You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલ ગાંધીની જાહેરાત, 'ગરીબોને વાર્ષિક રૂ. 72 હજાર મળશે', ભાજપે ઉઠાવ્યા સવાલ
કૉંગ્રેસે જાહેરાત કરી છે કે જો આગામી લોકસભા ચૂંટણી બાદ તેમની સરકાર બને તો 20 ટકા ગરીબોને લઘુતમ આવક યોજનાનો લાભ આપવામાં આવશે.
પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે, ગરીબોની આવક વાર્ષિક સરેરાશ રૂ. 72 હજાર કરવામાં આવશે, જેનો લાભ પાંચ કરોડ પરિવારોને મળશે.
આજતકના અહેવાલ પ્રમાણે, જો કોઈ વ્યક્તિ માસિક રૂ. આઠ હજાર કમાતી હોય તો તેને રૂ. ચાર હજાર અને જો રૂ. છ હજાર કમાતી હોય તો તેને વધારાની રૂ. છ હજારની રકમ આપવામાં આવશે.
ગાંધીએ ઉમેર્યું હતું કે ગરીબી ઉન્મૂલનની દિશામાં મનરેગા (મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ ઍમ્પ્લૉયમૅન્ટ ગૅરન્ટી ઍક્ટ) બાદ બીજું મહત્ત્વપૂર્ણ પગલું બની રહેશે.
રાહુલ ગાંધીએ ઉમેર્યું હતું કે ગત પાંચ વર્ષ દરમિયાન નાગરિકોએ ખૂબ જ વેઠ્યું છે અને તેમને 'ન્યાય' (ન્યૂનતમ આય યોજના) અપાવવાની જરૂર છે.
કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલીએ આ જાહેરાત બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે કહ્યું, "ગરીબી નારા-નિવેદનથી નહીં, પરંતુ સાધનના મારફત જશે."
"મોદી સરકારે આપેલી વીજળી, ગૅસ, શૌચાલય, મકાન અને બૅન્કમાં સીધા નાણાં એ ગરીબોને મળેલાં સાધનો છે, જનતા જાગૃત બની ગઈ છે અને તેમાં ફસાશે નહીં."
જેટલીએ દાવો કર્યો હતો કે 'કૉંગ્રેસ દ્વારા પ્રસ્તાવિત રકમથી દોઢ ગણી રકમ' સીધી જ ગરીબોના ખાતામાં જઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્રમ્પને ક્લિનચીટ
અમેરિકામાં વર્ષ 2016માં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન રશિયાની દખલગીરીની તપાસ કરી રહેલા વકીલ રૉબર્ટ મુલરે પોતાનો રિપોર્ટમાં કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી અભિયાનમાં રશિયાની સંડોવણી નથી.
રવિવારે અમેરિકાની સંસદમાં રજૂ કરવામાં આવેલો આ રિપોર્ટ બે વર્ષની મહેનત બાદ તૈયાર થયો છે.
અમરિકાની કૉંગ્રેસમાં રિપોર્ટનો સાર ઍટર્ની જનરલ વિલિયમ બારે આપ્યો. તેમણે કહ્યું કે આરોપ સાબિત કરવા આ માટે પૂરતા પુરાવા નથી.
આ રિપોર્ટને રાષ્ટ્રપતિ ટ્રમ્પની જીત તરીકે જોવામાં આવે છે, રિપોર્ટ જાહેર થતાં ટ્રમ્પે ટ્વિટર પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું, "કોઈ સંડોવણી નથી, કોઈ તકલીફ નહીં, સંપૂર્ણ રીતે દોષમુક્ત."
લોકસભા ચૂંટણી 2019 : કૉંગ્રેસ જીતી તો પાકિસ્તાનમાં દિવાળી મનાવાશે : વિજય રૂપાણી
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે લોકસભા ચૂંટણીમાં જો કૉંગ્રેસ 'ભૂલથી જીતી જશે'તો પાકિસ્તાનમાં દિવાળી મનાવાશે.
મહેસાણામાં ભાજપની 'સંકલ્પ રેલી'ને સંબોધતા રૂપાણીએ કહ્યું, "જોકે આવું થશે નહીં, પણ 23 મેના રોજ ચૂંટણીના પરિણામો આવ્યા પછી જો કૉંગ્રેસ 'ભૂલથી જીતી ગઈ' તો પાકિસ્તાનમાં દિવાળી મનાવાશે કારણ કે કૉંગ્રેસીઓને પાકિસ્તાન સાથે લગાવ છે."
રૂપાણીએ કૉંગ્રેસ નેતા સામ પિત્રોડા પર પણ નિશાન સાધ્યું હતું. પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ કરેલા હુમલાને લઈને પિત્રોડાનું નિવેદન વિવાદાસ્પદ બન્યું હતું.
રૂપાણીએ કહ્યું કે દુનિયા જાણે છે કે પાકિસ્તાન આતંકવાદને શરણ આપે છે.
તેમણે કહ્યું, "રાહુલ ગાંધીના શિક્ષક સામ પિત્રોડા કહે છે કે પાંચ-સાત યુવાનોની ભૂલના કારણે સમગ્ર પાકિસ્તાન પર આક્ષેપ ન કરી શકાય."
"કૉંગ્રેસના નેતા પાકિસ્તાનની ભાષા બોલે છે. કૉંગ્રેસના નેતા આપણી સેનાના મનોબળ પર સવાલ ઊઠાવી રહ્યા છે."
છેલ્લાં 6 વર્ષમાં 'નેશનલ જૉબ માર્કેટ'માંથી 2.8 કરોડ મહિલાનો ઘટાડો
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલમાં નેશનલ સૅમ્પલ સર્વે ઑફિસના ડેટાના આધારે જણાવાયું છે 'નેશનલ જૉબ માર્કેટ'(શ્રમ બજાર)માં વર્ષ 2004-2005થી પાંચ કરોડ કરતાં વધુ ગ્રામીણ મહિલાઓએ રોજગારી છોડી છે.
વર્ષ 2011-12થી આ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી 7 ટકા ઘટી છે, આ આંકડો 2.8 કરોડ જેટલો થાય છે.
આ ડેટા 'પિરિયોડિક લૅબર ફૉર્સ સર્વે 2017-2018'ના રિપોર્ટના આધારે રજૂ કરવાનો અખબારે દાવો કર્યો છે. નોંધનીય છે કે સંબંધિત રિપોર્ટ સરકારે જાહેર નથી કર્યો.
અખબાર અનુસાર આ આંકડા અંતર્ગત 15થી 59 વર્ષની મહિલાઓને આવરી લેવાઈ છે.
ડેટા અનુસાર સંબંધિત ક્ષેત્રમાં ગ્રામીણ મહિલાઓની ભાગીદારી 2011-12માં 49.4 ટકા હતી જે વર્ષ 2011-12માં ઘટીને 35.8 ટકા થઈ ગઈ હતી. આ આંક વર્ષ 2017-18માં 24.6 ટકાએ પહોંચી ગયો હતો.
લોકસભા ચૂંટણી 2019 : પ્રિયંકાએ કહ્યું, 'જુમલા નહીં જવાબ'. યોગીએ પૂછ્યું, 'ઊંઘ ઊડી ગઈ'
કૉંગ્રેસનાં મહાસિચવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથ વચ્ચે રવિવારે ટ્વિટર પર ચડસાચડસી જોવા મળી.
કૉંગ્રેસના પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ શેરડીના ખેડૂતો અને આંગણવાડી કાર્યકર્તાઓની અવગણનાનો મુદ્દો ઉઠાવતાં ટ્વિટર પર લખ્યું કે "જુમલા નહીં, જવાબ જોઈએ."
થોડી વાર બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ ટ્વિટર પર જ તેમને સવાલ આપ્યો, "ઊંઘ ઊડી ગઈ"
કૉંગ્રેસ મહા સચિવ પ્રિયકા ગાંધીએ રવિવારે ત્રણ ટ્વીટ કરીને ઉત્તર પ્રદેશની સરકાર પર સવાલ કર્યા હતા.
પહેલા ટ્વિટમાં શેરડીના ખેડૂતોને વળતર ન મળવાનો મુદ્દો ઉઠાવ્યો.
આ ટ્વીટ બાદ પ્રિયંકાના ટ્વિટર હૅન્ડલ પરથી વધુ એક ટ્વિટ થયું.
આ બંને ટ્વિટ #Sanchibaat હૅશ-ટૅગ સાથે શૅર થયાં હતાં.
પ્રિયંકા ગાંઘીના આ ટ્વીટ બાદ યોગી આદિત્યનાથે ટ્વિટર પર જવાબ આપ્યો.
શેરડીના ખેડૂતો અંગે યોગી આદિત્યનાથે ટ્વિટર પર સવાલ કર્યો, "ખેડૂતો ભૂખમરાથી મરતા હતા, ત્યારે આ લોકો ક્યાં હતા?"
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો