જો વિશ્વમાં ઓછાં બાળકોનો જન્મ થાય તો કોઈ નુકસાન થશે?

    • લેેખક, જેમ્સ ગૈલહર
    • પદ, સ્વાસ્થ્ય અને વિજ્ઞાન સંવાદદાતા, બીબીસી ન્યૂઝ

કહેવાય છે કે બાળકો દેશનું ભવિષ્ય હોય છે અને બાળકો ન હોય તો કોઈ પણ દેશના ભવિષ્ય પર ખતરો ઊભો થઈ શકે છે.

આ જ વાતને અનુસરતો એક રિપોર્ટ સામે આવ્યો છે, જે મુજબ મહિલાઓના પ્રજનન દરમાં ઘટાડો આવ્યો છે.

સંશોધનકર્તા પ્રમાણે તેનાં તારણો હેરાન કરનારાં છે અને તેની સમાજ પર ગંભીર અસર પડી શકે છે. આવી સ્થિતિમાં બાળકોથી વધારે દાદા-દાદીઓ હશે.

રિપોર્ટ પ્રમાણે પ્રજનન દર ઓછો થવાનો મતલબ એ છે કે અડધાથી વધારે દેશોમાં જન્મદરમાં કામચલાઉરૂપે ઘટાડો થયો છે. આ દેશોમાં વસતિ જાળવી રાખવા માટે પૂરતાં બાળકો નહીં હોય.

તમે આ વાંચ્યું કે નહીં?

'ધ લાંસેટ'માં છપાયેલા અધ્યયનમાં દરેક દેશના વર્ષ 1950થી 2017 વચ્ચેના ટ્રેન્ડ પર નજર રાખવામાં આવી હતી.

વર્ષ 1950માં મહિલાઓ પોતાના સંપૂર્ણ જીવન દરમિયાન આશરે 4.7 બાળકોને જન્મ આપતી હતી.

જ્યારે ગત વર્ષ સુધીની વાત કરીએ તો આ પ્રજનન દર 2.4 બાળકો સુધી પહોંચી ગયો છે.

જોકે, અલગ અલગ દેશો પ્રમાણે આંકડાઓમાં વિવિધતા જોવા મળે છે.

નાઇઝર અને પશ્ચિમ આફ્રિકામાં પ્રજનન આ દર 7.1 છે પરંતુ સાઇપ્રસના ભૂમધ્ય દ્વીપ પર મહિલાઓ સરેરાશ એક જ બાળકને જન્મ આપે છે.

પ્રજનન દર કેટલો હોવો જોઈએ?

જ્યારે પણ કોઈ દેશમાં પ્રજનન દર 2.1થી નીચે જાય છે ત્યારે વસતિમાં ઘટાડો થવાની શરૂઆત થઈ જાય છે. ખાસ કરીને તે દેશોમાં જ્યાં બાળ મૃત્યુ દર વધારે હોય.

1950માં જ્યારે આ અભ્યાસ શરૂ થયો ત્યારે કોઈ પણ દેશ આ શ્રેણીમાં નહોતો.

યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટનમાં ઇન્સ્ટિટ્યૂટ ફૉર હેલ્થ મેટ્રિક્સ ઍન્ડ ઇવેલ્યૂશનના ડિરેક્ટર પ્રોફેસર ક્રિસ્ટફર મુરૈએ બીબીસીને કહ્યું, ''આપણે એ સ્થિતિમાં પહોંચી ગયા છીએ કે પ્રજનન દર રિપ્લેસમેન્ટ લેવલની નીચે છે. જો કોઈ પગલાં લેવામાં ના આવ્યાં તો તે દેશોમાં જનસંખ્યા ઓછી થઈ જશે. આ મોટો ફેરફાર છે.''

કયા દેશ પ્રભાવિત?

આર્થિક રૂપથી વિકસિત દેશ જેવા યુરોપના દેશો, અમેરિકા, દક્ષિણ કોરિયા અને ઑસ્ટ્રેલિયા વગેરેમાં પ્રજનન દર ઓછો છે.

તેનો મતલબ એ નથી કે આ દેશોમાં વસી રહેલા લોકોની સંખ્યા ઓછી થઈ રહી છે, તેમાં પણ ખાસ કરીને હાલ સુધી તો નહીં જ.

કેમ કે અહીં વસતિનો આધાર પ્રજનન દર, મૃત્યુ દર અને પ્રવાસનનું મિશ્રણ હોય છે.

પ્રજનન દરમાં ઘટાડાની હાલ વધારે અસર નહીં થાય કેમ કે તેમાં અનેક પેઢીઓ સુધી ફેરફાર થશે.

પ્રોફેસર મુરૈ કહે છે, ''આપણે જલદી જ એવી સ્થિતિમાં પહોંચી જઇશું, જ્યાં સમાજ વસતિની ઊણપથી ઝઝૂમી રહ્યો હશે.''

અડધાથી વધારે દેશોમાં યોગ્ય પ્રમાણમાં બાળકોનો જન્મ થઈ રહ્યો છે. પરંતુ દેશની આર્થિક વૃદ્ધિના પ્રમાણમાં પ્રજનન દર ઓછો હોય છે.

પ્રજનન દર ઓછો હોવાનાં કારણો

પ્રજનન દર ઓછો હોવાના કારણેમાં ઓછાં સ્પર્મ કાઉન્ટ કે કોઈ અસામાન્ય વાત જે આપણા મગજમાં આવે તેવું નથી. પરંતુ તેનાં ત્રણ મુખ્ય કારણો છે.

  • બાળપણમાં ઓછા મૃત્યુનો મતલબ છે કે મહિલાઓ દ્વારા ઓછાં બાળકોનો જન્મ.
  • ગર્ભનિરોધક સુધી વધારે પહોંચ
  • શિક્ષણ અને નોકરીઓમાં વધારે મહિલાઓ

પ્રજનન દર ઓછો થવો અમૂક બાબતોમાં સફળતા પણ ગણાવી શકાય છે.

અહેવાલ મુજબ, આનાથી પ્રભાવિત દેશોએ પ્રવાસન વધારવા પર વિચાર કરવાની આવશ્યકતા હશે.

જોકે, તેની પોતાની સમસ્યા પણ હોઈ શકે છે. તેના સિવાય મહિલાઓને વધારે બાળકોને જન્મ આપવા પ્રેરણા આપવી પડશે, જોકે, દરેક સમયે તે સંભવ નથી.

પ્રોફેસર મુરૈએ કહ્યું, ''હાલની સ્થિતિ પ્રમાણે અનેક દેશોમાં બાળકો ખૂબ ઓછાં હશે અને વસતિ માં 65 વર્ષથી ઓછી ઉંમરના લોકો વધારે હશે. તેનાથી વૈશ્વિક સમાજને જાળવી રાખવો મુશ્કેલ બનશે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો