You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જાપાનમાં ત્રાટક્યું 25 વર્ષનું સૌથી ભયાનક ચક્રવાતી તોફાન
જાપાનમાં છેલ્લા 25 વર્ષનું સૌથી શક્તિશાળી ચક્રવાતી તોફાન ત્રાટક્યું છે અને અધિકારીઓએ પાંચ લાખથી વધુ લોકોને તેમના ઘરમાંથી સલામત સ્થળે ચાલ્યા જવાની ચેતવણી આપી છે.
જેબી નામનું ચક્રવાતી તોફાન દેશની પશ્ચિમે આવેલા વિસ્તારમાં ત્રાટક્યું હતું. તેની સાથે ભારે વરસાદ પડ્યો હતો અને કલાકના 216 કિલોમીટરની મહત્તમ ઝડપે પવન ફૂંકાયો હતો.
જાનહાનિ નહીં
ચક્રવાતી તોફાનને કારણે ઓસાકા બેમાં એક ટેન્કર પૂલની નીચે ઉતરી ગયું હતું અને ક્યોટોમાં એક ટ્રેન સ્ટેશનના છાપરાનો કેટલોક હિસ્સો તૂટી પડ્યો હતો.
જાનહાનિના કોઈ અહેવાલ નથી અને સમગ્ર દેશમાં આગળ વધી રહેલું ચક્રવાતી તોફાન નબળું પડવાની આશા છે.
ચક્રવાતી તોફાન મંગળવારે બપોરે શિકોકુ ટાપુમાં ત્રાટક્યું હતું અને પછી જપાનના સૌથી મોટા મુખ્ય ટાપુ હોન્શુ ભણી આગળ વધ્યું હતું.
હવામાન એજન્સીની ચેતવણી
જાપાનની હવામાન એજન્સીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં ભેખડો ધસી પડવાની, પૂરની, જોરદાર પવન ફૂંકાવાની તેમજ ઊંચાં મોજાં ઉછળવાની, વીજળી પડવાની અને વાવાઝોડાંની ચેતવણી આપી હતી.
આ ચક્રવાતી તોફાનને પગલે લાખો લોકો વીજળીની સુવિધાથી વંચિત થયા છે અને સત્તાવાળાઓએ લોકોને સલામત સ્થળે ખસી જવાની વિનંતી કરી છે.
હજ્જારો ફ્લાઈટ્સ રદ્દ
હજ્જારો ફ્લાઇટ્સ, ટ્રેન્સ અને ફેરી રદ્દ કરવી પડી હતી. ભારે વરસાદને પગલે આવેલા પૂરનું પાણી ઓસાકાના કાન્સાઈ એરપોર્ટના આખા રનવેઝ પર ફરી વળ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઓસાકા નજીકનો જાપાનનો લોકપ્રિય એમ્યુઝમૅન્ટ પાર્ક યુનિવર્સલ સ્ટુડિયોઝ બંધ કરી દેવામાં આવ્યો હતો.
ઈમર્જન્સી બેઠક
વડા પ્રધાન શિન્ઝો એબેએ ઇમર્જન્સી બેઠક યોજી હતી અને લોકોને ખુદનું રક્ષણ કરવા તત્કાળ પગલાં લેવાની હાકલ કરી હતી.
ત્રાટકી રહેલા વાવાઝોડાના ફૂટેજમાં સમુદ્રતટ સાથે ટકરાઈ રહેલાં જંગી મોજાં અને ઉછળી રહેલો કાટમાળ જોવા મળ્યો હતો.
આકરું હવામાન
મોટાં ચક્રવાતી તોફાનને કારણે જાપાનનું દૈનિક કામકાજ નિયમિત રીતે ખોરવાઈ જાય છે અને આ વખતના ઉનાળામાં હવામાન વધારે આકરું રહ્યું છે.
જુલાઈમાં ભેખડો ધસી પડવાને તથા જોરદાર પૂરને કારણે 200થી વધુ લોકો મૃત્યુ પામ્યાં હતાં.
એ છેલ્લા એક દાયકાની સૌથી વિનાશક દુર્ઘટના હતી. એ પછી વિક્રમસર્જક ગરમીનો દૌર ચાલ્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો