હનોઈ : મોટરબાઇક્સ અને મૉપેડની વચ્ચે જીવતું એક શહેર

વિયેતનામના યુદ્ધની વાતોથી આપણે વાકેફ છીએ. અમેરિકા જેવી મહાસત્તા સામે બાથ ભીડનારા આ દેશની મુલાકાત બ્રિટીશ ફોટોગ્રાફર જ્હૉન ઇનોચે લીધી હતી.

તેઓ અહીં મોટરસાઇલકના ઉપયોગો અને તેના પર આધારિત જીવનને ડૉક્યુમૅન્ટ કરવા માટે રાજધાની હનોઈ પહોંચ્યા હતા.

લંડન સ્થિત ફ્રિલાન્સ ફોટોગ્રાફર ઇનોચના કહેવા મુજબ, "સાઉથ-ઇસ્ટ એશિયામાં મૉપેડ લોકોનાં જીવનનો એક ભાગ બની ગયાં છે. શહેરમાં તેમનો માલવાહક તરીકે મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. જેના પર અનેક પ્રકારના સામાન લઈ જવામાં આવે છે."

ઇનોચ કહે છે, "જ્યારે 15 વર્ષ પહેલાં હું સાઉથ-ઇસ્ટ એશિયાના પ્રવાસે ગયો ત્યારે મોટરબાઇક્સ અને મૉપેડ્સને જોઈને મને નવાઈ લાગી હતી."

"સતત ચાલતાં વાહનો અને ટ્રાફિકની વચ્ચે તમને નવાઈ લાગે એ રીતે મૅનેજ કરીને રોડ ક્રોસ કરવો પડે."

"હું ડ્રાઇવરો અને તેમના દ્વારા થતી ડિલિવરીથી આકર્ષિત થયો."

"નવાઈ પમાડે તેવી રીતે માલસામાનની હેરફેર થતી જોઈ. જેમ કે, એકબીજા પર મૂકેલાં ઇંડા, બરફની થેલીઓ, મોટા પ્રમાણમાં એક સાથે લઈ જવાતાં ફૂલો. આ બધું દૃશ્યની રીતે ખૂબ સુંદર હતું. મેં લોકો પાસેથી તેમના ફોટો ખેંચવાની મંજૂરી માગી."

2017માં સરકારે જાહેરાત કરી કે 2030 આવતા સુધીમાં મૉપેડ, સ્કૂટર્સ અને મોટરબાઇક્સ જેવાં ટૂ વ્હિલર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. પ્રદૂષણ અને ટ્રાફિક જામને રોકવા માટે આ પગલું લેવાયું છે.

જોકે, કેટલાક સ્થાનિકો માને છે કે બીજો કોઈ વિકલ્પ આપ્યા વિના આ પ્રતિબંધ આ સમયગાળા દરમિયાન લાગુ કરવો શક્ય નથી.

ઇનોચ કહે છે, "હું ઘણા લાંબા સમયથી આ ફોટોગ્રાફની સિરીઝનું પ્લાનિંગ કરી રહ્યો હતો. જ્યારે મેં વાંચ્યું કે આવનારાં 10 વર્ષોમાં આ મોટરબાઇક્સ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે, મને થયું કે મારે જલદી જ ત્યાં પહોંચવું જોઈએ અને આ પ્રોજેક્ટ પૂર્ણ કરવો જોઈએ."

તમામ ફોટોગ્રાફ્સ જ્હોન ઇનોચના છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો