કાશ્મીરના સમાધાન વગર શાંતિ શક્ય નહીં : પાકિસ્તાન

શાહ મહમૂદ કુરૈશી

ઇમેજ સ્રોત, PID

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશીએ કહ્યું છે કે ભારતની નરેન્દ્ર મોદી સરકારે ત્રીજી વખત પાકિસ્તાન સાથેની વાતચીતની તક ગુમાવી દીધી છે.

ન્યૂ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની 73મી જનરલ ઍસેમ્બ્લીને સંબોધતી વખતે શાહે ઉપરોક્ત વાત કહી.

તેમણે કહ્યું, "અમે સશક્ત અને ગંભીર વાતચીત થકી તમામ મુદ્દાઓનો ઉકેલ ઇચ્છીએ છીએ.""સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે નક્કી થયેલી મુલાકાત તમામ મુદ્દાઓ પર વાતચીત કરવાની સારી તક હતી, પણ પોતાના નકારાત્મક વલણને કારણે મોદી સરકારે એ તક ગુમાવી દીધી."

"તેમણે શાંતિ પર રાજકારણને મહત્ત્વ આપ્યું અને એવી ટિકિટોને મુદ્દો બનાવી કે જે મહિનાઓ પહેલાં જાહેર કરાઈ હતી."

line

ભારતને ચેતવણી

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, EPA

કુરૈશીએ એવું પણ કહ્યું કે કાશ્મીરના મુદ્દાનો ઉકેલ ના આવવો એ આ પ્રદેશમાં કાયમી શાંતિ સ્થાપવાના માર્ગ પર સૌથી મોટી અડચણ છે.

તેમણે ઉમેર્યું, "70 વર્ષથી આ મામલો સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના ઍજન્ડામાં સામેલ છે."

"જ્યાં સુધી જમ્મુ અને કાશ્મીરમાં સંયુક્ત રાષ્ટ્રની સમજૂતી અનુસાર શાંતિ ના સ્થપાય અને કાશ્મીરના લોકોને જનમત સંગ્રહ કરવાનો અધિકાર ના અપાય, ત્યાં સુધી દક્ષિણ એશિયામાં શાંતિની સ્થાપના કરી શકાય નહીં.''

તેમણે ઉમેર્યું, ''70 વર્ષોથી આ મામલો માનવતાની ધરતી પર એક બદનામ ડાઘ બનેલો છે.''

ભારતને સૈન્ય કાર્યવાહી ના કરવાની ચેતવણી આપતા તેમણે કહ્યું, ''ભારતે અમારી ધીરજની પરીક્ષા ના લેવી જોઈએ.''

line

અફઘાનિસ્તાન મામલે શું કહ્યું?

''જો ભારત નિયંત્રણ રેખા પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવાની ભૂલ કરે છે કે યુદ્ધ કરવાની એની ઇચ્છાને પૂરી કરવાનો પ્રયાસ કરે છે તો પાકિસ્તાન તરફથી તેને ભારે જવાબી કાર્યવાહીનો સામનો કરવો પડશે.''

અફઘાનિસ્તાન અંગે વાત કરતા તેમણે કહ્યું, ''અફઘાનિસ્તાન અને પાકિસ્તાન કેટલાય સમયથી વિદેશી શક્તિઓની ગેરસમજનો ભોગ બનતાં રહ્યાં છે.''

તેમણે અફઘાનિસ્તાનમાં ચરમપંથી સંગઠન 'ઇસ્લામિક સ્ટેટ'ના વધી રહેલા પ્રભાવ પર પણ ચિંતા વ્યક્ત કરી.

અફઘાનિસ્તાનમાં શાંતિની સ્થાપનામાં મદદ માટે હાથ લંબાવતા તેમણે પાકિસ્તાનમાં રહેલા અફઘાન શરણાર્થીઓ સ્વદેશ પરત ફરે એવી ઇચ્છા પણ વ્યક્ત કરી.

line

સુષમાનો પાકિસ્તાન પર પ્રહાર

સુષ્મા સ્વરાજ

ઇમેજ સ્રોત, UN TWITTER

આ પહેલાં, ભારતનાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પાકિસ્તાન પર નિશાન તાકતાં કહ્યું, ''ભારત દાયકાથી આતંકવાદનો ભોગ બની રહ્યું છે. અમને પડોશી રાષ્ટ્રમાંથી જ આતંકવાદનો સામનો કરવો પડી રહ્યો છે.''

''પાકિસ્તાન આતંકવાદને માત્ર પ્રોત્સાહન જ નથી પૂરું પાડી રહ્યું, આ વાતને નકારતું પણ રહ્યું છે.''

''તેણે ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં છૂપાવી રાખ્યો અને સંપૂર્ણ સત્ય સામે આવ્યા બાદ પણ તેના ચહેરા પર ના તો સંકોચ વર્તાયો કે ના તો દુઃખ.''

તેમણે ઉમેર્યું, ''9/11નો માસ્ટર માઇન્ડ તો માર્યો ગયો પણ 26/11નો માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદ પાકિસ્તાનમાં ચૂંટણી લડે છે.''

''ભારતે પાકિસ્તાન સાથે કેટલીય વખત વાતચીત કરવા પ્રયાસ કર્યો. મેં જાતે ઇસ્લામાબાદ જઈને વાતચીતની શરૂઆત કરવાનો પ્રયાસ કર્યો પણ એ જ વખતે પઠાણકોટના અમારા ઍરબૅઝ પર હુમલો કરી દેવાયો.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો