થાઇલૅન્ડ : આખરે ચાર બાળકોને ગુફામાંથી બહાર કઈ રીતે કઢાયાં?

થાઈલૅન્ડની એક ગુફામાં ફસાયેલા બાળકોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

થાઇલૅન્ડમાં પાણીથી ભરેલી ગુફામાં ફસાયેલાં બીજા આઠ બાળકો અને ફુટબૉલ કોચને બહાર કાઢવા માટે રાહત અને બચાવદળો ભાર જહેમત ઉઠાવી રહ્યાં છે.

ગુફામાં કુલ 12 બાળકો ફસાયેલાં હતાં, જેમાંથી રવિવારે ચાર બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયાં હતાં.

બચાવ અભિયાન નિરંતર ચાલી રહ્યું હતું પણ, એર ટૅન્ક બદલાવવાં રાત પૂરતું અટકાવી દેવું પડ્યું હતું.

ગુફામાં વધી રહેલા પાણીની આશંકા જોતા એવો પ્રયાસ કરાઈ રહ્યો છે કે બાળકોને જેમ બને તેમ વહેલી તક બહાર કાઢવામાં આવે.

નોંધનીય છે કે આ બાળકો 23 જૂનથી અહીં ફસાયેલાં છે.

line

આશાનું કિરણ

ગુફાની અંદર પહોંચેલા મરજીવાની તસવીર

ઇમેજ સ્રોત, THAI NAVY SEALS

ચિયાંગ રાઈના ગવર્નર નારોંગસક ઓસોટાનકોર્ને રવિવારે જણાવ્યું કે તમામ એર ટૅન્ક અને રાહત-બચાવ સિસ્ટમ ઘટનાસ્થળે પહોંચાડાઈ રહી છે.

જેથી રાહત અને બચાવ મિશન ફરીથી શરૂ કરી શકાય.

અહીં એ વાત પણ નોંધનીય છે કે પ્રથમ તબક્કાનાં અભિયાનમાં પણ વસ્તુઓને યુદ્ધના ધોરણે ઘટનાસ્થળે પહોંચાડવામાં આવી હતી.

શું તમે આ વાંચ્યું?

વળી, હાલમાં વરસાદ અટકી ગયો છે, જે બચાવ દળ માટે આશાનું નવું કિરણ લઈને આવ્યો છે.

line

બાળકોને કઈ રીતે બચાવાયાં?

ગુફાની તસવીર

ઇમેજ સ્રોત, AFP

અત્યંત પડકારજનક આ અભિયાનને થાઇલેન્ડના 40 અને 50 વિદેશી મરજીવાઓએ પાર પાડ્યું હતું.

દોરડાંને સહારે આ મરજીવા પાણીમાં તરીને, ગુફાની અંદર ચાલીને બાળકો સુધી પહોંચ્યા હતા.

આ મરજીવા એ બાળકોને બચાવવા પહોંચ્યા હતા કે જેમને ખબર જ નહોતી કે ગુફાના પાણીમાંથી કઈ રીતે બહાર નીકળાય.

બહાર કાઢવામાં આવી રહેલાં દરેક બાળક સાથે બે મરજીવા જોડાયા હતા. તેઓ પોતાની સાથે એર સપ્લાય લઈને પહોંચ્યા હતા.

line

'બલિદાન વ્યર્થ નહીં જાય'

ગુફામાંથી બહાર કઢાઈ રહેલા બાળકોની તસવીર

ઇમેજ સ્રોત, AFP/ROYAL THAI NAVY

ફસાયેલાં બાળકોમાંથી જ્યારે ચાર બાળકોને બહાર કાઢવામાં આવી રહ્યાં હતાં ત્યારે સૌથી મોટો પડકાર તેમને ગુફાના અડધા રસ્તા સુધી પહોંચાડવાનો હતો.

કારણ કે અહીં સુધી એર ટૅન્કને લઈ જવી ભારે મુશ્કેલીનું કામ હતું.

આ માટે મરજીવાઓએ 'ચેમ્બર થ્રી' નામે એક બૅઝ બનાવ્યો હતો. બાળકોને સૌ પહેલાં અહીં જ લાવવાનાં હતાં.

સુરક્ષિત બહાર કઢાયેલાં બાળકોને ચિંગાય રાઈ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

આ બચાવ અભિયાન કેટલું મુશ્કેલ છે એ વાતનો અંદાજો એ વાત પરથી જ આવી શકે એમ છે કે શુક્રવારે થાઈ નેવીના એક ભૂતપૂર્વ મરજીવાનું કામગીરી દરમિયાન મોત નીપજ્યું હતું.

એર ટૅન્ક પહોંચાડી પરત ફરી રહેલા સમન ગુનાનને ઑક્સિજનની ઘટને કારણે જીવ ખોયો હતો.

તેમના એક સહકર્મીએ કહ્યું છે કે ગુનાનનું બલિદાન વ્યર્થ નહીં જાય.

line

હાઈ પ્રોફાઈલ બચાવ અભિયાન

ગુફામાં ફસાયેલા બાળકોના વાલીઓની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઘટનાસ્થળે હાજર બીબીસી સંવાદદાતા નિક બીકનાં આકલન અનુસાર આ એક હાઈ પ્રોફાઇલ બચાવ અભિયાન છે.

આખી દુનિયાની નજર તેના પર છે અને એ વાત થાઇલેન્ડ પણ જાણે છે. બાળકોને જીવતાં બચાવવાં બહુ મોટો પડાકર છે.

આ અભિયાનમાં વિશ્વઆખાના 'સ્પેશિયલ ડાઇવર્સ' પણ સામેલ છે.

શુક્રવારે ચાર બાળકોને જીવતાં બહાર કાઢીને તેમણે પોતાની જાતને સાબિત પણ કરી બતાવી છે.

હવે ચાર બાળકો સુરક્ષિત નીકળતાં લોકોને આશા પણ બંધાઈ છે.

સમગ્ર અભિયાનનું આકલન કરવામાં આવે તો સ્પષ્ટ છે કે મરજીવા કઈ હદે પોતાને કામ માટે પ્રતિબદ્ધ છે.

line

રાહત-બચાવ દળ ગુફા સુધી કઈ રીતે પહોંચ્યું?

આ બાળકો પ્રવેશદ્વારાથી છેક ચાર કિલોમીટર અંદર ગુફામાં ફસાયેલાં છે.

તમામની ઉંમર 11થી 17 વર્ષની છે અને તેઓ 'વાઇલ્ડ બૉર્સ ફૂટબૉલ ક્લબ' સાથે જોડાયેલાં છે.

એક ટ્રેનિંગ ટ્રિપ દરમિયાન કોચ સાથે આ બાળકો અહીં ફસાઈ ગયાં હતાં. બાળકો ક્યાં ફસાયાં હતાં એની તપાસ કરવામાં જ નવ દિવસ લાગી ગયા હતા.

થાઇલેન્ડના અધિકારીઓનું માનવું હતું કે આ બાળકોને ચોમાસા સુધી ગુફામાં જ રોકાવું પડી શકે.

એટલે કે બહાર નીકળતા તેમને મહિનાઓ લાગી શકે.

હાલમાં રાહત-બચાવ દળ ગુફામાં ડ્રિલ કરવાનું પણ વિચારી રહ્યાં છે. આ ઉપરાંત ગુફા સુધી પહોંચવાના અન્ય રસ્તાઓ પણ શોધાઈ રહ્યા છે.

ગુફામાંથી પાણીને બહાર કાઢવા પમ્પનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે.

પણ, અહીંના વરસાદી માહોલને જોતા એ સ્પષ્ટ થઈ ગયું છે કે આવનારા દિવસો પડકારજનક રહેવાના.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો