You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્રમ્પની ટિપ્પણીને તેમના પક્ષના લોકોએ જ ગણાવી 'આઘાતજનક'
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના પક્ષનાં સાથીઓ દ્વારા જ આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.
રિપબ્લિકન પક્ષનાં સેનેટરોએ સુપ્રીમ કોર્ટમાં પસંદ કરાયેલા ન્યાયાધીશ પર યૌન હુમલાનો આરોપ લગાવનારાં મહિલાની મજાક ઉડાવવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પની આકરી નિંદા કરી છે.
સેનેટર જૅફ ફ્લૅક અને સુઝૅન કૉલિન્સે ટ્રમ્પની ટિપ્પણીને 'આઘાતજનક' અને 'અત્યંત ખોટી' ગણાવી છે.
એક સભામાં ટ્રમ્પે બ્રૅટ કૅવેનૉ પર આરોપ લગવનારાં પ્રોફેસર ક્રિસ્ટીન બ્લૅસી ફૉર્ડની મજાક ઉડાવી હતી.
ટ્રમ્પે કહ્યું હતું કે ફૉર્ડને યૌન હુમલાના ઘટનાક્રમની મહત્ત્વની વાતો યાદ નથી.
ગત સપ્તાહે રિપબ્લિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે જ તેમને 'અત્યંત વિશ્વસનીય સાક્ષી' ગણાવ્યાં હતાં.
આકરી ટીકા
જજ કૅવેનૉ પર લાગેલા આરોપની એફબીઆઈ થકી તપાસ કરાવવાની માગને લઈને રિપબ્લિકન પક્ષના સેનેટર જૅફ ફ્લૅકે 'એનબીસી'ના કાર્યક્રમ 'ટુડે'માં કહ્યું, ''કોઈ પણ જગ્યા કે સમયે આ પ્રકારની ટિપ્પણી ના કરવી જોઈએ.''
''કોઈ રાજકીય સભામાં આ પ્રકારના સંવેદનશીલ મામલે વાત કરવી યોગ્ય નથી. બિલકુલ યોગ્ય નથી. કાશ તેમણે આવું ના કર્યું હોત''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો અન્ય એક મૉડરેટ રિપબ્લિકન સેનેટર મિસ કૉલિન્સે બુધવારે પત્રકારોને કહ્યું, ''રાષ્ટ્રપતિની ટિપ્પણી સ્પષ્ટ રીતે ખોટી જ છે.''
આ ઉપરાંત રિપબ્લિકન પાર્ટીના જ ઉદારમત ધરાવતાં સેનેટર મર્કૉવ્સકીએ પણ રાષ્ટ્રપતિની ટીકા કરી.
તેમણે ટ્રમ્પનું ભાષણ 'સંપૂર્ણ રીતે અયોગ્ય' અને 'અસ્વીકાર્ય' ગણાવ્યું.
જ્યારે પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે આના કારણે મત પ્રભાવિત થઈ શકે, તો જવાબ આપતાં તેમણે કહ્યું, ''હું દરેક વાતને ધ્યાનમાં રાખી રહી છું.''
પ્રભાવિત થઈ શકે છે મત
અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં નવ જજોની આજીવન નિમણૂક કરવામાં આવે છે અને એમને અમેરિકાની અત્યંત મહત્ત્વની બાબતો અંગે નિર્ણય લેવાના હોય છે.
આ બાબતોમાં ગર્ભપાત, ગન કન્ટ્રોલ અને મત આપવાનો અધિકારનો પણ સમાવેશ થાય છે.
જો ટ્રમ્પ દ્વારા નામાંકિત 53 વર્ષના કૅવેનૉ આરોપોમાંથી બચી જાય અને એમની નિમણૂક થઈ જાય તો સુપ્રીમ કોર્ટનું સૈધ્ધાંતિક વલણ રૂઢિવાદી રહેશે.
પણ સેનિટમાં એમની નિમણૂક માટે મતદાન થશે અને એમાં રિપબ્લિકન સેનેટરોના મતનું ઘણું જ મહત્ત્વ રહેશે.
સેનિટમાં અત્યારે રિપબ્લિકન પાર્ટી 51- 49 જેટલા સામાન્ય અંતરથી જ આગળ છે.
જો રિપબ્લિકન પોતાના ઉમેદવાર કૅવેનૉને સુપ્રીમ કોર્ટમાં મોકલવા માગે છે તો મતદાનમાં તે માત્ર પોતાનો એક મત પણ વિપક્ષમાં જવા દેવાનું જોખમ ખેડી શકે છે.
આવા સંજોગોમાં પરિણામ સરભર રહી શકે અને ઉપરાષ્ટ્રપતિ માઈક પૅન્સના મત પર અંતિમ નિર્ણયનો આધાર રહે.
ટ્રમ્પે શું કહ્યું હતું?
મંગળવાર રાતે મિસીસિપીની એક સભામાં ટ્રમ્પે 36 વર્ષ પહેલાં થયેલા કથિત યૌનશોષણ અંગે પ્રોફેસર ફૉર્ડના નિવેદનને અસ્પષ્ટ ગણાવી, તેમની મજાક ઉડાવી હતી.
તેમણે કહ્યું હતું, '' તે ઘર ક્યાં હતું? મને ખબર નથી. ઘટના ઉપરના માળે ઘટી કે નીચેના માળે? ક્યાં ઘટી? મને ખબર નથી પણ એ વખતે મેં એક બિયર પીધો હતો, એટલું જ યાદ છે. અને આ રીતે એક પુરુષની જિંદગી બરબાદ થઈ ગઈ.''
જોકે, ગયા અઠવાડિયે જ્યારે પ્રોફેસર ફૉર્ડે સેનિટમાં સાક્ષી આપી હતી, ત્યારે ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ '' ખૂબ સારાં મહિલા '' છે.
વ્હાઇટ હાઉસનાં પ્રેસ સચિવ સારા સૅડર્સે ટ્રમ્પનો બચાવ કરતાં કહ્યું કે એમણે જે પણ કહ્યું તે તથ્યાત્મક છે.
સૅડર્સે જણાવ્યું, ''રાષ્ટ્રપતિને એ વાતનો ખેદ છે કે એમણે જે વ્યક્તિને નામાંકિત કરી છે તેની સાથે ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો