You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનના એક પણ એફ-16 વિમાનને ભારતે તોડ્યું નથી : અમેરિકન મૅગેઝિનનો દાવો
અમેરિકાના એક પ્રતિષ્ઠિત મૅગેઝિન 'ફૉરેન પૉલિસી'નું કહેવું છે, "અમેરિકાના સંરક્ષણ વિભાગના અધિકારીઓએ હાલમાં જ પાકિસ્તાનના એફ-16 લડાકુ વિમાનોની ગણતરી કરી હતી અને તેમની સંખ્યા પૂરી છે."
પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ભારત પોતાના નુકસાન વિશે સત્ય જણાવે.
પત્રિકાના જણાવ્યા પ્રમાણે, "બે વરિષ્ઠ અધિકારિઓએ જણાવ્યું કે તેમણે હાલમાં જ એફ-16 વિમાનોનું નિરીક્ષણ કર્યું છે અને તે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે."
આ તપાસનાં પરિણામો ભારતીય વાયુ સેનાના એ દાવાથી ઊલટાં છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને પોતાનું વિમાન તૂટી પડે તે પહેલાં એક પાકિસ્તાની એફ-16 વિમાનને તોડી પાડ્યું હતું.
પાકિસ્તાનની મિસાઇલથી ખુદ અભિનંદનનું લડાકુ વિમાન નષ્ટ થઈ ગયું હતું.
અમેરિકન અધિકારીઓએ ફૉરેન પૉલિસીને જણાવ્યું કે બંને દેશો વચ્ચે હાલના વિવાદના કારણે કેટલાંક વિમાનોને તુરંત તપાસ માટે ઉપલબ્ધ કરાવ્યાં નહોતાં. એટલે ગણતરી કરવામાં કેટલાંક અઠવાડિયાં લાગી ગયાં.
પાકિસ્તાન અનેક વખત આ દાવાને નકારી ચૂક્યું છે. શુક્રવારે પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ આ રિપોર્ટ પર ટિપ્પણી કરતાં કહ્યું કે આ પાકિસ્તાનું વલણ છે અને આ સાચું છે.
ભારતે ગેરમાર્ગે દોર્યા?
પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું, "ભારતના હુમલાઓ અને તેની અસરના દાવા પણ ખોટા છે. એ સમય આવી ગયો છે કે ભારતે પોતાના નુકસાન વિશે જણાવવું જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફૉરેન પૉલિસીના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સંભવ છે કે મિગ 21 ઉડાવનારા અભિનંદને પાકિસ્તાની એફ-16 વિમાનને નિશાના પર લીધું હોય."
"ફાયર પણ કર્યું હોય અને માની લીધું હોય કે નિશાન યોગ્ય જગ્યાએ જ લાગ્યું છે."
"જોકે પાકિસ્તાનમાં અમેરિકન અધિકારીઓની તપાસ નવી દિલ્હીના દાવા પર શંકા ઊભી કરે છે."
"એવું લાગે છે કે ભારતીય અધિકારીઓએ આ અંગે આંતરરાષ્ટ્રીય સમુદાયને ગુમરાહ કર્યો છે."
અમેરિકન સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે ઘટના બાદ પાકિસ્તાને એફ-16 વિમાનોની ગણતરી માટે અમેરિકાને આમંત્રિત કર્યું હતું.
એફ-16 લડાકુ વિમાનોના વેચાણ દરમિયાન થયેલી સમજૂતી પ્રમાણે અમેરિકાને અધિકાર છે કે ઉપકરણોની ગણતરી અને સુરક્ષા માટે તે સમયાંતરે તપાસ કરે.
જોકે એક અમેરિકન સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે સમજૂતીના સંદર્ભમાં એફ-16 વિમાનોના ઉપયોગની શરતો નક્કી કરવામાં આવી ન હતી.
'એફ-16 હુમલામાં સામેલ હતું'
પત્રિકાના જણાવ્યા પ્રમાણે એ વાતના પુરાવા છે કે પાકિસ્તાનનું એફ-16 વિમાન એ ડોગફાઈટમાં સામેલ હતું. ઘટનાસ્થળ પર હવાથી હવામાં મારનારી અમેરિકન મિસાઇલના ટુકડાઓ મળી આવ્યા છે અને આ મિસાઇલો માત્ર એફ-16 વિમાન જ છોડી શકે છે.
ભારતમાં થોડા દિવસોમાં લોકસભાની ચૂંટણી થવાની છે અને ફૉરેન પૉલિસીના આ રિપોર્ટને વિપક્ષ મુદ્દો બનાવી શકે છે.
પત્રિકા સાથે વાત કરતા અમેરિકાના એમઆઈટી યુનિવર્સિટીમાં રાજકીય વિજ્ઞાનના ઍસોસિયેટ પ્રોફેસર વિપિન નારંગનું કહેવું છે કે આ સમાચાર ભારતીય મતદારોને પ્રભાવિત નહીં કરે. જોકે જે રીતે આ ઘટનામાં માહિતી બહાર આવી રહી છે તેનાથી લાગે છે કે પાકિસ્તાનને રોકવાની ભારતની કોશિશો પર અસર પડશે.
નારંગ કહે છે, "જેમ-જેમ જાણકારી આવી રહી છે તેમ ભારત માટે સ્થિતિ વધારે ખરાબ થતી જઈ રહી છે."
"એવું લાગે છે કે જાણે ભારત પાકિસ્તાનને કોઈ મોટું નુકસાન પહોંચાડી શક્યું નથી. પરંતુ તેણે આ પ્રક્રિયામાં પોતાનું એક વિમાન અને હેલિકૉપ્ટર ગુમાવી દીધાં છે."
ભારતીય વાયુદળના સુત્રોને ટાંકતા સમાચાર સંસ્થા એએનઆઈએ ટ્વીટ કર્યું છે કે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને પાકિસ્તાનનું એફ-16 વિમાન પાકિસ્તાન પ્રશાસિત વિસ્તારમાં 7-8 કિલોમિટર અંદર તોડી નાખ્યું હતું.
ટ્વીટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય વાયુદળના સુત્રોએ પુષ્ટી કરી છે કે પાકિસ્તાન ઍરફોર્સનાં રેડિયો કમ્યુનિકેશન સિગ્નલને ઇન્ટરસૅપ્ટ કરાયાં હતાં, જેનાથી એ વાતની પુષ્ટી થાય છે કે ભારતે જે એફ-16 પર હુમલો કર્યો હતો તે તેના ઍરબેઝ પર પરત પહોંચ્યું ન હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો