વેનેઝુએલામાં સત્તાનો સંઘર્ષ : હજારો લોકો રસ્તા પર, વિપક્ષના નેતા પર સત્તાપલટાનો આરોપ

ઇમેજ સ્રોત, AFP
વિશ્વમાં સૌથી વધારે ક્રૂડઑઈલ ધરાવતા દેશમાંનો એક વેનેઝુએલા હાલ ગૃહયુદ્ધમાંથી પસાર થઈ રહ્યો છે.
વર્તમાન રાષ્ટ્રપતિ નિકોલસ મદુરો વિપક્ષના નેતા ખ્વાન ગ્વાઇદો વચ્ચે સત્તાનો સંઘર્ષ ચાલી રહ્યો છે.
ખ્વાન ગ્વાઇદોએ ગત જાન્યુઆરી મહિનાથી નિકોલસ મદુરોને સત્તા પરથી હટાવવા માટે સંઘર્ષ શરૂ કરી દીધો છે.
ગ્વાઇદોએ પોતાને વેનેઝુએલાના વચ્ચગાળાના નેતા જાહેર કરી દીધા હતા. તેમની આ જાહેરાતને અમેરિકા સહિત ડઝન જેટલા દેશોએ ટેકો આપ્યો હતો.
જોકે, ગ્વાઇદોની આ જાહેરાત અને અમેરિકા તથા યુરોપના દેશોના ટેકા છતાં મદુરો પોતાની સત્તા જાળવવામાં સફળ રહ્યા છે.
આ સત્તાના સંઘર્ષના કારણે દેશમાં ગૃહયુદ્ધ જેવો માહોલ છે. ગ્વાઇદોના સર્મથકો દેશમાં વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે.
જેની સામે મદુરો ખુદ સત્તાને ટકાવવા માટે સેનાના સાથથી આ બળવાને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

મંગળવારે શું થયું?

ઇમેજ સ્રોત, AFP
અમેરિકાનો આરોપ છે કે મદુરોને વેનેઝુએલામાં સત્તા ટકાવી રાખવા માટે રશિયા સાથ આપી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મંગળવારે વિપક્ષના નેતા ગ્વાઇદોએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેમની સાથે વિપક્ષના અન્ય એક નેતા લિયોપોલ્ડો લોપેઝ પણ હતા.
2014માં હિંસા ભડકાવવાના આરોપસર લોપેઝને ઘણા સમયથી નજરકેદ કરવામાં આવ્યા છે.
આ વીડિયોમાં ગ્વાઇદોએ કહ્યું કે મદુરોને સત્તામાંથી હટાવવાનો આ છેલ્લો તબક્કો છે અને તેમને કેટલાક બહાદુર સૈનિકોનો સાથ છે.
જાન્યુઆરીથી ચાલી રહેલા આ સંઘર્ષમાં સેનાએ ગ્વાઇદોને સાથ આપ્યો નથી.

ગ્વાઇદોની જાહેરાત અને હિંસા

ઇમેજ સ્રોત, Getty Images
મદુરોને હટાવવાની નિર્ણાયક કાર્યવાહીની ગ્વાઇદોએ વાત કર્યા બાદ વેનેઝુએલામાં ફરી પ્રદર્શનો શરૂ થઈ ગયાં છે.
હજારો લોકો હાલ રસ્તા પર ઊતરી આવતા સુરક્ષાદળો અને લોકો આમને-સામને આવી ગયાં છે. દેશમાં અનેક જગ્યાએ હિંસાની ઘટનાઓ બની રહી છે.
આ તમામની વચ્ચે ગ્વાઇદોએ સેનાનો આ સંઘર્ષમાં સાથે માગ્યો છે પરંતુ મદુરોના વફાદાર સુરક્ષાદળોએ દેશના મહત્ત્વનાં સ્થળોને પોતાનાં કબ્જામાં લઈ લીધાં છે.
લોકોને વિખેરવા માટે સૈનિકોએ રબરની ગોળીઓ ચલાવી અને અશ્રુગૅસના ગોળા પણ ફેંક્યાના અહેવાલો આવી રહ્યા છે.
કેટલાક અહેવાલોમાં પણ એવું પણ જાણવા મળ્યું છે કે સૈનિકોએ લોકો પર જીવલેણ ગોળીબાર પણ કર્યો છે.

રાષ્ટ્રપતિ દેશ છોડી ભાગવાના હતા?

ઇમેજ સ્રોત, Reuters
વેનેઝુએલાના સૈન્ય જનરલ વ્લાદિમીર પડ્રિનોએ કહ્યું છે કે સેના રાષ્ટ્રપતિ મદુરોની સાથે છે.
આ તમામની વચ્ચે અમેરિકાએ કહ્યું છે કે મદુરોની નજીકના ગણાતા ત્રણ લોકો એ વાત પર સહમત થયા હતા કે રાષ્ટ્રપતિએ સત્તા છોડી દેવી જોઈએ. જોકે, બાદમાં તેઓ આ વાતથી ફરી ગયા છે.
અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટ માઇક પોમ્પિયોએ એવો આક્ષેપ કર્યો હતો કે રાષ્ટ્રપતિ મદુરો દેશ છોડવાની તૈયારી કરી રહ્યા હતા. તેઓ મંગળવારે ક્યૂબા ભાગી જવાના હતા.
તેમણે કહ્યું, "તેમના માટે પ્લેન તૈયાર હતું, અમને જાણવા મળ્યું છે તે મુજબ તેઓ મંગળવારે સવારે જ ક્યૂબા ભાગી જવા માટે તૈયાર હતા. જોકે, રશિયાને કારણે તેમણે દેશ છોડ્યો નહીં."
જોકે, ત્યારબાદ મદુરો સાંજે ટીવી પર પણ દેખાયા હતા.
રશિયા અને તુર્કીએ ગ્વાઇદો પર આરોપ લગાવ્યો છે કે તેઓ વેનેઝુએલામાં હિંસાને ભડકાવી રહ્યા છે.
જ્યારે બોલિવિયા અને ક્યૂબા જેવા લેટિન અમેરિકન દેશોએ ગ્વાઇદો પર વિદેશી હિતો માટે સત્તાપલટો કરાવવાની કોશિશ કરી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












