છે, જેના પર તાપમાનની અસર થાય."
તેઓ કહે છે, "દાખલા તરીકે કૃષિ. શિયાળાના કારણે શીત દેશોમાં પાક લેવાની મર્યાદિત સિઝન હોય છે. બીજી બાજુ ભારે ગરમીને કારણે પાકના ઉતારા પર અસર થાય છે તેવા પૂરતા પુરાવા આપણી પાસે છે."
"એ જ રીતે, એવા પણ પુરાવા છે કે ભારે ગરમીને કારણે મજૂરોની કાર્યક્ષમતા ઘટે છે. ઊંચા તાપમાને માનસિક ક્ષમતા ઓછી થાય છે, લોકો વચ્ચે ઘર્ષણ પણ વધે છે."


વધારે અમીર, વધારે ગરીબ

ઇમેજ સ્રોત, Getty Images
સંશોધકો કહે છે કે શીત અને સમૃદ્ધ રાષ્ટ્રોને ખરેખર કેટલો ફાયદો થયો હશે તેના વિશે થોડી અનિશ્ચિતતા છે, પણ આ વર્ષો દરમિયાન ઉષ્ણ દેશોને અસર થઈ છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
સંશોધકોનું માનવું છે કે ખરેખર ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ ત્યારથી વધી રહેલા તાપમાનની ગણતરી કરવામાં આવે તો અસર વધારે મોટી હોઈ શકે છે.
ગ્રીનપીસ આફ્રિકાના સિનિયર પોલિટિકલ એડવાઇઝર હેપ્પી ખંભુલેએ બીબીસીને જણાવ્યું હતું કે, "વર્ષોથી જે વાત આપણે જાણતા હતા તેની સાથે આ તારણો મળતા આવે છે. જળવાયુ પરિવર્તનનું જોખમ વધારે છે અને વર્તમાનની ઊણપો વધારે પ્રબળ બનાવે છે."
"તેનો અર્થ એ કે જળવાયુ પરિવર્તનના કારણે ગરીબો અને જોખમ હેઠળ જીવતા લોકોને સીધી અસર થાય છે."
"વિકાસશીલ દેશોએ પોતાના વિકાસના ભોગે જળવાયુ પરિવર્તનની આકરી અસરોનો સામનો કરવાનો રહેશે."

ઇમેજ સ્રોત, Reuters
કેનેથ વાવાઝોડું આવ્યું ત્યારે જોખમનો સામનો કરવા માટે મોઝામ્બિક તૈયાર ન હતું તે દેખાઈ આવ્યું હતું.
ખંભુલેએ જણાવ્યું હતું કે 25 એપ્રિલે કેનેથ વાવાઝોડું જમીન પર ત્રાટક્યું તે પછી 40 લોકોનાં મોત થયાં હતાં.
માર્ચ મહિનામાં ઇડાઇ વાવાઝોડું આવ્યું ત્યારે પણ મોઝામ્બિક, મલાવી અને ઝિમ્બાબ્વેમાં 900થી વધુ લોકોનાં મોત થયાં હતાં.
ખંભુલે કહે છે કે વધુ સારી માળખાકીય સુવિધાઓને કારણે ફાયદામાં રહેલા દક્ષિણ આફ્રિકા જેવા દેશે પણ આબોહવામાં ફેરફારોને કારણે સહન કરવું પડે છે.
જેમ કે ભારે ગરમીના કારણે 2018માં જળસંકટ ઊભું થયું હતું. હાલમાં ક્વા-ઝૂલુ નાતાલ વિસ્તારમાં પૂર આવ્યું હતું.
"વૈશ્વિક તાપમાન વધારામાં આફ્રિકન દેશોની ભાગ્યે જ કોઈ ભૂમિકા રહેલી છે, આમ છતાં તેની અસરોનો સામનો કરવો પડે છે, કેમ કે આવી સમસ્યાઓ સામે લડવા માટે આ દેશો સક્ષમ નથી."


ગરીબ દેશોને અન્યાય

ઇમેજ સ્રોત, Getty Images
આ અભ્યાસ અનુસાર 1961થી 2010 સુધીમાં વ્યક્તિ દીઠ CO2નું પ્રમાણ 10 ટનથી ઓછું (નવ ટન) હોય તેવા બધા જ 18 દેશોએ ગ્લોબલ વૉર્મિંગનું નુકસાન ભોગવવું પડ્યું છે.
જો તાપમાન ન વધ્યું હોત તો કેવી સ્થિતિ હોત તેની સાથે સરખામણી કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે આ દેશોની વ્યક્તિ દીઠ જીડીપીમાં મધ્યાંક પ્રમાણે 27%નો ઘટાડો થયો હતો.
તેની સામે વ્યક્તિ દીઠ CO2નું પ્રમાણ 300 ટનથી પણ વધારે (272 ટન) સુધી પહોંચ્યું હોય તેવા 19 દેશોમાંથી 14 દેશોને ગ્લોબલ વૉર્મિંગથી ફાયદો થયો છે.
આ દેશોની વ્યક્તિ દીઠ જીડીપીમાં મધ્યાંક પ્રમાણે 13%નો વધારો થયો છે.
જોકે, આવા તારણની ટીકા પણ થઈ છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ બે સંશોધકો સાથે ભૂતકાળમાં કામ કરનારા, યુસી બર્કલે ખાતેના પબ્લિક પૉલિસીના પ્રોફેસર સોલોમન હિસિયાંગ કહે છે કે ગ્લોબલ વૉર્મિંગના કારણે ગરીબ અને ઉષ્ણ દેશોને થયેલી અસરોની વાત એકદમ સાચી છે, પરંતુ તેની નકારાત્મક અસરો સમૃદ્ધ દેશોને પણ થઈ છે.
તેઓ કહે છે, "આ વિશ્લેષણની મેથડ પ્રમાણે જોવા જઈએ તો પાછળથી સમૃદ્ધ દેશોને પણ નુકસાન થયેલું દેખાય છે. તેથી પ્રથમ વર્ષની અસરને છોડી દેશો તો તમે જોશો કે સમૃદ્ધ અને શીત દેશોને પણ અસર થઈ છે."
અમેરિકા, ચીન અને જાપાન જેવા મધ્યના અક્ષાંશ પર રહેલા દેશો અને દુનિયાના ત્રણ સૌથી મોટા અર્થતંત્રના વિકાસને કેવી અસર થઈ છે તે પણ બહુ સ્પષ્ટ નથી.
ખંભુલે કહે છે: "લાંબા ગાળે ક્લાઇમેટ ચેન્જથી કોઈને ફાયદો થવાનો નથી. ક્લાઇમેટ ચેન્જ આમ જ ચાલતું રહ્યું તો પછી કાબૂ બહારના આબોહવા પરિવર્તનો થઈ જશે."
"એ જરૂરી છે કે દુનિયામાં સૌથી વધુ પ્રદૂષિત ગૅસ ફેંકતા દેશો તાકિદે તે બંધ કરે."
"નીતિ નિર્ધારકોએ ક્લાઇમેટ ચેન્જને હાલમાં છે તેના કરતાં વધારે ગંભીરતાથી લેવાની જરૂર છે. તેમણે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે ધુમાડા છોડતા બળતણની જગ્યાએ રિન્યૂએબલ ઍનર્જી તરફ ઝડપથી આપણે વળીએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












