હિમાલયમાં ખરેખર કોઈ લાંબા ધારદાર દાંતવાળો હિમમાનવ રહે છે?

હિમાલય

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, લ્યુસી જોન્સ
    • પદ, .

તમે હિમાલયમાં જાતે ન જાવ તો પણ યેતી કેવો લાગતો હશે તેની કલ્પના કરી શકો છો. સ્કૂબી ડૂથી માંડીને ડૉક્ટર વ્હૂ, ટીનટીન અને મોન્સ્ટર્સ જેવી ફિલ્મો, સીરિયલો અને ગેમ્સમાં તમે 'વિચિત્ર હિમમાનવ' જોતા આવ્યા છો.

પ્રચલિત માન્યતા પ્રમાણે યેતી બહુ વિશાળ કદનો, તોતિંગ પંજા ધરાવતો તથા લાંબા ધારદાર દાંત ધરાવતો હિમમાનવ છે.

તેના શરીર પરની રુંવાટી કાંતો ભૂખરી કે સફેદ હોય છે. બરફના પહાડોમાં તે એકલો ઘૂમતો હોય અને આપણા વિસરાઇ ગયેલા ભૂતકાળની યાદ અપાવતો હોય તેવું વર્ણન યેતી વિશે થતું રહે છે.

આવી વાતો અને કલ્પનાઓ સિવાય આ દંતકથાના પાત્રની બીજી કોઈ સત્યતા ખરી? છેલ્લાં થોડાં વર્ષોમાં આધુનિક જિનેટિક્સને પણ યેતીની શોધની દિશામાં કામે લગાડાયું છે.

તેના કારણે કદાચ આપણે આ રહસ્ય ઉકેલી શકીશું. વાનર-મનુષ્ય વિશેની આવી ઘણી કલ્પનાઓમાં એક યેતી પણ છે.

વિશ્વના અન્ય દેશોમાં બિગફૂટ અને સેસ્ક્વૉચની માન્યતાઓ પણ પ્રચલિત છે, પણ આ લેખમાં માત્ર યેતીની વાત કરીશું.

યેતીની કલ્પનાનાં મૂળિયાં લોકકથાઓમાં રહેલાં છે. આ પાત્રને પૌરાણિક માનવામાં આવે છે અને શેરપાઓની દંતકથાઓ અને ઇતિહાસનો તે અગત્યનો ભાગ છે.

પૂર્વ નેપાળમાં 12,000 ફૂટથી વધુની ઊંચાઈએ પહાડો વચ્ચે શેરપાઓ વસેલા છે.

શેરપા અને યેતીની દંતકથાઓ વિશેના પોતાના પુસ્તકમાં શિવ ઢકાલે આવી 12 લોકકથાઓ એકઠી કરી છે.

આ બધી જ કથાઓમાં યેતીને ખતરનાક માનવામાં આવ્યો છે. 'યેતીનો નાશ' એવી એક કથામાં શેરપાઓને ત્રાસ આપતા યેતીઓના એક જૂથ સામે વેર વાળવાની વાત આવે છે.

તેઓ દારૂ પીવાનો અને પછી અંદરોઅંદર લડવાનો દેખાવ કરે છે.

તે જોઈને યેતીઓ પણ પ્રેરાય અને અંદરોઅંદર લડી મરે તેવું કથામાં વર્ણન આવે છે. આ રીતે અંદરોઅંદર લડી મર્યા પછી બચી ગયેલા યેતી પણ બદલો લેવાની પ્રતિજ્ઞા કરે છે.

તેઓ વધુ ઊંચા પર્વતોમાં જતા રહે છે અને પછી ત્યાંથી હુમલા કરતા રહે છે.

અન્ય એક કથામાં યેતી એક સ્થાનિક કન્યા પર બળાત્કાર કરે છે. તે કન્યાની તબિયત બાદમાં લથડે છે.

ત્રીજી કથામાં એવું વર્ણન છે કે સૂરજ ઉપર ચડતો જાય તેમ યેતીની કાયા વિશાળ બનતી જાય છે.

કોઈ મનુષ્યની નજર તે યેતી પર પડે તો તેની શક્તિ હણાઈ જાય અને બેભાન થઈ જાય.

હિમાલય

ઇમેજ સ્રોત, Robert Harding World Imagery/Alamy

ઇમેજ કૅપ્શન, પશ્ચિમના પર્વતારોહકો હિમાલયમાં ફરતા થયા તે પછી યેતીની દંતકથા વધારે ખતરનાક બનવા લાગી

આ બધી લોકકથાઓનો સાર પણ અન્ય કથાઓની જેમ પ્રેરણા આપવાનો અને નૈતિકતાના પાઠ ભણાવવાનો છે.

ખાસ તો શેરપાઓ હિંસક જંગલી પ્રાણીઓથી દૂર રહે તેવી ચેતવણી આપવાનો આ વાર્તાઓનો ઈરાદો હોય તેવું લાગે છે.

ઢકાલ કહે છે, "યેતીની લોકકથાઓથી ચેતવણી આપવાનો અને નૈતિકતા જગાવવાનો જ કદાચ ઈરાદો હતો. ખાસ કરીને બાળકોને સમૂહથી દૂર ના જવાનો અને તેઓ સમૂહ સાથે રહીને જ સલામત છે તેવો સંદેશ આપવાનો પ્રયાસ હતો."

"કેટલાક કહે છે કે યેતી માત્ર ભયની કલ્પના છે, જેના કારણે પહાડી લોકો વધારે મજબૂત બને અને કપરા હવામાનમાં પણ ટકી રહેવા હિંમતવાન બને."

આ પછી પશ્ચિમના પર્વતારોહકો હિમાલયમાં ફરતા થયા તે પછી યેતીની દંતકથા વધારે ખતરનાક અને સનસનાટી ભરી બનવા લાગી.

કથિત યેતીનું માથુ અને હાથ

ઇમેજ સ્રોત, Leo & Mandy Dickinson/NPL

ઇમેજ કૅપ્શન, ઘણા પર્વતારોહકોએ ખાસ હિમમાનવને શોધી કાઢવા માટેની સાહસયાત્રાઓ આરંભી હતી

1921માં રાજકારણી અને સાહસિક ચાર્લ્સ હૉવાર્ડ-બ્યુરીની આગેવાનીમાં બ્રિટિશ પર્વતારોહક દળ માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે પહોંચ્યું હતું.

તેમણે કેટલાક વિશાળ કદના પગલાંની છાપ જોઈ. તેમને જણાવાયું કે આ 'મેતો-કાંગમી'ના પગની છાપ છે. મેતો-કાંગમી એટલે 'મનુષ્ય-રીંછ જેવો હિમમાનવ'.

આ ટુકડી પરત ફરી ત્યારે તેના કેટલાક પર્વતારોહક સભ્યોના ઇન્ટરવ્યૂ એક પત્રકારે કર્યા હતા. કમનસીબે આ રિપોર્ટર હેન્રી ન્યૂમેન વધારે હોશિયાર નહોતા.

પ્રથમ તો તેમણે 'મિતો'નો અનુવાદ 'ગંદો' એવો કર્યો. આટલાથી સંતોષ ન થયો તો આગળ વધીને 'ઘૃણાસ્પદ' ("abominable") એવો અર્થ આખરે કાઢ્યો.

તેના કારણે એક નવી દંતકથાનો જન્મ થયો. સ્થાનિક લોકોને પગલાંની છાપ જોવા મળી તેવા અહેવાલોનો અનુવાદ પશ્ચિમમાં આવો જ થતો રહ્યો અને તેના આધારે રહસ્યમય વાનર જેવા નર કે હિમમાનવની વાતો ઘૂંટાતી ગઈ.

1950ના દાયકા સુધીમાં લોકોને તેમાં ભારે રસ પડવા લાગ્યો હતો. ઘણા પર્વતારોહકોએ ખાસ હિમમાનવને શોધી કાઢવા માટેની સાહસયાત્રાઓ આરંભી દીધી.

હોલીવૂડના ફિલ્મસ્ટાર જેમ્સ સ્ટુઅર્ટને પણ રસ પડ્યો અને તેમણે દાવો કર્યો કે પોતે યેતીની આંગળી શોધી લાવ્યા છે. 2011માં તેનો ડીએનએ ટેસ્ટ થયો ત્યારે ખ્યાલ આવ્યો કે તે આંગળી યેતીની નહીં, મનુષ્યની હતી.

કથિત યેતીના અંગમાં પ્લાસ્ટર

ઇમેજ સ્રોત, Doug Allan/NPL

ઇમેજ કૅપ્શન, 1980ના દાયકામાં હિમાલયમાં યેતી જોવા મળ્યો હોવાનો દાવો પણ થયો છે

તે પછી તો બરફમાં મળતી પગલાંની છાપ, યેતી વિશેની ફિલ્મો, ઝાંખી તસવીરો અને પર્વતારોહકોના પોતે યેતીને ભાળી ગયા એવા ગપગોળા ચાલતા જ રહ્યા છે.

યેતીનું મનાતું હાડપીંજર મળી આવ્યું કે હાડકા અને વાળના અવશેષો મળી આવ્યાના દાવા પણ થતા રહ્યા.

જોકે, આ બધા જ દાવા ખોટા ઠર્યા છે. અવશેષોની તપાસ થાય ત્યારે રીંછ, એન્ટીલોપ કે વાનરો જેવા બીજા પહાડી પ્રાણીઓના તે હોવાનું સ્પષ્ટ થતું રહ્યું છે.

કોઈ નક્કર પુરાવા ના હોવા છતાં હજીય ઘણા હિમાલયમાં યેતીને શોધવા નીકળી પડે છે. યેતીની આ ઘેલછા ક્રિપ્ટોઝૂલૉજીનો નમૂનો છે. એટલે કે એવા પ્રાણીની શોધ કરવાની ઘેલછા, જેના અસ્તિત્ત્વના કોઈ પુરાવા ઉપલબ્ધ ના હોય.

યેતીની શોધમાં સૌથી જાણીતું નામ કદાચ રેનોલ્ડ મેસનરનું છે. 1980ના દાયકામાં હિમાલયમાં પોતાને યેતી જોવા મળ્યો હતો એવો દાવો તેમણે કર્યો હતો.

આ રહસ્યને ઉકેલવા માટે ત્યારથી અત્યાર સુધીમાં તેઓ ડઝનથી વધુ વાર હિમાલયનો પ્રવાસ કરી ચૂક્યા છે.

યેતી જોયા હોવાના બધા દાવા વિશે મેસનરનું બહુ સાદું તારણ છે કે યેતી એક રીંછ છે.

હિમાલય

ઇમેજ સ્રોત, Robert Harding Picture Library Ltd/Alamy

ઇમેજ કૅપ્શન, રેનોલ્ડ મેસનરનું કહેવું છે કે યેતીની દંતકથામાં અસલી રીંછની એક જાતિની બાબત અને શેરપાઓની જંગલી પ્રાણીઓની લોકકથાઓનું મિશ્રણ થયું છે

મેસનર એવું કહે છે કે યેતીની દંતકથામાં અસલી રીંછની એક જાતિની બાબત અને શેરપાઓની જંગલી પ્રાણીઓની લોકકથાઓનું મિશ્રણ થયું છે.

મેસનર કહે છે, "યેતીનાં પગલાંઓની જે પણ છાપ જોવા મળી છે, તે બધાં એક જ પ્રકારનાં રીંછનાં પગલાંની છે. યેતી કોઈ કલ્પનાનું પાત્ર નથી. યેતી એક વાસ્તવિકતા છે."

હૉવાર્ડ-બ્યૂરી અને ન્યૂમેન વગેરેએ યેતી કોઈ વાનર-માનવ હોવાની વાત ફેલાવી છે તેની સામે મેસનરને ભારે વાંધો છે.

તેઓ કહે છે, "લોકોને વાસ્તવિકતા ગમતી નથી, તેમને ગાંડીઘેલી વાતો ગમે છે."

"તેમને યેતી નિએન્ડરથાલ જેવો હોવાનું માનવું ગમે છે. મનુષ્ય અને વાનર વચ્ચેના સ્વરૂપ તરીકે યેતીને જોવાનું તેમને ગમે છે."

2014માં મેસનરના અભિપ્રાયને અણધારી દિશામાંથી સમર્થન મળ્યું હતું - જીનેટિક્સના ક્ષેત્રમાંથી સમર્થન મળ્યું હતું.

સફેદ રીંછ

ઇમેજ સ્રોત, Steven Kazlowski/NPL

ઇમેજ કૅપ્શન, એવું તારણ નીકળ્યું છે કે હિમાલયમાં એવા રીંછ રહે છે જેની ઓળખ થઈ નથી

યુકેની ઑક્સફર્ડ યૂનિવર્સિટીના જીનેટિક્સના ભૂતપૂર્વ પ્રોફેસર બ્રાયન સાઇક્સે નક્કી કર્યું કે યેતીના કહેવાતા અવશેષોની જીનેટિક્સની રીતે તપાસ કરવી.

તેમણે અને તેમની ટીમે યેતીના મનાતા વાળના નમૂનાની ચકાસણી કરી. આમાંના ઘણા નમૂના મેસનરે તેમને આપ્યા હતા.

આ ધારી લેવાયેલા 'યેતી'ના ડીએનએના નમૂનાઓની સરખામણી બાદમાં અન્ય પ્રાણીઓના જેનોમ્સ સાથે કરવામાં આવી.

ટીમને જાણવા મળ્યું કે હિમાલયમાંથી મળેલા બે નમૂના 40,000 વર્ષ પહેલાં ધ્રૂવ પ્રદેશમાં જીવતા હતા તેવાં રીંછ, પોલર બેઅરને મળતા આવે છે.

આ બે નમૂનામાંથી એક ભારતના લદ્દાખમાંથી અને બીજો ભૂટાનમાંથી મળ્યો હતો.

તેના પરથી એવું તારણ કાઢવામાં આવ્યું કે હિમાલયમાં એવાં રીંછ રહે છે જેની ઓળખ થઈ નથી. તે કદાચ પ્રાચીન પોલર બેઅર અને બ્રાઉન બેઅરની મિશ્ર ઓલાદ હશે.

ટીમે જણાવ્યું હતું, "જો આવી રિંછ પ્રજાતી હિમાલયમાં ઠેર ઠેર રહેતી હશે તો તેના કારણે યેતીની દંતકથા પેદા થઈ હશે."

જોકે, આ દાવા સામે તરત જ સવાલો ઊભા થયા હતા.

બે સફેદ રીંછ

ઇમેજ સ્રોત, T. J. Rich/NPL

ઇમેજ કૅપ્શન, પ્રાચીન ડીએનએ જાણવા માટે વાળ એક સારું માધ્યમ છે

ડેન્માર્કની કોપનહેગન યુનિવર્સિટીના રોસ બાર્નેટ કહે છે કે, "હિમાલયમાં પોલર બેઅર રહેતા હોવાની વાત બહુ રોમાંચક લાગી હતી."

તે વખતે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં કામ કરતા સેરિડ્વેન એડવર્ડ્સ સાથે મળીને આ દાવાની ચકાસણી કરવાનું તેમણે નક્કી કર્યું હતું.

સ્કાઇસ અને તેમના સાથીઓએ ડીએનએ ટેસ્ટ કર્યા હતા તેના ડેટા જીનબેન્ક (GenBank) તરીકે ઓળખાતા ડેટાબેન્કમાં જાહેરમાં મૂક્યા હતા.

બાર્નેટ કહે છે, "ત્યાંથી ડેટા ડાઉનલોડ કરી લેવાનું કામ સહેલું હતું."

ડેટાની ચકાસણી તેમણે કરી ત્યારે તેમાં મોટી ભૂલ હોવાનું તેમના ધ્યાને આવ્યું.

બાર્નેટ કહે છે, "તેમણે દાવો કર્યો હતો તે પ્રમાણે Pleistocene પોલર બેઅર સાથે નમૂના બરાબર મેચ થતા નહોતા. નમૂના આધુનિક પોલર બેઅર સાથે મેચ થતા હતા અને મેચ થવાનું પ્રમાણ પણ ઘણું ઓછું હતું."

આ ખુલાસા થયા પછી અગાઉનું તારણ એટલું આકર્ષક રહ્યું નહોતું. હિમાલયમાં ધ્રૂવીય રીંછ છુપાઇને રહે છે તેવી રસપ્રદ વાતના બદલે બાર્નેટ અને એડવર્ડ્સે તારણ કાઢ્યું કે વાળના ડીએનએને નુકસાન થયેલું હતું.

આવું થઈ શકે છે. પ્રાચીન ડીએનએ જાણવા માટે વાળ એક સારું માધ્યમ છે, કેમ કે તેમાં રહેલું કેરાટીન નુકસાન કરતાં પાણીને ડીએનએથી દૂર રાખે છે. જોકે, સમય સાથે ડીએનએ ડિગ્રેડ થતાં હોય છે.

સફેદ રીંછ અને તેનું બાળક

ઇમેજ સ્રોત, Andy Rouse/NPL

ઇમેજ કૅપ્શન, હોમિનિડ પ્રકારની જાતિની વસતિ લાંબો સમય સુધી છુપી રહી શકે છે

બાર્નેટ કહે છે, "મને લાગે છે કે હું નિરાશ થયો હતો. આવી અચાનક કોઈ શોધ થઈ જાય તેના વિશે જાણવાની બધાને ઉત્સુકતા હોય છે.

અમે તેને નકારી રહ્યા હતા તે વાત ગમે તેવી નહોતી, પરંતુ આખરે આવી બાબતોમાં તળિયાની હકીકત જાણવી જરૂરી હોય છે."

આવો જ અભ્યાસ ત્યારબાદ વૉશિંગ્ટન ડીસીની સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂટના એલીએસર ગ્યુટીએરેઝ અને કેન્સાસ યુનિવર્સિટીના રોનાલ્ડ પાઇને પણ કર્યો.

ડીએનએ સિક્વન્સની સરખામણી કર્યા બાદ તેઓને લાગ્યું કે કહેવાતા 'યેતી'ના નમૂના બ્રાઉન બેઅર, ભૂરા રીંછ સિવાય બીજા કોઈ પ્રાણીના હોય તેવું માનવાનું કોઈ કારણ નથી.

સ્કાઇઝ અને તેમની ટીમે પણ આખરે પોતાની ભૂલ કબૂલતું નિવેદન જાહેર કર્યું હતું.

તેઓએ એ વાત તરફ ધ્યાન દોર્યું કે "હિમાલયન 'યેતી'ના નમૂના અત્યાર સુધી અજાણ્યા એવા પ્રાણીના નથી તે વાત અકબંધ રહે છે." બીજા શબ્દોમાં કહીએ તો આ નમૂના કોઈ વાનર-મનુષ્યના હોય તેવું લાગતું નથી.

આમ છતાં દાયકાઓ પહેલાં હતી તેના કરતાં અત્યારે પહાડોમાં કોઈ વાનર જેવું પ્રાણી રહે છે તેવી વાયકાઓ વધુ માનવાલાયક લાગે છે.

આપણે એ જાણીએ છીએ છે કે હોમિનિડ પ્રકારની જાતિની વસતિ લાંબો સમય સુધી છુપી રહી શકે છે.

કંકાળ

ઇમેજ સ્રોત, Equinox Graphics/SPL

ઇમેજ કૅપ્શન, જો વાનરમાનવ જેવી પ્રજાતિની વસતિ હજી ક્યાંક જીવતી હોય તો કેટલીક બાબતો આપણી નજરે ચડવી જરૂરી છે

સાઇબેરિયામાં રહેતા ડેનિસોવન્સનો જ દાખલો લઈ લો. સાઇબિરિયાની ગુફાઓમાંથી મળેલા કેટલાક અવશેષો પરથી આવી મનુષ્ય પ્રજાતિ રહેતી હતી તેવો ખ્યાલ આવ્યો હતો.

લુપ્ત થયેલી આ પ્રજાતિના અવશેષો છેક 2008માં મળ્યા હતા. જીનેટિક વિશ્લેષણ કરવામાં આવ્યું તેના પરથી ખ્યાલ આવ્યો કે લાખો વર્ષો સુધી તે પ્રજાતિ જીવિત રહી હતી. લગભગ 40,000 વર્ષો પહેલાં જ તેનો નાશ થયો હતો.

બીજી એક લુપ્ત થયેલી પ્રજાતિ હજી હમણાં સુધી જીવતી હતી. 'હોબ્બિટ' તરીકે ઓળખાતા ઠિંગણા કદની હોમો ફ્લોરેસિએન્સિસ પ્રજાતિ ઇન્ડોનેશિયામાં લગભગ 12,000 વર્ષો પહેલાં સુધી અસ્તિત્ત્વ ધરાવતી હતી.

તેના પરથી કહી શકાય કે આવી બીજી પ્રજાતિ પણ હશે, જેના વિશે હજી આપણે જાણતા નથી.

2004માં નેચર મૅગેઝીનમાં હોબ્બિટની શોધ થયા પછી લખેલા એક લેખમાં હેન્રી જીએ લખ્યું હતું કે: "હજી હમણાં સુધી હોમો ફ્લોરેસિએન્સિસ જાતિ જીવતી હતી, તેવી શોધ થઈ છે તે પછી યેતી જેવી જાતિઓ વિશેની દંતકથાઓનો થોડો આધાર હકીકત પર હશે એવું બની શકે."

આ વાત તાર્કિક લાગે છે, પણ મુશ્કેલી એ છે કે હજી સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.

જો વાનરમાનવ જેવી પ્રજાતિની વસતિ હજી ક્યાંક જીવતી હોય તો કેટલીક બાબતો આપણી નજરે ચડવી જરૂરી છે.

રીંછ

ઇમેજ સ્રોત, Igor Shpilenok/NPL

ઇમેજ કૅપ્શન, હિમાલયમાં એવા સ્થળો છે, જ્યાં થિયરીમાં વિશાળ કદના એપ્સ જીવી શકે તેમ છે

તમે આવી કોઈ વસતિ હોય તે વિસ્તારમાં જાવ તો તેની હાજરી ના પરખાય તેવું બને નહીં.

બાર્નેટ કહે છે, "બહુ ઓછી જોવા મળતી પ્રાઇમેટ પ્રજાતિઓ, જેમ કે બોનોબો અને ઉરાંગઉટાંગની વાત કરો તો તેમને પણ શોધી કાઢવા સહેલા હોય છે."

હિમાલયના પહાડોમાં કામ કરી ચૂકેલા, યુનિવર્સિટી ઓફ ટેનિસિના વ્લાદિમિર ડાઇનેટ્સ કહે છે, "હિમાલયમાં એવાં સ્થળો છે, જ્યાં થિયરીમાં વિશાળ કદના એપ્સ જીવી શકે તેમ છે."

"આ બધાં સ્થળે મનુષ્યો પણ વસે છે. તેના કારણે ઉંદરથી મોટા હોય તેવા લગભગ બધા પ્રકારનાં સસ્તન પ્રાણીઓનો શિકાર થાય છે."

અહીં આવાં કોઈ પ્રાણી રહેતા હોય તો તેણે પૂરતો ખોરાક મેળવવા માટે દૂર દૂર સુધી ફરવું પડે. તેનો અર્થ એ કે તેમના માટે છુપાઈને રહેવું મુશ્કેલ બને.

જાપાનીઝ વાનર

ઇમેજ સ્રોત, Diane McAllister/NPL

ક્લાઇમેટ પણ એક મુદ્દો છે. હિમાલયમાં એટલું આકરું હવામાન હોય છે કે તેમાં પ્રાણીઓ માટે જીવવું મુશ્કેલ હોય છે.

ડાઇનેટ્સ કહે છે, "સૌથી વધુ ઠંડી સહન કરી શકતા જાપાની વાનરો જેટલા તે મજબૂત હોય તો પણ આકરા શિયાળામાં તેણે સબટ્રોપિકલ જંગલોમાં નીચેની તરફ આવવું પડે."

તેનો અર્થ એ થયો કે તે ધ્યાને ચડી જ જાય. "આવાં જંગલો હવે નાના-નાના વિસ્તારોમાં જ રહી ગયા છે. મોટા ભાગનાં જંગલોને ખેતી કરવા માટે સાફ કરી દેવાયાં છે."

આમ છતાં યેતીની વાતો બંધ થતી જ નથી.

રીંછ

ઇમેજ સ્રોત, Andy Trowbridge/NPL

2011માં રશિયન સાહસિકોની આગેવાનીમાં સાહસયાત્રા અને બાદમાં કૉન્ફરન્સ યોજાઈ હતી. તેમાં પણ એવો દાવો કરાયો હતો કે તેમની પાસે યેતીના અસ્તિત્વના "નકારી ન શકાય તેવા પુરાવાઓ" છે.

જોકે, રશિયામાં જ જન્મેલા ડાઇનેટ્સ કહે છે કે તે એક પબ્લિસિટી સ્ટંટ હતો, કેમ કે કોઈ નક્કર પુરાવા મળ્યા નહોતા. હકીકતમાં બહારથી આવતા લોકોને ગેરમાર્ગે દોરવાની પરંપરાનો જ તે એક હિસ્સો હતો.

ડાઇનેટ્સ કહે છે, "છેલ્લાં વીસેક વર્ષોથી શહેરના બૌદ્ધિકોમાં ઉનાળામાં યેતીની શોધમાં નીકળી પડવું તે સમય પસાર કરવા માટેનું એક ઉત્તમ બહાનું બની ગયું છે."

"તેના કારણે એવું થયું છે કે તાજિકિસ્તાન અને કિર્ગિસ્તાનના પહાડોમાં લગભગ દરેક ગામમાં એક જણ એવો મળી આવે જેણે યેતી જોયો હોય. તેનું કામ પ્રવાસીઓને જાતભાતની કથાઓ કહેવાનું હોય છે."

"તેમને દૂરની ખીણમાં જ્યાં યેતી મળવાની શક્યતા હોય ત્યાં લઈ જવાની વાત કરવાની અને તેમના ગાઇડ તરીકે સારી એવી કમાણી કરી લેવાની જ વાત હોય છે."

રીંછ

ઇમેજ સ્રોત, Igor Shpilenok/NPL

ઇમેજ કૅપ્શન, હિમાલયમાં કોઈ અજાણ્યું પ્રાણી રહેતું હોય તેવા કોઈ પુરાવા નથી

સાર એ છે કે હિમાલયમાં કોઈ અજાણ્યું પ્રાણી રહેતું હોય તેવા કોઈ પુરાવા નથી. આવું કોઈ પ્રાણી પહાડોમાં રહી ના શકે તેમ માનવાનાં બહુ બધાં કારણો પણ છે.

હિમાલયમાં ધ્રૂવીય રીંછ રહેતાં હોય તેવા પુરાવા પણ ટકી શકે તેવા નથી. દંતકથામાં રીંછ હશે ખરાં, પણ તે કદાચ બ્રાઉન બેઅર, ભૂરા રીંછ હોય છે, જે એશિયામાં આમ પણ સામાન્ય રીતે જોવા મળે છે.

બાર્નેટ માને છે કે ભૂરા રીંછ જેવાં પ્રાણીઓને ખોટી રીતે યેતી માની લેવાને કારણે આવી વાતો વધારે ચાલે છે. બીજું કે અજાણ્યા પ્રાણીઓ વિશે મોટી મોટી વાતો કરવાની વૃત્તિ પણ મનુષ્યોમાં હોય છે.

જોકે, તેના કારણે યેતીની શોધખોળ અટકી પડશે તેવું લાગતું નથી.

બાર્નેટ કહે છે, "આજ સુધીમાં ક્યારેય પુરાવા મળ્યા નથી તે હકીકત હોવા છતાં લોકો શોધખોળ બંધ કરી દેશે તેવું જરૂરી નથી."

લોકોને દંતકથાઓ અને પરિકથાઓમાં રસ પડતો રહેશે ત્યાં સુધી આપણે યેતીને ભૂલી શકીશું નહી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન