તો આ કારણે ડોનાલ્ડ ટ્રમ્પ કરે છે મીડિયા પર પ્રહાર

ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, REUTERS

    • લેેખક, ઍન્થોની ઝુરેચર
    • પદ, નૉર્થ અમેરિકા રિપોર્ટર

સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિષ્ણાતોએ મીડિયા પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રહારો પર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેનાં કારણે પત્રકારો પર હિંસક હુમલા થઈ શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે પહેલીવાર મીડિયાને 'લોકોનો દુશ્મન' કહ્યું હતું, ત્યારે આ વાતને લઈને વિવાદ થયો હતો.

એટલે સુધી કે રિપલ્બિકન સેનેટર જૅફ ફ્લૅકે કહ્યું હતું કે આ સ્વતંત્ર મીડિયા પર રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલો પાયાવિહોણો હુમલો છે.

પરંતુ જ્યારે ટ્રમ્પે બીજી, ત્રીજી અને ચોથી વખત પણ આવું કર્યુ, ત્યારે કોઈ ખાસ પ્રતિક્રિયાઓ જોવા મળી નહોતી.

ટ્રમ્પની ખાસિયત છે કે તે કોઈ પણ વિવાદને 'સામાન્ય' બનાવી દેવાની યોગ્યતા ધરાવે છે.

ધ કૅપિટલ ઓફિસમાં થયેલા હુમલામાં મૃત્યુ પામેલા લોકોની તસવીર

ઇમેજ સ્રોત, CAPITAL GAZETTE

જોકે, તેમના આવા નિવેદનો સમાચારની હેડલાઇન ન બને તો પણ પત્રકારોની નજરમાં તો આવે જ છે.

થોડાં અઠવાડિયા પહેલાં મેરલૅન્ડના એક ન્યૂઝ પેપર 'ધ કૅપિટલ'ના ન્યૂઝ રૂમમાં ગોળીબારની ઘટના ઘટી હતી ત્યારે માલૂમ થયું કે એક સ્થિર લોકતંત્રમાં આ વ્યવસાયને કેટલો ખતરો છે.

ન્યૂ યોર્ક ટાઇમ્સના એજી સલ્ઝબર્ગરે નવ દિવસ પહેલાં ટ્રમ્પ સાથે ગુપ્ત મુલાકાત કરી હતી અને આ મુદ્દે જ વાત કરી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

line

'મીડિયા જનતાનો દુશ્મન'

ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

જો કે, ટ્રમ્પે તેમની વાત પર ગંભીરતા દાખવી નહોતી. ગત રવિવારે સવારે ટ્રમ્પે એક ટ્વીટ કર્યું હતું, જેમાં લખ્યું હતું કે 'મીડિયા જનતાનો દુશ્મન' છે.

જો ટ્રમ્પ માટે આ ભાષા સમસ્યા છે, તો તેનો ઉકેલ શોધવો મીડિયાનું કામ છે, ટ્રમ્પનું નહીં.

પરંતુ વિડંબના છે કે ટ્રમ્પ અમેરિકાની ચૂંટણીમાં રશિયાના કથિત હસ્તક્ષેપ પર રૉબર્ટ મ્યૂલરની તપાસને લઈને 'ન્યૂ યોર્ક ટાઇમ્સ'નાં અજ્ઞાત સૂત્ર દ્વારા છાપેલાં રિપોર્ટનો ઉલ્લેખ પણ કરે છે.

રાષ્ટ્રપતિ તેમના માટે સકારાત્મક ન્યૂઝ કવરૅજ ઇચ્છે છે અને તેમના વિરોધીઓ માટે આલોચનાત્મક. 'ફેક ન્યૂઝ', 'લોકોનો દુશ્મન' અને મીડિયાની ટીકા કરવી એ ટ્રમ્પે અપનાવેલો રસ્તો છે.

ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટ

ઇમેજ સ્રોત, DONALD TRUMP/TWITTER

રમતમાં આ ચાલને રેફરીને પોતાના પક્ષમાં કરવા તરીકે ઓળખાય છે. આ જ ઉપાય રાજનીતિમાં પણ થાય છે.

અહીં ટ્રમ્પ માત્ર રેફરીના નિર્ણયોને પોતાના પક્ષમાં કરવા નથી માગતા, પરંતુ તેમનો હેતુ રેફરીની વિશ્વસનિયતાને ખતમ કરી દેવાની છે અને આ ચાલ કામ પણ કરી રહી છે.

હાલમાં સીબીએસ ન્યૂઝ વોટિંગમાં ટ્રમ્પના 91 ટકા સમર્થકોનું કહેવું હતું કે સાચી જાણકારી માટે તેઓ ટ્રમ્પ પર વિશ્વાસ કરે છે.

માત્ર 11 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ મીડિયા પર ભરોષો કરે છે. જ્યારે 63 ટકા લોકોએ કહ્યું હતું કે સાચી જાણકારી માટે તેઓ પોતાના મિત્રો અને સંબંધીઓ પર વિશ્વાસ કરે છે.

રાષ્ટ્રપતિના મીડિયા સાથેના વાક યુદ્ધે તેમના માટે સમર્થનનો પાયો નાખ્યો છે, જેનાં પર કોઈ નકારાત્મક સમાચારનો પ્રભાવ પડતો નથી.

પરંતુ સવાલ એ છે કે શું આ સમર્થન મધ્યસત્રી ચૂંટણી સુધી ટકી રહેશે અને વર્ષ 2020ની ચૂંટણીમાં તેમને ફરીથી જીત અપાવશે?

જો કે, ટ્રમ્પ માટે આ સારી શરૂઆત છે અને આ કારણે એજી સલ્ઝબર્ગની ચેતવણી બાદ પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમની ચાલ ફેરવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો