સૂપમાં મરેલો ઊંદર નીકળતા રેસ્ટોરાંએ રૂ. 13.63 અબજની માર્કેટવૅલ્યૂ ગુમાવી

એક ગર્ભવતી મહિલાના સૂપમાંથી મરેલો ઊંદર નીકળ્યો, જેના કારણે ચાઇનીઝ રેસ્ટોરાંની જાણીતી ચેઇને 190 મિલિયન ડૉલર એટલે અંદાજિત 13.63 અબજ રૂપિયાની માર્કેટ વૅલ્યૂ ગુમાવી છે.

હોટપોટ રેસ્ટોરાં ઝિઆબુ ઝિઆબુના સ્ટૉકનો ભાવ સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. ચૉપસ્ટિકમાં મરેલા ઊંદરની તસવીર ઑનલાઇન પ્લૅટફૉર્મ પર વાઇરલ થઈ ગઈ હતી.

શાંદોન્ગ સ્થિત રેસ્ટોરાંના આઉટલેટને હાલ પૂરતું બંધ કરી દેવાયું છે.

મળતી માહિતી પ્રમાણે, આઉટલેટે ગ્રાહકને વળતર સ્વરૂપે 729 ડૉલર એટલે કે અંદાજિત 52 હજાર રૂપિયાની ઑફર કરી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

સ્થાનિક મીડિયા હાઉસ કનકન ન્યૂઝે જે મહિલા ભોગ બની હતી તેના પતિ મા સાથે વાત કરી હતી.

મા કહે છે કે તેમણે આ ઑફરનો અસ્વીકાર કર્યો હતો. તેમનું કહેવું છે કે એ વખતે મારી પત્નીનું ચેકઅપ કરાવું જરૂરી હોવાથી અમે ઑફર અંગે વિચાર કર્યો ન હતો.

ગર્ભવતી મહિલા છઠ્ઠી સપ્ટેમ્બરે પોતાના પરિવાર સાથે જમવા માટે હોટપોટ રેસ્ટોરાં ખાતે ગઈ હતી અને તેમના ભોજનમાંથી મરેલો ઊંદર મળ્યો હતો, જોકે તેઓ થોડાં કોડિયા ખાઈ ચૂક્યાં હતાં.

માએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે રેસ્ટોરાંના સ્ટાફ પૈકી એક કર્મચારીએ એવી પણ સલાહ આપી હતી કે જો તમને તમારા આવનારા બાળકના સ્વાસ્થ્ય અંગે ચિંતા હોય તો ગર્ભપાત કરાવી દેવો જોઈએ અને 20 હજાર યુઆન આપવાની ઑફર પણ કરી હતી.

ઊંદરના ફોટોગ્રાફ ચીનની સોશિયલ મીડિયા સાઇટ પર વાઇરલ થયા હતા અને લોકોએ રોષ ઠાલવ્યો હતો.

સોશિયલ મીડિયા સાઇટ પર એક યૂઝરે કહ્યું, "મને ઊલટી જેવું થઈ રહ્યું છે, હું ક્યારેય હોટપોટમાં જમવા નહીં જઉં."

11 સપ્ટેમ્બરે કંપનીના શૅરનો ભાવ સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. બુધવારથી હોટપોટ રેસ્ટોરાંની શૅર બજારમાં કિંમત ફરી રિકવર થઈ રહી છે.

અન્ય એક યૂઝરે કૉમેન્ટ કરી, "ઝિઆબુ ઝિઆબુ હંમેશાંથી મારું પ્રિય રેસ્ટોરાં રહ્યું છે, પણ હવે મને વિશ્વાસ નથી થઈ રહ્યો."

અન્ય એક કૉમેન્ટમાં લખ્યું છે, "જો તેમના બાળકને કંઈ થઈ જશે તો શું એનું વળતર એ લોકો ચૂકવશે? શું કોઈના જીવની કિંમત માત્ર 20 હજાર યુઆન જ હોય?"

રેસ્ટોરાંએ શનિવારે નિવેદન મૂક્યું. જેમાં લખ્યું હતું, "હાઇજિનની ઊણપના કારણે કદાચ ઊંદર આવી ગયો હોય એ શક્ય છે." પણ પછી તેમણે એ કૉમેન્ટ ડિલિટ કરી દીધી હતી.

વેઇફાંગ શહેરના તંત્રનું કહેવું છે કે તેઓ ઝિઆબુ ઝિઆબુના રેસ્ટોરાંમાં તપાસ કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો