આ રીતે બહાર આવી રહ્યા છે હિંદુ પોતાની ''લઘુતાગ્રંથિ''માંથી?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, iStock

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, રાજેશ જોશી
    • પદ, રેડિયો એડિટર, બીબીસી હિન્દી

ઉત્તર ભારતમાં ભાગ્યે જ કોઈ એવો હિંદુ હશે કે જેણે મંદિરમાં ઊભા રહી આરતી ના કરી હોય- મૈં મૂરખ ખલ કામી, કૃપા કરો ભર્તા.

આવો ધર્મથી ડરતો હિંદુ છેલ્લાં ત્રણ વર્ષોમાં અચાનક મોટર સાઈકલ પર સવાર થઈને રામનવમીના સરઘસોમાં ખુલ્લી તલવારો સાથે શહેરમાં ફરતો નજરે ચઢે છે.

ગુજરાતથી બંગાળ સુધી અને પંજાબથી મધ્ય પ્રદેશ ,આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી તમામ શહેરો અને ગામડાંઓમાં રામનવમી દરમ્યાન નીકળતાં સરઘસોમાં હિંદુ ધર્મની શ્રેષ્ઠતાનો સુત્રોચ્ચાર કરતા યુવાનોની છબી હવે ધૂંધળી પડી ગઈ છે.

ત્રણ વર્ષ પહેલાં ખભા પર કાવડ ઉઠાવી ચુપચાપ પદયાત્રા કરનારા એક-બે કાવડિયા નજરે ચઢતા હતા પણ અત્યારે તો દર વર્ષે ભગવા બરમૂડા- ટી શર્ટ પહેરેલા અને ડીજેની ધુન પર નાચતા લાખો કાવડિયાની ફોજ શ્રાવણ માસમાં રસ્તાઓ પર નીકળી પડે છે.

વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે આને હિંદુઓમાં ઊંડી ઊતરી ગયેલી ''લઘુતાગ્રંથિ'' ઘટી રહી હોવાનો સંકેત ગણાવ્યો છે.

તેઓ જણાવે છે, ''હજારો વર્ષની ગુલામી બાદ હિંદુઓમાં આ લઘુતાગ્રંથિ પેદા થઈ હતી અને આ ભાવનાની ઝલક લગભગ એક સો વર્ષ પહેલાંથી કરાતી હિંદુઓની આરતીમાં જોવા મળતી હતી.

જેમાં કહેવામાં આવતું હતું, 'મૈં મુરખ ખલ કામી, મૈં અબોધ અજ્ઞાની'. આ લઘુતાગ્રંથિમાંથી હિંદુ હવે બહાર આવી રહ્યા છે. એમનો આત્મવિશ્વાસ ફરી જાગૃત થઈ ગયો છે.''

હિંદુ પોતાના ધર્મને મંદિરના એકાંતમાંથી બહાર રસ્તા પરના ટોળાઓ સુધી કેમ લાવી રહ્યા છે?

હિંદુઓમાં ધાર્મિકતાના સાર્વજનિક પ્રદર્શનને લોકપ્રિય કરવામાં હિંદુત્વની રાજનીતિ સાથે જોડાયેલા સંગઠનોનો કેટલો હાથ છો?

જવાબ મેળવવા માટે હું દિલ્હીના નહેરુ નગરમાં સનાતન ધર્મ મંદિરમાં પહોંચ્યો.

અહીં હિંદુત્વના એવા યોદ્ધાઓને તૈયાર કરવામાં આવે છે, જેમનો ઉછેર વૈદિક પરંપરાની શ્રેષ્ઠતા પરના વિશ્વાસ સાથે કરાતો હોય છે.

line
પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, iStock

માથા પર લાંબી ચોટલી, સફેદ ધોતિયું અને લાંબો ભગવો કુરતો પહેરીને અર્પિત ત્રિપાઠી મોટો થઈને સેનામાં ભરતી થવા માંગે છે જેથી દેશની રક્ષા કરી શકે. પણ અત્યારે તો તે દિલ્હીના નહેરુ નગરના સનાતન વેદ ગુરુકુળમાં વેદના પાઠ શીખી રહ્યો છે.

અર્પિત એ 32 ''વૈદિક'' બાળકોમાં સામેલ છે જેમને વેદ પાઠ શીખવા માટે હરિયાણા, ઉત્તરપ્રદેશ અને બિહારમાંથી લાવવામાં આવ્યા છે. આ બધા જ બાળકો બ્રાહ્મણ છે, જેમણે વિશ્વ હિંદુ પરિષદ(વિહિપ)ના આચાર્ય સમીર વેદપાઠ અન હિંદુ કર્મકાંડનું શિક્ષણ આપે છે.

તેઓ જણાવે છે કે મોટા થઈને આ વેદપાઠી બાળકો વૈદિક પ્રચારક તરીકે સમાજમાં આગળ આવશે જેથી લોકોમાં ધર્મ પ્રત્યેની સ્પર્ધા વધશે.

તેઓ સવાલ કરે છે, ''લવ જેહાદ અને અન્ય ઘટનાઓ કેમ બની રહી છે? તે એટલા માટે બની રહી છે કે લોકો પોતાના ધર્મથી દૂર થઈ રહ્યાં છે.''

વેદની દીક્ષા લઈ રહેલો અર્પિત ત્રિપાઠી માને છે કે 'સેનામાં તમામ જાતિઓને અલગ અલગ કામ સોંપવામાં આવે છે- પંડિતોને અલગ અને બીજી જાતિઓને અલગ.'

જોકે, એમને બીજાઓ સાથે બેસીને જમવામાં કોઈ જ વાંધો નથી કારણ કે'' છે તો એ પણ હિંદુ જ''. પણ તેઓ મુસલમાનો સાથે બેસીને ભોજન લેવા રાજી નથી કારણ, '' મુસલમાન મુગલ છે, માંસ મચ્છી ખાય છે.''

જેમ દસ વર્ષનો અર્પિત ત્રિપાઠી તમામ મુસલમાનાને ''મુગલ'' માને છે તેમ વિશ્વ હિંદુ પરિષદના નવા આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમાર પણ મધ્ય કાળના તમામ મુસ્લિમ શાસકોને મુગલ માને છે.

જોકે, બન્નેની ઉંમરમાં લગભગ પચાસેક વર્ષનો ફરક છે.

આલોક કુમાર માને છે કે મુગલો અને બ્રિટિશ લોકોની,''એક હજાર વર્ષની ગુલામીને કારણે હિંદુઓમાં લઘુતાગ્રંથિ આવી ગઈ હતી. મુગલકાળમાં આક્રમણ કરનારા બહારના હતા, તેઓ એક વિદેશી સંસ્કૃતિની શ્રેષ્ઠતામાં વિશ્વાસ રાખતા હતા.''

પણ મુગલ તો ઇ.સ.1526 માં ભારતમાં આવ્યા હતા, અંગ્રેજોએ લગભગ બસો વર્ષ રાજ કર્યું, તો પછી મુગલો અને બ્રિટિશોની ગુલામીના એક હજાર વર્ષ કેવી રીતે થયાં?

આ સવાલના જવાબમાં આલોક કુમારે કહ્યું, ' એના પહેલાં શકો અને હૂણોનું આક્રમણ થયું, મારી સમજણ પ્રમાણે આ સંઘર્ષ લગભગ એક હજાર વર્ષ સુધી ચાલ્યો.''

line

'હિંદુઓનો આત્મવિશ્વાસ જાગૃત થઈ રહ્યો છે'

બ્રાહ્મણ બાળક

અહીંયા ઇતિહાસમાં થોડી ગડબડ થઈ ગઈ છે. કારણ કે મુગલો અને બ્રિટિશ શાસકો સાથે શક, હૂણ અને કુષાણોને જોડી દઈએ તો એક હજાર નહીં પણ બે હજાર વર્ષનો ઇતિહાસ બની જાય.

કારણ કે શક અને કુષાણ પશ્ચિમોત્તર વિસ્તારમાં લગભગ બે હજાર વર્ષ પહેલાં આવ્યા હતા. પણ અત્યારે આ સમસ્યાને અહીં જ પડતી મૂકીએ.

ઇતિહાસ અંગે સંઘના પોતાના આગ્રહ છે અને એ જરૂરી નથી કે તે ઐતિહાસિક તથ્યો પર આધારિત હોય.

મધ્યકાળમાં થયેલા મુસલમાનોનાં આક્રમણ, ગૌરક્ષા, ભારતવિભાજન, કાશ્મીરમાં ભાગલાવાદ, ધર્માંતરણ જેવા ઘણા મુદ્દાઓ છે, જેને સંઘ પરિવાર હિંદુ જાતિને નષ્ટ કરવા માટેના એક હજાર વર્ષ પૂર્વેનું ષડયંત્ર ગણાવે છે.

છેલ્લાં ચાર વર્ષોમાં જુદીજુદી જગ્યાએ થનારી હિંસાને હિંદુત્વવાદી સંગઠન હિંદુઓના પ્રતિકાર તરીકે ઓળખાવે છે.

વિહિપ અધ્યક્ષ આલોકકુમાર જણાવે છે કે હજાર વર્ષની ગુલામીથી હિંદુઓમાં લઘુતાગ્રંથિ પેદા થઈ અને ''આ ભાવનાની ઝલક લગભગ એક સો વર્ષ પહેલાં કરાતી હિંદુઓની આરતીમાં જોવા મળતી હતી. જેમાં કહેવામાં આવતું હતું- મૈં મુરખ ખલ કામી, મૈં અબોધ અજ્ઞાની.

''આ લઘુતાગ્રંથિમાંથી હિંદુ હવે બહાર આવી રહ્યા છે. એમનો આત્મવિશ્વાસ ફરી જાગૃત થઈ રહ્યો છે.''

line

શું હિંદુઓમાં વ્યાપક રીતે ગુસ્સો છે?

સોહન સિંહ સોલંકી
ઇમેજ કૅપ્શન, સોહન સિંહ સોલંકી

શું હિંદુઓમાં ખરેખર લઘુતાગ્રંથિ પેસી ગઈ હતી અને હવે તે ખતમ થવાને કારણે હિંદુ સમાજમાં હવે આત્મવિશ્વાસ ફરી જાગૃત થઈ રહ્યો છે અને જે તેમના ઉગ્ર વ્યવહારમાં છતો થાય છે?

શું હિંદુ પોતાના સાથે થયેલા ઐતિહાસિક અત્યાચારોની ભરપાઈ કરવા માટે ઉગ્ર બની ગયો છે?

હિંદુ સમાજ જો નારાજ છે તો કોનાથી-મુસલમાનોથી? ઈસાઈઓથી? સેક્યુલર વિચારધારાવાળા લોકોથી? ડાબેરી વિચારધારાવાળાઓ કે પછી કોંગ્રેસીઓથી કે પછી આ બધાથી?

અને સૌથી મોટી બાબત તો એ છે કે આરએસએસ દ્વારા યોજાયેલા ઉગ્ર પ્રદર્શનોના આધારે એ તારણ કાઢવું યોગ્ય રહેશે કે હિંદુઓમાં આ વ્યાપક રીતનો ગુસ્સો છે.

અમેરિકાની 'જૉન્સ હૉપકિન્સ યૂનિવર્સિટી'માં દક્ષિણ એશિયા વિભાગના પ્રોફેસર વૉલ્ટર કે એન્ડરસન ચેતવે છે કે આ સવાલ બહુ સમજી વિચારીને કરવો જોઈએ કે શું બધા જ હિંદુઓ નારાજ છે કે પછી એમની કોઈ એક શ્રેણી-મધ્યમ વર્ગ ,ઉચ્ચ મધ્યમ વર્ગ કે કોઈ બીજું?

પ્રોફેસર એન્ડરસન અને તેમના સાથી શ્રીધર દામલેએ હાલમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ પર એક પુસ્તક લખ્યું છે- 'ધ આરએસએસ: એ વ્યૂ ટૂ ધ ઇન સાઈડ.'

એમાં એમણે એ કારણોનો ઉલ્લેખ કર્યો છે કે જેમને કારણે હિંદુત્વ વિચારધારા છેલ્લાં 25 વર્ષોમાં ઝડપભેર ફેલાયી છે.

line

દાવા ઘણાં પણ સમર્થનમાં તથ્ય નથી

મંત્રોચ્ચાર કરતા બાળકો

અગ્રણી પત્રકાર રાધિકા રામાશેષન જણાવે છે કે હિંદુ સમાજની વ્યાખ્યા એક યુનિટ તરીકે ના આપી શકાય. કારણ કે તે વિવિધ ક્ષેત્ર, ભાષા ,જાતિ અને ઉપજાતિમાં વહેંચાયેલો છે.

સંઘની સૌથી મોટી સફળતા એ છે કે તે બહુમતી સમાજમાં સતત એ પ્રચાર કરતો રહ્યો છે કે હિંદુઓ સાથે છેલ્લાં એક હજાર વર્ષોથી અત્યાચાર થઈ રહ્યા છે અને હાલમાં પણ આ ઘટનાક્રમ થંભ્યો નથી.

વિશ્વ હિંદુ પરિષદની યુવાનોની શાખા બજરંગ દળના અખિલ ભારતીય પ્રમુખ સોહન સિંહ સોલંકી પાસે હિંદુઓ પર થયેલા અત્યાચારોની એક યાદી છે.

તેઓ પૂછે છે'' શું આપણે લાહોર, નનકાના, તક્ષશિલા અને ઢાકાની ઢાકેશ્વરી દેવીને ભૂલી જઈશું?''

ઠેરઠેર થઈ રહેલી લિંચિંગ અને મારપીટ તેમજ હિંસાની ઘટનામાં તેઓ પોતાના કાર્યકરોને જ હિંસાનો ભોગ બનેલા જણાવે છે.

એમણે કહ્યું, ''હુમલા તો અમારા પર કરવામાં આવે છે. ગાયમાતાની રક્ષા કરનારા સૌથી વધારે ઈજાગ્રસ્ત થયા છે. ઘણા હુમલા થયા છે અને ઘણા લોકો માર્યાં ગયા છે.'' જોકે, આ દાવાનાં સમર્થનમાં કોઈ તથ્ય રજૂ કરવામાં આવ્યું નથી.

જો સંઘ કહે કે હિંદુઓ પર અત્યાચારનો ઘટનાક્રમ વર્ષ 712માં મોહમ્મદ બિન કાસીમના હુમલા દ્વારા શરુ થયો તો એમ પણ જણાવે છે કે આઝાદી બાદના 'ભારતીય નેતૃત્વ'એ પણ હિંદુઓ સાથે એ પ્રકારનો અન્યાય ચાલુ જ રાખ્યો.

અને ભારતીય નેતૃત્વનો અર્થ પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુ થાય છે, જેને સંઘ પરિવાર વિદેશી સંસ્કૃતિમાં ઉછરેલા વિરોધી નેતા તરીકે રજૂ કરતો આવ્યો છે.

line

બાબરી મસ્જિદ ભાંગી પડવાની અસર

વિશ્વ હિન્દુ પરિષદના નવા આંતરરાષ્ટિય કાર્યકારી આલોક કુમાર
ઇમેજ કૅપ્શન, વિશ્વ હિન્દુ પરિષદના નવા આંતરરાષ્ટિય કાર્યકારી આલોક કુમાર

વિહિપ અધ્યક્ષ આલોકકુમાર જણાવે છે ,''આઝાદી બાદ આ દેશનું નેતૃત્વ ભારતનાં સાંસ્કૃતિક મૂલ્યોથી પરિચિત નહોતું. વ્યવહારમાં તે એમનું વિરોધી હતું અને સોવિયત સંઘના મૉડલને અહીંયા લાગૂ કરવા માંગતું હતું. આથી આ લઘુતાગ્રંથિ જળવાઈ થઈ.'' પણ તેઓ જણાવે છે કે અયોધ્યામં જયારે માળખું પડી ભાંગ્યું ત્યારે એમના આત્મવિશ્વાસમાં ઘણો ફરક આવ્યો.

બીબીસી સાથેની વાતચીતમાં આલોકકુમારે કહ્યું, ''અયોધ્યાની લડતમાં આ પ્રશ્ન તીવ્ર બન્યા અને જે દિવસે બાબરી મસ્જિદનું માળખું પડી ભાંગ્યું, મને લાગે છે કે તોડવામાં ના આવ્યું હોત તો સારું રહેત, પણ એ દિવસથી હિંદુઓની લઘુતાગ્રંથિમાં મોટો ફેરફાર આવ્યો. એમને લાગ્યું કે અમારી સામે અમારી જાતિના અપમાન માટે જે માળખું ઊભું કરવામાં આવ્યું હતું તેને અમે હટાવી દીધું.''

પત્રકાર રાધિકા રામાશેષન જણાવે છે કે 'રામજન્મ ભૂમિ આંદોલન' દરમ્યાન થયેલી હિંસાએ હિંદુઓના ગુસ્સાનો વિસ્ફોટ ગણવા આવી.

પણ આ તો 26 વર્ષ જૂની વાત છે. શું ખરેખર બાબરી મસ્જિદનું માળખું તોડી પડાયા બાદ બાદ હિંદુ સહજ અને સામાન્ય થઈ ગયાં? જેમ આલોકકુમાર જણાવે છે એ રીત?

શું 6 ડિસેમ્બર 1992 એ ઐતિહાસિક તારીખ છે જ્યારે હિંદુઓની લઘુતાગ્રંથિ સમાપ્ત થઈ ગઈ હોય?

કદાચ ના કારણ કે એના કેટલાક વર્ષો બાદ એટલે કે વર્ષ 1999માં આરએસએસના વડા પ્રોફેસર રાજેન્દ્ર સિંહ એટલે કે રજ્જૂભૈયાએ હિંદુઓને એક ''કાયર'' જાતિ ગણાવી હતી.

હિંદુઓને ડરપોક ગણાવી સ્વંયસેવકોને બહાદુર અને ઉગ્ર બનાવવા માટે પ્રેરિત કરવા માટે પ્રોફેસર રાજેન્દ્ર સિંહની કદાચ આ એક રીત હતી.

ત્યારે અટલ બિહારી વાજપેયી સરકારે ઉગ્રવાદીઓએ અપહરણ કરેલા કાઠમંડુ જતા વિમાનના મુસાફરોના બદલામાં ભારતીય જેલોમાં કેદ ઉગ્રવાદીઓને છોડી મૂકવાનો નિર્ણય કર્યો હતો.

તેમને તત્કાલિન વિદેશમંત્રી જશવંત સિંહ વિમાનમાં પોતાની સાથે બેસાડી કાબુલ મૂકવા માટે ગયા હતા.

line

મુંબઈના હુમલા બાદ સંઘની રણનીતિ

સંસદ હુમલાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આ ઘટના હિંદુત્વવાદીઓને હચમચાવી દેનારી હતી, પણ એનાથી આરએસએસનો એ તર્ક મજબૂત થયો કે જો હિંદુ સમાજ એકઠો ના થયો તો તેમની સાથે થનારા અત્યાચારને રોકી નહીં શકાય.

બાદમાં સંસદ પર હુમલો કરવામાં આવ્યો અને પછી મુંબઈમાં પાકિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા કરાયેલ હુમલા બાદ તેમને એ તર્કને હિંદુ મધ્યમ વર્ગ સુધી પહોંચાડવામાં સફળતા મળી કે મોહમ્મદ બિન કાસિમના હુમલાથી હિંદુઓ પર જે અત્યાચારોનો ઘટનાક્રમ શરુ થયો છે યે હજીય અટક્યો નથી.

આ જ કારણે સંઘ પોતાનો તર્ક શાખાની બહાર શહેરી મધ્યમ વર્ગ અને કેટલાક અંશે ગ્રામીણ વિસ્તારોમાં પહોંચાડવામાં સફળ થયો.

રાધિકા જણાવે છે, ''આરએસએસ ચતુરાઈ પૂર્વક સિસ્ટમમાં પ્રવેશ્યો. સરકારી કર્મચારી, પોલીસ જેવા વિભાગ સંઘની વિચારધારાથી પ્રભાવિત છે. હું ગણીને કહી શકું કે કોંગ્રેસ જેવી પાર્ટીમાં કેટલા લોકો સંઘની વિચારધારા પ્રત્યે સહાનુભૂતિ છે. આ જ રીતે સમાજવાદી પાર્ટીમાં પણ ચાર પાંચ લોકો સંઘના વિચારો સાથે સહમત છે ''

તેઓ જણાવે છે કે સંઘ હિંદુઓને એ સમજાવવામાં સફળ રહ્યો છે કે હિંદુ આ દેશમાં બહુમતમાં હોવા છતાં પણ બહુમતીઓની જેમ રહી શક્યા નથી.

જોકે, આ વાતનો કોઈ નક્કર પુરાવો નથી પણ આવી ભાવના એમનામાં ઘર કરી ગઈ છે.

નહેરુ નગરના સનાતન મંદિરમાં વેદજ્ઞાન મેળવી રહેલા અર્પિત ત્રિપાઠીને આ ભાવનાનો મર્મ સમજતા વર્ષો નીકળી જશે.

પણ જ્યારે તે વેદ પ્રચારક તરીકે સમાજમાં આવશે ત્યારે બહુમતમાં હોવા છતાં પણ બહુમતીઓની જેમ રહી શકવાનો વિચાર એને હંમેશા દુશ્મનોને હરાવવા માટે પ્રેરણા આપતો રહેશે.

અને આ જ છે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની સફળતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો