ઈરાનમાંથી તેલની આયાતના પ્રતિબંધ પાછળ ટ્રમ્પની રમત

ઇમેજ સ્રોત, AFP
નવેમ્બરના પ્રથમ અઠવાડીયામાં આંતરરાષ્ટ્રિય સમાચારમાં નીચે મુજબની હેડલાઇન્સ ચર્ચામાં રહી હતી.
'ઈરાનમાંથી કાચા તેલની આયાત પર પ્રતિબંધ'
'અમેરિકાએ આઠ દેશોને ઈરાનમાંથી શરતો સાથે કાચું તેલ આયાત કરવાની છૂટ આપી'
'ઈરાનની અમેરિકાને ચેતવણી- ઇસ્લામિક રિપબ્લિક 40 વર્ષથી અમેરિકાને હરાવતું આવ્યું છે'
'તુર્કીમાં ઈરાનનાં કેટલાંક વિમાનોને ઇંધણ નથી મળતું'
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાંથી તેલની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધની સમય મર્યાદા ચાર નવેમ્બર નક્કી કરી હતી.
ટ્રમ્પે જણાવ્યું હતું કે જે દેશ આ આદેશનું પાલન નહીં કરે તેને આકરો પાઠ ભણાવાશે.
ટ્રમ્પના આ ફરમાનથી ચીન, ભારત, દક્ષિણ કોરિયા સહિત વિશ્વમાં ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થાઓનું અસહજ થવું સ્વાભાવિક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કારણ કે આ ફરમાનના લીધે વિશ્વના વેપાર-ધંધા પર નકારાત્મક અસર થવાની શક્યતાઓ હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

કેટલાક જાણકારોના મતે ટ્રમ્પના ફરમાનના પગલે વિશ્વમાં ફરીથી એક વાર મંદીનું મોજું ફરી વળે તો પણ નવાઈ નહીં.
ઑક્ટોબરમાં કાચા તેલની એક બૅરલની કિંમત 86 ડૉલર પ્રતિ બૅરેલે પહોંચી હતી જે પાછલા ચાર વર્ષની સૌથી ઊંચી કિંમત હતી.
શિપ ટ્રૅકિંગ ફર્મ કેપ્લરના જણાવ્યાં મુજબ, અમેરિકાના પ્રતિબંધના કારણે ઈરાનમાંથી તેલની સપ્લાય આમ પણ ઘટી ગઈ છે.
જૂન મહિનામાં ઈરાનમાંથી દરરોજ 26.6 લાખ બૅરલ તેલની સપ્લાય સામે આ આંકડો 17.6 લાખ બૅરલ પર આવીને અટકી ગયો છે.
પ્રતિબંધ લદાયા બાદ ઈરાનમાંથી વિશ્વના અન્ય દેશોમાં થતી નિકાસમાં રોજના 10થી15 લાખ બૅરલની કાપ મુકાવાની શક્યતા છે.
આ ઘટનાના પગલે સમગ્ર વિશ્વમાં ભારત સહિતની અર્થવ્યવસ્થા ચિંતાતુર હતી.


ઇમેજ સ્રોત, AFP
પ્રતિબંધના કારણે અર્થવ્યવસ્થા માંદી પડે તેવી આશંકાઓ સેવાઈ રહી છે. જોકે, પાછલા 15 દિવસમાં ઈરાન-અમેરિકા વચ્ચેના ઉકળાટમાં ઘટાડો નોંધાયો છે.
જોકે, કેટલાક જાણકારો આ પ્રતિબંધને અચોક્કસ પ્રતિબંધ તરીકે જુએ છે.
એવી શંકા સેવાઈ રહી છે કે આગામી દિવસોમાં જો રાષ્ટ્રપતિ ટ્રમ્પનો 'ઝીરો એક્સપોર્ટ' અથવા તો ઓછી આયાતનો દાવો નક્કર સાબિત થશે ત્યારે તેલની સાચી રમત સામે આવશે.
શું અમેરિકાના પ્રતિબંધ લદાવાથી કાચા તેલની કિંમતમા વધારો થશે? જાણકારો આ સવાલનો જવાબ હા-ના બન્ને આપે છે.


માર્કેટ વૉચે ડબલ્યુટીઆરજી ઇકૉનૉમિક્સના અર્થશાસ્ત્રી જેમ્સ વિલિયમ્સને ટાંકીને લખ્યું "ભારત, દક્ષિણ કોરિયા, જાપાન, ઉપરાંત કયા-કયા દેશોને પ્રતિબંધમાંથી હંગામી છૂટ મળી છે તેની જાણ નથી."
"આ દેશો ઈરાનમાંથી કેટલું તેલ આયાત કરી શકશે તે ચિત્ર પણ અસ્પષ્ટ છે."
"પરંતુ ટ્રમ્પે કૂણું વલણ અપનાવવું પડ્યું અને અન્ય દેશોને પણ છૂટ આપી પડી તે સત્ય છે."
તેલની કિંમતો અંગે ભવિષ્યવાણી કરતાં પહેલાં એ જાણવું આવશ્યક છે કે બજાર સુધી કેટલું તેલ પહોંચી રહ્યું છે.

ટ્રમ્પની અસલી રમત

ઇમેજ સ્રોત, AFP
સમાચાર એજન્સી બ્લૂમબર્ગ અને રૉયટર્સના વર્તમાન અઠવાડીયાના અહેવાલ પરથી તારણ નીકળે છે કે તેલની કીંમતમાં ખાસ ઉછાળો આવે તેવી શક્યતા નહિવત્ છે.
કારણ કે નિકાસ કરતા દેશોના સંગઠન (ઓપેક)એ પોતાનું ઉત્પાદન વધારી દીધું છે.
આ ઉત્પાદનની માત્રા વર્ષ 2016 બાદ શિખરે છે. ઓપેક વિશ્વનું ત્રીજુ મોટું તેલ ઉત્પાદક સંગઠન છે.
આંતરાષ્ટ્રીય ઍનર્જી એજન્સીના અહેવાલ મુજબ ઓપેકના સહયોગી દેશ રશિયાએ મેથી સપ્ટેમ્બર વચ્ચે તેલ ઉત્પાદનમાં ખૂબ જ નફો રળ્યો છે.


એજન્સીના અહેવાલ અનુસાર મેથી સપ્ટેમ્બર દરમિયાન રશિયાના તેલ ઉત્પાદનમાં ચાર લાખ બૅરલનો વધારો થયો છે.
આ ઉત્પાદન સોવિયત યુગ બાદનું સૌથી વધુ ઉત્પાદન માનવમાં આવે છે. જાણકારો મુજબ ઈરાન પર તેલના પ્રતિબંધનો ફાયદો અમેરિકાને થશે.
અમેરિકાનું તેલનું ઉત્પાદન પણ આ વર્ષે સૌથી વધુ છે. આ ક્રાંતિનું કારણ શેલ ગૅસ છે.
ઍનર્જી ઇન્ફર્મેશન ઍડમિનિસ્ટ્રેશન ફોરકાસ્ટ અનુસાર વર્ષ 2019માં અમેરિકાનું તેલ ઉત્પાદન 10 ટકા વધવાની શક્યતા છે.
આ ઉત્પાદન વધી રોજના 1.18 કરોડ બૅરલ સુધી પહોંચી જશે.
જો આંકડો હાંસલ થાય તો અમેરિકા વિશ્વનું સૌથી મોટું તેલ ઉત્પાદક રાષ્ટ્ર બનશે.
જાણકારોના અનુમાન મુજબ, તેલની કિંમતોમાં વધારો થવાની શકયતા ઓછી છે કારણ કે ઈરાનમાંથી તેલ ઉત્પાદન પર સંપૂર્ણ પ્રતિબંધ લદાવાની સ્થિતિમાં અન્ય તેલ ઉત્પાદક દેશો વચ્ચે હોડ લાગશે.
આ દેશો તેલનું ઉત્પાદન વધારશે અને આ પ્રકારે તેલની કિંમત કાબૂમાં રહેશે.

ટ્રમ્પે આ કારણોસર રાહત આપી

ઇમેજ સ્રોત, EPA
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન સાથે વર્ષ 2015માં થયેલી સમજૂતીને 'ખૂબ જ ખરાબ' ગણાવતા રદ કરી દીધી છે.
બરાક ઓબામાના કાર્યકાળમાં થયેલી સમજૂતી મુજબ, પરમાણુ કાર્યક્રમ પર રોક મૂકવાની સામે ઈરાન પર લદાયેલા પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા હતા.
જોકે, આ સમજૂતીમાં સમાવિષ્ટ યુરોપના કેટલાક દેશોએ સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ ટ્રમ્પના આ વલણથી સહમત નથી અને આ દેખાદેખીમાં તેઓ ઈરાન પર પ્રતિબંધ નહીં મૂકે.
ટ્રમ્પે એવું સ્પષ્ટ કર્યું કે અમેરિકામાં રહીને ઈરાન સાથે વેપારમાં સંકળાયેલી હોય તેવી કંપનીઓ માટે છૂટ છે. પરંતુ અન્ય કંપનીઓ માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે.


ટ્રમ્પે ચેતવણી આપી છે કે જે દેશ આ પ્રતિબંધ લાદવાનો ઇનકાર કરશે અમેરિકા તેના પર પણ પ્રતિબંધ લાદશે.
જોકે, કેટલાક મીડિયા રિપોર્ટમાં ટાંકવામાં આવ્યું છે કે ટ્રમ્પ પ્રશાસને કેટલીક છૂટ આપતા ભારત, જાપાન, અને દક્ષિણ કોરિયા સહિત આઠ દેશને આ પ્રતિબંધમાં રાહત આપી છે.
આ મુદ્દે અમેરિકાએ જણાવ્યું છે કે તે ઈરાનની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા માટે થોડો સમય લઈ શકે છે.
અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ જણાવ્યું "અમે આઠ દેશોને અચોક્કસ રાહત આપી છે."
"તેનું કારણ એ છે કે આ દેશોએ પાછલા કેટલાક સમયમાં ઇરાનમાંથી તેલની આયાતમાં મોટો કાપ મૂક્યો છે અને ઝીરો ઇમ્પોર્ટ માટે તૈયારી દર્શાવી છે."

અમેરિકાની ઈરાન પર અપેક્ષા

ઇમેજ સ્રોત, AFP
અમેરિકા ઇસ્લામિક રાજ્ય ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાની ઇચ્છા ધરાવતું નથી. પરંતુ તે ઈરાનને પોતાનો પરમાણુ કાર્યક્રમ બંધ કરવા દબાણ કરી રહ્યું છે.
ટ્ર્મ્પ પ્રશાસન ઇચ્છે છે કે ઈરાન તેની નીતિઓમાં પરિવર્તન લાવે અને પરમાણુ કાર્યક્રમ અંગે પુનઃચર્ચા આરંભે.
અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યુ "અમે ઇચ્છીએ છીએ કે ઈરાનના નાગરીકોને એક તક મળે જેના વડે તેઓ એવી સરકાર પસંદ કરે જે તેમના પૈસાનો અવળે માર્ગે વ્યય ન કરે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















