સાઉદી અરેબિયા : રોકાણ મામલે ભારતને બદલે પાકિસ્તાનનું મહત્ત્વ કેમ વધારે છે?

ઇમેજ સ્રોત, REUTERS
- લેેખક, ઝુબેર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં ભારત અને ખાડી દેશો વચ્ચે સંબંધ મજબૂત થયા છે. મિત્ર રાષ્ટ્રોની આ યાદીમાં સાઉદી અરેબિયાએ પણ સામેલ થવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અઝીઝ અલ સઉદની 19 ફેબ્રુઆરીના રોજ ભારતની યાત્રા આ ઇચ્છાની ઝલક રજૂ કરે છે.
ભારત અને સાઉદી અરેબિયાના સંબંધો સારા છે પરંતુ લેણ-દેણની શ્રેણીથી આગળ નથી વધી શક્યા.
ભારત જેટલું કાચું તેલ આયાત કરે છે તેનો એક ચતુર્થાંશ ભાગ સાઉદી અરેબિયાથી આવે છે, જેની કિંમત સાડા પાંચ લાખ કરોડ રૂપિયાથી વધુ છે.
અમેરિકા, ચીન અને સંયુક્ત અરબ અમીરાત બાદ સાઉદી અરેબિયા, ભારતનો ચોથો ક્રમનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે.
પરંતુ નિષ્ણાતો કહે છે કે આ સંબંધ સાઉદી-પાકિસ્તાનના સંબંધ કરતાં નબળો નજરે પડે છે.

પાકિસ્તાનનો સહયોગ

ઇમેજ સ્રોત, REUTERS
જવાહર નેહરુ યુનિવર્સિટીમાં ખાડી દેશોના વિષયના પ્રોફેસર આફતાબ કમાલ પાશે કહે છે કે આ સ્થિતિમાં કોઈ પરિવર્તનની સંભાવના નથી.
તેઓ ઉમેરે છે, "તેનું કારણ ઈરાન, યમન અને કતારની રાજકીય સ્થિતિ છે. સાઉદી કોઈ મોટું જોખમ ખેડવા નથી માગતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જો રાષ્ટ્રપતિ ટ્રમ્પના ગયા બાદ અમેરિકાનો સહયોગ ઓછો પડી ગયો, તો તેમની પાસે પાકિસ્તાન સિવાય કોઈ અન્ય દેશ નથી. સાઉદી અરેબિયા પાકિસ્તાનનો સાથે નથી છોડવા માગતું કારણ કે ઇસ્લામાબાદથી જેટલો લશ્કરી સહયોગ રિયાધને મળે છે, તેટલો સહયોગ ભારત નથી આપી શકતું."
પરંપરાગત રીતે સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે ગાઢ સંબંધ છે. સાઉદી અરેબિયામાં સંકટ સમયે પાકિસ્તાને સૈન્ય મદદ કરી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

વેપાર સંતુલન ભારત વિરુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images
કાશ્મીર અને અફઘાનિસ્તાનના મામલે સાઉદી અરેબિયાનું વલણ પાકિસ્તાન તરફી વધુ રહ્યું છે.
પરંતુ હાલનાં વર્ષોમાં સાઉદી અરેબિયાએ એક વિકસી રહી વૈશ્વિક શક્તિના રૂપે ભારતની માન્યતાને સ્વીકારી છે. સાથે જ પરસ્પર વેપાર પણ વધી રહ્યો છે.
પણ જો વેપાર સંતુલનની વાત કરવામાં આવે તો તે ભારત વિરુદ્ધ છે.
સાઉદી અરેબિયાએ વર્ષ 2010માં પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની સાઉદી યાત્રા દરમિયાન ભારતમાં અરબો ડૉલરના રોકાણનો વાયદો કર્યો હતો. પરંતુ અત્યારસુધીમાં એક અરબ ડૉલરથી ઓછું રોકાણ થયું છે.

પાકિસ્તાન અને અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર પાશા કહે છે, "સાઉદી અરેબિયા માટે ભારત એટલું આકર્ષક નથી, કારણ કે ભારત તેનાથી વધુ વસ્તુઓ માગી રહ્યું છે."
"તેલ હોય, ભારતીય મજૂરો માટે સાઉદી અરેબિયામાં રોજગારીની તક કે પછી રોકાણ હોય. ભારત માટે સાઉદી અરેબિયા એટલું વ્યૂહાત્મક નથી જેટલા ચીન, પાકિસ્તાન અને અમેરિકા છે."
ભારતને વિદેશી રોકાણની જરૂર છે અને પૈસાદાર સાઉદીને બજારની જરૂર છે જે ભારત પાસે છે. પરંતુ સાઉદી અરેબિયાએ રોકાણમાં ભારતને એટલું મહત્ત્વ નથી આપ્યું.


ભારત સાથે સંબંઘ
પ્રોફેસર પાશા કહે છે, "પાકિસ્તાન હોય, ભારત, માલદીવ કે પછી ઇજિપ્ત હોય, સાઉદી અરેબિયાએ આ દેશોને જે રોકાણના વાયદાઓ કર્યા છે તેમાંથી માત્ર 10થી 15 ટકા જ પૂરા કરી શક્યું છે."
"કારણ કે તેલનો ભાવ તેમની ઇચ્છાનુસાર 78 ડૉલર પ્રતિ બૅરલ સુધી ના પહોંચી શક્યો અને તેમના ઘરેલું ખર્ચાઓ વધી રહ્યા છે."
વધુમાં ઉમેરતા તેઓ કહે છે, "મને લાગે છે કે સાઉદી અરેબિયાએ સૌથી ઓછું રોકાણ ભારતમાં કર્યુ છે. તેઓ હજુ વિચારી રહ્યા છે કે ભારત સાથે સંબંધો કેટલી હદે ગાઢ કરવા."
જો ભારતે, પાકિસ્તાનની તુલનામાં સાઉદી અરેબિયાની વધુ નજીક જવું હશે, તો તેમણે સંકટના સમયમાં સાઉદી અરેબિયાને સૈન્ય સહયોગનો વાયદો કરવો પડશે.

સાઉદી અરેબિયાના દુશ્મન

ઇમેજ સ્રોત, Getty Images
હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતના એવા મિત્ર રાષ્ટ્રો છે જેમને સાઉદી અરેબિયા સાથે જરાય નથી બનતું. ઈરાન અને કતારને સાઉદી અરેબિયા પોતાના દુશ્મન માને છે.
હવે સવાલ એ છે કે શું ભારત, સાઉદી અરેબિયા સાથેની મિત્રતાના ચક્કરમાં પોતાના મિત્ર રાષ્ટ્રોને નજરઅંદાજ કરી શકે છે?
પ્રોફેસર પાશા કહે છે, "ભારતની નિષ્પક્ષ નીતિ રહી છે અને ભારત આના પર ટકેલું રહેશે."
ભારતનું વિદેશ મંત્રાલય પણ આ નીતિ પર સમાંયતરે પોતાનો પક્ષ રાખે છે.
હાલમાં સાઉદી અરેબિયા અને ભારતના સંબંધો વેપાર, તેલ અને ત્યાં કામ કરતા ભારતના લગભગ 30 લાખ કારીગરો પર નિર્ભર છે.
ભારતને આશા છે કે ક્રાઉન પ્રિંસ સલમાનના આ પ્રવાસથી બન્ને દેશોના સંબંધોમાં મજબૂતી આવશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












