You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહીનો દાવો તર્કહીન છે - ભારતીય વિદેશ મંત્રાલય
પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ દાવો કર્યો છે કે પાકિસ્તાન પાસે 'વિશ્વસનીય ગુપ્ત જાણકારી' છે કે ભારત એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે.
જોકે ભારતે પાકિસ્તાનના આ દાવાને તર્કહીન ગણાવ્યો છે.
ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના દાવા અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું, "પાકિસ્તાની વિદેશ મંત્રાલયના બેજવાબદાર અને તર્કહીન નિવેદનને ભારત નકારી કાઢે છે. આ નિવેદનનો ઉદ્દેશ યુદ્ધનું ઉન્માદ પેદા કરવાનો છે."
"એવું લાગે છે કે પાકિસ્તાન આ હરકત થકી પાકિસ્તાનસ્થિત આતંકવાદીઓને સંદેશ આપવા માગે છે કે તેઓ ભારતમાં એક આતંકી હુમલો કરે."
પંજાબના મુલ્તાન શહેરમાં એક સંવાદદાતા સંમેલનમાં પાકિસ્તાનના વિદેશમંત્રીએ કહ્યું, "તૈયારીઓ થઈ રહી છે અને પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક હુમલો થવાની સંભાવના છે. અમારી જાણકારી મુજબ 16-20 એપ્રિલ વચ્ચે આ કાર્યવાહી થઈ શકે છે."
તેમણે ઉમેર્યું, "એક નવું નાટક ખેલાઈ શકે છે અને જમ્મુ-કાશ્મીરના પુલવામા જેવી અન્ય એક ઘટનાને અંજામ આપવાના પ્રયત્નો થઈ શકે છે. તેનું ધ્યેય પાકિસ્તાન પર દબાણ ઊભું કરવાનું અને એ માટે પાયો ઘડવાનું હોઈ શકે છે."
કુરેશીએ એવું પણ કહ્યું કે જાણકારી મળ્યા બાદ પાકિસ્તાને નિર્ણય કર્યો છે કે આ અંગે ન માત્ર આંતરરાષ્ટ્રીય સમુદાયને પરંતુ પાકિસ્તાનની જનતાને પણ સૂચિત કરવામાં આવે.
તેમણે કહ્યું કે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને પહેલાં જ સૂચના આપી દીધી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "બે દિવસ પહેલાં વિદેશસચિવે ઇસ્લામાબાદમાં હાજર પાંચ દેશોના રાજદૂતોને બોલાવ્યા અને કહ્યું કે અમારી પાસે આ જાણકારી છે. અમે ઇચ્છીએ છીએ કે આંતરરાષ્ટ્રીય સમુદાય આ ગેરજવાબદાર વર્તનને ધ્યાને લે અને ભારતને ફટકાર લગાવે."
ટાર્ગેટ પહેલાંથી જ નક્કી
તેમણે મીડિયા અહેવાલોના હવાલાથી કહ્યું, "હાલમાં જ સુરક્ષા મામલે ભારતમાં કૅબિનેટ કમિટીની બેઠક યોજાઈ હતી, જેની અધ્યક્ષતા વડા પ્રધાન મોદીએ કરી હતી."
"આમાં ત્રણેય સેનાના પ્રમુખો હાજર હતા જેમણે કહ્યું હતું કે તેઓ પાકિસ્તાન સામે કાર્યવાહી કરવા માટે તૈયાર છે, પરંતુ તેમને રાજકીય મંજૂરી જોઈએ છે."
"ત્યારે વજીર-એ-આઝમ મોદીએ કહ્યું- અમે તો તમને શરૂઆતથી સ્વતંત્રતા આપેલી છે."
તેમણે ઉમેર્યું, "અધિકારીઓએ મોદીને જણાવ્યું કે તેમણે નિશાન નક્કી કરી રાખ્યાં છે, જે સૈન્ય સ્તરનાં છે. જરૂરી નથી કે તે નિશાન આઝાદ કાશ્મીર અને જમ્મુ-કાશ્મીર સુધી જ મર્યાદિત હોય, તે કાશ્મીરની બહાર પણ હોઈ શકે છે."
કુરેશીએ વધુમાં કહ્યું કે ભારતીય અધિકારીઓએ આ રિપોર્ટ્સ અંગે ના તો કોઈ પ્રતિક્રિયા આપી છે, ના તો તેનું ખંડન કર્યું છે. આ પ્રકારની ઉશ્કેરણીજનક વાતોથી તણાવ વધશે.
એક સવાલના જવાબમાં કુરેશીએ કહ્યું કે મોદી સરકારે રાજકીય ઉદ્દેશથી સમગ્ર ક્ષેત્રની શાંતિ અને સ્થિરતા દાવ પર લગાડી દીધી છે.
કુરેશીએ વધુમાં કહ્યું, "પાકિસ્તાન કાલે અને આજે પણ શાંતિનો દૂત હતો, પરંતુ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય કાયદા અંતર્ગત કોઈ પણ પ્રકારની કાર્યવાહીનો જવાબ આપવાનો હક છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો