બે વર્ષ બાદ તુર્કીમાંથી ઉઠાવી લેવામાં આવી ઇમરજન્સી

રેચેપ તૈય્યપ અર્દોઆન

ઇમેજ સ્રોત, Reuters

બે વર્ષ પહેલાં તુર્કીમાં શાસન પલટાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તરત જ તુર્કીમાં કટોકટી લાગુ કરી દેવામાં આવી હતી.

આ દરમ્યાન હજારો લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને હજારો લોકોની નોકરીઓમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.

સરકારે કટોકટી ચાલુ રાખવાનો નિર્ણય લીધો અને તેની સમય મર્યાદા કેટલાક મહિના આગળ વધારી દેવામાં આવી.

દેશમાં હાલમાં જ રાષ્ટ્રપતિ માટેની ચૂંટણી સમાપ્ત થઈ છે, જેમાં ફરીથી એક વખત હાલનાં રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆન ચૂંટણી જીતી ગયા હતા.

ચૂંટણી પ્રચારમાં વિપક્ષી ઉમેદવારોએ વચન આપ્યું હતું કે જો તેઓ ચૂંટણી જીતી જશે તો તેઓ સૌથી પહેલાં કટોકટીને સમાપ્ત કરશે.

સરકારી આંકડા અને સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા એકઠા કરવામાં આવેલા આંકડા અનુસાર, કટોકટી દરમ્યાન એક લાખ સાત હજાર લોકોને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા, જ્યારે પચાસ હજાર કરતાં વધારે લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમની સુનાવણી ચાલી રહી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

line

આરોપ-પ્રત્યારોપ

તુ્કીમાં આ મહિને 15 જૂનના રોજ શહીદ દિવસ મનાવવામાં આવ્યો હતો જેમાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images

માનવામાં આવે છે કે જે લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા તેઓ નિર્વાસિત ઇસ્લામિક મૌલવી ફતેહુલ્લાહ ગુલેનનાં સમર્થક હતાં.

આ પહેલાં ફતેહુલ્લાહ ગુલેનની ગણના અર્દોઆનનાં મિત્રોમાં થતી હતી, હાલમાં તેઓ અમેરિકામાં નિર્વાસિત જીવન જીવી રહ્યા છે.

તુર્કીનો આરોપ છે કે 2016 માં થયેલા સૈન્ય શાસન પલટાનો પ્રયાસ ગુલેન અને એમના સમર્થકોએ કર્યો હતો, જો કે ગુલેને આ આરોપોને નકારી કાઢ્યા છે.

2016 માં શાસન પલટાનાં પ્રયાસ દરમ્યાન 250 કરતાં વધારે લોકોનાં મૃત્યુ થયાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.