You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માલ્યાના પ્રત્યર્પણ સામેની અરજી લંડનની હાઈ કોર્ટે ફગાવી
લંડનની કોર્ટે ભારતીય ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યર્પણ વિરુદ્ધ કરવામાં આવેલી અરજી ફગાવી દીધી છે.
ફેબુઆરીમાં બ્રિટને વિજય માલ્યાના પ્રત્યર્પણની મંજૂરી આપી હતી, જેની વિરુદ્ધમાં માલ્યાએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ હવે કોર્ટે આ માગને ફગાવી દીધી છે.
માલ્યા પર ભારતીય બૅન્કના કરોડો રૂપિયાનું લેણું છે અને તેઓ વર્ષ 2016થી બ્રિટનમાં છે.
જોકે વિજય માલ્યાને તાત્કાલિક ભારત લાવવા અશક્ય છે. બીબીસી સંવાદદાતા ગગન સબરવાલના અનુસાર હાઈકોર્ટમાં તેમની અપીલ ફગાવાઈ છે અને હવે તેઓ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.
ભારત અને બ્રિટને 1992માં પ્રત્યર્પણ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા.
એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું, ''અમે વિજય માલ્યાનાં દેવાંથી વધુ સંપત્તિ જપ્ત કરી છે. માલ્યાનું દેવું તો નવ હજાર કરોડનું હતું પરંતુ અમારી સરકારે દુનિયાભરમાંથી તેમની ચૌદ હજાર કરોડની સંપત્તિ જપ્ત કરી. પહેલાં પણ લોકો ભાગતા હતા અને સરકારો નામ પણ નહોતી જણાવતી. અમે તો પગલાં ભર્યાં છે માટે ભાગવું પડે છે.''
માર્ચ 2016માં ભારત છોડી ચૂકેલા વિજય માલ્યા એ વાતનો ઇનકાર કરી રહ્યા છે કે તેઓ ભારતમાંથી 'ભાગ્યા' છે.
માલ્યાનું કહેવું છે કે ગત વર્ષે જુલાઈમાં તેઓએ 'બિનશરતી' તમામ બાકી રકમ પરત કરવાની રજૂઆત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માલ્યાએ એ પણ દલીલ કરી હતી કે તેઓએ એક રૂપિયાનું પણ કરજ નથી લીધું. કિંગફિશર ઍરલાઇન્સે કરજ લીધું હતું. એક વાસ્તવિક અને દુઃખદ વેપારી નિષ્ફળતાને કારણે પૈસાનું નુકસાન થયું હતું.'
ગત વર્ષે ડિસેમ્બરમાં વિજય માલ્યાએ લંડનમાં પત્રકારોને કહ્યું હતું કે ભારત છોડતાં પહેલાં તેઓની અરુણ જેટલી સાથે મુલાકાત થઈ હતી. જોકે જેટલીએ તેમના દાવાને નકારી કાઢ્યો હતો.
વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને નોટિસ
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ વડોદરાનાં કલેક્ટર દ્વારા 'કારણ દર્શક નોટિસ' ફટકારવામાં આવી છે.
'ભાજપને મત નહીં આપો તો ઠેકાણે પાડી દઈશ' એવો મતદારોને ધમકી આપતો શ્રીવાસ્તવનો કથિત વીડિયો વાઇરલ થયા બાદ આ નોટિસ ફટકારાઈ છે.
શનિવારે કૉંગ્રેસ દ્વારા આ મામલે વડોદરાનાં કલેક્ટર શાલિની અગરવાલ સમક્ષ સંબંધિત વીડિયોની સીડી રજૂ કરીને ફરિયાદ કરવામાં આવી હતી.
જે બાદ આ નોટિસ ફટકારાઈ છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલી ક્રિષ્ણને બીબીસી ગુજરાતી સમક્ષ આ વાતની પુષ્ટિ કરી છે.
કિષ્ણનના જણાવ્યા અનુસાર આ મામલે શ્રીવાસ્તવ સમક્ષ જવાબ માગવામાં આવ્યો છે અને ધારાસભ્યનો જવાબ મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નોંધનીય છે ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો પર 23મી એપ્રિલે મતદાન યોજાવાનું છે.
લીબિયામાં ચાર દિવસથી ચાલી રહેલા ઘર્ષણમાં 21 લોકોનાં મૃત્યુ
લીબિયાની આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સરકારના જણાવ્યા અનુસાર રાજધાની ત્રિપોલીમાં ચાર દિવસથી ચાલી રહેલા ઘર્ષણમાં 21 લોકોનાં મૃત્યુ થયાં છે અને 27 લોકો ઘાયલ થયા છે.
લીબિયામાં વિદ્રોહી સેનાઓ અને સરકાર સમર્થક સશસ્ત્ર જૂથો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. સશસ્ત્ર વિદ્રોહી બળના નેતા જનરલ ખલીફા હફ્તારે વિદ્રોહી સેનાને રાજધાની ત્રિપોલી તરફ આગળ વધવાનો આદેશ આપ્યો છે.
ત્યારબાદ વર્તમાન સરકારે પણ વિદ્રોહીઓને રોકવા માટે સેના મોકલી હતી, સંયુક્ત રાષ્ટ્ર સઘ સતત બન્ને પક્ષોને શાંતિ સ્થાપવા માટે અપીલ કરી રહ્યું છે.
સંઘ દ્વારા બે કલાકના યુદ્ધવિરામની અપીલ પણ કરાઈ હતી, જેથી સામાન્ય જનતાને સુરક્ષિત સ્થળે ખસેડી શકાય, પરંતુ આ સંઘર્ષ ચાલુ રહ્યો હતો.
લીબિયાના વડા પ્રધાન ફૈઝ-અલ-સિરાજે જનરલ હફ્તાર પર હિંસક સ્થિતિ સર્જવાનો આક્ષેપ કર્યો છે અને બળવાખોરોને સૈન્યનો સામનો કરવો પડશે એવું કહ્યું છે.
લાંબા સમય સુધી સત્તામાં રહેલા શાસક ગદ્દાફીની સત્તા ઉથલાવ્યા બાદ તેમની હત્યા કરાઈ હતી, ત્યારબાદ અહીં રાજકીય સ્થિતી સતત વણસી રહી છે.
વણસી રહેલી પરિસ્થિતિ વચ્ચે મોટા ભાગના દેશોએ પોતાના નાગરિકોને લીબિયામાંથી ખસેડવાનું શરૂ કરી દીધું છે.
ગુરુવારથી જનરલ હફ્તારની લીબિયન નેશનલ આર્મી ત્રિપોલીના દક્ષિણથી પશ્ચિમ વિસ્તારોમાં શ્રેણીબદ્ધ હુમલા કરી રહી છે.
લીબિયામાં ઘર્ષણ અંગે ભારતીય વિદેશમંત્રી સુષમા સ્વરાજે પણ ટ્વીટ કર્યું હતું કે, લીબિયાની સ્થિતિ અચાનક વણસી હોવાથી ત્યાંથી 15 સીઆરપીએફના જવાનોને પરત બોલાવી લેવાયા છે.
બીબીસી અરબ અફેર્સના એડિટર સેબાસ્ટિઅન યશરે કહ્યું કે સ્થાનિક લોકો ઘરમાં જ બંધ રહે છે, કેમકે લૂંટનો ડર છે.
ત્રિપોલીના સ્થાનિક લોકોએ પહેલાંથી જ ખનિજ તેલ અને ખોરાકના જથ્થાનો સંગ્રહ કરી રાખ્યો છે.
નરેન્દ્ર મોદીને ગુજરાત પરત મોકલી દેવાનો સમય: હાર્દિક પટેલ
તાજેતરમાં જ કૉંગ્રેસમાં જોડાયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર મુંબઈની જનસભામાં નિશાન સાધ્યું હતું.
'ધ ઇંડિયન એક્સપ્રેસ'માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે હાર્દિક પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'મૈં ભી ચોકીદાર' અભિયાન પર નિશાન સાધ્યું હતું.
કૉંગ્રેસનાં ઉમેદવારો સંજય નિરુપમ અને ઊર્મિલા માતોંડકરના સમર્થનમાં ચૂંટણીપ્રચાર કરવા માટે હાર્દિક મુંબઈ પહોંચ્યા હતા.
જનસભાને સંબોધતા તેમણે કહ્યું, "દેશના યુવાનો ભાજપથી નારાજ છે અને હવે નરેન્દ્ર મોદીને પરત ગુજરાત મોકલી દેવાનો સમય છે."
તેમણે એવું પણ કહ્યું, "સેનાના જવાનોની તસવીરોનો ચૂંટણીપ્રચારનાં પોસ્ટર્સમાં ઉપયોગ કરાઈ રહ્યો છે."
"તેમની પાસે પોતાનાં કાર્યો વિશે પ્રચાર કરવા માટે કંઈ નથી એટલે તેઓ કાશ્મીર અને પાકિસ્તાનના મુદ્દાને ઉઠાવી રહ્યા છે."
PMને ચૂંટણીમાં જિતાડવા પુલવામા હુમલાને મંજૂરી અપાઈ - ફારૂક અબ્દુલ્લાહ
એનડીટીવી ઇંડિયાની વેબસાઈટના અહેવાલ મુજબ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કૉન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાહે કહ્યું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં જિતાડવા માટે કેન્દ્ર સરકારે પુલવામા હુમલાને મંજૂરી આપી.
અબ્દુલ્લાહે રવિવારે આ આક્ષેપ કરતા કહ્યું કે કેન્દ્ર સરકારને પુલવામા હુમલા અંગે જાણકારી હતી. પરંતુ તેમણે હુમલો થવા દીધો, જેથી નરેન્દ્ર મોદી ચૂંટણી જીતી શકે.
જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સામાન્ય જનતાના વાહનવ્યવહાર પર પ્રતિબંધના વિરોધમાં એનસી દ્વારા યોજાયેલી એક બેઠકમાં તેમણે કહ્યું, "આ તેમની(કેન્દ્રની) ભૂલ છે. તેમને ખબર હતી કે આ હુમલો થવાનો છે. વિસ્ફોટકો ક્યાંથી આવ્યા? પીએમ મોદીએ ચૂંટણી જીતવા માટે આ 'કારનામું' કર્યું."
"અમારા પર કોઈ વાંક ન હોવા છતાં દબાણ કરવામાં આવી રહ્યું છે. આપણે એક સ્વતંત્ર દેશમાં રહીએ છીએ કે કોઈ કૉલોની(સંસ્થાન) છે. તેમણે અમને બંદી બનાવી દીધા છે. કાશ્મીરમાં વધુ લોહી વહે તે પહેલાં તેમણે આ પ્રતિબંધ ઉઠાવી લેવો જોઈએ."
સૈન્યના કાફલા સુરક્ષિત રીતે પસાર થઈ શકે એ માટે સામાન્ય જનતાના વાહનવ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે અંતર્ગત રવિવારે અને બુધવારે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી સામાન્ય જનતા વાહનવ્યવહાર કરી શકશે નહીં.
તમે આ વાંચ્યું કે નહીં?
રફાલ અંગે વિજય રૂપાણીનો કૉંગ્રેસને જવાબ 'ચોર મચાયે શોર'
'ધ ઇંડિયન એક્સપ્રેસ'માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે રફાલ મામલે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કૉંગ્રેસ પર પ્રહારો કર્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગર ખાતે ચૂંટણીપ્રચાર દરમિયાન રફાલ મામલે કૉંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે 'ચોર મચાયે શોર' જેવી સ્થિતિ છે.
તેમણે એવું પણ કહ્યું હતું કે 'આ ચોર ચોકીદારને ચોર કહી રહ્યા છે'
વડનગર મતવિસ્તાર મહેસાણા લોકસભા બેઠક અંતર્ગત આવે છે અને ભાજપનાં ઉમેદવાર શારદાબહેનના સમર્થનમાં પ્રચાર કરવા મુખ્ય મંત્રી ત્યાં પહોંચ્યા હતા.
વિજય રૂપાણીએ ભાષણમાં કહ્યું હતું, "અગાઉની મનમોહન સિંહની સરકારમાં ગોટાળા જ ગોટાળા થતા હતા."
"આ ચૂંટણી ચોકીદાર વિરુદ્ધ ચોરની લડાઈ છે."
જમ્મુ-કાશ્મીરમાં 400થી વધુ નેતાઓની સુરક્ષા રદ
એનડીટીવીની વેબસાઇટના અહેવાલ મુજબ જમ્મુ- કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રાજ્યના 400થી વધુ નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લીધી છે.
પુલવામા હુમલા બાદ મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમે એક વિવાદિત નિર્ણય લીધો હતો, જેમાં 900થી વધુ લોકોની સુરક્ષા રદ કરી નાખી હતી.
આ અંગે રાજ્યનાં વિવિધ રાજકીય દળોએ ચૂંટણીપંચને ફરિયાદ કરી હતી કે ગૃહમંત્રાલયના આ નિર્ણયથી મુખ્યધારાના નેતાઓની સુરક્ષા જોખમમાં છે. જે ચૂંટણી પ્રક્રિયાને નુકસાન પહોંચાડવાનું કાવતરું છે.
આ અંગે રાજ્યપાલ સત્યપાલ મલિકે પણ ફરિયાદ કરી હતી અને શનિવારે શ્રીનગરમાં આ મુદ્દે એક અગત્યની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં તેમણે કહ્યું કે આ કોઈ પ્રતિષ્ઠાનો પ્રશ્ન નથી, તેને માત્ર તાર્કિક રીતે જોવાની જરૂર છે. તેમણે કહ્યું કે અમે કોઈની સુરક્ષાને જોખમમાં નહીં મૂકીએ.
આપને આ પણ વાંચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો