માલદીવ માટે ભારત અને ચીન વચ્ચે હરિફાઈ કેમ છે?

માલદીવના નવા રાષ્ટ્રપિત ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માલદીવના નવા રાષ્ટ્રપિત ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ

માલદીવની ઓળખ દુનિયાભરમાં એક પ્રવાસન સ્થળ તરીકે છે, પરંતુ હાલના સમયમાં આ દેશનું મહત્ત્વ ભારત અને ચીન માટે રાજનૈતિક દૃષ્ટિએ વધી છે.

હિન્દ મહાસાગરમાં ચીન પોતાનો પ્રભાવ વધારવા માટે ઘણા દેશોમાં પોતાની હાજરી નોંધાવી રહ્યું છે. તો બીજી તરફ ચીનને રોકવા માટે ભારત પણ આ દેશોમાં પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે.

આ દેશોમાં પોતાનો પગ જમાવવા માટે ચીન વૈશ્વિક વેપાર અને ઇન્ફાસ્ટ્રક્ચરની મદદ લઈ રહ્યું છે.

1200 દ્વીપ ધરાવતો 90 હજાર વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો આ દેશ દરિયાઈ જહાજો માટે મહત્ત્વપૂર્ણ માર્ગ છે. ભારત અને ચીન બન્ને ઇચ્છે છે કે આ વિસ્તાર તેમનાં નૌકાદળની વ્યૂહરચનામાં રહે.

ભારત છેલ્લાં થોડા સમયથી માલદીવથી દૂર રહ્યું છે. આની પાછળ એક કારણ એવું છે કે અબદુલ્લા યામીનની સરકાર ચીન પ્રત્યે વધુ ઝુકાવ ધરાવતી હતી.

રવિવારના રોજ થયેલી ચૂંટણીમાં અબ્દુલ્લા યામીનને હારનો સામનો કરવો પડ્યો અને વિપક્ષી નેતા ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ 58 ટકા વધુ વોટથી ચૂંટણી જીતી ગયા.

line

ચીન અને ભારત વચ્ચે હરિફાઈ શા માટે?

સોલિહ

ઇમેજ સ્રોત, Getty Images

લગભગ ચાર લાખની આબાદી ધરાવતા આ દેશમાં વર્ષોથી ભારતનો પ્રભાવ રહ્યો છે. માલદીવ પર ચીનની નજર હાલના વર્ષોમાં જ પડી છે.

માલદીવ પ્રત્યે ચીનની વધતી ઇચ્છા ભારત માટે અસહજ હતી. ભારતને લાગે છે કે માલદીવમાં જો ચીન કંઈ નિર્માણ કરે, તો તેના માટે આ એક ઝટકા સમાન છે.

તમે આ વાંચ્યું કે નહીં?

વૈશ્વિક સંબંધોમાં એક સામાન્ય મત બની રહ્યો છે કે જ્યાં જ્યાં ચીન હશે, ત્યાં ભારત મજબૂત નહીં રહી શકે. માલદીવથી લક્ષદ્વીપનું અંતર માત્ર 1200 કિમી છે. એવામાં ભારત નથી ઇચ્છતું કે ચીન પાડોશી દેશો મારફતે વધુ નજીક પહોંચી જાય.

line

માલદીવમાં ચીન કેવી રીતે મજબૂત બન્યું?

માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ

યામીને ચીન પાસેથી પૈસા લઈને માલદીવમાં નિર્માણ કાર્ય શરૂ કર્યું તો ભારતનો ડર વધ્યો. યામીને ચીન સાથે ઘણી પરિયોજના પર સમજૂતીઓ કરી છે જેમાં એક ઍરપૉર્ટનો પણ સમાવેશ થાય છે.

માલદીવમાં યામીનના કાર્યકાળ સમયમાં ચીને ખૂબ જ રોકાણ કર્યું છે. સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ અનુસાર તેમાં 83 કરોડ ડૉલરનું ઍરપૉર્ટ પણ સામેલ છે. સાથે જ 2 કિમીનો એક બ્રિજ પણ છે જે ઍરપૉર્ટ દ્વીપને રાજધાની માલે સાથે જોડશે.

આ સિવાય ચીન ત્યાં 25 માળની એક હૉસ્પિટલનું પણ નિર્માણ કરી રહ્યું છે. સાઉથ ચાઇન મોર્નિંગ પોસ્ટના એક રિપોર્ટ મુજબ ગત વર્ષે ત્રણ લાખ છ હજાર ચીની પર્યટકો માલદીવ ગયા હતા.

આ સંખ્યા માલદીવની મુલાકાત લેતા કુલ પર્યટકોના 21 ટકા છે. ગત વર્ષના ઑગસ્ટ માસમાં જ્યારે ચીનના નૌકાદળનું જહાજ માલે પહોંચ્યું, તો ભારતની ચિંતમાં વધારો થયો.

line

યામીનની સરકારમાં ભારત દૂર કેમ ગયું?

યામીન અને જિનપિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ યામીન અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ

માર્ચ 2015માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માલદીવનો પ્રવાસ રદ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે મોદી માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદને નિર્વાસિત કરવાને લઈને નારાજ હતા. નશીદ ભારતના સમર્થક હોવાનું મનાતું હતુ.

ભારતે માલદીવને આ વર્ષે મિલાનમાં આયોજિત આઠ દિવસ માટે સૈન્ય અભ્યાસનું આમંત્રણ આપ્યું હતું પરંતુ માલદીવે ઇન્કાર કરી દીધો.

માલદીવમાં ગેરકાયદેસર રીતે કામ કરી રહેલા ભારતીયોની વીઝામાં નવીનીકરણ માટે પણ યામીનની સરકારે ઇન્કાર કર્યો હતો.

line

શું ચીનનાં રોકાણથી માલદીવને નુકસાન છે?

યામીન અને જિનપિંગ

ઇમેજ સ્રોત, Getty Images

સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર આ નાનકડા દેશ પર અંદાજે ચીનનું 1.3 અબજ ડૉલરનું દેવું છે. આ દેવું તેમની જીડીપીના એક તૃત્યાંશથી પણ વધારે છે. આ પૈસા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચાશે.

માલદીવના નિર્વાસિત પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે જાન્યુઆરીમાં કહ્યું હતું કે માલદીવના કુલ વિદેશી દેવાંમાં ચીનનો ભાગ 80 ટકા છે.

સમાચાર એજન્સી એએફપીને નશીદે કહ્યું હતું કે ચીને ઓછામાં ઓછા 16 નાના દ્વીપો લીઝ પર લીધા છે અને તેઓ ત્યાં નિર્માણ કાર્ય કરી રહ્યા છે.

ચૂંટણી દરમિયાન વિપક્ષી દળ ડેમોક્રેટિક પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચીની પરિયોજનાઓથી માલદીવ દેવાંની જાળમાં ફસાઈ શકે છે અને યામીન સરકારમાં ભ્રષ્ટાચારના સંકેત મળી રહ્યા છે.

ઘણાં આલોચકોનું કહેવું છે કે વધતા દેવાંને કારણે માલદીવની સ્થિતિ શ્રીલંકા જેવી થઈ શકે છે. દેવાંમાં ડૂબેલા હોવાને કારણે શ્રીલંકાએ તેમનું હમ્બનટોટા બંદર 99 વર્ષ માટે ચીનને લીઝ પર આપવું પડ્યું હતું.

જોકે, ચીની વિદેશ મંત્રાલય આ આકલનને નકારતું આવ્યું છે. તેમનું કહેવું છે કે માલદીવમાં ચીનની કોઈ રાજનીતિ નથી. આ વર્ષના ફેબ્રુઆરી માસમાં ચીની મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું હતું કે નશીદના આરોપ પાયાવિહોણા છે.

યામીનની હાર બાદ કહેવામાં આવી રહ્યું છે કે માલદીવના નવા નેતૃત્વને ચીન અને ભારત વચ્ચે સંતુલન બનાવીને આગળ વધવું જોઈએ.

મોદી અને યામીન

ઇમેજ સ્રોત, Getty Images

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ચીન અધ્યયન કેન્દ્રમાં ફરજ બજાવતા પ્રોફેસર શ્રીકાંત કોંડાપલ્લીએ ચીની મીડિયાને કહ્યું, "ચીન હવે જાતે જ માલદીવમાં પોતાની પરિયોજનાઓની સમીક્ષા કરશે. યામીનના કાર્યકાળમાં ચીન સાથે થયેલા ફ્રિ ટ્રેડ એગ્રીમેન્ટની પણ સમીક્ષા થઈ શકે છે."

જોકે, વિશ્લેષકોનું માનવું છે કે શ્રીલંકામાં વર્ષ 2015માં સરકાર બદલી પરંતુ ચીનનો પ્રભાવ ઓછો નથી થયો. એવામાં માલદીવમાં સરકાર બદલવાથી ચીન બહાર થઈ જશે એવું કહેવું ઉતાવળ હશે.

વર્ષ 2015માં શ્રીલંકામાં સંસદીય ચૂંટણી થઈ તો કહેવામાં આવ્યું કે ભારતે મૈત્રીપાલાને સત્તા સુધી પહોંચાડવામાં મદદ કરી છે. ત્યારે મહિંદા રાજપક્ષેને ચીન સમર્થક રાષ્ટ્રપતિ માનવામાં આવતા હતા.

ભારત ઇચ્છતું હતું કે શ્રીલંકામાં સત્તા પરિવર્તન થાય. હાલની ઘટનાઓથી લાગી રહ્યું છે કે મૈત્રીપાલાને પણ ભારતની સરખામણીએ ચીનની મિત્રતા વધુ પસંદ આવી રહી છે.

જ્યારે સિરીસેના સત્તામાં આવ્યા હતા ત્યારે તેમણે રાજપક્ષેના કાર્યકાળમાં શરૂ કરાયેલી ચીન સમર્થિત પરિયોજનાઓને ભ્રષ્ટાચાર, મોંઘી અને સરકારી પ્રક્રિયાઓનું ઉલ્લંઘન હોવાનો હવાલો આપીને રદ કરી હતી.

જોકે, એક વર્ષ બાદ સિરીસેનાએ સામાન્ય બદલાવો કરીને દરેક પરિયોજનાઓને શરૂ કરી દીધી હતી.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો