પ્લેબૉયની આ મૉડલને ડોનાલ્ડ ટ્રમ્પ નાણાં ચૂકવવા માગતા હતા? શું છે નવો વિવાદ?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની એક કથિત ટેપ બહાર આવી છે અને આ મામલે વિવાદ સર્જાયો છે.
ખરેખર આ ટેપ તેમના જ વકીલના ત્યાં એફબીઆઈના દરોડા વખતે મળી આવી છે.
ટેપમાં ટ્રમ્પ પ્લેબૉયની મૉડલને નાણાં ચૂકવવાની કથિત વાતચીત કરી રહ્યા છે.
અહેવાલો અનુસારો ટ્રમ્પના વકીલ માઇકલ કોહેને ટ્રમ્પની વાતચીત તેમની જાણ બહાર રેકર્ડ કરી લીધી હતી.
ન્યૂ યૉર્કમાં કોહનના ઠેકાણે દરોડા પડ્યા ત્યારે ટેપ બરામદ થઈ હતી.

ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂ યૉર્ક ટાઇમ્સના અહેવાલ અનુસાર કથિત ટેપમાં કોહેન અને ટ્રમ્પ કેરેન મૅકડોગલને નાણાં ચૂકવવાની ચર્ચા કરી રહ્યા છે.
અત્રે નોંધવું રહ્યું કે મૅકડોગલે પોતાને ટ્રમ્પ સાથે સંબંધો હોવાનો દાવો કર્યો હતો.
આ ટેપ અમેરિકાની રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીના બે મહિના પૂર્વે રેકર્ડ કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મામલે અમેરિકાનું કાયદા વિભાગ તપાસ કરી રહ્યું છે. જેમાં મૉડલને નાણાં ચૂકવાયા છે કે નહીં તેની પણ તપાસ આવરી લેવાઈ છે.
આપને આ પણ વાંચવું ગમશે
ટ્રમ્પના વકીલ કરચોરી અને બૅન્ક સાથે છેતરપિંડીની તપાસ ચાલી રહી હોવાના અહેવાલ છે ઉપરાંત ચૂંટણીના કાનૂનનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
કોહેનના વકીલે એક નિવેદનમાં જણાવ્યું કે આ તપાસ મામલે તેઓ ગંભીર છે અને ટેપમાં એવું કંઈ નથી જેનાથી કોહેનને નુકસાન થાય.

કોણ છે એ મૉડલ જેને ચૂકવણીની વાત થઈ રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2016માં રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે મૉડલ મૅકડોગલે તેમની સ્ટોરી નૅશનલ એનક્વાયર નામના અખબારને વેચી હતી.
આ અખબારના માલિક ટ્રમ્પના ખાસ મિત્ર માનવામાં આવે છે.
મૉડલના દાવા અનુસાર સ્ટોરીના એક્સક્લૂસિવ અધિકારો આ અખબારને 1.50 લાખ ડૉલરમાં આપવામાં આવ્યા હતા અને કરાર અનુસાર મૉડલ ટ્રમ્પ સાથેના સંબંધો વિશે જાહેરમાં કશું જ નહીં બોલી શકે એવી શરત મૂકવામાં આવી હતી.
પરંતુ અખબારે સ્ટોરી ખરીદી હોવા છતાં પ્રકાશિત નહીં કરી આથી મૉડલને લાગ્યું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે.
ટ્રમ્પના વકીલ રુડી ગુલિયાનીએ કહ્યું કે કોહેન અને ટ્રમ્પે વાતચીત કરી હતી પરંતુ ખરેખર આવી કોઈ ચૂકવણી કરવામાં આવી નહોતી. ટેપનું રેકર્ડિંગ તેનો પુરાવો છે.

ઇમેજ સ્રોત, Getty Images
બીજી તરફ વૉશિંગ્ટન પોસ્ટના અહેવાલ અનુસાર ટ્રમ્પ અને કોહેન મૅકડોગલની સ્ટોરી માટે અખબારને નાણાં ચૂકવવાની વાત કરતા હોય એવી શક્યતા છે.
જ્યારે વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર બન્ને વચ્ચે ફોન પર નહીં પરંતુ રૂબરૂમાં વાતચીત થઈ છે અને બે મિનિટ સુધી વાતચીત ચાલી છે.
ફેડરલ એજન્સીના અધિકારીઓએ અખબાર પાસેથી આ ચૂકવણી સંબધિત રેકર્ડ્સની ચકાસણી માટે માગણી કરી છે.
મૉડલનું કહેવું છે કે ટ્રમ્પે મેલેનિયા સાથે લગ્ન કર્યા ત્યારબાદ એક વર્ષ સુધી ટ્રમ્પ સાથે તેમના સંબંધ રહ્યા હતા.
ટ્રમ્પે આ તમામ આક્ષેપને રદિયો આપ્યો છે અને તેમને આ વિશે કંઈ પણ ખબર હોવાનું કહ્યું છે.
જો કે, મે મહિનામાં ટ્રમ્પે કબૂલ્યું કર્યું હતું કે તેમણે કોઈ મહિલા સાથેના સંબંધો મામલે સમાધાન કરાવવા કોહેનને નાણાં ચૂકવ્યાં હતાં.

ટ્રમ્પ માટે આ બાબત મુશ્કેલી સર્જી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
મહિલાઓ સાથેના ગુપ્ત કરાર કોઈ ગેરકાનૂની બાબત નથી પરંતુ ચૂંટણીના ઉમેદવાર સામેની વાંધાજનક ખબરોને દબાવવા માટે નાણાં ચૂકવવા એ ગેરકાનૂની છે.
આથી ટ્રમ્પ માટે આ બાબત મુશ્કેલી સર્જી શકે એવી શક્યતા છે.
કોહને ટ્રમ્પના ખૂબ જ નજીકની વ્યક્તિ રહ્યા છે અને તેમની વફાદારી પણ જગજાહેર હતી.
કોહેને એક વાર કહ્યું હતું કે તેઓ ટ્રમ્પ માટે છાતીમાં ગોળી પણ ખાઈ શકે છે.
પરંતુ હવે તેમણે વલણ બદલ્યું છે. દરમિયાન ટ્રમ્પે કહ્યું કે કોહેન તેમના અંગત વકીલ નથી રહ્યા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












